મોટા ભાઈ અમને મળવા આવતા અને તેઓ ખુશ હતા. તેમનો ધંધો વિકસતો જતો હતો એટલે અમે પણ ખુશ હતાં. પણ અમારી આ ખુશી લાંબો સમય ન ટકી. મારા મોટા ભાઈ રવિનું ખૂન થયું. જેમની સાથે તેમણે નવો ધંધો શરૂ કર્યો હતો એવા તેમના એ જ મિત્રોએ છેહ દીધો. કયા કારણે તેમનું ખૂન કરવામાં આવ્યું તેની કોઈને ખબર ન હતી. અમે બીજા યુદ્ધ માટે સજ્જ થયાં. અમે હત્યારાઓને સજા કરાવી શકીએ તેવી મારા પિતાજીના મૃત્યુ પછી અમારી પાસે કોઈ ધનસંપત્તિ કે સ્થાનિક લાગવગ ન હતી. પરંતુ મારી માતાએ પોતાના અને અમારાં જીવન સામે ધમકીઓ આવતી રહી છતાં કેસ લડવાની તૈયારી કરી. એ વખતે તેને લાગેલા આઘાતોને સમજવાની અમારી વય ન હતી. આજે ખ્યાલ આવે છે કે અન્યાય સામે લડત આપવા અમને પ્રેરે અને દુ :ખોનો સામનો અમારી અણઘડ પદ્ધતિએ પણ કરવાની મોટી તાકાત આપે, એવું અમારા લોહીમાં જ કોઈ અલૌકિક તત્ત્વ છે. મારી માતાએ મુશ્કેલીઓ સામે લડવાનો હિંમતપૂર્વકનો સંઘર્ષ ચાલુ રાખ્યો.

સમય દેહમન પર લાગેલા ઘાવને ભરી દે છે. આમ, સમય વીતતો ગયો. થોડા જ વખતમાં અમે દુ :ખોને ભૂલવા લાગ્યાં, ફરીથી સ્મિત કરવાના પ્રયત્નો શરૂ થયા. આમ કરવું સરળ ન હતું, છતાં જીવન આગળ ધપતું રહે છે. ગમે તે પ્રકારની કેવડી મોટી ખોટ કેમ ન હોય, ભલે ઘાવની નિશાનીઓ જતી રહી હોય, છતાં સમય દુ :ખને સતત મલમ લગાડતો રહે છે. અમે ધીમે ધીમે કરુણ દશાની સાથે તાલ મેળવવા લાગ્યાં. જ્યારે મારી મોટી બહેનનાં લગ્ન નક્કી થયાં, ત્યારે અમારા જીવનમાં ખુશી ફરી પાછી આવી. અમારા પરિવાર માટે આ પ્રસંગ સૌથી વધારે સુખદ બાબત હતી.

મારા બનેવી ઓમ પ્રકાશ જેમને અમે સાહેબ કે ભાઈ સાહેબ કહીને બોલાવતા, તેઓ અમારા ઘનિષ્ઠ મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક નીવડ્યા. તેઓ સી.પી.આર.એફમાં હતા. અમારી સાથે ઘણો સમય વિતાવતા. કદાચ તેઓ પેરામિલિટરી જૂથમાં કાર્યરત હતા. એ વિભાગમાં શિસ્ત અને નાનામોટાનો ભેદ ઘણા મહત્ત્વનાં ગણાતાં હોવાથી પહેલાં અમારી બહેન અને પછી અમે તેમને ‘સાહેબ’ કહીને બોલાવવા લાગ્યાં. ધીમે ધીમે અમારા પરિવારના મહત્ત્વના નિર્ણયો માટે એમના ઉપર આધાર રાખતાં બન્યાં. એટલે જ મારા જીવનના પ્રથમ અંધકાર સમયે જેમને હું સર્વ પ્રથમ બોલાવું એવી વ્યક્તિ તેઓ જ હતા, એ સ્વાભાવિક છે.

‘બેટા…’

મને થયું કે કોઈ મને બોલાવી રહ્યું છે. નિકટથી જાણે અવાજ આવી રહ્યો હતો…. બહુ નજીકથી….

‘બેટા…!’

હું મારા અતીતનાં સ્મરણોમાં હજુ ખોવાયેલી હતી, ત્યારે મને કોઈ ફરી બોલાવતું હતું. મારું મગજ ગૂંચવાયેલું હતું. જાત જાતના વિચારો મારું ધ્યાન ખેંચવા જાણે કે રસાકસી કરતા હતા.

અવાજ ખૂબ નજીકથી આવતો જણાતો હતો… ખૂબ નજીકથી…

ઓચિંતાનો ધક્કો લાગ્યો હોય તેમ હું જાગ્રત થઈ ગઈ. મેં જોયું તો મને બોલાવનાર હતા બી.સી. યાદવ. મારા ખાટલાની બાજુમાં ઊભા રહીને તેઓ મને અર્ધજાગૃતિમાંથી જગાડવા માગતા હતા. ‘બેટા, હવે અમે તમને ઓપરેશન માટે તૈયાર કરવાના છીએે. તમે તૈયાર તો છો ને ?’ તેમના અવાજમાં પ્રેમનો એક પડઘો હતો. મેં ડોક હલાવીને હા પાડી.

કેટલાક સંબંધો તત્કાલ ખીલી ઊઠે છે. કુદ્રાહામાંના મારા સંબંધીઓએ કાવતરાપૂર્વક મારાં માતા, બહેન અને ભાઈને ખોટી ફરિયાદ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધાં. આ બાજુએ એક સાવ અજાણી વ્યક્તિ (શ્રી યાદવ) મારું જીવન બચાવવામાં રસ લેતી હતી. જીવન ખરેખર મોટો શિક્ષક છે. બે કલાક જેટલા સમયમાં મારી અને યાદવજી વચ્ચે નજીકનો સંબંધ બંધાઈ ગયો.

તેમણે એક સ્મિત કર્યું અને પછી ગયા. થોડી વારે હોસ્પિટલના કર્મચારીઓ સાથે પાછા આવ્યા અને તે લોકોએ મને ઓપરેશન માટે તૈયાર કરવા માંડી. તેમનું કામ તેમણે કુશળતાથી અને વ્યાવસાયિક રીતે પૂરું કર્યું. મને તો રૂનો સ્પર્શ પણ પીડા આપતો હતો. મને ખ્યાલ આવવા લાગ્યો કે એનેસ્થેશિયા વિના, ઓપરેશન દરમિયાન થનારી પીડાનું શમન કરવાની કોઈ મદદ વિના, એમના દ્વારા થનારી વાઢકાપ મારે જોવાની હતી. આખી હોસ્પિટલમાં મારા આ નિર્ણયની વાત ફેલાઈ ગઈ હતી. હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હોય એવા થોડા દર્દીઓ, તેમના મદદનીશો, કર્મચારીઓ અને ડોક્ટરો પણ મને વારાફરતી હિંમત આપવા આવ્યા. તેમણે ઘણા દર્દીઓ અને અકસ્માતનો ભોગ બનેલાઓને જોયા હતા. કદાચ એવું પણ હોઈ શકે કે મારા કરતાં એમાંથી કેટલાકની દશા ખરાબ પણ હોય. આમ છતાં ઓપરેશન વખતે મોટા ભાગના આવા દર્દીઓને બેભાન અવસ્થામાં લાવવામાં આવતા હોય છે. હોસ્પિટલની દયનીય સ્થિતિ જાણીને મને એવું લાગ્યું કે આવા બહુ ગંભીર કેસો કાં તો બચતા નહીં હોય અથવા સારવાર માટે બીજે પણ મોકલાતા હશે.

જો મેં તત્કાલ સારવાર માટે અને કોઈ પણ રીતે તે સારવાર કરાવવાના હેતુથી એનેસ્થેશિયા વિના શસ્ત્રક્રિયાની સંમતિ ન આપી હોત તો મને પણ બીજે ખસેડી હોત. એથી જ મારા પ્રત્યે સૌનું ધ્યાન વિશેષ હતું. પરિણામે સામાન્ય કરતાં મારી વધુ સારી કાળજી લેવાઈ રહી હતી. હું બધાથી ‘જુદી’ પડવાનો પ્રયત્ન કરતી ન હતી. પીડા સહન કરવી કોઈને પણ ગમે નહીં. આમ છતાં હોસ્પિટલના કર્મચારીઓની વાતો પરથી આટલું સમજી શકી કે હવે તત્કાલ ઓપરેશન થાય એ જરૂરી હતું. એ સિવાય મેં મારા પગ અને જીવનને પણ જોખમમાં મૂકી દીધું હોત. વળી ગેંગ્રીન થવાની શક્યતા તો હતી જ.

મારું પહેરેલ જીન્સ કાઢીને મને હોસ્પિટલના ધાબળામાં લપેટી દીધી. વિવિધ સાધનો સાથે સર્જનો આવ્યા અને મારી સામે શીળું સ્મિત કર્યું. તેઓ કામે લાગ્યા. મારા ડાબા પગને ઘૂંટણથી નીચેના ભાગથી મારા શરીરથી છૂટો કરી નાખવાનું પહેલું કામ હતું. ત્યાર પછી કાપકૂપ, સાફસફાઈ અને ટાંકા લેવાનું કામ હતું. મેં આંખો બંધ કરી અને જેવો છરાનો સ્પર્શ થયો કે ખાટલાના બન્ને છેડાને મેં કચકચાવીને પકડી લીધા. શસ્ત્રક્રિયા તો મારી કલ્પનાથી વધુ પીડા આપી રહી હતી. જાણે કોઈ ગૃહિણી બે્રડની આરપાર માખણની છરી ઘુમાવતી હોય તેમ મારી ત્વચાની આરપાર ડોક્ટરે કુશળતાથી છરો ફેરવ્યો.

આ ‘નવા દર્દ’ સાથે અનુકૂળ થવામાં મને થોડો વખત લાગ્યો. મારા મગજને વ્યસ્ત રાખવા મેં મારી જાત સાથે બધો વખત સતત વાતચીત કર્યે રાખી. વચ્ચે વચ્ચે જ્યારે મારી ચામડીને છરો કાપે કે ડોકટરો ટાંકા લે, ત્યારે મારાથી ચીસ પડાઈ જતી. જો કે એ ચીસ મારા મનમાં જ રહેતી. એ ડોક્ટરોમાંથી જ મેં મારી શક્તિ મેળવી હતી. તેઓ બધા ગંભીર અને અલિપ્ત ચહેરે એકાગ્ર બનીને કામ કર્યે જતા હતા. મને વિચાર આવતો કે તેઓ ખરેખર ભીતરથી અલિપ્ત રહી શકતા હશે ખરા ? મારો ડાબો પગ એમણે ઝડપથી કાઢી લીધો. મારા ગળામાં ડૂમો ભરાયો.

શાળામાં વિદાયવેળા આવતી ત્યારે હું ભાવુક બની જતી. આ ક્ષણ પણ જાણે કે મારા શરીરના એક અંગને, મારા પગને વિદાય આપવાની હતી. ડોક્ટરોનું કામ ચાલુ હતું. મારો કપાયેલો પગ તેમણે એક કર્મચારીને સોંપ્યો. તેણે એને સામાન્ય ચીજવસ્તુની જેમ મારા ખાટલા નીચે જ મૂક્યો. પોતાની જાતને ભાગ્યને સોંપી દીધા પછી મને સમયનો કોઈ ખ્યાલ ન રહ્યો. શસ્ત્રક્રિયા ખાસ્સી લાંબી ચાલી હશે. ડોક્ટરોએ કહ્યું કે શસ્ત્રક્રિયા સફળ રહી હતી. પછી કપાયેલા અને ખૂબ પાટાપીંડી કરેલા ડાબા પગ સાથે મને ત્યાં રાખીને ચાલ્યા ગયા. હું ખૂબ થાકી ગઈ હતી અને પછી તરત જ ઊંઘમાં સરી પડી હોઈશ.

હું જાગી ત્યારે થોડા જ વખતમાં અમારા વોર્ડમાં એક કૂતરાને આવેલો જોયો ! એ કૂતરો નિરાંતે હોસ્પિટલમાં અંદર આવી જાય, એ વાત વિચિત્ર અને આઘાતજનક કહેવાય. જો કે એનાથી હું થોડી રમૂજ પણ અનુભવી શકી. વોર્ડનો એ મુલાકાતી કોઈ વિશેષમાં રસ ધરાવતો હોય એમ મને ન લાગ્યું. પણ થોડી વારમાં એ મારા ખાટલા તરફ આવવા લાગ્યો. પ્રાણી સહજ સ્ફુરણાથી તેણે કાચા માંસની વાસ સૂંઘી લીધી હતી અને તેને મારા ખાટલા નીચે મૂકેલો મારો પગ મળ્યો. તે પછી તેને કોઈ આમંત્રણની જરૂર તો ન હતી. જેવો તે પગને ચાટવા લાગ્યો કે તરત જ મેં બૂમો પાડી. કોઈકે છેવટે તેને ભગાડ્યો. એ સહેલું હતું. આ બધી યાદોને ખદેડી મૂકવી ઘણી કઠિન છે, આજે પણ.

 

પ્રભુ એ માગું છું
પ્રભુ, મને વિપત્તિ ન આપો, એ નથી માગતો
વિપત્તિનો નિર્ભય બનીને સામનો કરું, એ બળ આપજો
પ્રભુ, મારા હૃદયના સંતાપ દૂર કરો, એ નથી માગતો
પણ સંતાપમાંય આપને પામું, એ બળ આપજો.

પ્રભુ, કોઈ સહાયે ન આવે, હિંમત ભાંગી પડે;
જગ ભલે દગાફટકા અને ઘાવ પર ઘાવ કરે,
પણ મનથી હું હારી ન જાઉં, એવું મન મારું રચી દો.

પ્રભુ, મારી જીવનનાવડી પાર કરો, એ નથી માગતો
પણ હું મારા જ કાંડાબળે નાવને પાર ઉતારું એવું કરજો.

પ્રભુ, તમારા હાથે મારો બોજો ઘટાડો, એ નથી માગતો
પણ એ બોજો સ્વમેળે ખેંચું, એવો બળસંચાર કરજો.

પ્રભુ, વિપત્તિઓ વચ્ચે નિર્ભય રહું એવી કૃપા કરજો.

હે કરુણાકર! સુખના દિવસોમાં મારું શીશ તમ સમીપ નમાવું,
તમને જ આરાધું એવું કરજો.

વિપત્તિઓના અંધવાદળ વચ્ચે જગ હસે અને હું રડું,
ત્યારે તમ પર સંશય ન લાવું એવું કરજો.

હે પ્રભુ, વિપત્તિના સાગરમાં નિર્ભીક રહું, એવું કરજો.

 રવીન્દ્રનાથ ટાગોર

Total Views: 311

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.