૧૮૯૪ના શિયાળામાં સ્વામીજીએ ડેટ્રોઈટમાં વ્યાખ્યાન આપ્યાં હતાં. મેરી સી. ફન્ક અને ક્રિસ્ટીન ત્યાં હાજર હતાં. તેમના શબ્દોમાં સ્વામીજી વિશેનાં સંસ્મરણો આપણે વાગોળીએ.

મકાન સુધી પહોંચતાં જ સર્વ પ્રથમ સ્વામીજીનો મધુર અને ગંભીર અવાજ સંભળાયો. તેઓ ઓસરીમાં એકત્ર થયેલા લોકોની સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. ‘ડેટ્રોઈટથી આવેલ બે મહિલાઓ’ને મળવા કહ્યું અને કેટલી મધુરતા સાથે સ્વાગત થયું!

સ્વામી વિવેકાનંદની સાથે એક જ ભવનમાં રહીને સવારના આઠ વાગ્યાથી મોડી રાત સુધી એમના ઉપદેશ સાંભળવાનો જીવનનો પરમ લહાવો મળ્યો. સ્વામીજીની સાથે નિવાસ કરવો ! એમના દ્વારા સ્વીકૃત થવું ! અમે અમારાં સ્વપ્નમાં સ્વામીજીની તલાશ કરી હતી; અને આજે એ ત્રણેય સાકાર થઈ ગયાં છે !

આહા ! સ્વામીજીના ઉદ્દેશ કેટલા ઉચ્ચભાવોથી પરિપૂર્ણ હતા ! ભૂતપ્રેત તેમજ વ્યર્થ વિષયો પર કોઈ ચર્ચા નહીં; તેઓ કેવળ ઈશ્વર, ઈશુ અને બુદ્ધ વિશે બોલતા હતા. અમને એવું લાગતું હતું કે હવે કોઈ માટે પોતાની જૂની અવસ્થામાં પાછા ફરવું અસંભવ હતું, કારણ કે સૌને સત્યની ઝલક મળી ચૂકી હતી.

જરા વિચાર તો કરી જુઓ, દરેક વખતે ભોજન સમયે, સવારના વર્ગાેમાં તેમજ રાતના ઓસરીમાં એકત્ર થઈને આકાશમાં ચિરકાળથી ચમકતાં નક્ષત્રરૂપી ચંદ્રબિંદુઓ નીચે બેસીને સ્વામીજીની વાતો સાંભળતાં રહેવું, એ કેટલા સૌભાગ્યની વાત છે ! બપોર પછી લોકો દૂર સુધી ટહેલવા જતાં અને સ્વામીજી સહજ ભાવે આક્ષરિત અર્થાેમાં ‘વહેતાં ઝરણાંના અવાજમાં શાસ્ત્રવાણી તથા પ્રસ્તરોની વચ્ચે ધર્મકથા સાંભળવાનું તથા સર્વત્ર બ્રહ્મદર્શન કરવાનું!’

વૃક્ષોમાં વાણી, વહેતાં ઝરણાંમાં શાસ્ત્રો, પથ્થરોમાં ઉપદેશ અને સર્વત્ર ઈશ્વરદર્શન!

સ્વામીજી કહે છે કે ડેટ્રોઈટ નામની કોઈ જગ્યા છે, એ પણ એ સમયે ભૂલી જઈએ. એનું તાત્પર્ય એ છે કે આ ઉપદેશો ગ્રહણ કરતી વખતે પોતાના મનને વ્યક્તિગત વિચારોથી ઢાંકી દેવા ન જોઈએ. તૃણથી માંડીને મનુષ્ય, અરે, દુષ્ટ માનવથી માંડીને દરેક વસ્તુમાં ઈશ્વરને જોવાનો ઉપદેશ અપાઈ રહ્યો છે. પોતાના વાર્તાલાપમાં તેઓ ઠીક ઠીક પ્રમાણમાં દૂર નીકળી જાય છે, પરંતુ હંમેશાં ‘ઈશ્વરને મેળવી લો, બાકીનું બધું અસાર છે’ એ જ મૂળભૂત વસ્તુ પર પાછા આવી જાય છે.

અહીં એક છે કેમ્બ્રિજના ડૉ. રાઈટ. તેઓ ઘણા સુસંસ્કૃત છે અને વચ્ચે વચ્ચે અત્યંત આનંદ-પ્રમોદની સૃષ્ટિ રચી દે છે. તેઓ વર્ગ દરમિયાન ઉપદેશોમાં એટલા તન્મય બની જાય છે કે સહજભાવે દરેક વર્ગને અંતે તેઓ પૂછી બેસે છે, ‘‘સારું, તો સ્વામીજી, અંતે ‘હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું’ આ જ નિષ્કર્ષ નીકળ્યો ને ?’’ સ્વામીજી ધીમું હસતાં હસતાં ધીરેથી એનો ઉત્તર આપતા, ‘હા ડોક્ટર, તમે પોતાના અસ્તિત્વના વાસ્તવિક સારરૂપે બ્રહ્મ છો, પૂર્ણ છો !’ પછી જ્યારે ડોક્ટર ભોજનના ટેબલ પર થોડા ઘણા મોડા આવે છે, ત્યારે સ્વામીજી પરિહાસપૂર્વક આંખો પટપટાવીને ગંભીરતાથી કહે છે, ‘લો, આ બ્રહ્મ આવી ગયા, પૂર્ણ આવી ગયા !’

સ્વામીજીના વ્યંગ-વિનોદ ઘણા રોચક હોય છે. ક્યારેક ક્યારેક તેઓ કહે છે, ‘હવે હું તમારા માટે ભોજન બનાવીશ!’ તેઓ રાંધણકળામાં નિપુણ છે, એમનું બનાવેલું ભોજન ઘણું સ્વાદિષ્ટ હોય છે. આવા પ્રસંગે આનંદનું તો જાણે એક તોફાન આવી જાય છે. સ્વામીજી રેલગાડીના વેય્ટરોની જેમ પોતાના હાથ પર એક ટુવાલ લટકાડીને, ઊભા થઈને બરાબર એની જ નકલ કરીને મોટે અવાજે બોલે છે, ‘Last call for the dining car. Dinner served – ભોજનયાનનો અંતિમ સાદ. જમવાનું પીરસાઈ ગયું છે.’ આવું સાંભળીને ભલા કોણ હસ્યા વિના રહી શકે ? સ્વામીજી દરેકની વ્યક્તિગત વિશેષતાઓને ચોક્કસપણે પકડી લે છે. પરંતુ તેઓ તેના પર વ્યંગ કે કટાક્ષ નથી કરતા, કેવળ વિનોદ કરે છે.

એક દિવસ સંધ્યા સમયે વરસાદ વરસતો હતો. બધાં રહેવાના ઓરડામાં જ બેઠાં હતાં. સ્વામીજીએ પતિવ્રતા ધર્મના આદર્શને સમજાવતા સીતાની કથા સંભળાવી. તેઓ કેવી અનન્ય રીતે વાર્તા કહી શકે છે! બધાં ચરિત્ર જાણે આપણી આંખ સામે સજીવ બની ઊઠે છે! મનમાં એવો વિચાર આવ્યો કે પાશ્ચાત્ય સમાજની કેટલીક પ્રતિષ્ઠિત સુંદર નારીઓ જે પુરુષોને લલચાવવાની કળામાં નિપુણ છે; તે બધી સ્વામીજીની દૃષ્ટિએ કેવી લાગતી હશે? ઠીક ઠીક વિચાર કરી જોયા પહેલાં જ મુખમાંથી આ પ્રશ્ન નીકળ્યો! પરંતુ સ્વામીજીએ પોતાની વિશાળ અને ગંભીર આંખોથી શાંત ભાવે અને ધીરતાપૂર્વક કહ્યું, ‘જો, વિશ્વની સર્વશ્રેષ્ઠ સુંદરી પણ નિર્લજ્જતા અને અનારીસુલભ ભાવથી મારા તરફ જુએ તો એ જ ક્ષણે એ મારી દૃષ્ટિએ એક બીભત્સ લીલી દેડકીમાં પરિણત થઈ જતી અને તમે જાણો છો કે દેડકીના સૌંદર્યનું કોઈ પ્રશંસક હોતું નથી.’

સ્વામીજીએ ક્રિસ્ટીનને ભારતીય કાર્ય માટે ઉપયુક્ત પાત્રના રૂપે પસંદ કરી લીધાં હતાં. એનાથી તેઓ ખૂબ પ્રસન્ન હતાં. મારા મનમાં ધૂંધળી ધારણા હતી કે આધ્યાત્મિક ઉન્નતિ કરવા ગુફાવાસ અને ભગવાં કપડાં પહેરવાં આવશ્યક છે. આ કેવી મૂર્ખતા હતી અને સ્વામીજી કેવા વિવેકશીલ હતા! તેમણે કહ્યું, ‘તમે ગૃહસ્થ છો. ડેટ્રોઈટ પાછાં જાઓ, તમારા પતિ અને પરિવારમાં જ ઈશ્વરનું દર્શન કરો. આ જ તમારો માર્ગ છે.’

દરરોજ બપોર પછી દૂર દૂર સુધી ટહેલવા જવાનું. સૌથી પ્રિય રસ્તો છે, મકાનની પાછળની ટેકરીની નીચે ઊતરીને ગામનો રસ્તો પકડીને નદી સુધી જવું. એક દિવસ એ માર્ગે જતી વખતે એકાએક કોઈક જંગલી બિલાડીની દુર્ગંધ આવી. ત્યાર પછીથી ફરવા નીકળતી વખતે સ્વામીજી કહેતા, ‘શું આપણે પણ આ દુર્ગંધભર્યા માર્ગે ટહેલવા નીકળી પડ્યા?’ ચાલતી વખતે વચ્ચે વચ્ચે ઊભા રહીને સ્વામીજીની ચોતરફ ઘાસ પર બેસી જઈએ છીએ અને એમની અપૂર્વ વાતો સાંભળ્યા કરીએ છીએ. એક પક્ષી, એક પુષ્પ, એક પતંગિયાને જોઈને જ એમની વાતો શરૂ થઈ જાય છે અને તેઓ વેદોની કથાઓ અથવા ભારતીય કાવ્ય સંભળાવવા માંડે છે. એક કવિતા આ પંક્તિથી આરંભાઈ હતી : ‘એનાં નેત્રો જાણે કમળ પર બેઠેલા ભ્રમર સમાન છે.’ એમના મત પ્રમાણે અમારા દેશની મોટા ભાગની કવિતાઓ અત્યંત સાધારણ ભાવોની છે; એમના દેશની કવિતાઓની જેમ સૂક્ષ્મ અને ઉદાત્ત ભાવોવાળી નથી.

અંતિમ દિવસ અત્યંત અદ્‌ભુત અને મૂલ્યવાન હતો. લગભગ અરધોક માઈલ એ ટેકરી પર ચડતાં રહ્યાં. ચારે તરફ વન તથા નીરવતાનું સામ્રાજ્ય છવાયું હતું. પછી એમણે એક નીચી ડાળવાળા વૃક્ષને પસંદ કર્યું અને એની ઝૂકેલી ડાળીઓ નીચે બેઠાં. તેઓ એકાએક બોલી ઊઠ્યા, ‘હવે આપણે ધ્યાન કરીશું. આપણે બોધિવૃક્ષ નીચે બેઠેલા બુદ્ધની જેમ થઈ જઈશું.’ જાણે કે કોઈ કાંસાની મૂર્તિ હોય એવા નિશ્ચલભાવથી તેઓ બેઠા. પછી આંધી આવી અને વરસાદ પણ વરસવા લાગ્યો. પરંતુ આ બધાંનું એમને જ્ઞાનભાન ન હતું. થોડા જ સમયમાં દૂરથી આવતા મોટા સાદ સાંભળ્યા. બાકીના લોકો વરસાદમાં કામ આવે તેવાં કોટ અને છત્રીઓ લઈને શોધવા નીકળી પડ્યા હતા. પાછું જવાનું હતું એટલે સ્વામીજીએ આંખો ખોલીને ખેદપૂર્વક ચારે તરફ જોયું અને બોલ્યા, ‘શું એક વાર ફરીથી હું કોલકાતાના વરસાદમાં આવી ચડ્યો છું?’

મારી આ સંક્ષિપ્ત સ્મૃતિઓ ૧૮૯૪થી શરૂ થઈ અને સમાપ્ત કરી ત્યારે કેલેન્ડર બતાવે છે કે આજે ૧૪ ફેબ્રુઆરી ૧૯૨૫નો દિવસ છે. બરાબર ૩૧ વર્ષ !

એટલું મનમાં ઊતર્યું છે કે તેઓ આત્માના મહિમા તથા આલોકને પ્રગટ કરવા અવતર્યા હતા. મનુષ્યની સીમાઓ સ્વયં એના દ્વારા જ નિર્મિત થઈ છે. ‘તમારા હાથમાં દોરી છે, જે તમને સતત ખેંચે છે, મિત્ર !’ આ જ હતું કેન્દ્રીયસૂત્ર જે સ્વામીજીના બધા ઉપદેશોમાં વ્યાપ્ત હતું.

અત્યંત કષ્ટ સ્વીકારીને પણ જેના પર પોતે ચાલ્યા હતા એ દેખાડવાનો એમણે પ્રયત્ન કર્યો. ૩૧ વર્ષો પછી સ્વામીજી ચેતનામાં એ વિરાટ મૂર્તિના રૂપે ભાસે છે – બંધનોના એક એવા ઉન્મોચક, કે જેઓ જાણતા હતા કે ક્યારેય કયાંય છૂટ ન દઈ શકાય. અગ્નિ અને જ્વાલાથી યુક્ત તે વ્યક્તિ, પોતાની અગ્નિમય બેધારી તલવાર લઈને પૂર્વમાંથી આવી. કેટલાક લોકોએ તેમનું સ્વાગત કર્યું અને જેમણે એમને સ્વીકાર્યા તેમને એમણે શક્તિ પ્રદાન કરી. આવા હતા વિવેકાનંદ !

Total Views: 348

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.