જડ ઘાલી બેઠેલા કારણવાદના ન્યૂટનિયા સિદ્ધાંતને સ્થાને ભૌતિકશાસ્ત્રના અચોક્કસતા (Uncertainty) ના સિદ્ધાંતના શોધક વર્નર હેય્ઝનબર્ગ સાથેના પોતાના વાર્તાલાપનો ઉલ્લેખ, ‘તાઓ ઓફ ફિઝિકસ’ના લેખક પ્રોફેસર ફ્રિટ્યોફ કેપ્રાએ પોતાના ત્રીજા પુસ્તક ‘અનકોમન વિઝડમ’માં (પૃ.42-43 પર) કર્યો છે :

‘પૌરસ્ત્ય તત્ત્વજ્ઞાન વિશે પોતે શું વિચારે છે એ મેં હેય્ઝનબર્ગને પૂછયું ત્યારે મારા ખૂબ આશ્ચર્ય સાથે એણે મને કહ્યું કે માત્ર ભૌતિકશાસ્ત્ર (Quantum Physics) અને પૌરસ્ત્ય ચિંતન વચ્ચેનાં સમાન્તરણોથી પોતે સુપેરે વાકેફગાર હતા એટલું જ નહીં પણ એણે કહ્યું કે ‘મારું પોતાનું કાર્ય પણ ઓછામાં ઓછી અવચેતન કક્ષાએ, ભારતીય તત્ત્વજ્ઞાનથી પ્રભાવિત છે.’

‘1929માં, સુવિખ્યાત કવિ રવીન્દ્રનાથ ટાગોરના અતિથિ તરીકે હેય્ઝનબર્ગ કેટલોક સમય ભારતમાં રહ્યા હતા અને કવિ ટાગોર સાથે વિજ્ઞાન અને ભારતીય તત્ત્વજ્ઞાન અંગે લાંબા વાર્તાલાપો કર્યા હતા. એમણે મને કહ્યું કે ‘ભારતીય ચિંતન સાથેના આ પરિચયથી મને ખૂબ સંતોષ થયો હતો.’ એમણે જોયું કે સાપેક્ષતા, આંતરસંબંધ અને અશાશ્ર્વતતા સમાં ભૌતિક સત્યનાં પાયાનાં લક્ષણો જે, પોતાને અને પોતાના જેવા ભૌતિકશાસ્ત્રીઓ માટે ગળે ઊતરવાં કઠિન હતાં તે, ભારતીય આધ્યાત્મિક પરંપરાના પાયારૂપ હતાં. એમણે કહ્યું કે ‘ટાગોર સાથેના આ વાર્તાલાપો પછી અતિ વિચિત્ર લાગતી હતી તેવી કેટલીક વિભાવનાઓ, મને તરત જ સાર્થક જણાઈ. મને એથી ખૂબ સહાય મળી.”

प्रज्ञानं ब्रह्म, ‘બ્રહ્મ વિશુદ્ધ ચેતના છે’, એમ ઐતરેય ઉપનિષદ કહે છે; अयमात्मा ब्रह्म,

‘આ આત્મા બ્રહ્મ છે’ એમ માણ્ડૂકય ઉપનિષદ કહે છે. કઠ ઉપનિષદ (2.2.15માં) કહે છે કે ‘આ આત્મા સર્વ જ્યોેતિઓનો જ્યોતિ છે’, ને એનો પડઘો ‘નવા કરાર’માં સંભળાય છે: ‘જે જ્યોેતિ દરેક આત્માને જ્યોતિષ્માન કરે છે તે પૃથ્વી પર અવતરે છે.’

न तत्र सूर्यो भाति न चन्द्र तारकं

नेमा विद्युतो भान्ति कुतोऽयं अग्नि:,

तं एव भान्तं अनुभाति सर्वं

तस्य भासा सर्वं इदं विभाति –

‘ત્યાં (આત્મામાં) સૂર્ય પ્રકાશતો નથી, ચન્દ્ર કે તારાઓ પ્રકાશતા નથી; વીજળીના ઝબકારા ત્યાં થતા નથી તો (આપણાં ઘરમાંના) અગ્નિની તો વાત જ શી કરવી? એ પોતે પ્રકાશે છે ત્યારે બધી વસ્તુઓ પ્રકાશે છે; એના તેજ વડે આ સર્વ વ્યક્ત જગત પ્રકાશે છે.’

ઘણામાંથી એકના સ્રોત તરીકેનું બ્રહ્મનું આ સત્ય સર્વ વ્યક્ત જગતને પ્રકાશિત કરે છે એમ, મુણ્ડક ઉપનિષદ (2.2.11માં) આનંદથી ઉદ્ગારે છે :

ब्रह्मैवेदं अमृतं पुरस्तात् ब्रह्म,

पश्चात् ब्रह्म दक्षिणतश्चोत्तरेण,

अधश्चोर्ध्वं च प्रसृतं

ब्रह्मैवेदं विश्वमिदं वरिष्ठम् –

‘આ અખિલ વ્યક્ત વિશ્વ કેવળ અમર બ્રહ્મ છે; સન્મુખે બ્રહ્મ છે, પાછળ બ્રહ્મ છે, જમણી તથા ડાબી બાજુએ બ્રહ્મ છે; ઉપર અને નીચે એ વ્યાપ્ત છે; આ પ્રકટ વિશ્વ પૂજનીય બ્રહ્મ છે.’

વ્યવહાર્ય વેદાંત છે તે, યોગની આ મહાન વિદ્યા પ્રથમ વાર, ગીતાના બીજા અને ત્રીજા અધ્યાયમાં પ્રકટ કરવામાં આવી છે; હવે પછીના અન્ય અધ્યાયોમાં આવતી વિચારણાથી એ પુષ્ટ થશે.

ત્રીજા અધ્યાયમાં પ્રવેશતાં પહેલાં, હું અહીં બે સત્યો ચીંધવા ઇચ્છું છું. પહેલું એ કે ગીતામાં આધ્યાત્મિક સત્યોની પુનરુક્તિ આવે છે અને સ્વાભાવિક રીતે જ તેથી, આ ભાષ્યમાં પણ એ આવે છે. પુનરુક્તિ સાહિત્યમાં દોષ ગણાય છે. પણ ઉપનિષદો પરના પોતાના ભાષ્યમાં પ્રાચીન મીમાંસકોને ટાંકી શંકરાચાર્ય જણાવે છે કે ‘આધ્યાત્મિક સત્યોની રજૂઆતમાં પુનરુક્તિ દોષ નથી.’ न मन्त्राणां जामिता अस्ति. એ સત્યોને સમજવાં અને ગ્રહણ કરવાં કઠિન છે માટે પુનરુક્તિ સહાયરૂપ થાય છે.

બીજું, આ છેલ્લા શ્ર્લોકમાં અને ગીતામાં તથા ઉપનિષદોમાંનાં એવાં બીજાં સમાનાર્થી કથનોમાં માનવ ઉત્ક્રાંતિના અર્વાચીન જીવશાસ્ત્રીય અભિગમ સાથેના સંદર્ભમાં અગત્યની વાત છે: માનવજીવનના ધ્યેય તરીકે આધ્યાત્મિક સાક્ષાત્કારની જ વાત છે, વળી, એ સાક્ષાત્કાર અહીં અને હમણાં જ કરવાનો છે, નહીં કે મરણોત્તર કોઈ માર્ગમાં.

અર્વાચીન જીવશાસ્ત્ર મનુષ્યની અનન્યતાનો સ્વીકાર કરે છે અને માનવ ઉત્ક્રાંતિના ધ્યેય વિષે તથા એને કેવી રીતે પામવું તે વિશે મૂંઝવણ અનુભવે છે. આ બાબતને હું વિખ્યાત જીવશાસ્ત્રી સર જુલિયન હક્સ્લીના પોતાના શબ્દોમાં જ મૂકીશ; એમના છેલ્લામાં છેલ્લા પુસ્તક, ‘ઈવોલ્યૂશન-ધ મોડર્ન સિન્થેસિસ’નાં અંતિમ બે પૃષ્ઠોમાં એ શબ્દો આવે છે; એ પુસ્તકમાંની સત્યતા, સ્પષ્ટતા અને હિંમતને માટે એ મારું પ્રિય છે. ‘ધ મેસેજ ઓફ ધ ઉપનિષદ્ઝ’ (ઉપનિષદનો સંદેશ) એ મારું પુસ્તક વાંચ્યા પછી એમણે મને લખેલો પત્ર અને મેં આપેલો તેનો વિગતવાર ઉત્તર, ‘ધ મેસેજ ઓફ ધ ઉપનિષદ્ઝ’ના એપેંડિકસમાં (પૃ. 571-72 પર) સમાવિષ્ટ છે :

‘ઉપનિષદોની રચનાના સમયને લક્ષમાં લેતાં, એમની સિદ્ધિ પ્રશસ્ય છે તે વિશે હું સંમત છું…’

‘મારા ‘એસેય્ઝ ઓફ હ્યુમેનિસ્ટ’ અને ‘ઈવોલ્યૂશન: ધ મોડર્ન સિન્થેસિઝ’ ગ્રંથોમાં ઉત્ક્રાંતિનાં વિવિધ પાસાઓનાં રીતિ, પદ્ધતિ અને મુખ્ય પ્રવાહો રજૂ કરવા કોશિશ કરી છે :

માનવ ઉત્ક્રાંતિનાં વ્યાપારને અને એના ધ્યેયને નક્કી કરવા માટે પોતાના બીજા પુસ્તકમાં હક્સ્લી કેટલીક શરતો રજૂ કરે છે :

એક : ‘એ સ્થિર કે નીચે લઈ જનાર ન હોવું ઘટે.’ આ વિષયમાં, ભારતીય વેદાંત શીખવે છે કે જીવન પૂર્ણતા તરફનો પ્રવાસ હોઈને, કોઈપણ તબક્કે એને સ્થગિત થવા દેવું ન જોઈએ; કઠ ઉપનિષદની 3જી વલ્લીમાંના શંખનાદમાં આ વ્યક્ત થયેલ છે અને સ્વામી વિવેકાનંદે એનો મુક્ત અનુવાદ આપ્યો છે : ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડયા રહો.’

હવે પછી, ‘જીવન માનવીય બને તેવા ગુણોની પ્રાપ્તિની પરિભાષામાં જ આ માનવહેતુ રજૂ કરી શકાય.’

આ માગના ઉત્તરરૂપે વેદાંતે ચાર પુરુષાર્થોની વિભાવના વિકસાવી છે.

વધુમાં, ‘અગાઉ આપણે ભાર દીધા મુજબ અનેક રીતે પ્રાણીઓમાં મનુષ્ય અનન્ય છે; એનાં અનન્ય લક્ષણોનો તેમજ, બીજા જીવો સાથેનાં એનાં સમાન લક્ષણોનો ખ્યાલ એના હેતુઓએ રાખવો જ રહ્યો.’

ઉપર જણાવેલા ચાર પુરુષાર્થોના બોધમાં આ બાબત પર ભાર દેવાયો જ છે; છેલ્લા પુરુષાર્થ મોક્ષ સાથે એને ખાસ સંબંધ છે અને અર્વાચીન જીવશાસ્ત્ર એ વિશે કશું જ જાણતું નથી. હક્સ્લી (એજન, પૃ. 577 પર) આગળ કહે છે :

‘સમગ્ર માનવજાત માટે સર્વસંમત હેતુ ઘડવાનું, સ્વાભાવિક રીતે જ, સરળ નથી.’

આના જવાબમાં વેદાંત દૃઢતાપૂર્વક કહેશે કે ‘હું એને સરળ બનાવીશ’ અને એણે તેમ જ કર્યું છે; ઘણા ઘણા સમય પૂર્વે એણે માનવ-શકયતાઓના વિજ્ઞાનની રચના કરેલી છે, તે મનુષ્યના ઊંડાણનું વિજ્ઞાન છે. તેમાંથી પૂર્ણ શાસ્ત્રની, તેના ધ્યેયની તથા એનાં સોપાનોની બધી સામગ્રી આપણને સાંપડી શકે છે. ભૌતિક વિજ્ઞાનો અને અધ્યાત્મના વિજ્ઞાન વચ્ચેની કડી મૂલ્યોનું વિજ્ઞાન છે એ સત્ય વેદાંતે કયારનુંયે ઘડયું છે.

હક્સ્લી આગળ કહે છે : ‘અત્યાર સુધીમાં ઘણા પ્રયત્નો થયા છે. આજે આપણે બે વિરોધી વિચારસરણીઓ વચ્ચેનો સંઘર્ષ અનુભવી રહ્યાં છીએ – સમષ્ટિના હિત સમક્ષ વ્યષ્ટિના હિતને ગૌણ બનાવવું અને વ્યક્તિની નૈસર્ગિક ઉત્કૃષ્ટતા.’

વેદાંત બેઉને સ્વીકારે છે. કેટલીક કક્ષાઓએ સમાજનો, સમષ્ટિનો સૂર પ્રધાન હોય છે; બીજી કેટલીક કક્ષાઓએ એનો અવાજ હોતો જ નથી, વ્યક્તિ જ સર્વેસર્વા છે.

પછી હક્સ્લી કહે છે : ‘નિસર્ગાતીત જગતમાંના ભાવિને ચીંધતા હેતુના અને પ્રવર્તમાન જગતમાં પ્રગતિના હેતુ વચ્ચે હજી બીજો સંઘર્ષ ચાલી રહ્યો છે. આવા મોટા સંઘર્ષો ઉકેલાય નહીં ત્યાં સુધી, મનુષ્યજાતિને અગત્યનો એક હેતુ લાધશે નહીં અને પ્રગતિ ઉટપટાંગ અને ધીમી થશે.’ હક્સ્લી અને મોટા ભાગના પાશ્ર્ચાત્ય વિચારકો અને કેટલાક અર્વાચીન ભારતીય ચિંતકો પણ જાણતા નથી કે આ જગત અને પર જગત વચ્ચેના સંઘર્ષને યુગો પૂર્વે ઉપનિષદોએ અને ગીતાએ ઉડાડી દીધો છે. એ સૌમાં, આધ્યાત્મિક સાક્ષાત્કાર અને જીવનની સિદ્ધિને દૃઢ શબ્દોમાં અને આ જગતમાં, અહીં અને હમણાં જ પામવાની ગહન અનુભૂતિ તરીકે રજૂ કરેલ છે. નિસર્ગાતીત સ્વર્ગમાં જવાની ઇચ્છા સામે મુણ્ડક ઉપનિષદે (1.2.10માં) આકરી ભાષા વાપરી છે :

इष्टापूर्तं मन्यमाना वरिष्ठं

नान्यत् श्रेयो वेदयन्ते प्रमूढा:

नाकस्य पृष्ठे ते सुकृतेऽनुभुत्वा

इमं लोकं हीनतरं वा विशन्ति-

‘અહીં કંઈ કર્મકાંડ કરીને અહીં પુણ્ય અને સ્વર્ગમાં સુખ માણશું એમ માનનારા મોટા મૂર્ખ છે ને, એ પાછા માને છે કે એનાથી ચડિયાતું બીજું કશું નથી; પણ સ્વર્ગમાં સુખ ભોગવી લીધા પછી એમનાં પુણ્ય ખલાસ થયે, એ આ મનુષ્ય લોકમાં પાછા આવે છે કે નીચેની યોનિઓમાં જાય છે.’ ગીતા (5.19)માં પણ આ જ વિચાર સાંપડે છે :

इहैव तैर्जित: सर्गो येषां साम्ये स्थितं मन: ।

निर्दोष हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिता: ॥

‘જેમનું ચિત્ત આવા સામ્ય-સમભાવ અથવા એકત્વમાં સ્થિર થયું છે તેમણે સંસારને અહીં જ જીત્યો છે; કારણ કે બ્રહ્મ નિર્દોષ અને બધામાં સમાન છે માટે આવા મનુષ્યો બ્રહ્મમાં દૃઢ થયેલા છે.’ હક્સ્લી આગળ જણાવે છે કે ‘આવા સંઘર્ષોનો ઉકેલ ન આવે ત્યાં સુધી મનુષ્ય જાતિને એક મુખ્ય હેતુ પ્રાપ્ત ન થાય.’

કોલકાતાના અદ્વૈત આશ્રમે પ્રકાશિત કરેલા મારા પુસ્તક ‘પ્રેકિટકલ વેદાંત એન્ડ ધ સાયન્સ ઓફ વેલ્યૂઝ’માં મેં આ બાબતની વિગતવાર ચર્ચા કરી છે.

આજના યુગમાં વેદાંત-વિચારો જગતભરમાં ફેલાશે ત્યારે જગતના જુદા જુદા ભાગોના ચિંતકો સમજશે કે : હા, ગીતાના આ બીજા અધ્યાયના છેલ્લા શ્ર્લોકમાં સમગ્ર મનુષ્યજાતિ માટે મુખ્ય હેતુ સાંપડે છે; સૌએ પોતાની શક્તિ અનુસાર એને અનુસરવાનો છે; અને એ કાળના હક્સ્લી જેવા વિચારકો કહેશે કે ‘હા, માનવ ઉત્ક્રાંતિ માટેનો સર્વ સામાન્ય હેતુ અમને સાંપડયો છે; એ છે, અનંત અને સર્વ સૃષ્ટિના અદ્વિતીય સ્રોત બ્રહ્મ કે આત્માનો સાક્ષાત્કાર; એ હેતુની સિદ્ધિ માટે ઉત્ક્રાંતિએ માનવીને જરૂરી જૈવિક ઊર્જા આપી છે; એટલે મનુષ્ય ‘બ્રહ્મનો સાક્ષાત્કાર કરવાની શક્તિ’ ધરાવે છે. શ્રીમદ્ ભાગવત કહે છે તેમ, ब्रह्मावलोक धीषणाम् મનુષ્યના જીવનકાળમાં, મનુષ્યના આ સાક્ષાત્કારનો ઉલ્લેખ શંકરાચાર્ય સમસ્ત બ્રહ્માંડના સ્રોત તરીકે કરે છે અને બૃહદારણ્યક ઉપનિષદ પરની પોતાની ટીકામાં, પ્રલયકાળે સમગ્ર સૃષ્ટિ બ્રહ્મમાં લીન થાય તે પૌરાણિક મત સાથે વિરોધમાં મૂકે છે. આજનું ખગોળશાસ્ત્ર પણ માને છે કે અંતે, અબજો વર્ષો પછી સમગ્ર વિશ્વ સંકોચાઈ જશે અને એકત્વની સ્થિતિને પામશે (કારણ કે હજી સુધી એ શાસ્ત્ર બુદ્ધિના સિદ્ધાંતને સ્વીકારતું નથી.)

મહાભારતમાંના વિષ્ણુસહસ્રનામ પરની 19મા શ્ર્લોકની પોતાની ટીકામાં, વિષ્ણુના બાવનમા નામ ‘त्वष्टा’ પરની ટીકામાં, અંતે પ્રલયકાળે વિશ્વનું સંકોચન કરનારી શક્તિ, तनूकृतम्, તરીકે ઓળખાવે છે.

इति श्रीमद्भगवद्गितासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे

श्रीकृष्णार्जुनसंवादे सांख्योगो नाम द्वितीयोऽध्याय: ॥ (ક્રમશ:)

Total Views: 274

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.