ગયા અંકમાં કાકા નીલમાધવના મૃત્યુ સમયે શ્રીશ્રીમાની વ્યગ્રતા વિશે અને જમાઈ પ્રમથની બિમારીના પ્રસંગ વિશે વાંચ્યું, હવે આગળ…

ચા લઈને મિત્રે દરવાજો બંધ કર્યો. બન્ને ચા-પાણી લેતાં લેતાં વાતો કરવા લાગ્યા. એમણે ભૂમિકા બાંધીને કહ્યું, ‘તમને આ બધી વાતો શા માટે કહું છું, એ વિશે હું પોતે જાણતો નથી, પણ બતાવીશ તો ખરો. આ જ સુધી મેં કોઈને કહ્યું નથી. પરંતુ મેં નિર્ણય કરી લીધો છે કે તમને જ બતાવીશ અને તમારે જ સાંભળવું પડશે.’ ત્યાર પછી તેઓ કહેવા લાગ્યા, ‘તમે મને ઈન્જેક્શન લેતા જોયો છે. એ શું હતું એ તમે જાણો છો? એ મોર્ફીન હતું. મેં દારૂ પીવાનું અને અફીણ ખાવાનું શરૂ કર્યું છે અને હવે આ મોર્ફીન. હું એક મિનિટ પણ નશા વિના રહેવા ઇચ્છતો નથી. હંમેશાં નશામાં જ ડૂબ્યો રહેવા માગું છું.’ મિત્ર ઊઠ્યા અને કબાટ ખોલીને મને દારૂની બોટલ અને અફીણની ગોળીઓ બતાવી.

મારાથી રહેવાયું નહીં એટલે મેં પૂછ્યું, ‘કેમ ભાઈ, આવું કેમ કરો છો?’

જવાબ મળ્યો, ‘શા માટે કરું છું, એટલું જ જાણવાથી જ થઈ ગયું.’

મેં કહ્યું, ‘આ તો આત્મઘાતી છે. ભાઈ, આ તો તમે પોતે જ સમજો છો.’

ડાયક્ટરે કહ્યું, ‘હું જાણું છું અને સમજી વિચારીને કરું છું. મારે જીવતા રહેવાની કોઈ આવશ્યકતા નથી, જીવવાની ઇચ્છા ય નથી. એટલે એને સમાપ્ત કરી રહ્યો છું.’

એમની મર્મસ્પર્શી વાતોથી હું એટલો અભિભૂત થયો કે હું પોતાની જાતને રોકી ન શક્યો અને ઊઠીને એમને ભેટીને વિનયપૂર્વક કહ્યું, ‘બોલો ભાઈ, મને તમારો પોતાનો સમજીને વાત કરો, તમને શું દુ :ખ છે, જેને લીધે આ હદ સુધી પહોંચી ગયા છો? મારું પોતાનું કંઈ નથી, તો પણ એક વસ્તુ જ્ઞાત છે એનું શરણ લેવાથી બધાં દુ :ખોમાંથી મુક્તિ મળી જાય છે અને બધી જ્વાલા શાંત થઈ જાય છે. સાથે ને સાથે હૃદય આનંદથી પરિપૂર્ણ થઈ જાય છે.’ મને બેસાડીને એમણે હૃદયનાં દ્વાર ખોલ્યાં, પછી મને ખ્યાલ આવ્યો કે એમની પત્નીની અકૃતજ્ઞતા જ આ સર્વનાશનું મૂળ છે.

મિત્ર પાસેથી હું મેડિકલ કોલેજ ગયો અને ત્યાંથી લોહી અને થૂકનો રિપોર્ટ લઈને આવ્યો. એ જોઈને એમણે કહ્યું, ‘મારું અનુમાન બરાબર સાચું નીકળ્યું, હવે જેવી આપની ઇચ્છા.’ હું એમની વિદાય લઈને ચાલી નીકળ્યો.

પાછા ફરીને માને રોગી તથા મિત્ર વિશે બધું માંડીને વર્ણન કર્યું. એમણે મિત્રને જ પ્રમથની ચિકિત્સાનો ભાર સોંપવાનું કહ્યું અને પછીના દિવસથી જ એમની ચિકિત્સા શરૂ થઈ. તેઓને કેવળ ચિકિત્સા કરીને જ સંતોષ ન થતો પરંતુ જ્યાં સુધી રોગી પૂર્ણ રીતે સાજા ન થઈ ગયા ત્યાં સુધી તેમને પોતાના દવાખાનામાંથી દવાઓ દેતા રહ્યા.

લગભગ આખો દિવસ મારે રોગીની સેવામાં રહેવું પડતું. કેવળ બપોરના બે કલાક માટે મિત્ર મને પોતાના બેઠકખાનામાં લઈ જતો. આ પ્રમાણે હળવા-મળવાથી અમારી વચ્ચે ગાઢ મિત્રતા સ્થપાઈ અને એને પરિણામે તેઓ જે ઘાતક નશીલા પદાર્થાેનું સેવન કરતા હતા, તેમનો તેમણે એક એક કરીને ત્યાગ કરી દીધો. સાથે ને સાથે પોતાના હૃદયને સ્વચ્છ કાચ જેવું નિર્મળ બનાવી દીધું. શ્રીશ્રીમા દરરોજ એમને વિશે પૂછપરછ કરીને ખબર લેતાં રહેતાં. પરંતુ મિત્ર હજુ સુધી શ્રીશ્રીમા વિશે કંઈ વિશેષ જાણી શક્યા ન હતા અને એમને કહ્યું પણ ન હતું. શ્રીશ્રીમા વચ્ચે વચ્ચે પ્રમથને જોવા આવતાં. પ્રમથ ધીમે ધીમે સ્વસ્થ થઈ ગયા. એમણે છાણાંથી રાંધેલા ભાત ખાવાનું શરૂ કરી દીધું. ત્યારે એક દિવસ માસ્ટર મહાશય શ્રીશ્રીમાને પોતાના ઝામાપુકુરના મકાનમાં લઈ ગયા. એ દિવસે માસ્ટર મહાશયના ઘરે તેના ઉપલક્ષ્યમાં એક સામાન્ય ઉત્સવ રાખ્યો હતો. શ્રીશ્રીમાની સાથે તેમનાં સ્ત્રીભક્તો અને અમે બધા લોકો આવ્યાં હતાં.

શ્રીશ્રીમા ત્યાં પૂજામાં બેઠાં. ભોગનિવેદનને હજી વાર હતી એ જોઈને હું મિત્રના ઘરે ગયો. તેમને તત્કાલ સાથે આવવા કહ્યું. તેઓ એ સમયે પહેરેલ વસ્ત્રોમાં જ ઘરમાંથી ચાલી નીકળ્યા. એમણે વિચાર્યું હતું કે કદાચ પ્રમથને કંઈ થઈ ગયું હશે, એટલે ઝભ્ભો પહેર્યા વિના જ ધોતિયાના એક છેડાથી શરીરને ઢાંકીને નીકળી પડ્યા. પરંતુ બીજે રસ્તે ચાલતાં જોઈને તેમણે કહ્યું, ‘ક્યાં જવાનું છે, ભાઈ?’ મેં કહ્યું, ‘દીક્ષા લેવાની છે, એટલે ચાલો. એનાથી દરેક પ્રકારે કલ્યાણ થશે.’ તેમણે કહ્યું, ‘ભાઈ, મેં તો ખાઈ લીધું છે.’

મેં કહ્યું, ‘શ્રીશ્રીમા જે કહેશે તે જ થશે.’

ડાયક્ટરે કહ્યું, ‘તો તમે મને શ્રીશ્રીમા પાસે લઈ જાઓ છો?’

મેં કહ્યું, ‘હા, એમનાં શ્રીચરણ જ દુર્લભ વસ્તુ છે. એનો મેં પહેલે દિવસે જ તમારી સમક્ષ ઉલ્લેખ કર્યો હતો.’ મિત્ર કંઈ બોલ્યા વિના ચાલ્યા. માસ્ટર મહાશયના ઘરે પહોંચીને તેમને નીચે બેસાડીને ઉપર જઈને જોયું. શ્રીશ્રીમાની પૂજા પૂર્ણ થઈ ગઈ હતી. આમ છતાં પણ તેઓ પૂજાના આસન પર બેઠાં હતાં. મિત્રના આવવાની વાત કહ્યા પછી એમણે મિત્રને ઉપર લાવવા કહ્યું. તત્કાલ શ્રીશ્રીમાની શિષ્ય મંડળીમાં સામેલ થઈ જવાથી મિત્રના મુખમંડળ પર એક સ્વર્ગીય સૌંદર્ય ખીલી ઊઠ્યું. સ્પષ્ટરૂપે જોવા મળ્યું કે એમની આંખોની વચ્ચે હવે પહેલાંના જેવી કાળાશ ન હતી. એને બદલે હવે એમનાં બન્ને નેત્રો એક અલૌકિક જ્યોતિથી પ્રકાશી ઊઠ્યાં. એ સમયે એમને જોઈને દર્શકના મનમાં આ શ્રુતિવાણી ગૂંજી ઊઠી.

ભિદ્યન્તે હૃદય ગ્રન્થિ : છિદ્યન્તે સર્વસંશયા :—।

ક્ષિયન્તે ચાસ્ય કર્માણિ તસ્મિન્ દૃષ્ટે પરાવરે—।।( મુણ્ડકોપનિષદ્ ૨.૨.૮ )

– ‘જો કોઈ મનુષ્ય બ્રહ્મ જ કારણ અને બ્રહ્મ જ કાર્ય છે અને એ જ બ્રહ્મ પોતાનો આત્મા છે, એ રીતે બ્રહ્મને અનુભવી જાણે, તો તેના ચારિત્ર્યની બધી ખાસિયતો અને તેની બધી શંકાઓ દૂર થઈ જાય છે – કપાઈ જાય છે. અને તેનાં કર્મોનાં બધાં ફળોનો પણ નાશ થઈ જાય છે.’

માસ્ટર મહાશયના અત્યંત આગ્રહને લીધે મિત્ર હવે અમારી સાથે ભોજન કરવા બેઠા. સર્વપ્રથમ ગોલાપમા એમને શ્રીશ્રીમાનો પ્રસાદ દઈ ગયાં. મેં જોયું- મિત્રે તેને ભક્તિભાવપૂર્વક ગ્રહણ કર્યો. ભોજન પછી તેઓ પોતાનાં અતિ આવશ્યક કાર્યોને છોડીને શ્રીશ્રીમાના બાગબાજાર પાછાં ફરવાની રાહ જોતા બેઠા રહ્યા. શ્રીશ્રીમા ગાડીમાં બેસતાં હતાં ત્યારે મિત્રે એમની ચરણરજ લીધી. શ્રીશ્રીમા એમને બાગબાજાર આવવાનું કહી ગયાં. (ક્રમશ 🙂

Total Views: 331

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.