‘આ સંસારની કોઈપણ વસ્તુ કરતાં ધર્મ વધારે સહેલાઈથી લઈદઈ શકાય છે.’

‘ઈશ્વરને કેવી રીતે જાણવો?’

‘તેનું રોજ રોજ નામસ્મરણ કરીએ, એટલે આપણે તેની વધુ ને વધુ પાસે જઈ શકીએ.’

‘પણ એવું કેમ બની શકે ? સંસારમાં કેટલાં બધાંં કામો આપણે કરવાં પડે છે !’

‘માથા પર પાણીના કેટલાય ઘડાઓ મૂકીને ઘેર પાછી ફરતી ગામડાની છોકરીઓને તમે જોઈ છે ને ? આખે રસ્તે તેઓ વાતો કરતી જાય અને ખીખી કરતી હસતી જાય ! કુટુંબની વાતો, પાડોશીઓની કૂથલી- બધું ચાલે, પણ તેમનું ધ્યાન તો સતત માથા પરના બેડાંમાં હોય. એ પડે નહિ તેનો એ લોકો બરાબર ખ્યાલ રાખે. એવી જ રીતે, જે માણસને ઈશ્વર મેળવવો હોય તેણે હંમેશાં પોતાના મનમાં તેવો જ વિચાર કરવો જોઈએ.’

અઘરા પ્રશ્નોના સહેલા ને સચોટ જવાબ આપવા ટેવાયેલ શ્રીરામકૃષ્ણ આપણા યુગપુરુષ સ્વામી વિવેકાનંદના ગુરુદેવ ! એમણે ઉપર સમજાવ્યું તેમજ ઈશ્વરને ભેગા ને ભેગા રાખ્યા, શ્ર્વાસે શ્ર્વાસમાં રાખ્યા અને તેથી તેઓ સ્વયમ્ પૂર્ણાવસ્થાએ પહોંચી ગયા.

પ્રો. મેક્સ મૂલરે પોતાના લેખ ‘એક સાચા મહાત્મા’માં કહ્યું છે : ‘શ્રીરામકૃષ્ણનું જીવન મનોરંજક છે, કારણ કે તેમનું જીવન પોતે કરેલ ઉપદેશોનો જીવતો જાગતો નમૂનો છે. તેમના જીવનમાં આપણે જે જે બાબતો વિશે અગાઉ કંઈ સાંભળ્યું છે, તેવી બાબતો નવા દૃષ્ટિકોણથી જોવા મળે છે.’ પ્રોફેસરની આ વાતને સમજવા એક જીવનદૃષ્ટાંત લઈએ :

ભારતમાં જ્યારે જ્યારે નવા સુધારાઓ દાખલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો, ત્યારે 1836ની 18 ફેબ્રુઆરીએ એક બ્રાહ્મણ દંપતીને ત્યાં બંગાળના એક દૂર દૂરના ગામડા કામારપુકુરમાં આ બાળકનો જન્મ થયો. બાલ્યાવસ્થામાં જ પિતા ગુમાવ્યા. પછી તેને પાઠશાળામાં દાખલ કરવામાં આવ્યો. પાઠશાળામાં જવાનું જ્ઞાતિના બંધન અનુસાર ફરજિયાત હતું. અહીં શિક્ષણ માટે કોઈપણ જાતની ફી આપવી ન પડતી. ગુરુજનો કંઈ પણ લીધા વિના શિષ્યોને દાખલ કરતા અને તેમને અન્નવસ્ત્રો પણ પૂરાં પડાતાં. શ્રીમંત માણસો આ આચાર્યોને મદદ કરવા વિવાહ કે શ્રાદ્ધ વખતે તેમને દક્ષિણા આપતા. શ્રીમંતો ગુરુજનોને દાનદક્ષિણા આપે અને તેમાંથી તેઓ છાત્રોનું ભરણપોષણ કરે ! પ્રસંગે ગુરુજનો મળે ને શાસ્ત્રના વિવિધ વિષયો પર ચર્ચા થાય – વાદવિવાદ થાય. તેમાંથી જે સૌથી વધુ વિદ્વત્તા દેખાડે તેને સૌથી સરસ વસ્ત્રો મળે ! આવા વાદવિવાદ વખતે એક નાનું બાળક ત્યાં જઈ ચડ્યું. એ તો ભારે વિલક્ષણ, તેણે આ વાદવિવાદમાંથી એટલો સાર કાઢ્યો કે વિદ્વાનોના કોરા, પુસ્તકિયા જ્ઞાનનું ફળ આ વાદવિવાદ છે. આ બધા કેવળ દક્ષિણા માટે આમ ઘાંટા પાડીને ઝઘડી રહ્યા છે! શ્રીરામકૃષ્ણે નાની વયે આવો સાર કાઢ્યો કે ‘હવે હું પાઠશાળામાં બિલકુલ જઈશ નહીં.’

કુટુંબને ઉદરપૂરણની જરૂર તો હતી. તેના મોટા ભાઈ બહુ મોટા વિદ્વાન હતા. તેમણે રામકૃષ્ણને કોલકાતામાં ગંગાકિનારે દક્ષિણેશ્ર્વર સ્થિત રાણી રાસમણિએ બંધાવેલા મા કાલીના મંદિરમાં પૂજારી તરીકે રખાવ્યા. તેઓ ત્યાં પૂજાદિ કાર્ય કરવા લાગ્યા. પણ ત્યાંની આનંદમયી જગન્માતાની મૂર્તિને નિહાળીને તેમને વિચાર આવવા લાગ્યા કે, ‘શું આ મૂર્તિમાં ખરેખર માતાજી છે ? શું એ ખરું છે કે આ વિશ્વનો બધો વ્યવહાર તેઓ ચલાવે છે ? કે પછી એ બધું સ્વપ્નવત્ મિથ્યા જ છે ? ધર્મની અંદર ખરેખર સત્ય રહેલું છે ?’

સ્વામી વિવેકાનંદે ન્યૂયોર્કમાં એક પ્રવચનમાં જાહેરમાં કહ્યું કે, ‘મારા ગુરુદેવ એક સાવ સામાન્ય મનુષ્ય જેવા દેખાતા. તેમનામાં કોઈ વિશેષતા હોય એવું લાગતું નહોતું. તેઓ બહુ સાદી ભાષાનો પ્રયોગ કરતા. એ વખતે મને આશ્ચર્ય થતું કે, ‘શું આ પુરુષ ખરેખર મહાજ્ઞાની છે ?’ હું જે પ્રશ્ન સૌને પૂછીને નિરાશ થતો તે જ પ્રશ્ન ધીમેથી તેમની નજીક જઈને બેઘડક પૂછી નાખ્યો, ‘મહાશય ! ઈશ્વર છે તેવા આપના દૃઢ વિશ્વાસને આપ કેવી રીતે સિદ્ધ કરી આપો ?’ મારા ગુરુદેવે એક પળનોય વિલંબ કર્યા વિના કહ્યું, ‘જેમ તને અહીં જોઉં છું અને વળી તેના કરતાં વધુ સ્પષ્ટપણે હું તેને જોઉં છું.’ આ જવાબની એવી અસર થઈ કે હું તેમને સમર્પિત થઈ ગયો. કેવળ એક જ સ્પર્શ કે દૃષ્ટિ આખા જીવનને પલટી નાખી શકે, તેવું મેં અનુભવ્યું.’ માત્ર 46 પાનાંનું એક નાનકું પુસ્તક ‘મારા ગુરુદેવ’ એ સ્વામી વિવેકાનંદના ન્યૂયોર્ક પ્રવચનની તેમની જ વાણીમાં નોંધ છે. તેની સાર નોંધ કાફી છે. ‘જેણે પાઠશાળામાં શિક્ષણ લીધું ન હતું, એવા બંગાળના દૂરના ગામડામાં જન્મેલા આ મહાપુરુષે પોતાના દૃઢ નિશ્ર્ચયના જોરે સત્યની ઉપલબ્ધિ કરી, તેનું બીજાઓને દાન કર્યું અને એ સત્યને જીવતું રાખવા માટે પાછળ થોડા નવયુવકોને મૂક્તા ગયા.’ શ્રીઠાકુરને સમજવા માટે સ્વામીજીના શબ્દોથી બીજું વધુ શું હોઈ શકે ?

Total Views: 291

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.