શ્રીકૃષ્ણે કહ્યું છે : कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादय:।, ‘કર્મનો ત્યાગ કર્યા વિના (કે વનવાસ સેવ્યા વિના), જનક જેવા રાજાઓ સંસિદ્ધિને વર્યા છે ને તે પણ કર્મની વચ્ચે જ વસીને.’ लोकसंग्रहमेवापि संपश्यन् कर्तुमर्हसि।, ‘માનવસમાજની સ્થિરતા માટે પણ તારે કર્મ કરવું ઘટે.’ ધારો કે તમારી પોતાની કોઈ ઇચ્છાઓ તમને નથી. તમે મુક્ત છો. તમારે કર્મ કરવાની જરૂર જ નથી. છતાં તમારે કર્મ કરવાં જોઈએ કારણ કે બીજાઓને જરૂર છે; તમારે તેમને સહાય કરવાની છે. એને લોકસંગ્રહ કહેવાય; લોકસંગ્રહ એટલે ‘માનવ સમાજની સ્થિરતા.’ જગતનું કલ્યાણ, લોકસંગ્રહની નીતિ એ ગીતાની અદ્‌ભુત ભાવના છે. મારા સમાજમાં શા માટે કોઈએ દુ:ખી રહેવું જોઈએ ?

‘મારા સમાજના છેવાડાના માણસનાં આંસુ લૂછવા હું અહીં ઊભો છું,’ એમ ગાંધીજીએ કહ્યું હતું. ત્યાં પણ કર્મ ચાલુ જ છે પરંતુ એ પોતાને માટે નથી, બીજાના હિત માટે એ છે. ગીતામાં નીતિશાસ્ત્રની એ સુંદર વિભાવના છે; આ લોકસંગ્રહની વિભાવના. માત્ર આપણો સમાજ જ નહીં પણ આંતરરાષ્ટ્રિય સમાજ, સમગ્ર જગત વધુ સુખી, વધુ સંતુષ્ટ થાય તે કેવી રીતે કરવું ? કશા બદલાની આશા વિના હું કર્મ કરવા તત્પર છું, એ વલણ જોઈએ. એટલે શ્રીકૃષ્ણ ઉમેરે છે : लोकसंग्रहमेवापि, ‘માનવસમાજની સ્થિરતા સંપન્ન કરવા માટે પણ’, માનવીએ મૂંગા બની બેસી નહીં રહેવું જોઈએ. તમને આકાંક્ષાઓ ભલે ન હોય, બીજાઓના હિત માટે કર્મ કરો જ. આપણી પોતાની કઠણાઈઓ ભોગવતાં રહીને આપણે બીજાંઓ પ્રત્યે એટલી તો સહાનુભૂતિ દાખવવી જોઈએ. માટે કર્મ કરવાનું ચાલુ રાખો, એકમેકને સહાયરૂપ થાઓ. परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ।

આજે ભારતને પ્રેરનાર એક મહાન સત્ય હોવું જોઈએ તે છે આ परस्परं भावयन्त: ની ભાવના. સ્વાતંત્ર્યના આટ આટલા દાયકા દરમિયાન આપણે શું હાંસલ કર્યું છે ? આપણે નિરક્ષરતાને અને ભેંકાર ગરીબાઈને દૂર કરી શકયાં હોત. પણ ઉચ્ચ વર્ણોના બધા લોકો એટલા તો સ્વકેન્દ્રી બની ગયા કે એમણે બીજા કોઈની પરવા જ ન કરી. બધી કોલેજો, બધી શાળાઓ શહેરોમાં કે શહેરોની નજીક જ હોય. ગ્રામ્ય વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવી, કરોડો લોકોને એમની અસહાય દશામાં જ સબડતા રહેવા દેવામાં આવ્યા – પરિણામ એ આવ્યું છે કે આપણો વિકાસ એકાંગી થયો છે, દેખાવમાં શક્તિશાળી પણ માટીપગું. આપણી પાસે જગતમાંના ત્રીજા ભાગની વૈજ્ઞાનિક માનવશક્તિ હોવા છતાં, ત્રીસ કરોડ લોકો દારુણ ગરીબાઈથી પીડાય છે. એ વૈજ્ઞાનિક માનવશક્તિ શા કામની ? આ જાતની વૈચારિક ક્રાંતિ આપણામાં હવે આવી રહી છે. એથી ઘણો લાભ થશે.

આ સંદર્ભમાં આ બધી રાષ્ટ્રિય ચારિત્ર્યશક્તિને માટે અને આપણી માનવ-પરિસ્થિતિના ઉજ્જવલ પરિવર્તન માટે ગીતાનો આદર્શ ખૂબ પ્રેરક બની રહેશે. એટલે लोकसंग्रहमेवापि संपश्यन् कर्तुमर्हसि।, ‘લોકસંગ્રહના હેતુથી પણ આપણે પૂર્ણ શક્તિપૂર્વક કર્મ કરવું જોઈએ.’ સંગ્રહ એટલે રક્ષણ, કાળજી, અભ્યુદય વગેરે; લોક એટલે સામાન્ય પ્રજા; જે કરોડો ને કરોડો લોકો છે તેમનાં સુખ અને અભ્યુદયને લક્ષમાં રાખવું.

ગાંધીજીએ તે સમયની કોંગ્રેસના એક દેશભક્તને કહ્યું હતું : ‘કોઈ પ્રશ્ન બાબત તમારા મનમાં શંકા ઊઠે, ત્યારે એક મિનિટ શાંત થોભી જઈને, તમારી જાતને જ આ પ્રશ્ન પૂછો, ‘હું આમ કરીશ તો તેથી સમાજના સૌથી છેવાડાના માણસને લાભ થશે ?’ એ લાભકારક હોય તો તમારે એમ કરવું.’ ગાંધીજીએ એ પ્રકારનો આદર્શ આપ્યો હતો. કર્મની પસંદગી કેવી રીતે કરવી ? જાતને તગડી બનાવે તેવું કર્મ પસંદ કરી શકીએ. ના, જાતને પૂછો: ‘રંકમાં રંક અને નીચલામાં નીચલા સ્તરના લોકોનું કલ્યાણ એથી થશે ?’ તો એ તદૃન યોગ્ય થશે. આપણા રાષ્ટ્રને આવી વિચારણાની ઘણી જરૂર છે. આપણા ઉપલા વર્ગો ઘણા સ્વકેન્દ્રી બની ગયા છે. અને લોકસભામાં કોઈ સારી નીતિ સ્વીકારાય છે, તો એના અમલમાં દરેક સ્તરે દરેક કર્મચારી કક્ષાએ એમાંથી ચોરીનો ભાગ પડાવવામાં આવે છે અને ગરીબીરેખા નીચે જીવતા આપણા લોકો પાસે એમાંથી બહુ જ થોડું પહોંચે છે.

આ આપણો રોજિંદો અનુભવ છે. ગીતાના આ બોધને અને મનુષ્ય બનાવતા તથા રાષ્ટ્રઘડતર કરતા વિવેકાનંદ સાહિત્યને આપણે અપનાવીશું ત્યારે આ (કડવો અનુભવ) જશે. જનસામાન્યના કલ્યાણની આ લોકસંગ્રહની ભાવના વિરાટ છે અને આપણા ચિત્તમાં એ અભિગમ સતત રહેવો જોઈએ. અનેક ગામડાંમાં મેં જોયું છે કે ગામડાંના બળિયા લોકો જે કંઈ સારું હોય છે તે પોતાને માટે પચાવી પાડે છે અને ત્યાંના બીજા સામાન્ય પ્રજાજનોની જરાય દરકાર કરતા નથી. લોકો આમ વર્તે તો રાષ્ટ્રનો વિકાસ શી રીતે થાય ? માટે આપણા લોકોના ચિત્તમાં અને હૃદયમાં આ લોકસંગ્રહનું ચિંતન થોડું ઊતરવું જોઈએ.

પછી શ્રીકૃષ્ણ એક સામાન્ય સત્ય આપે છે. સમાજમાં જોવા મળે છે કે નાના માણસો મોટાઓનું અનુકરણ કરે છે. ધારો કે ગામડામાં કોઈ અગત્યનો માણસ છે. એ જે કંઈ કરશે તેને બીજાઓ અનુસરશે. સમાજમાં આ અનુકરણની, નકલની વૃત્તિ રહેલી છે. સમાજશાસ્ત્રમાં એનું અધ્યયન કરવામાં આવે છે.

એ છે : પ્રસિદ્ધ માણસોએ એવો દાખલો બેસાડવો જોઈએ કે જેઓ તેમની નકલ કરે તેઓ સમાજનું હિત કરે, અહિત નહીં. એટલે સમાજના પ્રતિષ્ઠિત લોકોએ પોતાના વર્તનનું એક ધોરણ રાખવું જોઈએ. શ્રીકૃષ્ણ આ વિષય ચર્ચે છે અને પોતાનો જ દાખલો આપે છે – આ અધ્યાયનો એ અતિ રસિક ભાગ છે. શ્રીકૃષ્ણ કહે છે :

यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन:।

स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते॥21॥

‘ચડિયાતો, મોટો માણસ જે કરે તેનું બીજાઓ અનુકરણ કરે; કર્મનું જે દૃષ્ટાંત એ પૂરું પાડે છે, તેને લોકો અનુસરે !’

श्रेष्ठ: એટલે, ‘ઊંચો હોદૃો ધરાવનાર; પૈસો, બુદ્ધિ, રાજકીય સત્તા આવું કંઈ જેની પાસે વધારે હોય તે ક્ષેત્રનો શ્રેષ્ઠ; એ જે કરે તેને અનુસરવા બીજાઓ કોશિશ કરે.’ માનવસમાજનું એ લક્ષણ છે; यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन:,  ‘એ વ્યક્તિ જે રીતિસર જીવે તેને બીજાઓ અનુસરે’, કેવી સુંદર વિભાવના ! પણ એ ખોટી રીતે પણ હોઈ શકે. એથી જ તો આજે ઉપર લાંચરુશવતની બદી છે, તે ઠેઠ નીચે સુધી પહોંચી છે. માટે ટોચ પરના લોકોનું વર્તન ઉચ્ચ પ્રકારનું હોવું જોઈએ. માનવસમાજની આપણી વિભાવના અનુસાર આગલી સદીઓમાં આપણી પાસે સુંદર ખ્યાલ અને વર્તન હતાં; સમાજનો શિરમોર બ્રાહ્મણ રંકમાં રંક હતો. આખો સમાજ સડામાં પતન પામ્યો ન હતો, ત્યાં લગી પોતાના આચરણનું અને વર્તનનું ઘણું ઉચ્ચ ધોરણ એણે જાળવી રાખ્યું હતું.        (ક્રમશ:)

Total Views: 401

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.