(અનુવાદક : કુસુમબહેન પરમાર)

31-8-1959

સેવક – મહારાજ, વિરજાનો શો અર્થ છે?

મહારાજ – જેમાં રજોગુણ નથી. સંન્યાસીના પ્રત્યેક નામનો અર્થ છે- એ જ તમારું લક્ષ્ય છે, તમારે એવું જ બનવું પડશે.

સેવક – મહારાજ, શું સાધુઓમાં રજોગુણ રહેવો  ન જોઈએ ?

મહારાજ – એમ કેમ? બધાની ભીતર રજોગુણ છે. શું સ્વામીજીમાં રજોગુણ ન હતો? રજોગુણ રહેશે, પરંતુ હું રજોગુણને અધીન રહીશ નહીં, પણ રજોગુણ મારે અધીન રહેશે. પોતાના રજોગુણને કઈ બાજુએ પ્રવાહિત કરવો પડશે, એ વાતને સમજીને હું રજોગુણને એ તરફ સંચારિત કરીશ. એટલે જ તો સ્વામીજીએ આપણા રજોગુણને પરોપકારમાં, બીજાની સેવાના કામે લગાડી દીધો છે.

સેવક – સ્વામીજીની ભાવના કેટલી શુદ્ધ છે!

મહારાજ – અવશ્ય છે જ, કારણ કે શ્રીઠાકુર અને સ્વામીજી અભિન્ન છે. આપણા લોકોની જેટલી બુદ્ધિ હોય, તેનાથી એ સમજાય છે. જે ઈશ્વર કોટિના છે, એ લોકોની ભાવના શુદ્ધ હોય છે.

8-9-1959

મહારાજ – શિવને ‘ભૂતનાથ’ કહે છે, અર્થાત્ તેઓ ભૂતપ્રેતો સાથે રમતા રહે છે. પરંતુ ભૂતનો અર્થ થાય છે, ‘જીવ’, ‘પ્રાણી’-‘મત્સ્થાનિ સર્વભૂતાનિ ન ચાહં તેષ્વવસ્થિત:’ અર્થાત્ જે જીવોના, બધાં પ્રાણીઓના સંચાલક છે, તે જ ઈશ્વર છે. શ્રીમદ્ ભાગવતમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એક છે. જ્યારે સૃષ્ટિ રચે છે, ત્યારે બ્રહ્મા છે; જ્યારે પાલન કરે છે, ત્યારે વિષ્ણુ અને જ્યારે પ્રલય કરે છે, ત્યારે શિવ છે.

મહારાજના સ્નેહ પ્રાપ્ત એક બ્રહ્મચારી સ્કૂલમાં પ્રધાનાચાર્ય છે. તેઓ સ્કૂલમાં ઠાકુરજીનાં નામાદિનો પ્રચાર કરવા ઇચ્છે છે.

મહારાજ – ઘણું સારું, પરંતુ શ્રીરામકૃષ્ણદેવના ભાવને સમજીને પ્રયત્ન કરજો. રામકૃષ્ણ-ભાવ ધરાવતા ભક્ત બનાવો. અયોગ્ય વ્યક્તિના હાથમાં પડવાથી ઘણો ઉચ્ચભાવ પણ નાશ પામે છે. દૂધમાં પાણી ભેળવવાથી પાણીનું મૂલ્ય વધે છે, પરંતુ દૂધનું મૂલ્ય ઘટી જાય છે.

મારી ઇચ્છા છે-‘કૃષ્ણ ચરિત્ર’નો પ્રચાર કરવો. સાધારણ લોકોએ ભગવાન શ્રીકૃષ્ણને બાલિકાના રૂપે સજાવી દીધા છે. અરે ત્યાં સુધી કે શ્રીમદ્ ભાગવતે પણ એવા લોકોને આકર્ષિત કરવા અગિયાર વર્ષના શ્રીકૃષ્ણ પ્રત્યે ગોપીઓના આકર્ષણની વાત કહી છે. વાસ્તવમાં સ્તુતિઓને મનુષ્યની બુદ્ધિમાં પ્રવેશ કરાવવા ભિન્ન ભિન્ન વાર્તાઓ કે કથાઓની રચના કરવી પડી છે. જેવી રીતે રજોગુણીઓ માટે ‘ચંડી-દુર્ગાસપ્તશતી’માં ‘મારો-મારો’ અને ‘કાપો-કાપો’ સંબંધિત કથા આપી છે.

વાસ્તવમાં શ્રીકૃષ્ણ જેવા બીજા કોઈ પુરુષે આજ સુધીમાં આ પૃથ્વી પર જન્મ લીધો નથી. તેઓ વિદ્યામાં, બુદ્ધિમાં, શક્તિમાં, યોગમાં તેમજ કર્મમાં, બધાં ક્ષેત્રોમાં સૌથી આગળ છે; પરંતુ કાર્ય સમાપ્ત થતાં જ તેઓ સૌની પાછળ ઊભા રહી જાય છે. એમણે યુધિષ્ઠિરની સભામાં બ્રાહ્મણોના ચરણ ધોયા હતા. શત્રુસંહાર થયા પછી, હવે કોઈ પ્રકારના પ્રતિશોધની ભાવના એમના મનમાં નથી, સર્વદા પ્રશાંત મુદ્રામાં વિરાજમાન રહે છે. શ્રીકૃષ્ણ કોઈપણ દેશ પર વિજય મેળવીને પોતે રાજા ન બન્યા. તેઓ ભારતીય સંસ્કૃતિનું વાસ્તવિક ઉદાહરણ છે.

શ્રીકૃષ્ણ અને વ્યાસદેવ આપણા શ્રીઠાકુરજી તેમજ સ્વામીજી જેવા છે. પરંતુ ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન ન હોય તો શ્રીકૃષ્ણને સમજી ન શકાય.

9-9-1959

મહારાજ – જુઓ, જ્યારે હું મૃત્યુ પામતો હોઉં ત્યારે અત્યંત ધીમે ધીમે શ્રીઠાકુરજીનું નામ સંભળાવજો અને શ્રીઠાકુર, શ્રીશ્રીમા અને સ્વામીજી એ ત્રણેયનાં ચિત્ર મારી સામે રાખજો.‘મા,મા’ કહેતાં-કહેતાં આંખો બંધ કરી દઈશ. શ્રીશ્રીમા મારાં ગુરુ છે, ઇષ્ટ છે. એટલે શ્રીશ્રીમા અમારા માટે શ્રીઠાકુરજીથી પણ વધારે મહાન અને પૂજ્ય છે.

સાધુ-જીવનમાં જો ઈશ્વરમાં મન ન લાગે તો બાહ્ય આકર્ષણથી બચવાનો બીજો કોઈ ઉપાય નથી. રૂપ, રસ, ગંધ, શબ્દ એવં સ્પર્શ આ પાંચેય સર્વદા બહાર જ ખેંચતાં રહે છે. વળી એવી જ રીતે ભીતરનાં મન, બુદ્ધિ એવં તેમની ક્રિયાઓ, તેનાં કારણ, બીજ એવં બ્રહ્માંડની ઉત્પત્તિ, વિભિન્ન પ્રકારનાં કાર્યકલાપ છે. જો મનને એ તરફ લાવી શકો તો બહારના આકર્ષણથી બચી જશો.

હૃદયની અંદર એક છિદ્ર છે, તે જ છિદ્રમાંથી પેલી પાર જઈ શકાય છે. નિત્ય અભ્યાસ કરતાં કરતાં જ્યારે છિદ્ર મોટું બની જાય ત્યારે તેની ભીતર જઈ શકશો.

સેવક – મહારાજ, ધ્યાન કરતી વખતે હાથને હૃદય પર રાખવા કે પેટની ઉપર?

મહારાજ – જપના સમયે તો હાથ એવી જ રીતે રહે છે, પરંતુ ધ્યાનના સમયે શું મન હાથમાં રહે છે? આપણા શ્રીઠાકુરજી જેવી રીતે બેઠા છે, તેવી જ રીતે હાથ રહે એ બરાબર છે. મૂળ વાત તો એ છે કે મનને સમેટી લેવું અને ધ્યેયપદાર્થમાં બાંધી લેવું, મનને લગાડી દેવું. શું ગ્રહણ કરવા યોગ્ય છે અને શું ત્યાગ કરવા યોગ્ય છે, એવો વિચાર કરવાનું તાત્પર્ય છે-(એમને) અલગ અલગ કરવાની ક્ષમતા હોવી. જ્ઞાન દ્વારા વિચાર કરીને એ જોવાનું છે કે ભક્તિપ્રાપ્તિ માટે શું ગ્રહણીય છે અને શું ત્યાજ્ય છે.

સેવક – પરંતુ, એવું લાગે છે કે અમારા માટે કોઈ ઉપાય નથી.

મહારાજ – આ વૈષ્ણવો જેવી ભાવના છે- ‘હું પાપી છું.’ પરંતુ આપણો આવો વિચાર નથી.

આપણો વિચાર છે – ‘પ્રત્યેક આત્મામાં દિવ્યતા વિદ્યમાન છે- Each Soul is potentially Divine.’

સેવક – પરંતુ, ઘર છોડીને ક્યાં આવી શક્યો છું?

મહારાજ – ઢાકામાં સ્વામી ચંડિકાનંદજી શ્રીઠાકુરજીના ઉપદેશો લોકોને સંભળાવતા હતા. એક વખત એક વ્યક્તિએ આંખમાં આંસુ વહાવતાં વહાવતાં આવીને કહ્યું, ‘મહારાજ! અમારા લોકો માટે કોઈ આશા નથી.’ ‘શા માટે?’ તેણે કહ્યું, ‘ક્યાંથી મહારાજ! હજી સુધી ઘર છોડીને આવી શક્યો નથી.’

જાણે બધો ધર્મ ઘર છોડવામાં જ છે! તેઓ હજુ પણ માતપિતાનો ત્યાગ કરી શક્યા નથી, એટલે અત્યારે કેવી રીતે એમને માટે ધર્મ સંભવ બનશે?(એવું એમનું વિચારવું છે.)હંમેશાં એ ધ્યાન રાખવું કે ધર્મ વસ્ત્રમાં નથી, ઘર છોડવામાં નથી અને દર્શનમાં નથી. તે તો હોવું અને બનવું છે… ‘Being and Becoming’ – ધર્મ અમલકવત્ (હાથમાં રહેલા આમળાની જેમ) થઈ જાય છે- ધર્મ તો હોત હોતમેં હો જાય.

મેં ઘણા લોકોને બધાં કાર્ય છોડીને બેકાર પડી રહેતા જોયા છે. જો એમને અલ્પ એવું કોઈ કામ આપી દો, કોઈ સામાજિક જવાબદારી આપી દો, તો તે એ સોંપતાં વેંત જ તેમાં મગ્ન બની જાય છે. જુઓ, મેં જીવનભર જોયું છે કે ચાર યોગ એકી સાથે ન કરવાથી ધર્મ બનતો નથી. મહાશય કર્મ કરવામાં તો મગ્ન રહે છે, પરંતુ તેણે ધ્યાન પણ બરાબર કરવું જોઈએ. પછી તેવો ભય રહે છે અને એવું બની શકે છે કે તે આવું કહી દે, ‘હૃષીકેશમાં ભિક્ષા માગીશ અને  ત્યાંજ રહીશ.’ કાર્ય તો થોડું ઘણું કરવું જોઈએ. કર્મ છોડવું એ ચિત્તશુદ્ધિનો ઉપાય નથી. સ્વામી વિવેકાનંદનો મંત્ર છે – ‘આત્મનો મોક્ષાર્થમ્ જગદ્ધિતાય ચ.’ પોતાની મુક્તિ માટે જ જગતનું કલ્યાણ કરવું. આ બરાબર ન રહે તો સંસારની પળોજણમાં અટવાઈ જશો.  (ક્રમશ:)

Total Views: 304

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.