ત્રીજા અધ્યાયનો 19મો શ્ર્લોક છે :

तस्मात् असक्त: सततं कार्यं कर्म समाचर।

असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुष:॥19॥

‘માટે તું આસક્ત થયા વિના સતત તારાં કર્મો કરતો રહે; અનાસક્ત રહીને કર્મ કરવાથી, મનુષ્ય પરમને પામે છે.’

तस्मात्,  ‘માટે’ असक्त: सततं कार्यं कर्म समाचर,  ‘તારાં કર્મો – તારી ફરજો – આસક્તિ વિના સતત કરતો રહે.’ મારે આ જોઈએ, ને મારે તે જોઈએ- એ જાતના વલણ વિના, ઇન્દ્રિયતૃષ્ણાની પ્રેરણાથી દોરાયા વિના જેટલું થઈ શકે તેટલું કાર્ય. असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुष:, ‘જે વ્યક્તિ અનાસક્તિની ભાવનાથી કર્મ કરે, તે પરમનો સાક્ષાત્કાર કરે.’ परमाप्नोति,  ‘પરમનો સાક્ષાત્કાર કરે’, ને તે પણ અહીં અને આ જીવનમાં જ. આ બોધ ઉપર ગીતા ફરી ફરીને ભાર દેવાની છે. અનાસક્ત થવું ઘણું કઠિન છે. પણ એનો અર્થ એ નથી કે આપણે પ્રયત્ન પણ ન કરવો. શરૂઆતમાં એ અઘરું લાગવાનું, પણ આપણે કરતા જઈએ તેમ તેમ અનાસક્તિની ભાવનાથી કર્મ કરવાનાં વધારે ક્ષેત્રો આપણને દેખાશે; સતત મથામણથી, અનાસક્તિની ભાવના વડે આપણે આપણા જીવનને સમૃદ્ધ કરી શકીએ. કર્મ ચાલુ રહે છે, આસક્તિ નથી; એ શા માટે અશકય ગણાવું જોઈએ ? હકીકતમાં આપણે આ બોધ સાંભળીએ છીએ ત્યારે અનેકવાર વિચાર આવે છે, ‘અરે, આ તો અશકય છે ! માત્ર સાધુસંતો માટે જ છે !’ કેટલાય લોકો આમ વિચારતા હોય છે.

ગાંધીજીને એકવાર અહિંસા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો : ‘લોકો કહે છે કે એ અશકય છે !’ એટલે ગાંધીજીએ કહ્યું, ‘આ અદ્‌ભુત વૈજ્ઞાનિક યુગમાં કેટલી બધી અશકય ચીજો શકય બની રહી છે ! તો આ પણ શા માટે નહીં ?’ ગાંધીજી પછીના કાળમાં બીજી અનેક અશકય બાબતોને આપણે શકય થતી જોઈ છે : માનવીએ ચંદ્રમા પર ઉતરાણ કર્યું છે, ચંદ્રમાને સ્થૂળરૂપે નિહાળ્યો છે. ચંદ્રમાને ભૌતિક રીતે આ પહેલાં કોઈએ જોયો ન હતો. હજારો વરસોથી આપણે સાંભળતાં આવ્યાં છીએ, ‘ચંદ્રમાની બીજી બાજુ કોઈએ જોઈ નથી.’ પણ આજે કેવી અશકય બાબતને આપણે શકય બનાવી છે ! આપણે ચંદ્રની બીજી બાજુ જોઈ છે, આપણે ચંદ્ર પર પહોંચ્યા છીએ. આપણે ત્યાં પગ મૂકયો છે. તો શું અશકય છે ? એ જ રીતે, ‘હું આસક્તિને વશમાં રાખી શકતો નથી, હું ક્રોધ પર કાબૂ રાખી શકતો નથી, હું ફલાણા-ઢીંકણાને વશમાં રાખી શકતો નથી, એ અશકય છે’. ‘અશકય છે’, એમ બોલો જ મા. કશું જ અશકય નથી. માનવચિત્તમાં પ્રચંડ શક્તિ પડેલી છે. તમારામાં શ્રદ્ધા રાખો, તમે એ સિદ્ધ કરશો જ. આ ભાવના જાગૃત થવી જોઈએ. તો જ માનવજીવનમાં અને તેના કાર્યમાં આ વિચારોને લાવી શકાય. તો કેટલાંક ક્ષેત્રો પ્રત્યેની અનાસક્તિથી આરંભીને એનો વિસ્તાર બીજાં ક્ષેત્રોમાં કરી શકીએ. આ બોધ આશ્ચર્યજનક છે. કાર્ય ચાલુ રહે છે, ધીમે ધીમે આસક્તિ ચાલી જાય છે.

આસક્તિ બંધનમાં પરિણમે છે, બેઉ માટે બંધન – પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ મુક્તિ આપે છે, આસક્તિ બંધનમાં બાંધે છે. જે આસક્ત છે અને જેનામાં આસક્તિ છે તે બંને બંધનમાં છે. सततं એટલે ‘હંમેશાં’ कार्यं कर्म समाचर, ‘જીવનમાં જે કર્મો કરવાનાં છે તે કરો’; એ બધાં કર્મો ખૂબ ઉત્સાહથી અને ભક્તિથી કરો, પણ અનાસક્તિની ભાવનાથી.

પછી શ્રીકૃષ્ણ એક દૃષ્ટાંત આપે છે : પોતાનું કર્મ કરીને, સમાજ પ્રત્યેની જવાબદારીઓ અદા કરીને લોકો ઉચ્ચતમ સાક્ષાત્કાર સાધી શકયા છે. અને આપણા ઘણા ગ્રંથોમાં બિહારમાં આવેલ મિથિલાના રાજા જનકનું દૃષ્ટાંત આપવામાં આવે છે. જનક એક રાજ્યના રાજા હતા, તેમ છતાં એ બ્રહ્મજ્ઞાની પણ હતા. યુવાન શુકદેવને પણ એમના પિતાએ વિશેષ શિક્ષણ માટે જનક રાજા પાસે મોકલ્યા હતા. શ્રીકૃષ્ણ અહીં એ ઉદાહરણ આપે છે : ‘તું એકલો હો કે વનમાં હો તો જ તું અનાસક્ત રહી શકે, એમ ન માન. સંસારની તારી બધી જવાબદારીઓની વચ્ચે રહીને પણ તું અનાસક્ત રહી શકે. એમાં જ વીરત્વ છે; તને પીડે એવું કશું જ ન હોય અને છતાં તું અનાસક્ત રહી શકે એ વીરતા નથી.’ 20મા શ્ર્લોકમાં શ્રીકૃષ્ણ એ કહે છે :

कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादय:।

लोकसंग्रहमेवापि संपश्यन् कर्तुमर्हसि॥20॥

‘કર્મ દ્વારા જ, જનકે અને બીજાઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી; લોકસંગ્રહ, માનવસમાજની સ્થિરતા માટે પણ તારે કર્મ કરવું જોઈએ.’

જનકરાજા જેવા લોકોએ કર્મ કરી પૂર્ણતા પ્રાપ્ત કરી હતી. संसिद्धिम्, એટલે ‘પૂર્ણતા’, कर्मणैव हि ‘કર્મ કરીને જ’, એમણે સંસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આસક્તિ પર તેમણે વિજય મેળવ્યો હતો; સિંહાસનારૂઢ, અબાધિત સત્તાધારી રાજા હોવા છતાં, લોકો એમને આદર આપતા પણ એ આ બધાંથી દોરવાઈ ગયા ન હતા. એ આશ્ચર્યજનક સિદ્ધિ છે. આત્માનું થોડુંક પણ જ્ઞાન આવે તેની સાથે મનુષ્યમાં આ શક્તિ આવે છે, એને નિષ્કલંક સત્તા પ્રાપ્ત થાય છે. સામાન્ય માનવી થોડી સત્તાથી પણ છકી જાય છે, બહારના જગતનું થોડું આકર્ષણ એને બહેકાવી મૂકે છે; એ કેવો તો લઘુકડો માનવી ! અહીં બીજી વ્યક્તિ છે જેની સમક્ષ ખોટી લાલચો આવે છે, પણ ચિત્તમાં ખળભળાટ થતો નથી. બીજા અધ્યાયના અંત ભાગમાં સ્થિતપ્રજ્ઞનું વર્ણન કરતાં એ દાખલો અપાયેલો છે : आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमाप: प्रविशन्ति यद्वत्।,  ‘પૂરા ભરેલા સમુદ્રની માફક અચલ મન, ભલે એમાં નદીઓ પોતાનાં પાણી ઠાલવે.’ આપણાં મન પણ તેવાં હોવાં જોઈએ. ગીતાએ અગાઉ એ વાત કહેલી છે. બલિષ્ઠ મન, દૃઢ મન, વિશાળ મન, વીર મન પણ ઢીલાંપોચાં મન નહીં. ઘણા બધા દેશોમાં નાનાં મનવાળા માણસો સત્તા પર છે. એમ હોવું કે થવું ન જોઈએ. વીરતાભર્યા અભિગમવાળા થોડા દૃઢસંકલ્પ મનુષ્યો જોઈએ. આ પ્રકારનો સંઘર્ષ આરંભીશું, ત્યારે જ એ બધું આવશે. પછી આપણા રાષ્ટ્રમાં અને બીજાં રાષ્ટ્રોમાં કંઈક મોટું પરિવર્તન આવશે.

Power corrupts ; absolute power corrupts absolutely. સત્તા ભ્રષ્ટ કરે છે; અબાધિત સત્તા અબાધિત રીતે ભ્રષ્ટ કરે છે – એ લોર્ડ એકટનનું કથન લોકો અનેક વાર ટાંકે છે; સત્તાને બિલકુલ ભ્રષ્ટાચાર મુક્ત રાખે તેવું જીવનનું અને કર્મનું દર્શન ગીતા આપણને આપે છે. ગીતા પોતાની રાજર્ષિની વિભાવનાની વાત, 4થા અધ્યાયમાં કરે છે તે આપણે યોગ્ય વેળાએ જોઈશું.                                                                                                               (ક્રમશ:)

Total Views: 316

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.