‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વધર્મ-પરિષદમાં પોતાના ભાષણનો પ્રારંભ કર્યો અને વિશાળ હોલમાં ઉપસ્થિત લગભગ ૪૦૦૦ શ્રોતાઓએ ઉત્સાહના અતિરેકમાં પોતાની જગ્યા પર ઊભા ઊભા તાળીઓના ગડગડાટથી સ્વામીજીને વધાવી લીધા. વિશ્વધર્મ-પરિષદ ઉન્મત્ત થઈ ગઈ. જય જયકારની તાળીઓ લગભગ ૨ મિનિટ સુધી વાગતી રહી. તાળીઓનો ગડગડાટ ઓછો થયા બાદ સ્વામી વિવેકાનંદે વિશ્વના પ્રાચીનતમ ધર્માચાર્યો અને વૈદિક ઋષિઓ વતી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીને વિશ્વને ધર્મ, સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકારનો બોધ દેનાર હિંદુ ધર્મને બધા જ ધર્મોની જનેતા રૂપે ઓળખાવીને પોતાના વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. આ વ્યાખ્યાન લગભગ પાંચ મિનિટનું હતું. પણ તેની સાર્વભૌમિકતા, ગાંભીર્યપૂર્ણ વિચારની મૌલિકતા અને ઉદાત્ત માનસિક ભાવનાએ સંપૂર્ણ મહાસભાને વશીભૂત કરી લીધી. વિશ્વ-ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું.

ગુલામ ભારતનો એક અજ્ઞાત પરિવ્રાજક અચાનક વિશ્વપ્રસિદ્ધ થઈ ગયો. શિકાગોની ગલીઓમાં સ્વામી વિવેકાનંદના પૂરા કદનાં ચિત્રો લગાવાયાં. બે દિવસ પૂર્વે સ્વામીજીને એક અજ્ઞાત, અસહ્ય, નિર્વાસિત વ્યક્તિની જેમ શિકાગો-રેલવે સ્ટેશનના માલગાડીના ડબ્બામાં રાત વિતાવવી પડી હતી. તેને બદલે હવે ધનવાનોના મહેલોનાં દ્વાર તેમના શાનદાર સ્વાગત માટે ખૂલી ગયાં. વિશ્વ-ઇતિહાસમાં ક્યારેય કોઈ વ્યક્તિએ આવી અનન્ય પ્રસિદ્ધિ આટલા ટૂંકા ગાળામાં નહીં મેળવી હોય.

અમેરિકાનાં અત્યંત પ્રસિદ્ધ અને રૂઢિવાદી સમાચારપત્રોએ તેમને એક ‘પયગંબર’ અને ‘ભવિષ્યદ્રષ્ટા’ના રૂપે આલેખ્યા. ત્યાંના પ્રખ્યાત સમાચારપત્ર ‘ન્યૂયોર્ક હેરાલ્ડે’ લખ્યું, ‘ધર્મસભામાં ભાગ લેવાવાળા પ્રતિનિધિઓમાં બેશક સૌથી મહાન સ્વામી વિવેકાનંદ હતા. એમને સાંભળ્યા પછી આપણને લાગે છે કે આવા જ્ઞાની દેશમાં આપણા ધર્મપ્રચારકો (મિશનરીઓ)ને મોકલવા એ કેટલી મૂર્ખતા છે!’ ન્યૂયોર્કથી પ્રકાશિત ‘ક્રિટિક’માં તેમને ‘દૈવી અધિકારપ્રાપ્ત વક્તા – An Orator By Divine Rights’ કહેવામાં આવ્યા. બધાં જ સમાચારપત્રોએ તેમનાં સંપૂર્ણ ભાષણને ઉદ્ધૃત કર્યાં. અમેરિકાનાં પ્રખ્યાત સમાચારપત્રો – ‘રધરફોર્ડ અમેરિકન’, ‘ધ બાૅસ્ટન ઇવનિંગ ટ્રાંસ્ક્રિપ્ટ’ અને ‘ધ શિકાગો ટ્રિબ્યુન’માં સ્વામી વિવેકાનંદ વિશે વિસ્તારથી માહિતીસભર લેખો લખવામાં આવ્યા.

ધર્મસભાના વિજ્ઞાનવિભાગના અધ્યક્ષ શ્રી મરબીન મેરી સ્નેલે લખ્યું, ‘એક પણ ધર્માચાર્યે ધર્મમહાસભા અને અમેરિકનો પર એટલો મોટો પ્રભાવ ન પાડ્યો, જેટલો કે હિંદુ ધર્મે; અને તેમાં પણ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હતા, હિંદુ ધર્મના પ્રતિનિધિ સ્વામી વિવેકાનંદ. તેઓ બેશક સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ પ્રભાવશાળી હતા.’

પણ આ માત્ર વ્યક્તિગત વિજય અને ગૌરવ ન હતો. ભારતીય સંસ્કૃતિ અને ધર્મ-પ્રતિષ્ઠા ગગનચુંબી બની ગયાં. ભારત એક ગુલામ દેશ, જેને અંધવિશ્વાસોથી ભરપૂર, અસભ્ય ગણવામાં આવતો હતો, તે શાશ્વત જ્ઞાનનો ભંડાર ગણાવા લાગ્યો. આ દેશ વિશ્વધર્મની પવિત્ર ભૂમિ બની ગયો. સમસ્ત વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું સન્માન થવા માંડ્યું. અમેરિકાવાસીઓની દૃષ્ટિ પણ બદલાવા માંડી. તેમને કટ્ટર ખ્રિસ્તી મિશનરીઓએ સમજાવી દીધું હતું કે જ્યાં સુધી ભારતના અજ્ઞાની જનસમૂહમાં બાઇબલ નહીં મોકલવામાં આવે, ત્યાં સુધી તેમના ઉદ્ધારનો કોઈ ઉપાય નથી. અને આ કાર્ય માટે તેમણે વિચિત્ર વાર્તાઓ ઉપજાવી કાઢી હતી, જેનું સચિત્ર વર્ણન બાળકોનાં પુસ્તકોમાં કરવામાં આવતું. ભારતમાં એક ખ્રિસ્તી મિશનરીએ અમેરિકન બાળકો માટે ‘ઘરમાં બાળકો માટેનાં ગીત – Songs For the Little Ones At Home’ નામના પુસ્તકમાં એક એવું ગીત અંગ્રેજીમાં આપ્યું હતું. અહીં આ ગીત ગુજરાતીમાં આપીએ છીએ.

જરા જુઓ તો ખરા, એક અંધ પૂજાને વરેલી મા,

અરે, મા પોતાના વ્હાલાને, વહાવે ગંગધારામાં!

બાળકનું ક્રંદન બને છે અરણ્ય રુદન,

અરે ગંગાનાં નીરે ય થરથરે, થંભે,

જ્યાં જળનો મગર આ કોમળને ક્રૂર દાંતથી પીસે.

બાળ રુદન શમે કરુણ ઘેરે સ્વરે,

અહીં માનું હૃદય ન હલે,

વહાલાના મૃત્યુક્રંદને, જડવત્ રહે!

આ તે મા, ગોઝારી મા, કેવી મા!

આ પ્રેમહૃદય વિહોણી માને,

ખપે છે ભાઈ, બાઇબલ જ, એક બાઇબલ જ.

એને હૃદયે દીવડો કરશે એનો સંદેશ

અને એ જ સર્જશે વ્હાલા માટે વખ ખાતી મા.

આ કવિતા દ્વારા ખ્રિસ્તી પ્રચારકોએ અમેરિકામાં ભારતીય સંસ્કૃતિ વિશેની ગેરસમજ ફેલાવવામાં કેવો ભાગ ભજવ્યો હતો, તેનો સંકેત આપે છે. ભારત વિશે અમેરિકન પ્રજાના મનમાં પેસી ગયેલી ભાતભાતની વિચિત્ર-ભ્રામક ધારણાઓને દૂર કરવા માટે સ્વામી વિવેકાનંદજીને એકલા હાથે વીરતાપૂર્વક લડવું પડ્યું હતું.

૧૮૫૮માં અમેરિકામાં એક પુસ્તક ‘India and Its Inhabitants – ભારત અને તેના નિવાસીઓ’ પ્રથમવાર પ્રકાશિત થયું. એમાં ભારત વિશે ઘણી જૂઠાણાભરી વાર્તાઓ આપવામાં આવી હતી. સાથે ને સાથે રેખાચિત્રો આપવામાં આવ્યાં હતાં. એકમાં કેવી રીતે મા પોતાનાં બાળકને ગંગામાં નાખી દે છે અને મગર તેને ખાઈ જાય છે, એની વાત છે. બીજામાં એક જીવતી સ્ત્રીને તેનો પતિ કેવી રીતે બાળી નાખે છે, એની વાત અને ત્રીજા ચિત્રમાં અંધવિશ્વાસી એક માતા પોતાનાં બાળકોને પક્ષીઓના ભોજન માટે ફેંકી દે છે, વગેરે.

ડેટ્રોઈટમાં એક ચર્ચમાં વ્યાખ્યાન આપતી વખતે સ્વામીજીને આવો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું હિંદુ માતાઓ પોતાના શિશુઓને નદીમાં નાખી દે છે કે જેથી મગર તેને ખાઈ જાય? સ્વામીજી તો હાજર જવાબી હતા. તેમણે વિનોદપૂર્વક કહ્યું, ‘હા, મેડમ, મને પણ મારી માએ ફેંકી દીધો હતો. પણ હું એટલો જાડો હતો કે મગરે મને ખાવાનો ઇન્કાર કરી દીધો!’ તત્ક્ષણ ગંભીર થઈને ગર્વપૂર્વક તેમણે વિજયની મુદ્રામાં કહ્યું, ‘પણ સજ્જનો અને સન્નારીઓ, હું આપને ખાતરી આપું છું કે અમે કોઈ દિવસ (તમારી જેમ) ડાકણોને સળગાવી નથી.’ આ સાંભળીને સભા શાંત થઈ ગઈ અને સ્વામીજીના આ વિજયને લોકોએ વધાવી લીધો.

‘ધ ટાઈમ્સ હિસ્ટોરિયન્સ હિસ્ટરી ઓફ ધ વર્લ્ડ’ (ભાગ-૨, પૃ.૫૪૭-૪૮) નામના પુસ્તકમાં ધર્મ-મહાસભામાં બનેલ એક ઘટના વર્ણવી છે. એ દર્શાવે છે કે સ્વામીજી ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે કેવી મક્કમતાથી લડતા હતા. એકવાર ભાષણ કરતી વખતે સ્વામીજીએ અધવચ્ચે જ ઉપસ્થિત શ્રોતાઓને પૂછ્યું કે જેમણે હિંદુઓનાં ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય અને આ રીતે હિંદુ ધર્મ વિશે પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેઓ પોતાનો હાથ ઊંચો કરે. ફક્ત ત્રણ-ચાર હાથ જ ઊંચા થયા. જો કે શ્રોતાઓમાં ઘણા દેશના આગેવાન, ધર્મગુરુઓ, વિદ્વાનો હાજર હતા. શ્રોતાઓ તરફ દયાભરી નજર કરીને સ્વામીજી ટટ્ટાર ઊભા થઈ ગયા અને કહ્યું, ‘અને છતાં તમે લોકો અમારી ટીકા કરવાની હિંમત કરો છો!’ એવા ધીરગંભીર સ્વરમાં આ થોડા શબ્દો ઉચ્ચારાયા હતા કે બધા શ્રોતાઓને આ ઠપકો હાડોહાડ લાગી ગયો હશે.

શિકાગોના ધારાશાસ્ત્રી અને ધર્મસભાના મુખ્ય આયોજક શ્રી ચાર્લ્સ કેરોલ બોનીના મતે ધર્મસભાનો ઉદ્દેશ હતો : વિશ્વના મહાન ધર્મોના નેતાઓને એકત્ર કરીને, વિચારોનું આદાન-પ્રદાન કરીને સર્વધર્મ વચ્ચે સંવાદિતા સ્થાપવી. પણ વાસ્તવિક રીતે તો તેનો મૂળ ઉદ્દેશ એ હતો કે વિશ્વમાં ખ્રિસ્તી ધર્મ જ સૌથી મહાન છે, એવી માન્યતા સૌનાં મનમાં ઠસાવી દેવી. પણ થઈ ગયું ઊંધું! વિશ્વમાં સનાતનધર્મનો ડંકો વાગી ગયો. લોકો હિંદુ ધર્મની વૈજ્ઞાનિકતા, વિશાળ ઉદારતા અને સાર્વભૌમિકતાથી પ્રભાવિત થઈ ગયા. શ્રીઅરવિંદે કહ્યું : સ્વામી વિવેકાનંદના વિદેશગમનનો પહેલો સંકેત હતો – ભારત જાગૃત હતું, માત્ર બચવા ખાતર નહીં, પણ જીતવા માટે.

૧૮૯૩ના મે માસમાં સ્વામીજી જયપુરથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની મુલાકાત તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી સાથે આબુ રોડ સ્ટેશન પર થઈ ગઈ. ત્યારે સ્વામીજીએ તેમના ગુરુભાઈને કહ્યું હતું, ‘મારો અંતરાત્મા મને કહે છે કે વિશ્વધર્મ-પરિષદ (પોતાના શરીર તરફ આંગળી ચીંધીને) આને માટે ભરાઈ રહી છે. અને તમે નજીકના ભવિષ્યમાં જ એ સાચું પડેલું જોશો.’ અને ખરેખર એમ જ બન્યું. શિકાગોની વિશ્વધર્મ-પરિષદના અધ્યક્ષ પાદરી જહોન હેનરી બેરોઝે પણ, જેઓ પોતે કટ્ટર મિશનરી હતા, ધર્મસભા વિશે બે ભાગમાં પ્રકાશિત મહત્ત્વપૂર્ણ પુસ્તક The World’s Parliament of Religionsમાં આ વાતનો સ્વીકાર કર્યો કે સ્વામી વિવેકાનંદ આ ધર્મસભાના સૌથી વધુ પ્રસિદ્ધ વ્યક્તિઓમાંના એક હતા.

ડાર્વિનના મતવાદથી ધર્મજગતમાં ખડભળાટ મચી ગયો હતો. અને પાશ્ચાત્ય દેશના લોકો જ્યારે ધર્મમાં શ્રદ્ધા ગુમાવી રહ્યા હતા ત્યારે પહેલીવાર તેમણે આ ધર્મસભામાં સ્વામીજીના મુખે એક વૈજ્ઞાનિક ધર્મની, વેદાંતની વાત સાંભળી. એની ફિલસૂફીનાં આધ્યાત્મિક ઉડ્ડયનો એટલાં ઉચ્ચ છે કે આધુનિકતમ વૈજ્ઞાનિક શોધખોળો તો તેના પ્રતિધ્વનિ જેવી લાગે છે.

પાશ્ચાત્ય જડવાદી સભ્યતાના વિષથી સંતપ્ત અમેરિકનોને ધર્મસભામાં સ્વામી વિવેકાનંદે પહેલીવાર વેદાંતના અમૃતનો ઘૂંટડો પિવડાવ્યો. મેરી લૂઈ બર્કે લગભગ ૪૦ વર્ષોના કઠિન શોધકાર્ય પછી લખેલ પોતાના પુસ્તક Swami Vivekananda in the West – New Discoveries (છ ભાગ)માં વિસ્તારથી વર્ણન કર્યું છે કે અમેરિકા અને અન્ય પાશ્ચાત્ય દેશોમાં આધ્યાત્મિક જાગૃતિ લાવવા કેટલો અથાક પરિશ્રમ સ્વામી વિવેકાનંદને કરવો પડ્યો હતો. શું અમેરિકન પ્રજાએ વેદાંતના આ અમૃતના પ્યાલાની ભેટ સ્વીકારી? ઇલેનેર સ્ટાર્ક તાજેતરમાં પ્રગટ થયેલ પોતાના પુસ્તક The Gift Unopened – A New American Revolutionમાં કહે છે, ‘હા, સ્વીકારવાનો થોડો પ્રારંભ તો થયો હતો ૧૦૦ વર્ષ પહેલાં. પણ આ અમૂલ્ય ભેટ આજે પણ અકબંધ છે.’ વર્તમાન સમાજની કફોડી સ્થિતિમાં વેદાંતની આ ભેટ કેટલી ઉપયોગી છે અને તેના દ્વારા અમેરિકામાં આધ્યાત્મિક ક્રાંતિનું કેવું બીજારોપણ થઈ ગયું છે, તેનું સવિસ્તર વર્ણન આ પુસ્તકમાં જોવા મળે છે. તેમના મત પ્રમાણે ‘કોલંબસે અમેરિકાની શોધ કરી, પણ સ્વામી વિવેકાનંદે અમેરિકાના આત્માની શોધ કરી.’ કેવો અદ્‌ભુત સંયોગ! ભારતની શોધમાં નીકળેલ ક્રિસ્ટોફર કોલંબસ ૧૪૯૨માં અમેરિકાની શોધ કરે છે અને આ શોધને ૪૦૦ વર્ષ પૂરાં થયાં, એના ઉપલક્ષ્યમાં શિકાગોમાં ભવ્ય ‘કોલંબિયન એક્સપોઝિશન’ નામનો વિશ્વમેળો આયોજિત થાય છે. તેનાથી અમેરિકાના ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક વિકાસની માહિતી વિશ્વને મળે, સાથે ને સાથે ૨૦ મહાસમિતિઓમાંની એક સમિતિ વિશ્વધર્મસભા વિશે રચાય છે અને આ ધર્મસભાના માધ્યમથી એ જ અમેરિકા ગૌરવમય આધ્યાત્મિક સંસ્કૃતિવાળા ભારતની શોધ કરે છે અને મહામાનવ સ્વામી વિવેકાનંદની શોધ કરે છે. પછી સ્વામી વિવેકાનંદ જડવાદી સભ્યતાથી ગ્રસ્ત અમેરિકનોમાં આધ્યાત્મિક જાગૃતિ લાવીને અમેરિકાના આત્માની શોધ કરે છે!

હિંદુ ધર્મે પોતે પણ આ ધર્મસભામાંથી કેટલું મેળવ્યું! આ પહેલાં હિંદુ ધર્મ વિભિન્ન સંપ્રદાયોમાં વહેંચાયેલો હતો. તેમના કેન્દ્રીભૂત આદર્શાે કયા છે તેની કોઈને ભાગ્યે જ જાણ હતી. ભગિની નિવેદિતાએ યોગ્ય જ કહ્યું છે, ‘વિશ્વધર્મ-પરિષદમાં અપાયેલાં સ્વામીજીનાં ભાષણો વિશે કહી શકાય કે સ્વામીજીએ બોલવાનું શરૂ કર્યું ત્યારે તેમનો વિષય ‘હિંદુઓના ધાર્મિક વિચારો’ હતો. અને એમનું ભાષણ પૂરું થયું ત્યારે હિંદુ ધર્મનું નવસર્જન થઈ ચૂક્યું હતું.’

સ્વામી વિવેકાનંદને વિશ્વધર્મ-સભામાં જે ઝળહળતી સફળતા મળી, તેના ઘેરા પડઘા ભારતમાં પડ્યા. ૨૦૦૦ વર્ષોથી નિદ્રિત ભારતમાતાએ પહેલીવાર પડખું ફેરવ્યું. ભારતવાસીઓ પોતે ગુલામીના માનસમાં, હીનતાની બેડીઓમાં બંધાઈ ગયા હતા. તેમણે આત્મગૌરવની લાગણી અનુભવી અને તરુણોમાં એક નવી જાગૃતિ આવી. કાકા સાહેબ કાલેલકર કહે છે, ‘હું જ્યારે મારા બાલ્યકાળનો અને યૌવનકાળનો વિચાર કરું છું ત્યારે મારા હૃદય પર સ્વામી વિવેકાનંદે કેવી જાદુ જેવી અસર કરી હતી, એના સ્મરણથી આજે પણ ગદ્ગદ થઈ જાઉં છું.’ દેશના મોટા ભાગના ક્રાંતિવીરો અને રાષ્ટ્રનેતાઓના પ્રેરણાસ્રોત બન્યા સ્વામી વિવેકાનંદ. મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ડૉ. રાધાકૃષ્ણન્ વગેરેએ પોતે આ એકરાર કર્યો છે.

આ ધર્મસભામાં પહેલી જ વાર લોકોએ સાંભળ્યું કે બધા ધર્મો મહાન છે અને એક જ પરમ લક્ષ્ય તરફ લઈ જાય છે. અત્યાર સુધી બહુ બહુ તો ધર્મ – સહિષ્ણુતાની વાત થઈ હતી. પણ સ્વામી વિવેકાનંદે સહિષ્ણુતા જ નહીં, પણ બધા ધર્મોના સ્વીકારની વાત કરી. તેમના શબ્દો પાછળ પોતાના ગુરુની અનુભૂતિનું બળ હતું. એટલે આ વાત શ્રોતાઓનાં હૃદય સોંસરવી ઊતરી ગઈ. શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં એક પછી એક વિભિન્ન ધર્મોની સાધના કરી અને એક જ પરમ સત્યને પ્રાપ્ત કર્યું હતું. ત્યાર પછી તેમણે ઉદ્ઘોષણા કરી, ‘જેટલા મત તેટલા પથ’. હજારો વર્ષ પૂર્વેની વેદની જે વાણી હતી, ‘એકમ્ સત્ વિપ્રા : બહુધા વદન્તિ – સત્ય તો એક જ છે પણ વિદ્વાનો એનું ભિન્ન ભિન્ન રીતે વર્ણન કરે છે’, આ સત્યને શ્રીરામકૃષ્ણદેવે સાધનાની પ્રયોગશાળામાં પ્રમાણિત કરી દીધું. એટલે જ ૨૭ સપ્ટેમ્બરે ધર્મ-પરિષદની છેલ્લી બેઠકમાં સ્વામી વિવેકાનંદ અધિકારપૂર્વક કહી શક્યા હતા, ‘વિશ્વધર્મ-પરિષદે જગતને જો કંઈ આપ્યું હોય તો તે આ છે : પવિત્રતા, શુદ્ધિ અને દયા. એ જગતના કોઈ એકાદ ધર્મનો સુવાંગ ઇજારો નથી. દરેક ધર્મે ખૂબ જ ઉચ્ચ ચારિત્ર્યવાળાં સ્ત્રીપુરુષો આપ્યાં છે. આવા બધા પુરાવાઓ હોવા છતાં જો કોઈ પોતાનો જ ધર્મ સુવાંગ જીવે અને અન્ય ધર્મ નાશ પામે, એવું સ્વપ્ન સેવતો હોય તો મારા હૃદયના ઊંડાણમાંથી એવા પર મને દયા આવે છે. હું એવા લોકોને કહું છું કે ગમે તેટલો સામનો કરવામાં આવે, છતાં પણ દરેક ધર્મના ધ્વજ પર સત્વરે આ પ્રમાણે લખાશે : ‘સહાય, પરસ્પર વેર નહીં; સમન્વય, વિનાશ નહીં; સંવાદિતા અને શાંતિ, કલહ નહીં.’

ધર્મપરિષદના આ જ્ઞાનબોધથી ધર્મઝનૂનતાની કરોડરજજુ ભાંગી તો નહીં, પણ એના પર પહેલો પ્રહાર અવશ્ય થયો. આજથી સો વર્ષ પહેલાં કૈંટેબરીના આર્ક બિશપે આ ધર્મસભામાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો હતો અને તેનું કારણ આપતાં તેણે કહ્યું હતું, ‘હું માર્ગના અંતરને કારણે અથવા અન્ય અગવડોને કારણે ત્યાં નથી જઈ રહ્યો, એવું નથી પણ એનું કારણ એ છે કે હું માનું છું કે ખ્રિસ્તી ધર્મ જ એક માત્ર ધર્મ છે અને મને સમજાતું નથી કે અન્ય ધર્મોના પ્રતિનિધિઓને ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિઓ સાથે એક મંચ પર કેવી રીતે બેસાડી શકાય! આથી તો બધા ધર્મોને સમાન દરજ્જો મળી જશે!’ આ સમય દરમિયાન આ પરિસ્થિતિમાં ઘણું સુધારાજનક પરિવર્તન આવ્યું છે. બીજી વેટિકન કાઉન્સિલે પ્રથમવાર બધા ધર્મોનો સ્વીકાર કર્યો છે. વર્તમાન પોપે ખ્રિસ્તી અનુયાયીઓને અન્ય ધર્મોના અભ્યાસની છૂટ આપી છે.
૧૯૯૩માં કોલકાતામાં ૧૧, ૧૨, ૧૮ અને ૧૯ સપ્ટેમ્બરના રોજ યોજાયેલ વિશ્વધર્મ-પરિષદમાં કેટલાય ખ્રિસ્તી પાદરીઓએ સ્વીકાર કર્યો કે ખ્રિસ્તી ધર્મમાં આ ઉદારતાવાદી વલણ અપનાવવાનો પ્રારંભ ૧૮૯૩ની શિકાગો ધર્મ-પરિષદ પછી જ થયો. અને એનું શ્રેય સ્વામી વિવેકાનંદને જાય છે. અન્ય કેટલાક ધર્મોમાં પણ ઉદારતાવાદી વલણ આવતું જાય છે. તોપણ હજુ ઘણી મંજિલ કાપવાની બાકી છે. વિસંવાદિતાની સમસ્યા આપણા પોતાના દેશમાં તેમજ અન્ય દેશોમાં આજે પણ વિકરાળ સ્વરૂપે વિદ્યમાન છે. સ્વામી વિવેકાનંદે જે વિશ્વધર્મ સ્થાપવાનું સ્વપ્ન સેવ્યું હતું, એ હજુ પૂરું થયું નથી. તેમણે ૧૯મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ હિંદુ ધર્મ વિશેના પોતાના પ્રવચનમાં કહ્યું હતું, ‘જો કોઈ વિશ્વધર્મ સ્થાપવાનો હોય તો તે સમય અને સ્થળથી અલિપ્ત રહેવું જોઈએ. આ વિશ્વધર્મ જે પરમાત્મા વિશે બોધ આપે છે, તે પરમાત્માની જેમ અનંત હોવો જોઈએ… આ વિશ્વધર્મ વૈદિક બ્રાહ્મણધર્મ નહીં હોય, એ બૌદ્ધધર્મ નહીં હોય, એ ખ્રિસ્તીધર્મ નહીં હોય, એ ઇસ્લામ પણ નહીં હોય, એ સર્વનો સરવાળો હશે. છતાં પણ વિકાસ માટે અનંત અવકાશવાળો હશે. આ વિશ્વધર્મના બંધારણમાં ત્રાસવાદને સ્થાન નહીં હોય, અસહિષ્ણુતાને સ્થાન નહીં હોય… આવો કોઈ વિશ્વધર્મ તમે રજૂ કરો અને તમે જુઓ કે સમગ્ર માનવજાત તમને અનુસરશે.’
આજે માનવજાત આવી ઝંખના કરે છે. ૧૯૯૩માં યોજાયેલ કોલકાતાની વિશ્વધર્મ-પરિષદમાં વિભિન્ન દેશોમાંથી આવેલા લગભગ ૧૦૦ વિદ્વાનોએ આ જ વાતને વાચા આપી છે. આ પરિષદના અંતિમ સત્રમાં વિશેષ અતિથિપદેથી બોલતાં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાલ શર્માએ કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં સ્વામીજીનો સંદેશ અત્યંત પ્રાસંગિક છે. રામકૃષ્ણ મિશન, દિલ્હી દ્વારા આ શતાબ્દી પ્રસંગે આયોજિત સભામાં ભારતના તત્કાલીન વડાપ્રધાન
શ્રી પી.વી. નરસિંહારાવે પણ આ જ વાત ઉચ્ચારી હતી.
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું – ભારતે પોતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા સમસ્ત વિશ્વનો જય કરવાનો છે. પાશ્ચાત્ય દેશો જડવાદી સભ્યતાથી કંટાળી ગયા છે, વેદાંતના અમૃતની શોધમાં છે, ત્યારે ખરેખર એ વિડંબના છે કે આપણા સમાજને પાશ્ચાત્ય જડવાદી સંસ્કૃતિના આંધળા અનુકરણનું ઘેલું લાગ્યું છે.
તો ચાલો, આપણે સ્વામી વિવેકાનંદજીના વિચારોને કાર્યરૂપ આપવા મંડી પડીએ, સ્વામીજી આપણી સાથે છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું – ‘એવું બનશે ખરું કે આ દેહમાંથી બહાર નીકળી જવાનું, એને એક જીર્ણ વસ્ત્રની જેમ ફેંકી દેવાનું મને બહેતર લાગે; પરંતુ મારું કાર્ય તો અવિરત ચાલ્યા કરશે! જગત આખું પ્રભુ સાથે એકતા અનુભવી રહે ત્યાં સુધી હું સર્વત્ર મનુષ્ય માત્રને પ્રેરણા પાતો રહીશ!’
સ્વામીજી પોતાના સૂક્ષ્મરૂપમાં હાજર છે. આ વાતની પ્રતીતિ ઘણાને થઈ છે. ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૯૩ના રોજ કોલકાતાની વિશ્વધર્મસભાના ઉદ્‌ઘાટન પ્રસંગે બંગાળના તત્કાલીન ગવર્નરે જ્યારે સ્વામી વિવેકાનંદજીની વિરાટ છબીનું અનાવરણ કર્યું ત્યારે નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં ઉપસ્થિત બાર હજાર લોકોએ અદ્‌ભુત રોમાંચ અનુભવ્યો.
બધા પોતાની જગ્યા પર ઊભા થઈ ગયા અને તાલીઓના ગડગડાટમાં વૈદિક શ્લોકનો ધ્વનિ ‘શ્રૃણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા :’ એવો ભળી ગયો કે ઘણાને સ્વામીજીની સાક્ષાત્ ઉપસ્થિતિનો અનુભવ થયો.
શિકાગો ધર્મસભામાં સ્વામી વિવેકાનંદજીએ ભાગ લીધો ત્યારે વિશ્વના ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું. જ્યારે સ્વામી વિવેકાનંદજીનાં સ્વપ્નો સિદ્ધ થશે ત્યારે એક નવું સોનેરી પાનું ઉમેરાશે. સ્વામી વિવેકાનંદજીનાં ચરણોમાં પ્રાર્થના કે આપણને સૌને એમના સંદેશને ઝીલવાની, તેનો પ્રચાર-પ્રસાર કરવાની, તેમનાં સ્વપ્નો સિદ્ધ કરવાની શક્તિ આપે.

Total Views: 300

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.