વિદ્યાર્થીનો પ્રશ્ન : અભ્યાસમાં મન લાગતું નથી તો શું કરવું ?

ઉત્તર : આપણું મન ટી.વી.ની સિરિયલો જોવામાં, ઈન્ટરનેટ પર ચેટીંગ કરવામાં, વોટ્સએપ કે ફેશબુકમાં રસપૂર્વક એકાગ્ર બની જાય છે. પણ નવાઈની વાત એ છે કે અભ્યાસમાં મન લાગતું નથી.

એનું કારણ એ છે કે આપણને અભ્યાસમાં રસ પડતો નથી. અભ્યાસ મનને કંટાળો આપે છે. એટલે મન છટપટવા લાગે છે. વળી આપણું ધ્યેય સુનિશ્ચિત નથી. જો ધ્યેય કે આદર્શ નિશ્ચિત હોય તો તેમાં રસ પડે અને મન એકાગ્ર બને.

બીજું મનનો સ્વભાવ જ પાણી જેવો છે. તે હંમેશાં નીચે તરફ જ ગતિ કરે છે. હવે જો પાણીને ઉપર ચડાવવું હોય તો ઇલેક્ટ્રિક મોટર મૂકવી પડે છે. એવી જ રીતે મનને ઉપર લઈ જવા, અભ્યાસમાં લીન કરવા દૃઢ સંકલ્પ રૂપી મોટર મૂકવી પડે. જો આપણામાં દૃઢ સંકલ્પશક્તિ હોય અને ધ્યેય નિશ્ચિત હોય તો મન અભ્યાસમાં એકાગ્ર બની જાય.

વિદ્યાર્થીનો પ્રશ્ન : સ્વામી વિવેકાનંદને શ્રીરામકૃષ્ણ જેવા ગુરુ મળ્યા હતા. જો એવા ગુરુ જોઈતા હોય તો શું કરવું ? એવા ગુરુ ન મળે ત્યાં સુધી કોનો આશ્રય લેવો ?

ઉત્તર : સુયોગ્ય ગુરુ માટે શિષ્યે યોગ્ય પાત્રતા કેળવવી જોઈએ. એટલે શ્રીરામકૃષ્ણ જેવા ગુરુ જોઈતા હોય તો તમારે એને માટે પાત્ર બનવું જોઈએ. વિવેકાનંદ તો બાળપણથી જ ધ્યાનસિદ્ધ હતા. ઈશ્વરપ્રાપ્તિની તીવ્રતમ ઝંખના એમને શ્રીરામકૃષ્ણ પાસે દોરી ગઈ. સાચા ગુરુને મેળવવા હૃદયમાં તીવ્રતમ ઝંખના હોવી જરૂરી છે. તો એવા ગુરુ અવશ્ય મળે છે. ગુરુ પોતે જ પોતાના સાચા શિષ્યને શોધી લે છે. એ માટે શિષ્યમાં અંતરની ઉત્કટ ઇચ્છા, હૃદયની પવિત્રતા અને સાચું જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા હોવી જોઈએ. જ્યાં સુધી આવા ગુરુ સદેહે ન મળે ત્યાં સુધી મહાન ગુરુઓના અક્ષરદેહને માર્ગદર્શક બનાવી શકાય. જેમ કે શ્રીરામકૃષ્ણદેવનું ‘કથામૃત’, તુલસીદાસનું ‘રામચરિત માનસ’ અને સમર્થ સ્વામી રામદાસ કૃત ‘દાસબોધ’ માર્ગદર્શક બની શકે છે.

શિક્ષકનો પ્રશ્ન : વર્ગમાં વિદ્યાર્થીઓને શાંત કેવી રીતે રાખી શકાય ?

ઉત્તર : વિદ્યાર્થીઓને શાંત રાખવા માટે સૌ પ્રથમ તો શિક્ષકે પોતે પણ પૂર્ણ શાંતિ અને સ્વસ્થતા કેળવી લેવી જોઈએ. શિક્ષકનો પોતાનો આત્મસંયમ અને પોતાનું આત્મપ્રભુત્વ વિદ્યાર્થીઓના જીવન પર હંમેશાં જબરો પ્રભાવ પાડે છે. શિક્ષકનાં વિચાર, વલણ, વર્તન હંમેશાં ઉમદા, આદર્શ અને ઉદાર મનનાં હોવાં જોઈએ. જો આવું બને તો વિદ્યાર્થીઓમાં અશાંતિ કે અશિસ્ત ઊભાં થતાં નથી. જ્યારે વર્તન બોલતું હોય છે ત્યારે શબ્દોની જરૂર પડતી નથી. શિક્ષકના આદર્શાે અને સદ્ગુણો વિદ્યાર્થીના જીવનને બદલી નાખે છે. બીજું, શિક્ષક જે વિષયનું અધ્યાપન કાર્ય કરે છે તેનું સાંગોપાંગ જ્ઞાન એની પાસે હોવું જોઈએ. સંસ્કૃતમાં કહ્યું છે, ‘અધ્યયનપૂતં અધ્યાપયેત્’ અધ્યયનમાં ડૂબેલ અધ્યાપક જ સારું અધ્યાપન કાર્ય કરી શકે. અધ્યયન અને વિષય પરની પકડ પ્રબળ હોય પણ વિદ્યાર્થીઓને ગળે ઊતરે એ રીતે એ અધ્યયનને કે વિષયને પીરસવાની શક્તિ પણ સાચા શિક્ષકમાં હોવી જોઈએ. આ બધું હોય તો શિક્ષકે શાંત રહેવા માટે કંઈ કરવું જ ન પડે. શિક્ષણ એક કલા છે.

સ્વામીજી કહે છે : ‘જગતને સદા સર્વદા મળ્યા કરતું સમગ્ર જ્ઞાન મનમાંથી જ આવે છે; તમારા મનમાં જ સમગ્ર વિશ્વનું અનંત પુસ્તકાલય છે. બાહ્ય જગત એ માત્ર સૂચન છે…. તમારા મનનો અભ્યાસ કરવા પ્રેરે છે; પણ અભ્યાસનો વિષય હંમેશાં તમારું મન જ હોય છે.’

 

Total Views: 60
By Published On: January 2, 2019Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram