અહો ભગવતી પુણ્ય નર્મદેયમયોનિજા ।

રુદ્રદેહાદ્વિનિષ્ક્રાંતા મહાપાપક્ષયંકરી ॥

અહો! આ ભગવતી નર્મદા પુણ્યા, અયોનિજા, રુદ્રદેહથી નીકળેલાં અને મહાપાપોનો ક્ષય કરનારાં છે. (નર્મદા પુરાણ – 5.2)

લેખક સંન્યાસીની બાલ્યાવસ્થા. એક વાર સમાચાર પત્રની એક કાપલી હાથ લાગી. નદીનો ફોટો. ખૂબ જ ગમી ગયો. કબાટના કાચ પાછળ લગાવી દીધો અને વચ્ચે વચ્ચે દર્શન કરે. એ ફોટો હતો નર્મદા નદીનો! જાણે બીજ વવાયાં અને તેમાંથી જ જાણે નર્મદા પરિક્રમારૂપી દુર્લભ ફળ નીપજ્યું! એટલે જ બાળકોને-નાનપણથી જ સારા વિચારો, સંસ્કારો, ભાવનાઓ આપવાં જોઈએ. પછીથી ન જાણે કેવાં કેવાં દુર્લભ ફળો પ્રાપ્ત થાય! આમ, નર્મદામૈયાનાં ફોટા સ્વરૂપે પ્રથમ દર્શન.

લેખક સંન્યાસી ત્યારે બ્રહ્મચારી. સેવા રુરલ ઝગડિયા જવાનું થયું. આદિવાસી વિસ્તાર. આશ્રમનું કાર્ય પૂર્ણ કરી બપોર પછી સેવા રુરલના અધિકારી ત્યાંનાં સેવાકાર્યોની મુલાકાતે લઈ ગયા. આદિવાસી વિસ્તાર એવા ઝગડિયાના વિવિધ વિસ્તારોમાં મોટાં મોટાં સંકુલ. નાનાં બાળકો, કિશોરો, યુવાનો માટે મૂલ્યલક્ષી શિક્ષણ. આઈ.ટી.આઈ. ટેકનિકલ શિક્ષણ, યુવાનો માટે સ્વરોજગારીનો અન્ય કાર્યો, મહિલાઓ માટે મા શારદા મહિલા વિકાસ કેન્દ્ર, અંધ લોકો માટે સ્વરોજગારીનાં વિશેષ સેવાકાર્યો વગેરે. પ્રત્યેક ઉંમરના આદિવાસી માટે કંઈક ને કંઈક વિકાસલક્ષી સેવા! ગુણવત્તા, આયોજન અને શિસ્તનો ત્રિવેણી સંગમ. જાણે સેવાની મધુર સુવાસ ફેલાવતું ધામ! બધું અદ્‌ભુત! સ્વામી વિવેકાનંદના ‘શિવભાવે જીવસેવા’ સૂત્રનું એક તાદૃશ્ય દૃષ્ટાંત એટલે સેવા રુરલ ઝગડિયા કેન્દ્ર. દિવ્ય સેવાનાં દર્શન કરતાં કરતાં સાંજ પડી ગઈ. અંધારાં ઊતરવા લાગ્યાં. પૂછવામાં આવ્યું, ‘નર્મદા દર્શન કરશો? અહીં પાસે જ છે, ચાર કિ.મિ. દૂર.’ ‘નર્મદા’ નામ સાંભળી કાન ચમક્યા. કહ્યું, ‘હા-હા, જરૂર કરીશું.’ નર્મદા તટે પહોંચ્યા. કૃષ્ણપક્ષ ચાલતો હતો. ચારે તરફ ઘોર અંધકાર. શાંત અને નિરવ વાતાવરણ. કહેવામાં આવ્યું, ‘સામે જ નર્મદા મૈયા.’ મૈયાનો એક વર્ણ શ્યામ છે ને એટલે ‘કાલોયેકાલો મિસિયે ગેલો’ (કાળામાં કાળો મળી ગયો) માનો શ્યામ વર્ણ કાળા અંધકારમાં ભળી ગયો હતો. મનોમન પ્રણામ કર્યા. એક સાધુ બાબા કહેતા હતા, ‘રાત્રે નર્મદા-સ્પર્શ નિષેધ છે.’ તેથી નર્મદાજલનો ર્સ્પશ ન થયો. ભજનોનો મધુર સ્વર કર્ણગોચર થતો હતો. અવાજ પણ આટલો મધુર હોઈ શકે! વેદની ઋચા જાણે કર્ણે પડે, ‘મધુવાતા ઋતાયતે, મધુ ક્ષરન્તિ સિન્ધવ:’ અથવા જૂના જમાનામાં ગામડામાં આખા દિવસના પરિશ્રમ પછી સાંજે પાછા ફરતા ભલાભોળા ગ્રામજનો વાળુ કરી ગામને ચોરે કે મંદિરે ભજનોની રમઝટ બોલાવતા હોય અને ગામડાના નિરવ વાતાવરણમાં ગ્રામવાસીઓને કર્ણે  જે મધુર કંઠ- રણકાર કરતો હોય તેવો મધુર કંઠજાણે યાદ આવ્યો. મધુર કંઠની દિશામાં ગયા. પાસે જ આશ્રમ, ‘જગદીશ મઢી!’ નાની નાની એક બે ઝૂંપડીઓ. નાનો દીવો બળતો હતો. સાધુ-સંતો અને ભક્તો મસ્ત બની ભજનો-ધૂન ગાતા હતા. ‘માઇ રેવા કે હમ બાલક હૈં, મૈયા દૂધ પિલાવત હૈ, રેવા તટ પર ધૂમ-ધડાકા, રામ ભજન કા યહી તડાકા’ આ ગીતની કડીઓ જગદીશ મઢીમાં તાદૃશ્ય થઈ. સાધુ-સંતોને નમન કરી પાછા વળ્યા. આમ, શ્રી શ્રીનર્મદામૈયાનું શ્યામવર્ણરૂપે બીજું દર્શન…

લેખક સંન્યાસી તાજેતરમાં ગુરુસ્થાનેથી સંન્યાસ વ્રત ધારણ કરી ગુજરાતના એક આશ્રમમાં આવ્યા હતા. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દેવ-દર્શન કે સાધુ-સંતોનાં દર્શન કર્યા પછી તેમને ફળ-ફૂલની ભેટ અપાય છે. શ્રીરામકૃષ્ણદેવ તેમના ગૃહસ્થ શિષ્ય માસ્ટર મહાશયને ઉપદેશ આપે છે કે ‘સાધુ દર્શને જાવ ત્યારે ખાલી હાથે ન જવાય, કંઇ નહીં તો બે પૈસાનાં પતાસાં લઈ જાવ.’ આશ્રમના એક ભક્તે નવવ્રતધારી લેખક સંન્યાસીને પ્રણામ કરતાં કહ્યું, ‘મહારાજ, આજે તમને નવીન પ્રકારની પ્રણામી આપું. અહીંથી નર્મદામૈયા 50 કિ.મિ. દૂર છે, વિશેષ ગાડી કરી આપણે નર્મદા સ્નાન કરવા જઈએ. આ મારી નવીન પ્રકારની પ્રણામી સ્વીકાર કરો.’ અમે સાધુઓ તો અત્યંત રાજી થયા. બીજા દિવસે સવારે નીકળ્યા નર્મદા સ્નાન કરવા- ચાણોદ તીર્થે પહોંચ્યા. ચાણોદ એટલે નર્મદા તટનું વિશેષ તીર્થ. ત્યાં કુબેરભંડારી પહેલાં નર્મદા અને ઓરસંગ નદીનો સંગમ થાય છે. આ દક્ષિણનું પ્રયાગ કહેવાય છે. નૌકા દ્વારા ઘાટેથી સંગમસ્થાને ગયા અને સ્નાન કર્યું.

શાસ્ત્ર વિદિત કરે છે કે મનુષ્ય પર ઘણાં બધાં ઋણ હોય છે જેમ કે દેવઋણ, ઋષિઋણ વગેરે, તેમજ ગૃહસ્થ લોકોને માટે તો બીજાં પણ ઘણાં બધાં ઋણ હોય છે. એવા એવા પાવન ઋષિઓનો સ્પર્શ ભારતભૂમિને થયો છે કે જેથી ભારતવર્ષ પૂણ્યભૂમિ બન્યો છે. દિવસમાં ઓછામાં ઓછું એકવાર પૂજા વખતે અથવા સ્નાન વખતે આ દેવતાઓ અને ઋષિઓને સ્મરણમાં લાવવા જોઈએ. વિશેષ કરીને જ્યારે મહાનદીઓમાં સ્નાન કરીએ ત્યારે સૂર્યનારાયણની સાક્ષીએ અંજલિ અર્પણ કરવી જોઈએ.

ૐ સૂર્યાય નમ:, ૐ ચંદ્રાય નમ:, ૐ નક્ષત્રાય નમ:, ૐ ગુરુવે નમ:, ૐ ગં ગણપતયે નમ:, ૐ નમો નારાયણાય નમ:, ૐ નમ: શિવાય નમ:, ૐ હ્રીં દુર્ગાયૈ નમ:, ૐ સર્વ ઋષયે નમ:, ૐ સર્વ ઋષિપત્નિભ્યો નમ:, ૐ દેવતાભ્યો નમ:, ૐ ઐં દેવીભ્યો નમ:, ૐ મત્સ્યાદિ સર્વ અવતારેભ્યો નમ:, ૐ હ્રીં અષ્ટવિદ્યાભ્યો નમ:, ૐ સર્વ તિથિભ્યો નમ:, ૐ સર્વ તીર્થેભ્યો નમ:, ૐ ઐૈં સર્વ દેવ-દેવી સ્વરૂપાય રામકૃષ્ણાય નમ:, ૐ ઐં હ્રીં સર્વ દેવ-દેવી સ્વરૂપિણ્યૈ શ્રીશારદા દેવ્યૈ નમ:, ૐ શ્રીમત્ સ્વામી વિવેકાનંદાય નમ:, ૐ શ્રીં નર્મદાયૈ નમ:, ૐ ગં ગંગાયૈ નમ:, ૐ યં યમુનાયૈ નમ:, ૐ પિતૃદેવતાભ્યો નમ: ઇત્યાદિ. સ્નાન કર્યા પછી વસ્ત્ર બદલાવીને શ્રીશ્રીમા નર્મદામૈયાની પંચોપચાર પૂજા.શ્રીનર્મદામૈયાને મંત્રો સાથે ચંદન-ભસ્મ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને દક્ષિણા(સિક્કો) અર્પણ કરી, ‘ૐ જય જગદાનંદી મા, જય જગદાનંદી, બ્રહ્મા હરિહર શંકર, રેવા શિવહરિ શંકર, રુદ્રી પાલન્તિ, ૐ જય જગદાનંદી’- ગાન સાથે ધૂપ, દીપઆરતી કરવી જોઈએ. એક સ્વામીજી કે જેઓ શાસ્ત્રના અભ્યાસુ અને તાજેતરમાં નર્મદા પરિક્રમા પરિપૂર્ણ કરી હતી, તેઓ કહેતા, ‘મહારાજ, કોઈ પાવન નદી કે પુષ્કરમાં સ્નાન કર્યા પછી ત્યાંના જળને કમંડળ કે કોઈ પાત્રમાં લઈને પાસેના શિવ મંદિરમાં પુરુષ સૂક્ત કે મહામૃત્યુન્જય મંત્ર સાથે શિવજીને ચડાવવું જોઈએ, ત્યારે તમારું સ્નાન પરિપૂર્ણ થાય.’ એ વાતને યાદ કરી સાથે લઈ ગયેલ કમંડળમાં નર્મદા જળ લઈ શિવ મંદિરમાં શિવલિંગને પુરુષ સૂક્ત અને મહામૃત્યુન્જય મંત્ર સાથે નર્મદાજળથી સ્નાન કરાવી ભોલેબાબાની પંચોપચાર પૂજા કરી, શિવ આરતી-શિવ સ્તોત્ર ગાઈ, નર્મદા સ્નાન પૂર્ણ કર્યું. સુંદર, સ્વચ્છ, નિર્મળ નર્મદાજળમાં સ્નાન અને પૂજાથી થયેલ પરમ સંતુષ્ટિ આજે પણ હૃદયમાં સ્પંદિત છે.

તે સમયગાળા દરમિયાન પગપાળા નર્મદા પરિક્રમા પૂર્ણ કરી આવેલ સ્વામીજી પાસેથી નર્મદા પરિક્રમા વિશે તેમના અનુભવો, નર્મદા પરિક્રમાની કઠિનતા વગેરે સાંભળ્યું. તેથી લેખક સંન્યાસીને પણ નર્મદા પરિક્રમા કરવાના વિચારો આવ્યા, માત્ર બસ એટલું જ. પછી તો લેખક સંન્યાસીને ઓમકારેશ્ર્વર, તિલકવાડા, ગરુડેશ્ર્વર વગેરે જગ્યાએ રહેવાનું અને નર્મદાસ્નાનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. પછી અમરકંટક જવાનું થયું. અમરકંટક એટલે નર્મદામૈયાનું ઉદ્ગમ સ્થાન. ત્યાંનો સુંદર, દિવ્ય અને શાંત પરિવેશ ખૂબ જ ગમી ગયો. અમારી સામે ત્રણ-ચાર સાધુ-બ્રહ્મચારી અમરકંટકથી પગપાળા-પરિક્રમાએ નીકળવાના હતા. તેઓની મુલાકાત કરી. પરિક્રમા માર્ગમાં જંગલ, ઝાડી. રહેવાનું, જમવાનું બધું જ અનિશ્ર્ચિત વગેરે સાંભળ્યું. ઘણા સમયથી લેખક સંન્યાસીની નર્મદા પરિક્રમા કરવાની ઇચ્છાજાગ્રત થઈ હતી. પરંતુ દુર્બળ શરીર અને ઘણાં વર્ષોથી આશ્રમની રીતભાતવાળા જીવનને પરિક્રમાના કઠિન પરિવેશમાં ઢાળવાનું દુષ્કર લાગતું હતું. તેથી મનોમન માને પ્રાર્થના કરી, ‘મા! હું તો તારી આ પગપાળાની દુષ્કર યાત્રા નહીં કરી શકું પણ તારા તટે આવેલ મોટાંમોટાં તીર્થસ્થાનોમાં રહી તપસ્યા કરીશ એમ વિચારીને ત્યારે તો મનને વાળી લીધું હતું.

Total Views: 400

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.