यज्ञशिष्टाशिन: सन्तो मुच्यन्ते सर्वकिल्बिषै:।

भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात्॥13॥

‘યજ્ઞનો શેષભાગ ખાતાં સારા માણસો સર્વપાપમાંથી મુક્તિ પામે છે; પરંતુ એથી ઊલટું, જે લોકો કેવળ પોતાની જાત માટે જ રાંધે છે તે માત્ર પાપ ખાય છે.’

યજ્ઞ કર્યા પછી તમે જે કંઈ ખાઓ છો તે यज्ञशिष्ट, યજ્ઞનો શેષ (વધેલો) ભાગ કહેવાય છે. એ શાસ્ત્રીય પર્યાય છે. यज्ञशिष्ट, ને પ્રસાદ પણ કહેવાય છે. પ્રસાદ પવિત્ર ખોરાક છે; જે પ્રસાદ નથી તેમાં મનુષ્યતંત્રના ઉન્નતીકરણની શક્તિ નથી. સામાજિક સંદર્ભમાં પણ, તમે કમાઓ છો, તમે કરવેરા ભરો છો અને પછી રહેતી મિલકત તમે ભોગવો છો; જાતજાતની પ્રયુક્તિઓ કરીને તમે કરવેરા ભરવાનું ટાળો છો, પરિણામ સમાજને ભોગવવાનું આવે છે; તમે પણ ભોગવો છો. સૌનાં ચિત્ત ઉપર આપણે આ વાત ઠસાવવાની જરૂર છે કે કિંમત ચૂકવ્યા વિના તમને શાંતિભરી સામાજિક વ્યવસ્થા સાંપડી શકે નહીં. જે લોકો કર ભરવાનું ટાળે છે અને એ માટે જાતજાતની પ્રયુક્તિઓ કરે છે, તે નાગરિકો નથી; તેઓ રાષ્ટ્રમાં માત્ર વસે છે પણ, તેઓ રાષ્ટ્રના નથી કે રાષ્ટ્ર માટે નથી; વ્યવસ્થિત સમાજમાં રહેવા તે લોકો લાયક નથી. કોઈ નિર્જન ટાપુમાં પોતાની રીતે જુદા જીવવાને માટે તેઓ લાયક છે; પણ પછી માનવસોબત વિના તેમનામાં માનવતાનો વિકાસ જ નહીં થાય. किल्बिष એટલે પાપ અથવા અનિષ્ટ.

પછીની ઉક્તિ છે : भुञ्जते ते त्वघं पापा ये पचन्ति आत्मकारणात्,  આ ઘણો ગહન વિચાર છે. ‘જે માત્ર પોતાને માટે જ રાંધે છે અને (બીજાઓની ચિંતા કર્યા વિના) એકલો જ ખાય છે તે પાપ ખાય છે.’ એ ભાષા છે. अघम् એટલે ‘પાપ’; ये पचन्ति,‘જે રાંધે છે તે’; आत्मकारणात्, ‘કેવળ પોતાને માટે.’ હું મારે પોતાને માટે રસોઈ કરું છું; બીજાંની પરવા કરતો નથી. એ વલણ એકદમ નિંદ્ય છે. એટલા માટે ઘણીવાર આપણાં પરંપરાગત હિંદુ ઘરોમાં લોકો भूतयज्ञ કરીને રસોઈ પૂરી થઈ ગયા પછી થોડોક ભાગ કાઢી લે છે. કોઈ ભિખારીને કે એ ન આવે તો પંખીઓને તે આપવામાં આવે છે. એટલો ભાગ જુદો રાખીને બાકીનો જ ખાવા માટે ઉપયોગમાં લેવાય છે. આ શ્ર્લોકની પાછળ આ ભાવ રહ્યો છે. ગીતામાં, મહાભારતમાં અને મનુસ્મૃતિમાં આ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. अघं तु केवलं भूङ्क्ते ये पचन्ति आत्मकारणात्, ‘જે કેવળ પોતાની જાત માટે રાંધે છે, તે તેટલું પાપ ખાય છે! એ સ્વકેન્દ્રીપણાને જરાય વખાણવામાં આવતું નથી. આમ વિચાર અગત્યનો છે. પાપ ન આરોગો; પુણ્ય જમો; પ્રસાદનું અન્ન પુણ્યકારી બને છે. તમે બીજા કોઈને કશું આપ્યું છે અને જે વધ્યું તે તમારે માટે વાપર્યું; એ ઉત્તમ છે. ત્યાં યજ્ઞભાવના વ્યક્ત થઈ છે. ईश उपनिषद् ના પહેલા શ્ર્લોકમાં પણ આ બોધ જ આપવામાં આવ્યો છે: तेन त्यक्तेन भुञ्जीथा:, ‘ત્યાગીને જીવનનો આનંદ ભોગવો.’ તો જ તમને જિંદગીની ઉત્તમતા પ્રાપ્ત થાય. એટલે 14મા અને 15મા શ્ર્લોકમાં આપણે આ चक्रम्, ‘જીવનના ચક્ર’નો ઉલ્લેખ જોઈએ છીએ.

अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भव:।

यज्ञाद्भवति पर्जन्यो यज्ञ: कर्मसमुद्भव:॥14॥

‘અન્નથી લોકો જન્મે છે; વરસાદથી અન્ન પેદા થાય છે; યજ્ઞથી વરસાદ થાય છે અને યજ્ઞ કર્મમાંથી ઉદ્ભવે છે.’

આ ઘટનાઓની સાંકળ છે. અન્નમાંથી આપણે સૌ આવ્યાં છીએ. ‘બધા જીવો અનાજમાંથી ઉદ્ભવ્યા છે.’ अन्नाद् भवन्ति भूतानि, અન્ન કેવી રીતે ઉત્પન્ન થાય છે? पर्जन्यात् अन्न सम्भव:

‘વરસાદથી અન્ન પેદા થાય છે.’ વરસાદ નથી પડતો ત્યારે અનાજના ઉત્પાદન પર અસર પડે છે. यज्ञात् भवति पर्जन्यो, ‘પર્યાવરણ માટે તમે યજ્ઞભાવના જાળવી રાખશો તો યોગ્ય સમયે વરસાદ વરસશે જ.’ નહીં તો પર્યાવરણ સાથે ચેડાં કરીને તમે વરસાદ પડવાની બાબતમાં ગડબડ ઊભી કરી શકશો. વેદોના કર્મકાંડ વિભાગમાં જે કર્મકાંડનો ખ્યાલ હતો તે ગીતામાં ત્યાગ અને સેવાની નૈતિક વિભાવનામાં પરિવર્તન પામે છે. પછી, यज्ञ: कर्म समुद्भव:, ‘યજ્ઞ કર્મમાંથી ઉદ્ભવે છે.’ તમારા સહિતના, તમારી આસપાસના સૌના કલ્યાણની પુષ્ટિવાળું કર્મ તે યજ્ઞ. એને યજ્ઞ કહેવાય છે. યજ્ઞ કર્મ છે. આમ તમને અન્ન, પર્જન્ય, યજ્ઞ અને પછી કર્મ સાંપડે છે. આ ચાર બાબતો આવી. સાંકળ હજી આગળ ચાલે છે :

कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम्।

तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्॥15॥

‘કર્મને વેદોમાંથી ઉત્પન્ન થયેલું જાણ અને વેદો અવિનાશીમાંથી ઉત્પન્ન થયા છે. માટે સર્વવ્યાપક વેદો નિત્ય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે.’

‘કર્મને બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું જાણ’; અહીં બ્રહ્મ એટલે વેદો. વેદોનો ઉલ્લેખ અનેકવાર બ્રહ્મ તરીકે કરાયેલો છે. વેદોમાં કર્મનું અર્થઘટન કરવામાં આવ્યું છે. ત્યાં તમને સાંપડે છે, ब्रह्म अक्षरसमुद्भवम्, વેદો કયાંથી આવ્યા છે? બ્રહ્માંડ, માનવજીવન અને ભાગ્યને લગતાં સત્યોની હારમાળારૂપે અક્ષર (અવિનાશી) બ્રહ્મમાંથી વેદો પ્રગટયા છે. तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्, ‘એટલે આ સર્વવ્યાપી બ્રહ્મ નિત્ય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે.’ તમે જ્યારે પણ સમર્પિત કર્મ કરો છો ત્યારે તમે અવિનાશી બ્રહ્મને વ્યક્ત કરો છો. એટલે સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘ભારતના રાષ્ટ્રીય આદર્શો છે, ત્યાગ અને સેવા; આ બન્નેને તમારા જીવનમાં સઘન રીતે ઢાળી દો. બાકીનું બીજું બધું એની મેળે થઈ રહેશે.’ કેવો અદ્‌ભુત ઉપદેશ છે આ ! આ બે સિદ્ધાંતોમાં સમગ્ર નૈતિક જીવનનો અર્ક આવી જાય છે. ત્યાગ શાનો ? આ સ્વકેન્દ્રી અહંનો. એનો ત્યાગ કરવો જ જોઈએ. મોટા સ્વ-અહંનો આવિષ્કાર કરવો જોઈએ. પછી બધું કર્મ સેવા બની જાય છે. માટે ત્યાગ અગ્રસ્થાનનું મૂલ્ય છે. પાછળ આવતું મૂલ્ય તે સેવા. હું કોઈને સહાય કરવા ઇચ્છું તો, તેટલે સુધી મારા સ્વાર્થનો મારે ત્યાગ કરવો રહ્યો. એટલે યજ્ઞની આ વિભાવનાનો અર્થ છે ત્યાગ અને સેવા.

વેદની કર્મકાંડની વિભાવના ઉચ્ચતમ નૈતિક સિદ્ધાંતમાં પરિવર્તન પામે છે અને તે માનવીઓનું બીજા માનવીઓ તથા બાહ્ય પ્રકૃતિ સાથે એકીકરણ ઊભું કરે છે. એટલે શ્રીકૃષ્ણ કહે છે કે અનંત અને અક્ષર બ્રહ્મનું આ સત્ય યજ્ઞના આપણા પ્રત્યેક કાર્યમાં અભિવ્યક્તિ પામે છે. કેવો અદ્‌ભુત વિચાર! તમારા કર્મને તમે યજ્ઞનું રૂપ આપો છો, ત્યારે દેખીતી રીતે દૂરનું કહેવાતું બ્રહ્મ તમારી સમીપ જ છે. પ્રાણીજગત, વનસ્પતિજગત અને માનવીઓ, એ સૌના રક્ષણની આપણી જવાબદારી પણ એ કારણે છે કે એ સર્વનો નાશ કરવાની તેમજ એમનું પાલનપોષણ કરવાની બૌદ્ધિક શક્તિ આપણી પાસે છે. કર્મોને યજ્ઞનું સ્વરૂપ આપીને આ જવાબદારી માનવી અદા નહીં કરે તો, એ પોતાની જાત સહિત, સર્વનો નાશ નોતરશે. એ માટે તો અહીં કહેવાયું છે કે બધું યજ્ઞમાં કેન્દ્રિત છે – યજ્ઞ એટલે કર્મકાંડ નહીં, પણ સમર્પણની આ ભાવના સાથેનું કર્મ. સૌની સાથે એકત્વ, પ્રકૃતિ સાથે એકત્વ અને સેવારૂપે વ્યક્ત થતું બીજાં લોકો સાથેનું એકત્વ- આ ભાવના સાથેનો વિશાળ આત્મા. અને એ પ્રકારની સેવા અને સમર્પણ પછી જે શેષ રહે તેનો આપણે આનંદ માણીએ છીએ.                                                                                (ક્રમશ:)

Total Views: 355

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.