તૈત્તિરીય ઉપનિષદનો એક ભાગ आनन्दस्य मीमांसा, ‘આનંદની મીમાંસા’, શીર્ષક ધરાવે છે. અને એ ઉપનિષદ કહે છે : ‘બધા પ્રકારના માનવ આનંદો આત્માનંદના અંશરૂપ છે, आत्मानन्द एतस्य एव आनन्दस्य मंत्रम् उपजीवन्ति।

તમે આત્મસાક્ષાત્કાર કરો પછી તમારું મન ઇન્દ્રિય-વિષયોની પાછળ જરાય દોડતું નથી; તૃષ્ણા જ નથી માટે પ્રતિભાવ નથી. ઇચ્છા (તૃષ્ણા) વિના કાર્ય નથી. તૃષ્ણાથી પ્રેરાઈને આપણે કર્મ-પ્રવૃત્તિ કરીએ છીએ. तस्य कार्यम् न विद्यते,  શા માટે ? પછીનો શ્ર્લોક એ સમજાવે છે :

नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन।

न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रय:॥18॥

‘કર્મ આચરીને આ જગતમાં એને કશું પ્રાપ્ત કરવાનું નથી કે નહીં આચરીને એને કશું ગુમાવવાનું નથી – તેમજ કોઈપણ વાંચ્છિત વસ્તુ માટે એને કોઈની ઉપર આધાર રાખવાની જરૂર નથી.’

‘કર્મ આચરીને એ વ્યક્તિને આ જગતમાં કશું પ્રાપ્ત કરવાનું હોતું નથી’, नैव तस्य कृतेनार्थो, દસબાર વરસનો કોઈ છોકરો લો. આપણે એને સતત શીખવવું પડે છે, ‘મહેનત કર, મહેનત કર; તારે ઘણું સિદ્ધ કરવાનું છે.’ વાસ્તવમાં achievement- સિદ્ધિ પારિભાષિક શબ્દ છે અને ઝૂરિચના કાર્લ યુંગે એ શબ્દને પોતાના પુસ્તક ‘મોડર્ન મેન ઈન સર્ચ ઓફ અ સોલ’માં (પૃ. 118 – 20 પર) વાપર્યો છે. વ્યક્તિના વ્યક્તિત્વની ખિલવણીની કે આધ્યાત્મિક સમૃદ્ધિની જીવનમાં અગત્યના સ્થાનની વકીલાત કરતાં કાર્લ યુંગ (‘મોડર્ન મેન ઈન સર્ચ ઓફ એ સોલ’માં પૃ. 125 – 26 પર) કહે છે :

‘મનુષ્યજીવનના બપોર પછીના ઢળતા ભાગને પણ પોતાનું મહત્ત્વ હોવું જોઈએ અને જીવનના પ્રભાતનું દયાજનક પૂછડું એણે બની રહેવું જોઈએ નહીં. વ્યક્તિના ઘડતરમાં, બાહ્ય જગત સાથે બંધાવામાં, વંશવૃદ્ધિમાં અને આપણાં બાળકોના ઉછેરમાં જીવનના પૂર્વાર્ધનું મહત્ત્વ બેશક છે જ. પ્રકૃતિનો એ દેખીતો હેતુ છે. પણ એ હેતુ સિદ્ધ થયો – અને સિદ્ધ થવા કરતાંયે કંઈક વધારે પ્રાપ્ત કર્યું – પછી, પૈસો કમાવો, વિજયક્ષેત્ર વિસ્તારવું અને જીવનનો વિસ્તાર કરવો, શું આ બધું તર્ક અને વિવેકની મર્યાદાની પાર પણ સ્થિરપણે ચાલુ રહેવું જોઈએ ? જીવનના પરાર્ધમાં જે કોઈ પૂર્વાર્ધનો નિયમ ચાલુ રાખે છે, તેણે પોતાના આત્માની હાનિને ભોગે તેની કિંમત ચૂકવવી પડે છે; કોઈ યુવાન પોતાના બાલિશ અહંને બચાવવાની કોશિશ કરે તેના જેવું એ છે; પરિણામે એણે સામાજિક નિષ્ફળતારૂપ કિંમત ચૂકવવી પડે છે. પૈસો એકઠો કરવો, સામાજિક જીવન, કુટુંબ, વંશવેલો શુદ્ધ પ્રકૃતિ સિવાય કશું નથી – સંસ્કૃતિ નથી જ. સંસ્કૃતિ પ્રકૃતિના હેતુની પાર છે. જીવનના ઉત્તરાર્ધનો અર્થ અને હેતુ કોઈ રીતે સંસ્કૃતિ બની શકે ?’

જુવાનને પરિશ્રમ કરવા જ કહેવું જોઈએ, જા જગતમાં, અને કંઈ સિદ્ધિ મેળવ. એ સિદ્ધિ કહેવાય. એ કાળ મૂંગા રહેવાનો કે કામ વગર બેઠા રહેવાનો નથી જ. એમ કરનારનો એ વિનાશ નોતરશે. જિંદગીને એ તબક્કે એણે જગતમાં ઘૂમવા નીકળવું જોઈએ, કામ કરવું જોઈએ, પોતાની આકાંક્ષાઓ સંતોષવી જોઈએ, સિદ્ધિને પોતાના જીવનનું ધ્યેય બનાવવું જોઈએ. એ સિદ્ધિ મેળવ્યા પછી એ વ્યક્તિએ ઉચ્ચતર બાબતો વિશે વિચારવું જોઈએ. પછી આસ્તે આસ્તે એનું ચિત્ત કર્મમાંથી અને સિદ્ધિમાંથી હટી જશે. મેં કશુંક મારું મૂળ સ્વરૂપ જ, ગુમાવ્યું છે. મારે આ સત્યનો સાક્ષાત્કાર કરવો જોઈએ. એ બીજું સોપાન છે. યુંગ એને ‘સંસ્કૃતિ’ કહે છે.

તો જે વ્યક્તિનાં જ્ઞાન અને આનંદ અને ક્રીડા આત્મામાં છે, એવી વ્યક્તિએ આ જગતમાં આમતેમ આથડવાથી કશો લાભ લોટવાનો નથી. એ તૃપ્ત છે; એ કદાપિ કશુંય કરે તો એ બીજાના હિત માટે જ કરશે. પોતાના સ્વાર્થ માટે એણે કશું કરવાનું રહેતું નથી. આ અધ્યાયમાં આગળ ઉપર શ્રીકૃષ્ણ એ કહેવાના છે.

શ્રીરામકૃષ્ણ સુંદર દૃષ્ટાંત આપતા :

‘તમે કડાઈમાં ઘી નાખી ચૂલે મૂકો. એ ઉકળવા લાગે ત્યારે એમાં એક પૂરી નાખો. ત્યારે એ છમછમવા લાગશે, કારણ એ કાચી છે, પરિપકવ નથી. તળાઈને એ પરિપકવ થશે એટલે બધો છમછમાટ બંધ. તદૃન શાંત અને નીરવ.’

આપણા જીવનના પૂર્વાર્ધમાં આપણે સૌ એ છમછમાટને તબક્કે છીએ; આપણે અનેક વસ્તુઓ સિદ્ધ કરવાની છે. પછી શ્રીરામકૃષ્ણ ઉમેરે છે :

‘તમે બીજી પૂરી નાખશો એટલે ફરી છમછમશે.’

બીજા કોઈની ઇચ્છા તૃપ્ત કરવાની છે. એ મુક્ત છે અને એમાં પ્રકૃતિનું દબાણ નથી. એ બીજું સોપાન છે. એનો ઉલ્લેખ શ્રીકૃષ્ણ પછીથી કરશે. તમારા પોતાના લાભ માટે તમારે કશું પ્રાપ્ત કરવાનું નથી, પણ બીજાઓને તેમનો લાભ પ્રાપ્ત કરવામાં તમે સહાયરૂપ બનો છો. મનુષ્યજીવનનો એ અદ્‌ભુત ગુણ છે. આ બે પરિમાણો છે અને બેઉ આવકાર્ય છે. સિદ્ધિ મહાન છે, પરંતુ વ્યક્તિત્વ વધારે સમૃદ્ધ થાય છે; માનવજીવનમાં એ બેઉની આવશ્યકતા છે. માટે, नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन,  ‘કર્મ કરીને કે નહીં કરીને, એ વ્યક્તિ કશો લાભ મેળવવાની નથી.’ એણે પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે.

न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रय:, ‘પોતાની જાતને માટે કશું મેળવવા માટે એણે કોઈની પાસે જવું પડતું નથી.’ એણે શ્રેષ્ઠતમ, નિત્યશુદ્ધ, નિત્યમુક્ત આત્માનો સાક્ષાત્કાર કર્યો છે.

બધી ઇન્દ્રિયાસક્તિઓ અને તૃષ્ણાઓની પાર આપણે જઈ પહોંચીએ છીએ, એવી સ્થિતિની વાત આ શ્ર્લોક કરે છે. પોતાની સભ્યતાનો નાશ કરતા ઉપભોક્તાવાદના ત્રાસના અતિરેક વિશે આજની પાશ્ર્ચાત્ય સભ્યતા પોતાના ચિંતકોને ભાન કરાવે છે. અમેરિકા વિશે કહેવાય છે કે જગતની 6 ટકા વસતિ જગતની 40 ટકા સાધનસંપત્તિનો ઉપભોગ કરે છે. અંતે તો આ જગતમાંની ઉપભોગ્ય વસ્તુઓ મળવાની હદ પણ છે. ઉપભોક્તાવાદની આ ખોટી ફિલસૂફી સામે સમાજના અનેક વિભાગોમાંથી વિરોધ ઊઠે છે; અને માનવ વ્યક્તિત્વના ઇન્દ્રિય કક્ષાથી ઉપરનાં પરિમાણો છે, તે જગત સમજશે ત્યારે જ માત્ર મનુષ્યની ઊર્જા અંતર્મુખી બનશે; મારું સાચું સ્વરૂપ કેવું છે તે મને જોવા દો, હું આ ઇન્દ્રિયતંત્ર નથી, એનાથી કશુંક ઊર્ધ્વતર છું.

न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रय:, ‘બીજા કોઈ પાસે જઈને એણે પ્રાર્થના નથી કરવી પડતી : મને આ આપો, પેલું આપો.’ આવી વ્યક્તિ પૂર્ણ છે, તૃપ્ત છે. એ દશા પણ છે જ; આ અતૃપ્ત તૃષ્ણાની દશા છે, તેમ પેલી તૃપ્તિની દશા પણ છે, એટલે શ્રીકૃષ્ણ અહીં એ વિષયની છણાવટ કરે છે અને એ બાબત એ પોતાનો જ દૃષ્ટાંત રજૂ કરશે.           (ક્રમશ:)

 

यत: प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् ।

स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवा: ॥

यथा वायुं समाश्रित्य सर्वे जीवन्ति जन्तव: ।

तथा गृहस्थमाश्रित्य वर्तन्ते सर्व आश्रमा: ॥

Total Views: 257

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.