બીજો અંશ

ગયા અંશમાં કર્મયોગ પણ મોક્ષનો, સાક્ષાત્ મોક્ષનો ઉપાય છે એ વાત સિદ્ધ કરી. ત્યાર પછી ક્રમે ક્રમે કર્મયોગની વ્યાખ્યા પણ કરી. હવે આ અંશથી માંડીને પ્રથમ અધ્યાયના અંત સુધી કર્મયોગશાસ્ત્રના રહસ્યને વર્ણવવામાં આવે છે એમાં હવે જે આત્માના મોક્ષ માટે આ શાસ્ત્ર પ્રવૃત્ત થયું છે તે આત્માના પોતાના સ્વરૂપ વિશે વિવરણ કરવામાં આવે છે.

अहंप्रत्ययालंबनमात्मा ॥1॥ (6)

સૂત્રાર્થ- ‘હું’ એવા ભાવનો આધાર એ આત્મા છે.

વ્યાખ્યા – જે ‘હું’ એવો ખ્યાલ કરે છે તે આત્મા છે. બધા જ માણસોની ‘હું’ એવી પ્રતીતિ તો પ્રસિદ્ધ જ છે. એનું આલમ્બન-આધાર આત્મા જ છે. દેહ, ઇન્દ્રિય, મન એ બધાનો સમન્વય-સમૂહ એ કંઈ આત્મા નથી. આ વાત ત્રણ અવસ્થાઓના વિવેચન પરથી સમજાય છે.

હવે સ્વરૂપલક્ષણના કથનથી આત્માનું નિરૂપણ કરવામાં આવે છે –

स नित्यशुद्धबुद्धमुक्तस्वभाव: ॥2॥ (7)

સૂત્રાર્થ – તે આત્મા સદૈવ નિત્ય શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવવાળો છે.

વ્યાખ્યા – તે આત્મા નિત્ય છે અને એટલે જ નિષ્ક્રિય છે.

न जायते म्रियते वा विपश्चित् (कठ.1.2.18)

તે ક્યારેય જ્ન્મતો નથી. તે જ્ઞાનસ્વરૂપ આત્મા ક્યારેય મરતો પણ નથી.

अजो नित्य: शाश्वतोऽयं पुराण: (भ.2.20)

તે જન્મરહિત, શાશ્વત, નિત્ય અને પ્રાચીન છે..

नात्माऽश्रुतेर्नित्यत्वाच्च ताभ्य: (ब्र.सू. 2.3.17)

આ આત્મા જન્મતો નથી કારણ કે એવી કોઈ શ્રુતિ નથી. તે નિત્ય છે એવું તો ઘણી જ શ્રુતિઓ કહે છે.

આમ ત્રણેય પ્રસ્થાનમાં – ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રમાં – કહેવામાં આવ્યું છે.

તે વળી શુદ્ધ છે, કશાય મળથી રહિત છે.  ઘણી શ્રુતિઓ એમ કહે છે, જેમ કે

अन्तश्शरीरे ज्योतिर्मयो हि शुभ्र: (मुं.3.1.5)

ભીતર જ્યોતિર્મય અને શુભ્ર છે.

स आत्माऽपहतपाप्मा (छां.8.7.1)

તે આત્મા પાપરહિત છે.

स न साधुना कर्मणा भूयान्, नो एव असाधुना कनीयान्…

તે સારા કર્મથી મોટો કે ખરાબ કર્મથી નાનો બનતો નથી.

स एष नेति नेत्यात्मा… असङ्गो न हि सज्यते… उभे उ हैवैष एते तरति, नैनं कृताकृते तपत: (बृ.4.4.22)

આ આત્મા ‘તે નથી, તે નથી’ એમ ઓળખાય છે. એ અનાસક્ત છે કારણ કે તે કદીય આસક્ત થતો નથી.. કૃત અને અકૃત એને દુ:ખ દેતાં નથી. તેણે એ બન્ને જીતી લીધાં હોય છે. આવી ઘણી શ્રુતિઓ છે.

તે બોધ-જ્ઞાન-રૂપ અને નિત્ય ચૈતન્યસ્વરૂપ છે.

अनन्तरोऽबाह्य: कृत्स्न: प्रज्ञानघन एव (बृ.4.5.13)

‘આ આત્માને અંદર કે બહાર – એવો કોઈ ભેદ નથી. તે અખિલ – સમગ્ર છે અને વિશુદ્ધ ચૈતન્ય છે.’ सत्यं ज्ञानमनन्तं ब्रह्म (तै.2.1) ‘આ બ્રહ્મ સત્ય છે, જ્ઞાન સ્વરૂપ છે અને અનન્ત છે.’ એ રીતે બ્રહ્મની જ્ઞાનસ્વરૂપતા બતાવતી ઘણી શ્રુતિઓ છે. ભગવાન બાદરાયણે પણ કહ્યું છે કે ज्ञोऽत एव (ब्र.सू.2.3.18) એ જ કારણે એ ચૈતન્ય છે.     (ક્રમશ:)

Total Views: 118
By Published On: May 1, 2017Categories: Adi Shankaracharya0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram