ગુજરાતનું ગૌરવ: પ્રશિષ્ટ મહાકવિ માઘ

રામાયણ-મહાભારત જેવાં બૃહદ્ મહાકાવ્યોના નિર્માણ પછી સંસ્કૃત સાહિત્યમાં જે રઘુવંશ આદિ પાંચ મહાકાવ્યો લખાયાં, તેમાંના એક મહાકાવ્ય, ‘શિશુપાલવધ’ના નિર્માતા મહાકવિ માઘ ગુજરાતનું સંતાન હતા. એ ઘટના ગુજરાતની અસ્મિતામાં એક વધુ છોગું ઉમેરે છે.

આ મહાકવિ ક્યારે થઈ ગયા, એ વિશે મતમતાંતરો છે. એનો સંબંધ રાજા ભોજ સાથે હતો, એ હકીકતના આધારે કેટલાક વિદ્વાનો એને ઈસવી સનની સાતમી સદીના ઉત્તરાર્ધમાં થયેલો માને છે, તો કોઈ વળી એને ઈસવી સનની અગિયારમી સદીની પહેલી પચીસીમાં થયેલો માને છે. આમ એ બે અભિપ્રાયો વચ્ચે આશરે ચારસો વરસનો ગાળો છે. એનું કારણ એ છે કે રાજા ભોજ બે થઈ ગયા છે. એક ભોજ સાતમી સદીમાં થઈ ગયો છે અને બીજો ભોજ અગિયારમી સદીમાં થઈ ગયો છે. આ બીજો ભોજ ધારાનગરીનો રાજા હતો. ગમે તેમ પણ આ મહાકવિ ભોજ રાજા સાથે ગાઢ સમ્બન્ધે જોડાયેલા હતા, એટલું ચોક્કસ છે.

આ મહાકવિના જીવનનો પરિચય આપણને બલ્લાલકૃત ‘ભોજપ્રબંધ’માંથી મળે છે.

આ મહાકવિના મોટાભાઈ ગુજરાતના એક જમીનદાર ધર્મલાભના દીવાન હતા. આ ધર્મલાભ આમ તો જમીનદાર જ હતા, પણ એમના ઉદારતા વગેરે ગુણોથી એ ‘રાજા’ કહેવાતા. મહાકવિનું કુળ ગુજરાતી શ્રીમાળી બ્રાહ્મણનું હતું. મહાકવિના પિતાનું નામ દત્તક હતું. તેઓ સંસ્કૃતના સુપ્રસિદ્ધ વિદ્વાન હતા, એટલું જ નહિ પણ પરમ દયાળુ હતા. ગરીબોને જોઈ એમનું હૃદય દ્રવી ઊઠતું. પોતાની લગભગ બધી સંપત્તિ એમણે દાન કરી લુંટાવી દીધી હતી.

મહાકવિનો ઉછેર આવા વાતાવરણમાં થયો હતો. એમનું જન્મસ્થાન ગુજરાતનું ભિન્નમાલ નગર હતું. આ નગર એ વખતે તે પ્રદેશની રાજધાની અને વિદ્યાનું મોટું કેન્દ્ર હતું. ઘણા વખત સુધી એ ગુજરાતનું પાટનગર રહ્યું છે. પ્રસિદ્ધ જ્યોતિષી બ્રહ્મગુપ્તે ઈ.સ. 625ની આસપાસ પોતાના ‘બ્રહ્મગુપ્ત સિદ્ધાન્ત’ની રચના અહીં જ કરી હતી. એમણે પોતાને ‘ભિન્નમાલાચાર્ય’ કહ્યા છે. હ્યુ-એન-

સંગે પણ આ શહેરની સમૃદ્ધિનું વર્ણન કર્યું છે.

મહાકવિનો ઉછેર આવા સંસ્કારી વિદ્યાકેન્દ્રમાં અને દાનશીલ તેમજ વિદ્વાન પિતાના સાન્નિધ્યમાં થયો હતો. એટલે સહજ જ એ બધા ગુણો મહાકવિને ગળથૂંથીમાંથી જ સાંપડ્યા હતા. આ રીતે કવિનું જીવનઘડતર થયું હતું. તેઓ પણ એવા જ દાની થયા.

બધું જ લુંટાવી દીધા પછી ખાવાનાય સાંસા પડવા લાગ્યા! હવે શું કરવું? માઘના મિત્ર ભોજરાજ  હતા. માઘે તેમની પાસે જઈને મદદ માટે વિનંતી કરવાનો વિચાર કર્યો, પણ ખાલી હાથે જઈને વિનંતી કરવા મન ન માન્યું, એટલે એક શ્ર્લોકની ભેટ આપીને વળતરરૂપે મદદ માગવાનું ઠરાવ્યું.

કવિ શ્ર્લોક લઈને રાજા ભોજ પાસે ગયા. એ શ્ર્લોકમાં ઊગતા સૂર્યનું વર્ણન હતું. સૂર્યનાં કિરણો કમળ પર પડતાં હતાં, એની વાત હતી. પણ શ્ર્લોક શ્ર્લેષ અલંકારવાળો હતો, એટલે એના બે અર્થો થતા હતા. એક વાચ્યાર્થ અને બીજો લક્ષ્યાર્થ હતો. ‘પ્રભાતમાં સૂર્યનાં કિરણો પડતાં કમળવન ખીલ્યું અને કુમુદવન કરમાયું,’ એ તો શ્ર્લોકનો સીધો અર્થ થતો હતો, પણ એમાં રહેલ ‘અમ્ભોજખંડમ્’માં શ્ર્લેષ છે. એક તો ‘અમ્ભોજ’નો અર્થ કમળ થાય છે અને બીજો સૂચિત અર્થ,  ‘હે, ભોજ!’ એવો થાય છે. આખો શ્ર્લોક દ્વિઅર્થી છે.

આ શ્ર્લોક લઈને કવિ ભોજરાજાના દરબારમાં ગયા. પોતાના પુરાણા મિત્રને દરબારમાં આવેલા જોઈ રાજાએ કવિનો ઉમળકાભેર સત્કાર કર્યો. દરબારમાં ઘણા કવિઓ ઉપસ્થિત હતા. સાહિત્યિક વાતાવરણથી આખી સભા સુરભિત થઈ હતી કારણ કે બધા કવિઓ પોતપોતાની રચનાઓ સંભળાવી રહ્યા હતા.

‘ભોજપ્રબંધ’માં આપેલી આ કથા એવું કહી જાય છે કે રાજા ભોજ જ્યારે પણ કોઈ કવિની રચના પર ખુશ થઈ જતો ત્યારે છૂટે હાથે કેટલુંય ધન તે કવિને આપી દેતો. માઘે હજુ તો કવિતાની પ્રથમ પંક્તિ ગાઈ ન ગાઈ ત્યાં તો રાજાએ પ્રસન્ન થઈ મહાકવિને અઢળક ધન આપી દીધું!

પણ વિધિને માઘકવિને સમૃદ્ધ બનાવવા ન હતા. માઘકવિની દાનશીલતા એ સમગ્ર પ્રદેશમાં મશહૂર હતી. જ્યારે ભિખારીઓને ખબર પડી કે મહાકવિ માઘ ભોજરાજ પાસે મદદ માગવા ગયા છે, ત્યારે એમને ખાતરી હતી કે ભોજરાજ કવિને પુષ્કળ ધન આપશે. એટલે આપણે કવિની પાસે ભિક્ષા માગી ઠીક ઠીક ધન મેળવી લઈશું. કવિ તો અવશ્ય આપશે જ.

આમ વિચારી બધા ભિખારીઓ રાજદરબારની બહાર લાઈન લગાવીને ઊભા હતા. માઘકવિ રાજાએ આપેલું ધન લઈને જેવા દરબારની બહાર નીકળ્યા કે ભિખારીઓ હાથ લંબાવીને યાચવા લાગ્યા. કવિના સ્વભાવમાં ‘ના’ પાડવાનું તો હતું જ નહિ. દાદાનું દાનીપણું મહાકવિની રગેરગમાં ઊતરી ચૂક્યું હતું. રાજા પાસેથી જે ધન મળ્યું હતું તે બધું જ ધન ભિખારોઓને આપી દીધું.

મહાકવિ ખાલી હાથે ઘેર પાછા ફર્યા. ઘરે પહોંચ્યા તો પણ પાછળ હજુ કેટલાક માગણો હાથ લંબાવી ઊભા હતા. કવિ પાસે તો હવે ફૂટી કોડી પણ ન હતી! હવે શું? કવિને થયું, ‘અરે મારી પાસે દેવા જેવું કશું રહ્યું નથી?’ કવિ તો વિહ્વળ થઈ ગયા! સ્તબ્ધ થઈ ગયા! વિહ્વળતા તીવ્ર બની ગઈ અને શોકથી કવિનું હૃદય ફાટી ગયું. કવિ શોકમાં જ સ્વર્ગે સીધાવી ગયા.

ભોજરાજને આ વાતની ખબર પડી. એને જબરો આઘાત લાગ્યો. પણ હવે કશો ઉપાય ન હતો. રાજાએ વિચાર્યું, ‘હું તો મારી માલિકીની સંપત્તિ લુંટાવતો હતો, પણ આ મહાત્મા તો માગેલી સંપત્તિ લુંટાવી ગયા!’

મહાકવિ માઘની કવિતામાં તીક્ષ્ણ બૌદ્ધિક ક્ષમતા તો હતી જ, પણ હૃદયની આટલી કોમળતા અને વિશાળ ઉદારતા એનાથીયે અદકી હતી. અને એટલે જ તેઓ મહાકવિ કરતાં મહામાનવ તરીકે વધારે આદરણીય છે અને રહેશે. એમણે પોતાના જન્મથી ગુર્જર દેશને ઊજળો કર્યો છે, ભારતવર્ષને ઊજળું કર્યું છે.

કેવું જીવનમૂલ્ય? કેવી ખુશીખુશીથી ખપી જવાની ભાવના? મહાકવિએ જીવનનાં જમા-ઉધારનાં પાસાં તો બાળપણથી જ જાણે જલાવી દીધાં હતાં! ધન્ય છે આ મહાકવિ અને મહામાનવને!

આ વખતે સ્વામી વિવેકાનંદના આ શબ્દો યાદ આવે છે : ‘જે બીજાને માટે જીવે છે, તે જ ખરેખર જીવે છે. બાકીના બીજા બધા તો જીવતા કરતાં મરેલા વધારે છે.’

વળી ભર્તૃહરિ પણ યાદ આવે છે : ‘જે માણસો પોતાના સ્વાર્થની પરવા કર્યા વગર અન્યનું ભલું કરે છે, એ જ સત્પુરુષો છે.’

આપણે આવા સત્પુરુષો-મહામાનવ ન થઈ શકીએ તો ભલે, પણ સ્વાર્થની પરવા કરીનેય અન્યનું ભલું કરતાં કંઈક શીખીએ તો પણ ભયો ભયો!

ગુજરાતની ભૂમિના આ મહામાનવને, આ મહાકવિને, આ માણસાઈની મશાલને ગુર્જર પ્રજાના શત શત વંદન!

Total Views: 285

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.