(અનુ.શ્રીસુરમ્ય યશસ્વી મહેતા)

પોષ મહિનાની વદ સાતમના દિવસે શ્રીમા શારદાદેવીનો જન્મદિવસ આવી રહ્યો છે. અરે, જગજ્જનની માનો જન્મદિવસ! કેટલો પવિત્ર દિવસ છે!

વર્ષ 1930માં શ્રીમાની જન્મતિથિ 22 ડિસેમ્બરના રોજ હતી. બેલુર મઠમાં વહેલી સવારથી જ સ્વામી શિવાનંદજી ભક્તિ અને આતુરતા સાથે શ્રીમાને પોકારી રહ્યા હતા. તે દિવસની વાત છે જ્યારે મહારાજે કહ્યું હતું, ‘આપણામાં ભક્તિનો અભાવ છે અને એટલે જ આપણે આ દિવસની મહત્તાને પૂર્ણપણે સમજી શકતા નથી. શું આ કોઈ સામાન્ય દિવસ છે? આ તો જગજ્જનનીનો જન્મદિવસ છે!’

શ્રીમાની જન્મતિથિ

તેમની પૂજા માટે મંગળમય કાળ

આપણે એ જાણતા નથી કે ભક્તો દ્વારા શ્રીમાના જન્મદિવસની ઉજવણી પૂર્વે ક્યારથી શરૂ થઈ. સરળ અને સાદગીપૂર્ણ એક બ્રાહ્મણ પરિવારમાં શ્રીમાનો જન્મ જયરામવાટીમાં થયો હતો.

એ દિવસોમાં બંગાળનાં ગામડાંમાં લોકો ભાગ્યે જ જન્મદિવસ મનાવતા હતા.  શ્રીમાના ભક્તો, જેઓ તેમને જગજ્જનની તરીકે માનતા હતા, તેઓએ શ્રીમાના જન્મદિવસને ઊજવવાનું શરૂ કર્યું હતું.

ઈ.સ. 1918માં શ્રીમાનો જન્મદિવસ ભક્ત-જનોએ તેમના નિવાસસ્થાન-ઉદ્‌બોધનમાં ઉજવ્યો હતો. તે દિવસનો પ્રસંગ યાદ કરતાં સ્વામી ઈશાનાનંદજી કહે છે, ‘તેમનાં ચરણે મેં ફૂલો અર્પણ કર્યાં. શ્રીમા મારા માથાને સ્પર્શ કરીને આશીર્વાદ આપતાં બોલ્યાં – ‘હવે મારાં બધાં જાણીતાં કે ન જાણીતાં સંતાનો વતી ફૂલો અર્પણ કર.’ પછી તેમણે આતુરતાપૂર્વક પ્રાર્થના કરી- ‘હે ઠાકુર, આ જન્મમાં અને પછીના જન્મોમાં તેમના કલ્યાણ માટે હું હૃદયપૂર્વક તમને પ્રાર્થના કરું છું.’

શ્રીમાની પૂજા-શા માટે?

શ્રીમા જગજ્જનની છે. શ્રીઠાકુર સ્વયં કહે છે, ‘ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવી હોય તો એ આદ્યશક્તિને પ્રસન્ન કરવી જોઈએ, એ જ મહામાયા. જગતને મોહિત કરીને સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય કરે છે. તેણે જ બધાને અજ્ઞાન કરી રાખેલ છે. એ મહામાયા જો બારણું છોડી દે, તો અંદર જઈ શકાય.’ (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ તા.24 ઓગસ્ટ, 1882) એટલે જ આપણે શ્રીમાની પૂજા-અર્ચના કરીને તેમને પ્રસન્ન રાખવાં જોઈએ.

શાસ્ત્રોમાં પૂજા-ઉલ્લેખ

દેવી માહાત્મ્યમાં કહેવાયું છે કે, ‘તે દેવી મહામાયા જ જ્ઞાનીઓનાં ચિત્તને પણ બળપૂર્વક ખેંચીને મોહમાં નાખે છે. તે જ આ ચરાચર જગતને સર્જે છે. તે જ પ્રસન્ન થઈને મનુષ્યોને મુક્તિનું વરદાન આપે છે, તે જ પરમવિદ્યા છે, તે જ સંસારબંધન અને મોક્ષની હેતુરૂપ સનાતની દેવી છે અને તે જ સર્વ ઈશ્વરોનીય ઈશ્વરી છે.’ (1.55-58)

જ્યારે પ્રશ્ન કરાયો કે આ કોણ છે દેવી જેને મહામાયા કહે છે (1.60), ત્યારે તેનો પ્રત્યુત્તર મળ્યો, ‘આમ તો તે નિત્યસ્વરૂપા છે, સંપૂર્ણ જગત તેની મૂર્તિ છે. સકળ વિશ્વમાં એ વ્યાપી રહી છે, છતાં તેનું પ્રાકટ્ય વિવિધ પ્રકારે થાય છે. તે નિત્ય છે, અજન્મા છે; તો પણ દેવોનાં કાર્ય સિદ્ધ કરવા માટે તે પ્રકટ થાય છે, તેવે વખતે લોકમાં તે ‘ઉત્પન્ન થયેલી’ કહેવાય છે. (1.64-66)

અત:એવ દેવો જગજ્જનનીને પ્રાર્થે છે, ‘આત્મશક્તિથી જે દેવીએ આ સમસ્ત જગતને વ્યાપ્ત કર્યું છે, જે સમસ્ત દેવગણોના શક્તિસમૂહની મૂર્તિ છે અને જે સર્વ દેવો તથા મહર્ષિઓની પૂજ્ય છે, તે દેવીને અમે ભક્તિપૂર્વક નમન કરીએ છીએ, તે અમારું કલ્યાણ કરો.’ (4.3)

શ્રીરામકૃષ્ણદેવ દ્વારા પૂજા

યુગાવતાર શ્રીરામકૃષ્ણદેવે પોતે જ શ્રીમાની વિધિવત્ પૂજા કરી હતી. માનવ સભ્યતાના આધ્યાત્મિક ઇતિહાસમાં આ એક વિશિષ્ટ ઘટના છે. દક્ષિણેશ્ર્વર ખાતે તે પાંચમી જૂન, 1872ની રાત્રે ફલહારિણી કાળીપૂજાનો દિવસ હતો. શ્રીરામકૃષ્ણદેવ જુદા જુદા ધર્મો અને સંપ્રદાયોની સાધનાઓ કરીને બધા માર્ગોથી સર્વોચ્ચ લક્ષ અર્થાત્ ઈશ્વરદર્શનને પામ્યા હતા. હવે, યુગાવતાર માટે સમય હતો આ યુગનું ધર્મસ્થાપન કરવાનો અને તેમ કરવા માટે (યુગધર્મપાત્રિમ્) યુગધર્મના મૂર્તિમંતનું આવાહન કરવાનું હતું. એટલે, શ્રીરામકૃષ્ણદેવે શ્રીમા શારદાદેવીમાં જગજ્જનનીનું પૂજન કર્યું. સ્વામી ગંભીરાનંદજીના મતે, ‘શ્રીઠાકુરના પક્ષે તેમની ઉચ્ચતમ સાધનાને શ્રીમાને ચરણે ધરીને વિશ્વની માન્યતાને ઊંચે લઈ જવાની જરૂર હતી, જેથી કરીને તેમના ગયા પછી તેમનાં અધૂરાં રહેલાં કાર્યોને પૂર્ણ કરવાનું કામ શ્રીમા સ્વાભાવિકપણે જ હાથ ધરી શકે અને શ્રીમા પોતાના યથાર્થ દૈવી-સ્વરૂપને જાણી શકે તે માટે તેમ કરવું આવશ્યક પણ હતું. તે હતો પૂજાનો મર્મ.’

સ્વામી વિવેકાનંદ દ્વારા પૂજા

સ્વામી વિવેકાનંદે શ્રીમાની દિવ્યતાને ઓળખી હતી. તેઓ અમેરિકાથી પોતાના ગુરુભાઈઓને શ્રીમા વિશે લખે છે, ‘તમને હજુ સુધી શ્રીમાનો મહિમા સમજાયો નથી કે તેઓ કેટલાં મહાન છે. લોકો અત્યારે  તેમને સમજી શકશે નહિ, પણ ક્રમશ: સમજશે. ભાઈ, તેમની દિવ્ય શક્તિની સહાય વિના વિશ્વને મુક્તિની કોઈ આશા નથી.’ સ્વામીજીએ રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી અને તેમણે શ્રીમાનું સંઘજનની – સહુની મા – તરીકે આવાહન કરીને શ્રીમાના આશીર્વાદ મેળવ્યા હતા. તેઓ જાણતા હતા કે પોતે જગજ્જનનીના હાથનું એક નિમિત્ત છે. પશ્ચિમમાંથી પાછા ફર્યા બાદ, સ્વામીજી 28 એપ્રિલ, 1897ના રોજ શ્રીમાના અસ્થાયી નિવાસ સ્થાને 10/2 બોઝપાડા ગલી, બાગબઝારમાં તેમના આશીર્વાદ મેળવવા ગયા હતા. તેમણે શ્રીમાને કહ્યું, ‘હું સ્પષ્ટ જોઉં છું, હું અનુભવું છું અને હું સ્વીકારું છું કે હું તો નિમિત્તમાત્ર છું. શ્રીઠાકુર જેમને ‘જગજ્જનની મા’ કહેતા હતા તે જ દિવ્યશક્તિ ત્યાં મને માર્ગદર્શન આપતી તેવું હું સ્પષ્ટ અનુભવતો.’ એક દિવસ તેમના જીવનના અંતિમ દિવસોમાં સ્વામીજીએ શ્રીમાને પ્રણામ કરીને કહ્યું, ‘મા, હું ચોક્કસપણે જાણું છું કે આપના આશીર્વાદથી ભવિષ્યમાં અનેક નરેનો જન્મ લેશે અને હજારો વિવેકાનંદમાં પરિવર્તિત થશે અને હું એ પણ ચોક્કસપણે જાણું છું કે આ દુનિયામાં આપ સમાન મા ફક્ત એક જ છે, બીજું કોઈ નથી.’

શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદો દ્વારા પૂજા

શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદો જાણતા હતા કે શ્રીમા કોણ છે. દિવ્ય સામ્રાજ્યના અધિકારી અને તેમની પોતાની ક્ષમતામાં ઈશ્વરનું દર્શન પામેલા આત્માઓ, તેમની સાદગીના પડદા પાછળ છુપાયેલાં શ્રીમાને જગજ્જનની તરીકે સમજી શકતા હતા. તેથી મહાન સંન્યાસીઓ જેમ કે સ્વામી બ્રહ્માનંદ, શિવાનંદ, સારદાનંદ ઇત્યાદિ જ્યારે શ્રીમાને નમ્ર પ્રણામ કરવા જતા ત્યારે બાળક સહજ વર્તતા. નવેમ્બર, 1912 દરમિયાન શ્રીમા અને સ્વામી બ્રહ્માનંદ (રામકૃષ્ણ સંઘમાં મહારાજ તરીકે વિશેષ જાણીતા હતા) બન્ને તીર્થયાત્રાએ વારાણસીમાં હતાં. તેઓ અલગ જગ્યાએ રહેતાં હતાં અને મહારાજ રોજ સવારે શ્રીમાનાં દર્શને જતા. એક દિવસ, તેઓ જેવા આવ્યા કે શ્રીમાનાં મહિલા સેવક ગોલાપ માએ પૂછ્યું, ‘શ્રીમા પૂછે કે ભક્ત શા માટે પૂજાના પ્રારંભમાં  જગજ્જનનીનું આવાહન કરે છે?’ મહારાજે પ્રત્યુત્તર આપ્યો, ‘એ એટલા માટે કે જગજ્જનનીના હાથમાં બ્રહ્મજ્ઞાન રહેલું છે. જ્યાં સુધી જગજ્જનની મા કૃપા કરીને બ્રહ્મજ્ઞાનનો દરવાજો ખોલે નહીં ત્યાં સુધી બ્રહ્મ સાથે સંપર્ક થઈ શકતો નથી.’ 21 જુલાઈ, 1920ના રોજ શ્રીમાની મહાસમાધિ પછી તેમના પાર્થિવ દેહને ગંગા કિનારે બેલુર મઠ ખાતે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અગ્નિદાહ પછી સ્વામી શિવાનંદજીએ શ્રીમાની એક છબિ લઈને તેને મંદિરમાં પ્રતિષ્ઠિત કરી. પછીથી, જે પવિત્ર ભૂમિ પર તેમનો અગ્નિસંસ્કાર કરવામાં આવેલો તે જગ્યાએ એક મંદિરનિર્માણ થયું અને ત્યાં શ્રીમાની નિયમિતરૂપે પૂજા શરૂ થઈ.

રામકૃષ્ણસંઘના સંન્યાસીઓ દ્વારા પૂજા

શ્રીમા સંઘજનની છે – રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનાં મા. એક વખત શ્રીમાનાં એક સેવિકા યોગિન માએ શ્રીમાના એક સંન્યાસી શિષ્ય સ્વામી સારદેશાનંદજીને કહ્યું હતું, ‘તમે આ મઠ અને આશ્રમનાં જે કેન્દ્રો જુઓ છો તે શ્રીમાની કૃપાને લઈને છે. જ્યાં ક્યાંય પણ તેઓ કોઈ પણ મંદિરે દર્શન કરવા જતાં, ત્યાં તેઓ આંસુભરી આંખે પ્રાર્થના કરતાં. શ્રીમાની પ્રાર્થના ફળીભૂત થઈ છે.’ રામકૃષ્ણ મઠ અને મિશનની બધી જ પ્રવૃત્તિઓ અને પૂજાના ‘સંકલ્પો’ શ્રીમાના નામે કરવામાં આવે છે. તેઓ બધા ત્યાગી સંન્યાસીઓ દ્વારા મા, ગુરુ અને દેવી તરીકે આરાધ્યા છે. તે એક ઉદાત્ત આધ્યાત્મિક સંબંધ છે. શ્રીરામકૃષ્ણદેવે નાના બાળકના સ્વભાવને સ્વીકારીને દિવ્યતાને એક મા તરીકે ભજવા-પૂજવાનું દુનિયાને શીખવ્યું છે. રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ વિશુદ્ધ ‘સંતાનભાવ’ સાથે શ્રીમાની પૂજા કરે છે.

રામકૃષ્ણ સંઘના ભક્તો દ્વારા પૂજા

રામકૃષ્ણ સંઘના બધા જ ભક્તો શ્રીમાને જગજ્જનની તરીકે માને છે. કેટલીક વાર સરળસહજ ગૃહસ્થ ભકતોને સ્વામીજીના વેદાંતિક વિચારોને તેમના જીવનમાં આત્મસાત્ કરવા અને સમજવા જરા કઠિન થઈ પડે છે. ભક્તોને શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય સમાધિભાવને પણ સમજવો કઠિન જણાય છે. પણ શ્રીમા તો તેમને પોતાનાં લાગે છે. એક વાર એક ભક્તે શ્રીમાને પૂછેલું, ‘મા, હું આપને શી રીતે બોલાવું?’ શ્રીમાએ જવાબ આપ્યો, ‘ફક્ત ‘મા’ કહીને જ બોલાવો, બીજું શું!’

શ્રીમાની સ્વયં પૂજા

કોઆલપાડા આશ્રમ અને વારાણસીના અદ્વૈત આશ્રમના મંદિરમાં શ્રીમાએ પોતાની છબિની જાતે જ પૂજા કરીને પ્રતિષ્ઠિત કરી હતી. પોતાના એક તૈલચિત્રની શ્રીમાએ જાતે જ પૂજા કરી હતી, જે આજે તેમના જન્મસ્થળ જયરામવાટીમાં પ્રતિષ્ઠિત છે.

શ્રીમાની પૂજા કેવી રીતે કરવી?

શ્રીમા સ્વયં જગજ્જનની છે. એમ કહેવાયું છે, ‘દેવો ભૂત્વા દેવં યજેત્’ – પોતે ભગવાન બનીને ભગવાનની જ પૂજા. શ્રીમાને હૃદયથી ભજવા માટે ફક્ત ફૂલો અર્પણ કરવાં અને બીજી વસ્તુઓ આપવી એટલું જ પૂરતું નથી. શ્રીમાની પૂજા કરવા માટે આપણે તેમને ઓળખવાં રહે, તેમના વિશે વાંચવું પડે, વિચારવું પડે, વાતો કરવી પડે અને આ બધા ઉપરાંત તેમના જેવા બનવું પડે.

એ જ શ્રીમાની સાચી પૂજા બની રહેશે.

Total Views: 428

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.