અંતે કાળીનાગ ભગવાન શ્રીકૃષ્ણને શરણે ગયો

આ બાજુ વ્રજમાં, પૃથ્વી, આકાશ અને લોકોનાં શરીરોમાં ભયંકર ઉત્પાત મચવા લાગ્યો. નંદબાબા અને બીજા ગોપ આ માઠાં શુકનોને નજરે જોઈને વ્યાકુળ બની ગયા. પોતાના વહાલા કાનુડાને જોવાની ઉત્કટ લાલસાથી તેઓ બધા ઘરબાર છોડીને નીકળી પડ્યા. માર્ગમાં એમણે શ્રીકૃષ્ણનાં ચરણચિહ્ન જોયાં. એને અનુસરતાં અનુસરતાં તેઓ જમનાના કાંઠે પહોંચી ગયા.

એમણે દૂરથી જોયું કે કાળીનાગના ભયંકર ઝેરી દાહથી તેના દેહ સાથે બંધાયેલ શ્રીકૃષ્ણ જાણે કે ચેતનહીન બની ગયા છે. આ દૃશ્ય જોઈને ગોપબાળકો તો વ્યાકુળ થઈ ગયાં. એ વખતે બલરામજીએ શ્રીકૃષ્ણને સમજાવીને એમના હૃદયમાં એક પ્રેરણાબળ જગાડ્યું. સાપના શરીર સાથે બંધાઈ જવું, એ શ્રીકૃષ્ણની એક માનવલીલા હતી. જ્યારે એમણે જોયું કે મારે કારણે વ્રજવાસીઓ ખૂબ દુ :ખી દુ :ખી થઈ રહ્યાં છે, ત્યારે શ્રીકૃષ્ણે પોતાના દેહને ફુલાવવાનું શરૂ કર્યું. એને લીધે કાળિયાનાગનું શરીર તૂટવા લાગ્યું. તે પોતાનો નાગપાશ છોડાવીને ઊભો થઈ ગયો અને ક્રોધિત થઈને પોતાની ફેણને ઊંચી કરીને ફુત્કાર કરવા લાગ્યો. એના નાકમાંથી વિષના ફુવારા નીકળતા હતા. એની આંખો લાલચોળ થઈ ગઈ. શ્રીકૃષ્ણ તેની સાથે રમત કરતા હોય એમ પોતાના પેંતરા બદલવા લાગ્યા. પેલો સાપ પણ તેમને દંશ દેવા પ્રયત્ન કરતો હોય એવું લાગ્યું. જેવું એ કાળિયાનાગને લાગતું કે શ્રીકૃષ્ણ એની પકડમાં આવી જ રહ્યા છે, તેવા જ શ્રીકૃષ્ણ એની પહોંચની બહાર ચાલ્યા જતા. આ રીતે વારંવાર શ્રીકૃષ્ણને મારી નાખવાના પેંતરા બદલતાં બદલતાં કાળીનાગનું બળ પણ ક્ષીણ થઈ ગયું.

બરાબર એ જ વખતે શ્રીકૃષ્ણે તેની મસમોટી ફેણને થોડી દબાવી દીધી અને કૂદીને તેના મસ્તક પર સવાર થઈ ગયા. ત્યાર બાદ તેઓ એમના મસ્તક પર કલાપૂર્ણ નૃત્ય કરવા લાગ્યા. કાળિયો નાગ પોતાના મસ્તકને ક્યારેય નમાવતો ન હતો, એ જ મસ્તકને શ્રીકૃષ્ણે પોતાના પગના પ્રહારથી કચડી નાખતા હતા. એને લીધે કાળિયા નાગની જીવનશક્તિ ક્ષીણ થઈ ગઈ અને તેના મોં અને નસકોરામાંથી લોહી વહેવા લાગ્યું. હવે એ સંપૂર્ણપણે ભગવાનના શરણમાં આવી ગયો. પોતાના પતિની આવી દુર્દશા જોઈને તેની પત્નીઓ પણ આતુર અને ભયભીત બનીને ભગવાન શ્રીકૃષ્ણના શરણમાં આવી ગઈ. તેઓ ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગી. એટલે શ્રીકૃષ્ણે દયા દાખવીને કાળિયા નાગને છોડી દીધો. પણ એમણે એને સ્પષ્ટપણે કહ્યું, ‘હે કાળિયા, હવે તારે અહીં ન રહેવું જોઈએ. તું તારાં પોતાનાં સગાંસંબંધીઓ સાથે હમણાં જ અહીંથી ચાલ્યો જા. એને લીધે માનવો અને ગાયો યમુનાના જળનો ઉપયોગ કરી શકશે.’ એવી આજ્ઞા મેળવીને કાળી નાગે પોતાની પત્નીઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી અને સમુદ્રમાં રહેવા ચાલ્યો ગયો. જ્યારે શ્રીકૃષ્ણ યમુનાના એ કુંડમાંથી હેમખેમ બહાર નીકળ્યા ત્યારે બધાં ગોપગોપીઓ અને નંદયશોદાના આનંદનો પાર ન રહ્યો. એ બધાં હસતાં અને ગાતાં પોતપોતાનાં ઘરે પાછાં ફર્યાં.

 

Total Views: 281

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.