ગાયો અને ગોપબાલોનો દાવાનળથી બચાવ

એક દિવસ શ્રીકૃષ્ણ પોતાના સખાઓ સાથે વનમાં રમે છે. એમની ગાયો રોકટોક વિના ચરતી ચરતી ઘણી દૂર નીકળી ગઈ. લીલાછમ ઘાસના મોહમાં ગહન વનમાં પ્રવેશી. જ્યારે શ્રીકૃષ્ણ, બલરામજી અને સખાઓએ જોયું કે આપણું પશુધન ક્યાંય નજરે ચડતું નથી. ત્યારે તેઓ બધા એની શોધમાં નીકળી પડ્યા. ઘણું ફર્યા પણ શોધવામાં અસફળ રહ્યા. ગૌધન તો વ્રજવાસીઓની જીવિકાનું સાધન હતું. એ ન મળતાં ગોવાળિયા તો લાચાર થઈ ગયા. તેઓ બધા ગાયોએ ચરેલ ઘાસ અને તેમના પગની ખરીઓના નિશાનને જોતાં જોતાં તેમને શોધવા આગળ વધ્યા. અંતે એમણે જોયું તો એમની ગાયો મુંજ નામના ઘાસની ઝુંડોમાં રસ્તો ભૂલીને ભૂરાંટા મારે છે. તેવામાં એકાએક વનમાં ચારેબાજુથી દાવાનળ ફાટી નીકળ્યો. આ દાવાનળ વન્ય પશુઓનો કાળ બની જાય છે. એમાં વળી જોરથી આંધી ઊપડી અને બળતામાં ઘી હોમાવા જેવું થયું. ચારે બાજુ આગની ભયંકર લપટો ફેલાઈ ગઈ. ગોવાળિયા અને ગાયોએ જોયું તો દાવાનળ એમના તરફ ઝડપથી આવી રહ્યો હતો. તેઓ ગભરાઈ ગયા અને શ્રીકૃષ્ણ અને બલરામજી પાસે આવીને પ્રાર્થના કરવા લાગ્યા, ‘હે વહાલા કૃષ્ણ ! હે પરમ બળવાન બલરામ ! આ દાવાનળમાંથી અમને બચાવી લો. તમે જ અમારા એકમાત્ર રક્ષક અને સ્વામી છો. અમને તમારા પર જ વિશ્વાસ છે.’

પોતાના સખાઓની આર્તવાણી સાંભળીને શ્રીકૃષ્ણે એમને સાંત્વના આપતાં કહ્યું, ‘જરાય ડરતા નહીં. તમે બધાય પોતપોતાની આંખો બંધ કરી દો.’ ગોવાળિયાઓએ શ્રીકૃષ્ણની આજ્ઞા પ્રમાણે પોતાની આંખો મીંચી દીધી. એ જ વખતે યોગેશ્વર શ્રીકૃષ્ણ એ ભયંકર દાવાનળને પોતાના મોંમાં સમાવીને પીઈ ગયા. એ અગ્નિ એમના પેટમાં સમાઈ ગયો. જ્યારે ગોવાળિયાઓએ પોતાની આંખો ખોલી ત્યારે તેઓએ પોતાને ભાંડિર નામના વટવૃક્ષ પાસે ઊભેલા જોયા. પોતાની જાતને અને ગાયોને સહિસલામત જોઈને તેમની નવાઈનો પાર ન રહ્યો. હવે તેમને સમજાયું કે શ્રીકૃષ્ણ કોઈક દેવતા જ છે.

 

Total Views: 257

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.