ગોકુલથી વૃંદાવન તરફ ગમન

જ્યારે નંદબાબા વગેરે મોટા અને વયસ્ક ગોપાલકોએ જોયું કે મહાવનમાં ઘણા મોટા ઉત્પાત થવા લાગ્યા છે, ત્યારે વ્રજવાસીઓએ હવે આગળ શું કરવું જોઈએ એનો નિર્ણય કરવા એમણે એક સભા બોલાવી. ઉપનંદન નામના ગોપાલક ઉંમરમાં તો મોટા હતા જ, પણ જ્ઞાનમાં બધાથી ચડિયાતા હતા. એમણે કહ્યું, ‘ભાઈઓ ! ગોકુળમાં દિવસે ને દિવસે નવા નવા ઉત્પાત થઈ રહ્યા છે. આ ભયાવહ ઘટનાઓને લીધે વારંવાર શ્રીકૃષ્ણની રક્ષા તો પ્રભુની મહેરબાનીથી જ થઈ શકી છે. હવે પછી કોઈ એવી અનિષ્ટ ઘટના ઘટે કે જેનાથી આપણી વ્રજભૂમિનો જ નાશ થઈ જાય, એ પહેલાં આપણે પોતાનાં બાળબચ્ચા સાથે કોઈ સુરક્ષિત સ્થાને ચાલ્યા જવું જોઈએ. ગોવર્ધન પર્વતની તળેટીમાં વૃંદાવન નામનું સુંદર મજાનું એક સ્થળ છે. વૃંદાવનમાં ઘણાં નવાં નવાં હરિયાળીભર્યાં વન છે. એ સ્થળે એક મોટો પવિત્ર પર્વત તેમજ ઘાસ અને લીલાંછમ લતા-વનસ્પતિ પણ છે. આપણાં ગૌધન માટે વૃંદાવન વધારે સુવિધાવાળું રહેશે. જો તમને બધાને મારી આ વાત ગળે ઉતરતી હોય તો આપણે લોકો ત્યાં જ જઈને વસીએ.’ ઉપનંદના આ પ્રસ્તાવને બધાએ સ્વીકારી લીધો અને બીજે જ દિવસે પોતાનાં બધાં માલ-સામાન, ઘરવખરી અને પશુધનની સાથે વૃંદાવન જવાનો નિર્ણય કર્યો.

બધા લોકોએ પોતપોતાની ગાયોને એકઠી કરી લીધી અને ઘરવખરી, માલ-સામાન ગાડામાં ચડાવી દીધો. આ ગાડામાં જ પરિવારનાં મોટેરાં-વૃદ્ધો તેમજ સ્ત્રીઓ અને બાળબચ્ચાંને બેસાડી દીધાં. જુવાન ગોવાળિયા એ ગાડાની રક્ષા કરતાં કરતાં પગપાળા ચાલવા લાગ્યા. એમણે ગાયો અને વાછરંઠુને બધાની આગળ કરી દીધા અને પોતે એમની પાછળ પાછળ તુરી અને રણશીંગા વગાડતા વગાડતા ચાલ્યા જતાં હતાં. રોહિણી અને યશોદા, કૃષ્ણ અને બલરામની સાથે એક ગાડામાં જઈ રહ્યાં હતાં. પુરુષો પગપાળા જતા હતા. અંતે તેઓ વૃંદાવનની પાવનભૂમિ પર આવી પહોંચ્યા. વૃંદાવનનાં લીલાંછમ વન, અત્યંત મનોહર ગોવર્ધન પર્વત અને યમુનાને કિનારે આવેલાં કાંપ અને રેતીનાં મેદાનો જોઈને કૃષ્ણ અને બલરામનાં હૃદય આનંદથી છલકાઈ ગયાં.

જ્યારે બન્ને ભાઈ આ વૃંદાવનની ભૂમિ પર થોડા મોટા થયા ત્યારે તેમને ગાય-વાછરુ ચરાવવાની જવાબદારી સોંપી. બીજા ગોપબાલો સાથે રમવાની ઘણી સામગ્રી ભેગી લઈને તેઓ ઘરેથી નીકળી પડતા. તેઓ ક્યારેક વાંસળી વગાડતા, તો વળી ક્યારેક ગોફણદાવ રમતા તો વળી ક્યારેક સામસામા પથ્થર ફેંકતા. ક્યારેક તો તેઓ પોતાની જાતને કાળા કામળાથી ઢાંકીને ગાયબળદની લડાઈની રમત રમતા. વળી ક્યારેક મોર, કોયલ અને વાંદરા જેવા પશુપક્ષીઓના અવાજની નકલ કરતા. આ રીતે સર્વ શક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ સામાન્ય બાળકો સાથે રમતો રમતા.

વત્સાસુર અને બકાસુરનો વધ

એક દિવસ શ્રીકૃષ્ણ અને બલરામ બીજાં ગોપબાળો સાથે યમુનાના કિનારે ગાયો ચરાવતા હતા. એ સમયે કંસે મોકલેલ વત્સાસુર નામનો એક રાક્ષસ શ્રીકૃષ્ણને મારવા માટે વાછડાનું રૂપ ધારણ કરીને ત્યાં આવ્યો અને બીજા વાછડાઓ સાથે ચરવા લાગ્યો. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની ચકોર આંખોથી તે બચી ન શક્યો. શ્રીકૃષ્ણે આંખોનો ઇશારો કરીને બલરામજીને એ રાક્ષસને દેખાડ્યો અને હળવે પગલે તેની પાસે પહોંચી ગયા. બન્નેએ એવો દેખાડો કર્યો કે જાણે તેઓ હૃષ્ટપુષ્ટ અને સુંદર વાછડા પર મોહી ન પડ્યા હોય! તેઓ ધીમે ધીમે એ વાછડા પાસે આવી ગયા અને પછી ભગવાન શ્રીકૃષ્ણે તેના પૂંછડા સાથે તેના પાછલા બન્ને પગને પકડીને તેને ઉપર હવામાં ઉલાળ્યો અને મરી ગયા પછી તેને એક વિશાળ વૃક્ષ પર ફેંકી દીધો. મરતી વખતે એ દૈત્યે પોતાનું મૂળ રાક્ષસી રૂપ ધારણ કર્યું. ગોપબાળો તો એ વિશાળકાય દૈત્યના મૃત શરીરને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ ‘વાહ, વાહ’ કહીને પોતાના પ્યારા કાનુડાની પ્રશંસા કરવા લાગ્યા.

એક દિવસ કૃષ્ણ અને બલરામ સવારે શિરામણ લઈને ગૌધન ચરાવવા નીકળ્યા. બપોરને સમયે તેઓ ધણને પાણી પીવરાવવા એક જળાશયને કિનારે લઈ ગયા. એ સ્થળે ગોપબાળોએ એક મોટા જીવને બેઠેલો જોયો. ગોપબાળો તો એને જોઈને ભયભીત થઈ ગયા. એ ‘બક’નામનો એક મોટો કદાવર રાક્ષસ હતો. અને બગલાનું રૂપ ધરીને ત્યાં આવ્યો હતો. એની ચાંચ ઘણી મોટી અને ધારદાર હતી. પોતે ઘણો બળવાન હતો. શ્રીકૃષ્ણને જોતાં જ તે તેને ગળી ગયો. જ્યારે ગોવાળિયાએ જોયું કે આ વિશાળકાય બગલો ભગવાન શ્રીકૃષ્ણને ઓગાળી ગયો છે ત્યારે તેઓ તો ભયથી બેહોશ જેવા થઈ ગયા. ભગવાન શ્રીકૃષ્ણને બગલાએ મુખમાં તો લીધા પણ તેના મુખમાં તેઓ આગના ગોળા જેવા બની ગયા અને તેના તાળવાને દઝાડવા લાગ્યા. આગના ગોળા જેવી આ બળતરા સહન ન થતાં એ બગલાએ શ્રીકૃષ્ણને ગળી જવા માટે ઘણા ક્રોધ સાથે પોતાની કઠોર અણીદાર ચાંચ એમને મારવા લાગ્યો. પણ આ તો શ્રીકૃષ્ણ હતા એમણે તો પોતાના બન્ને હાથે તેની બન્ને ચાંચ જોરથી પકડીને ચીરી નાખી. આ જોઈને ગોવાળિયાના આશ્ચર્યનો પાર ન રહ્યો.

આ રીતે શ્યામસુંદર શ્રીકૃષ્ણ ગોપબાળો સાથે કેટલીયે આંખમીંચામણી જેવી લીલા કરતા, વાંદરની જેમ ઊછળતા-કૂદતા અને ક્યારેક ક્યારેક અવનવી રમતો રમતા.

Total Views: 281

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.