અવતારનો કેટલોક વ્યવહાર એવો હોય છે, કે જેને આપણે બુદ્ધિથી સમજી શકતા નથી. અવતારના વ્યવહારમાં ખાંચા જણાય છે. અવતાર એવો વ્યવહાર કરે છે કે જે સામાન્ય પરંપરાગત વ્યવહારથી ભિન્ન હોય છે. આમ બને છે ત્યારે માનવચિત્ત દ્વિધામાં અને ક્વચિત શંકામાં પણ સરી પડે છે. હવે અહીં આપણે એ સમજવું છે કે અવતારના વ્યવહારની અગમ્યતા શી છે ?

  1. ભગવત્-લીલાનું ચિંતન, મૂલ્યાંકન નહીં.

ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણની જીવનલીલા વિશે અપરંપાર ગ્રંથો લખાયા છે. આ બધા ગ્રંથોની કથાઓને આધારે આપણે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણનું જીવનચરિત્ર તૈયાર કર્યું છે અને તેમના જીવનચરિત્રનું સ્વરૂપ ગોઠવીએ છીએ.

વર્તમાનકાળમાં તો ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણનાં જીવન અને વ્યવહારનું મૂલ્યાંકન કરવાનું પણ શરૂ થયું છે. તેમના વ્યવહારના ઔચિત્ય-અનૌચિત્યની પણ વિચારણા થવા માંડી છે.

આ વિચારણામાં આવા પ્રશ્નો ઉપસ્થિત કરાય છે.

* ભગવાન શ્રીરામે સર્વથા વિશુદ્ધ અને પરમપવિત્ર ભગવતી સીતાનો ત્યાગ કર્યો તે બરાબર છે ?

* ભગવાન શ્રીરામે સંતાઈને વાલીનો વધ કર્યો તે બરાબર છે ?

* ભગવાન શ્રીકૃષ્ણે ભીષ્મ, દ્રોણ અને કર્ણનો વધ કરાવવા પાંડવોને ધર્મયુદ્ધના નિયમોને બાજુમાં મૂકવા પ્રેરણા આપી હતી. આ બરાબર છે ?

* ભગવાન શ્રીકૃષ્ણ કાલયવન અને જરાસંધથી ડરીને યુદ્ધનું મેદાન છોડીને ભાગ્યા હતા. એક ક્ષત્રિય માટે આ બરાબર છે ?

* ભગવાન શ્રીકૃષ્ણને સોળ હજાર એકસો આઠ રાણીઓ હતી, તેવું શ્રીમદ્ભાગવત જેવાં પુરાણોમાં કથન છે. જો આમ હોય તો તે બરાબર કહેવાય ?

* ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન છે અને તેથી સર્વસમર્થ છે. તો તેમણે મહાભારત યુદ્ધનો મહાસંહાર કેમ રોક્યો નહીં ?

* ભગવાન શ્રીકૃષ્ણે શંબુકનો વધ કર્યો. તે બરાબર ગણાય ?

ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ જેવા અવતારોની લીલા મૂલ્યાંકન કરવા માટેનો વિષય નથી. આ લીલા બુદ્ધિપૂર્વક ન સમજી શકાય. આ લીલા ચિંતનનો વિષય છે. ભગવાનની લીલાને બુદ્ધિ દ્વારા ન સમજી શકાય, પરંતુ પ્રેમ દ્વારા પામી શકાય છે.

ચિંતન એટલે શું ?

ચિંતન એટલે ચિત્તની ધારા કોઈ એક વિષય પર સતત વહેતી રાખવાની પ્રક્રિયા. ચિત્ત ભોગચિંતન કરે તો અધ:પતન નોતરે છે અને ભગવત્-ચિંતન કરે તો તે ચિંતક ભગવાનની નજીક પહોંચે છે અને આખરે તે ભગવાન જેવો બનતો જાય છે.

ભગવત્-ચિંતન અધ્યાત્મપથનું એક સાધન છે અને તેના દ્વારા સાધક ઊર્ધ્વગતિ સિદ્ધ કરે છે. ભગવત્-ચિંતનનાં ત્રણ સ્વરૂપો છે :

* સ્વરૂપચિંતન – પરમાત્માના સગુણ-સાકાર સ્વરૂપનાં ચિંતનને ‘સ્વરૂપચિંતન’ કહે છે.

* લીલાચિંતન – ભગવાનના શ્રીરામ, શ્રીકૃષ્ણ વગેરે અવતારો ધરતી પર અવતરે છે અને અનેકવિધ લીલાઓ કરે છે. ભગવાનની આ લીલાઓનું ચિંતન એટલે ‘લીલાચિંતન’.

* ગુણચિંતન – ભગવાન તો અનંત ગુણોનું નિધાન છે. ભગવાનનાં ભક્તવત્સલતા, પ્રેમ, જ્ઞાન, શક્તિ, સત્ય, સામર્થ્ય જેવા ગુણોનું ચિંતન એટલે ‘ગુણચિંતન’.

આ ચિંતન દ્વારા શું થાય છે ?

* ચેતનાનું ઊર્ધ્વીકરણ થાય છે.

* ભાવભક્તિનો વિકાસ થાય છે.

* ગુણવિકાસ થાય છે.

* વિષય (કાંચન-કામિની) ચિંતન અને વ્યર્થ ચિંતનથી બચી જવાય છે.

શ્રીમદ્ ભાગવતમાં (11.14-27) ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને કહે છે –

विषयान् ध्यायतश्चित्तं विषयेषु विषज्जते ।

मामनुस्मरतश्चितं मय्येव प्रविलीयते ॥

અર્થાત્ જે નિરંતર વિષયોનું ચિંતન કરે છે, તેનું ચિત્ત વિષયોમાં ફસાઈ જાય છે, જે મારું ચિંતન કરે છે, તેનું ચિત્ત મારામાં તલ્લીન બની જાય છે.

આટલું યાદ રહે કે ભગવાનની લીલાનું ચિંતન કરવાનું છે, મૂલ્યાંકન નહીં.

વાલ્મીકીય રામાયણ, રામચરિત માનસ, અધ્યાત્મ રામાયણ, શ્રીમદ્ભાગવત, મહાભારત, બ્રહ્મવૈવર્ત પુરાણ, ગર્ગસંહિતા – આ બધા ગ્રંથો ભગવાનની લીલાના ગ્રંથો છે. જીવનચરિત્રો નથી. આ ગ્રંથોમાં વિશુદ્ધ ઇતિહાસ નથી.

કોઈપણ મહાપુરુષના જીવનનું મૂલ્યાંકન કરવા આપણી પાસે તેમનું પ્રમાણભૂત જીવનચરિત્ર હોવું જોઈએ અને તે કાળનો વિશુદ્ધ ઇતિહાસ હોય તે આવશ્યક છે. આપણી પાસે ભગવાન શ્રીરામનું કે ભગવાન શ્રીકૃષ્ણનું પ્રમાણભૂત જીવનચરિત્ર કે તે કાળનો ઇતિહાસ પણ નથી.

જો આપણી પાસે ભગવાન શ્રીરામ કે ભગવાન શ્રીકૃષ્ણનું વિશુદ્ધ જીવનચરિત્ર નથી, તો તેમના જીવનનું  મૂલ્યાંકન કેવી રીતે થઈ શકે ?

મહાપુરુષોનાં જીવનચરિત્ર રચાય છે, પરંતુ ભગવાનનું જીવનચરિત્ર ન રચાય. એનું કારણ એ છે કે તેમની લીલા ઘણી ગહન હોય છે. તેમનાં જીવનચરિત્ર નહીં, પરંતુ તેમની લીલાના ગ્રંથો રચાય છે.

ભગવાનની લીલાઓનું મૂલ્યાંકન ન થઈ શકે. તેમનું પરિશીલન, ચિંતન થવું જોઈએ.

ભગવાનની લીલાઓનાં ચિંતન, પરિશીલન માનવ ચેતનાને ઊર્ધ્વગામી બનાવે છે, તારી દે છે.

  1. અવતારમાં બે ચેતના

અવતારની લીલા માનવચિત્ત માટે અગમ્ય જણાય છે. આવું બનવાનું એક કારણ એ પણ છે કે અવતારમાં બે ચેતના હોય છે – ભાગવત ચેતના અને જીવ ચેતના (ઉશદશક્ષય ભજ્ઞક્ષભશજ્ઞીતક્ષયતત ફક્ષમ ઇીંળફક્ષ ભજ્ઞક્ષભશજ્ઞીતક્ષયતત) – પરંતુ અવતાર માત્ર ભગવાન નથી. ભગવાન તો વૈકુંઠમાં રહે છે. અહીં પૃથ્વીલોક પર ભગવાન અવતાર ધારણ કરે, ત્યારે તો અવતાર એટલે ભગવાન + માનવી. અવતાર માનવનું સ્વરૂપ ધારણ કરીને આવે છે, એટલે અવતારને જીવભાવ એટલે કે માનવચેતના પણ હોય છે. અવતાર સ્વરૂપત: ભગવાન હોય છે, છતાં બહિરંગ સ્વરૂપે માનવરૂપ ધારણ કર્યું છે, તેથી અવતાર માનવીની જેમ લીલા કરે છે. અવતારને માનવીની જેમ ચિંતા થાય છે; અવતારને ભય લાગે છે; અવતારને દુ:ખ થાય છે; અવતારના શરીરને બીમારી પણ આવે છે; અવતાર માનવની જેમ માતાની કૂખે જન્મ ધારણ કરે છે; અવતારના શરીર પર ઉંમરની અસર થાય છે; તેમના શરીરને વૃદ્ધાવસ્થા આવે છે; તેમના વાળ પણ વૃદ્ધાવસ્થામાં સફેદ થાય છે; તેમના દાંત પણ પડી જાય છે. આ સર્વ તેમના માનવભાવની લીલા છે. પરંતુ આટલું યાદ રહે ! અવતાર સ્વરૂપત: માનવી નથી; ભગવાન છે. અવતાર માનવસહજ મર્યાદાઓને પણ ધારણ કરે છે અને ઇચ્છે તો, ઇચ્છે ત્યારે સર્વ મર્યાદાઓને ફેંકી પણ દે છે.

અવતારમાં આવી માનવસહજ લીલાઓ હોવાથી સામાન્ય માનવી દ્વિધામાં પડી જાય છે. તેને એમ થાય છે કે ભગવાનના જીવનમાં પણ આવું કંઈ હોઈ શકે? ભગવાનને પણ દુ:ખ, ચિંતા, બીમારી વગેરે હોઈ શકે? અને જો હોય તો તેમને ભગવાન માનવા કેવી રીતે?

આવો સંશય અને આવી દ્વિધા સામાન્ય માનવીના ચિત્તમાં પેદા થઈ શકે છે અને તેમ થાય પણ છે, પરંતુ અવતાર માત્ર માનવી નથી; પરંતુ આંતરચેતનામાં તે ભગવાન છે; પરબ્રહ્મ પરમાત્મા છે; અને તે ચેતના જ અવતારનું યથાર્થ સ્વરૂપ છે.

આ બન્ને ચેતના, ભાગવત ચેતના અને માનવ ચેતના અવતારમાં કાર્યરત હોય છે. અને અવતારની લીલામાં પણ આ બન્ને ચેતના કાર્યરત હોય છે. આ દ્વિવિધ ચેતના અને દ્વિવિધ વ્યવહારને કારણે સામાન્ય માનવી માટે અવતારનો લીલા વ્યવહાર અગમ્ય બની જાય છે.

પરંતુ અવતારની આ બે ચેતના અને આ બન્ને ચેતનાના ભિન્ન ભિન્ન વ્યવહારને સમજી શકાય છે અને સ્વીકારી શકાય છે.

આમ છતાં ભાગવત ચેતના જ અવતારનું ખરું સ્વરૂપ છે. ચેતનાનાં સ્વરૂપો બે હોવા છતાં તત્ત્વત: બન્ને એક જ છે. અવતાર તેના મૂળ સ્વરૂપે ઈશ્વર છે. અવતારની માનવીય ચેતનાનો વ્યવહાર પણ ભાગવત ચેતના જ દોરે છે.                                         (ક્રમશ:)

Total Views: 358

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.