૨૨ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ સવારે નિત્યક્રમ પૂર્ણ કરી નર્મદે હરના સાદ સાથે ૬ કિલોમીટર દૂર બલગાંવમાં મૌનીબાબાના (નારાયણબાપુ) આશ્રમે પહોંચ્યા. મા નર્મદાના તટ પર સ્મશાન ભૂમિ પર આવેલ ભૂતેશ્વર મહાદેવ તથા વિશાળ પાંજરાપોળ ધરાવતો સુંદર આશ્રમ. પૂર્વે મૌનસાધના કરી હતી એટલે તેઓ મૌનીબાબાના નામે વિખ્યાત છે. જટાધારી, સૌમ્ય અને પ્રેમાળ ચહેરો. બીજા કેટલાય ગુરુભાઈઓ સાથે ધૂણીની સામે દરબાર ભરીને બેઠા હતા. ચાના પ્રસાદની સાથે સાથે રોકાઈ જવા માટે આગ્રહભર્યું આમંત્રણ આપ્યું. આશ્રમની મધુરતા, મહારાજનો પ્રેમ તથા આશ્રમ દ્વારા બલગાંવમાં શિવપુરાણનું પારાયણ ચાલતું હતું, આવાં અનેક કારણોથી આશ્રમમાં રોકાઈ ગયા. પરિક્રમાવાસીઓને રહેવા માટે ભોંયતળિયે વિશાળ ખંડ હતો. આમતેમ ચાર-પાંચ ખાટલા, તેના પર અને ધૂળિયા ભોંયતળિયા પર જૂની સાદડીઓ, જૂનાં-મેલાં ગાદલાં-રજાઈ, વગેરે. આશ્રમની વિશિષ્ટતામાં પાંજરાપોળની ૪૦૦ જેટલી ગાયો (એક પણ ગાય દૂધ નહોતી આપતી!), કૂતરાં અને ગલુડિયાંની ફોજ (આશરે ૪૦)નો નિભાવ થતો હતો અને આ પરિક્રમાવાસીઓના ખંડમાં કૂતરાં અને ગલુડિયાંની અવરજવર બિન્દાસ ચાલુ રહેતી. ચાર કિલોમીટર દૂર આવેલ બલગાંવમાં શિવપુરાણની પૂર્ણાહુતિ નિમિત્તે ભંડારો હતો. આશ્રમના મૌનીબાબા તથા બધા જ અંતેવાસીઓ ગાડીઓમાં બેસીને બલગાંવ જવા રવાના થયા. પૂજ્ય મહારાજે અમને બે સાધુઓને પણ ભંડારામાં આવવા માટે ગાડીમાં બેસી જવા કહ્યું. આમ તો પરિક્રમાની શરૂઆતમાં વ્રત લેતી વખતે વિશેષ કોઈ પ્રતિજ્ઞાઓ લીધી ન હતી, તેમ છતાં પરિક્રમાના સામાન્ય નિયમો પાળતા રહીને શ્રી શ્રી નર્મદામૈયા જેવી રીતે પરિક્રમા કરાવે તેમ કરવી. આમ માનસિક રીતે ‘ચાલીને’ જ પરિક્રમા પૂર્ણ કરાવે એવી શ્રી શ્રીમાને પ્રાર્થના કરતા. તેથી અમે ગાડીમાં બેસીને ભંડારામાં જવાની નમ્રતાપૂર્વક ના પાડી. રાત્રે ભોજન માટેના હરિહરના સાદ પહેલાં રસોઇયો રોટલીઓનો ભરેલો મોટો ડબ્બો લઈ ભોજનખંડની બહાર વિશિષ્ટ પ્રકારની સીટીઓ વગાડે અને જોતજોતામાં આશ્રમના ભૈરવનાથની (કૂતરાઓની) ફોજ આવી જાય અને અન્ન ગ્રહણ કરી લે. આ પણ એક જોવા જેવું રહ્યું! પછી અમે પરિક્રમાવાસીઓએ પણ ભોજનપ્રસાદ ગ્રહણ કર્યો.

રાતનો અંધકાર! સ્મશાન ભૂમિ! વૃક્ષોનો ગંભીર નિનાદ! પડછાયા સમાન લાગતું પ્રાચીન ભૂતેશ્વર શિવમંદિર અને તેનાં શિખરો! ઉપર અનંત આકાશમાં તારાઓનો ચંદરવો! દૂર ધીર-સ્થિર બનીને વહેતી શ્યામલવર્ણી પૂર્ણસલિલા નર્મદામૈયા! કરાલવદની ગંભીર નિશામાં પરિક્રમાવાસી બે સંન્યાસીઓ સ્નિગ્ધ અદ્‌ભુત મધુરતાનો આનંદ લઈ રહ્યા હતા. સાંજના સમયે આગળ ભેટો થયેલ ત્યાગીજી સંધ્યા સમયે અહીં પણ આવી પહોંચ્યા હતા. અમારી બે-ત્રણ મુલાકાતોના લીધે સામાન્ય પરિચય અને સ્નેહ ઊપજ્યો હતો. સંન્યાસીએ વિચાર્યું હતું કે પરિક્રમાવાસીના આ શયનખંડમાં ભૈરવનાથની (કૂતરાંની) છૂટથી અવરજવર હોવાથી ખાટલા ઉપર પોતાનું આસન લગાવવું. હજી તો સંન્યાસી ખાટલા પર સૂવાની તૈયારી કરે છે ત્યાં તો ત્યાગીજી ગરજી ઊઠ્યા, ‘અરે એય સાધુ! પરિક્રમા કરતા હૈ ઔર ખટિયા પર સોતા હૈ? ભૂમિ પર શયન કરના ચાહિયે.’ સંન્યાસી તો દિઙ્મૂઢ બની ગયા અને નાછૂટકે ભૂમિ પર શયન કર્યું.

બીજે દિવસે અહીં જ નિવાસ હતો. ભૂતેશ્વર મહાદેવ પાસે આવેલ સ્મશાનભૂમિમાં કોઈ એક નશ્વરદેહનો અગ્નિદાહ થતો હતો. ઈશ્વરચિંતનની સાથે સાથે જીવનની ક્ષણભંગુરતા પણ દેખાઈ આવી. આખો દિવસ આનંદમાં પસાર થયો.

તારીખ ૨૪ના રોજ ચાનું પાન કરીને નર્મદે હરના સાદ સાથે ખલઘાટ જવા માટે આગળ વધ્યા. ખલઘાટ પહેલાં સાટક અને નર્મદાનું સંગમસ્થળ આવેલ છે. સાટક અને નર્મદાના સંગમની બે વિશિષ્ટતા છે. સાટક નદી નર્મદાને મળતી હતી ત્યાં તે પાંચેક ફૂટ ઉપરથી પ્રપાત રૂપે પડે છે. બે હાથ પહોળા અને ચાર-પાંચ હાથ ઊંચા એવા જળધોધ રૂપે પડીને સાટક નર્મદાજીને મળે છે. ધોધનું સૂરીલું સંગીત સતત ઓમકારનું ગુંજન કરે છે. સંગમ પછી નર્મદાજીના કિનારાની પથરાળ ભેખડમાં જલેરીમાં સ્થાપિત એવાં સાઠ શિવલિંગ! આ શિવલિંગો કુદરતી રીતે પથ્થરોમાં પ્રગટી નીકળેલાં હતાં, માનવનિર્મિત ન હતાં. અનેક વર્ષોનાં પૂર વગેરેને લીધે ઘણાં શિવલિંગો માટી નીચે દબાઈ જઈને, ઘસાઈ જઈને ખંડિત થયેલાં છે. સાટક-નર્મદાનાં જળ જ્યાં મળે છે ત્યાં ઊંડો મોટો કુંડ અને એમાં પણ શિવલિંગ ડૂબેલું છે એ જાણવા મળે છે. અહીં આસપાસમાં સિદ્ધ મહાત્માનો ગુપ્ત વાસ છે એવી વાત પણ સાંભળવા મળે છે.

સંગમ પાસેના કિનારાના ટેકરા ઉપર સાટકેશ્વર મહાદેવનું શિવાલય આવેલ છે તથા એક રામમંદિર પણ આવેલ છે. અહીં પાસે જ નર્મદાજી પર પૂલ બંધાયો છે. આ પૂલ મુંબઈ-આગ્રા રોડના નામે જાણીતો છે. ખલઘાટ ગામનો મોટા ભાગનો વિસ્તાર નર્મદાજીના ઉત્તરતટ તરફ અને થોડો ભાગ આ તરફ દક્ષિણતટે આવેલ છે. પ્રાચીન કાળમાં બ્રહ્માજીએ અહીં તપસ્યા કરી હતી ત્યારે યજ્ઞકુંડમાંથી કપિલા ગાય નીકળી હતી. તેથી ખલઘાટને કપિલાતીર્થ પણ કહેવાય છે. લગભગ સવારે ૧૦ વાગ્યે ખલઘાટમાં બાલકદાસજીના રામમંદિરે પહોંચ્યા.

મહારાજ તો હાજર હતા નહિ. એક માતાજીએ પ્રેમથી જલદી જલદી ભોજન જમાડી દીધું કારણ કે તેમને ઉત્તરતટ પર આવેલ ખલઘાટમાં ભાગવતપુરાણ સાંભળવા જવાનું હતું. બપોર થતાં ત્યાગીજી પણ આવીને પ્રગટ થઈ ગયા. આ ત્યાગીજીનું ગૃહસ્થાન ચિત્રકૂટમાં આવેલ છે. એમનું મૂળ નામ ગોવિંદદાસ ત્યાગીજી. વાસ્તવમાં એ ખરેખરા ત્યાગી હતા. છેલ્લાં ચાલીસ વર્ષથી તેઓ ચંપલ પહેરતા નહિ. દિવસમાં એક વાર ભોજન કરે, પાસે પૈસા ન રાખે, ભૂમિ પર શયન કરે, ચાલીને ભારતભરનાં તીર્થાેનું પરિભ્રમણ કર્યું છે. દર રવિવારે મીઠું ન ખાય. ગુરુવારે માત્ર સાંજે જ ભોજન લે. એકાદશીને દિવસે નિર્જલા રહે! અમાવસ્યા અને પૂર્ણિમાના ઉપવાસ તો ખરા જ. સામેથી ભંડારામાં ક્યાંય જાય નહિ. રોજ તિથિ પ્રમાણે ભગવદ્ગીતાના અધ્યાયનો પાઠ, ઉપરાંત ૧૨મા અને ૧૫મા અધ્યાય અને સુંદરકાંડના પાઠ તો ખરા જ. જેમ નિષ્ઠાવાન નાનો વિદ્યાર્થી બાળક પોતાનું ગૃહકાર્ય કરવામાં જેટલો અધીરો હોય એવી જ રીતે આ મહારાજ સરળ બાળકની જેમ પોતાના પાઠ પૂરા કરવા માટે અધીરા રહેતા. મધ્યમ બાંધાવાળા, ઓછી ઊંચાઈવાળા, સફેદ જટાધારી ૬૫ વર્ષની ઉંમરે પણ કલાકો સુધી શીર્ષાસન અને ગર્ભાસન કરી શકે, જાણે નવજુવાન ડોસલો! ત્યાગીજી અને અમારી વચ્ચે સ્નેહસંબંધ વધુ પ્રગાઢ બન્યો. અહીં જ રામજીમંદિરમાં રહીને તેમની સૂચના અનુસાર ૧ કિલોમીટર દૂર આવેલ ટાકાખલ ગામમાં ચાલતી નર્મદાપુરાણ કથા સાંભળવા જતા. ત્યાગીજી અને ટાકાખલના ગામવાસીઓના આગ્રહથી અને બીજા દિવસે નર્મદાજયંતી હોવાથી અમે ગામમાં બનતા નવા રામજીમંદિરમાં જ ૨૫મી તારીખે સાંજના નિવાસ કર્યો.

ટાકાખલ અદ્‌ભુત ગામ! ગામના લોકો સરળ, શ્રદ્ધાવાન અને મા નર્મદામૈયાની અનન્ય ભક્તિવાળા હતા. ગામની કન્યાઓ રોજ સાંજે નર્મદામૈયાને દીપદાન કરે. સાંજના સમયે નર્મદાતટ પર આવેલ એક ઓટલા પરના શિવલિંગની પાસે બેઠો હતો. ગામની પાંચ-છ કન્યાઓ દીપદાન કરીને શિવલિંગ પર જળાભિષેક કરવા ઓટલા પાસે આવી. એમાંની કેટલીક કન્યાઓએ પ્રણામ કર્યા, પરંતુ બે કન્યાઓ દૂર ઊભી હતી. માનવમનની વિચિત્ર માયા તો જુઓ! આપણને કેટલા પ્રણામ કરે છે તેના કરતાં કેટલા પ્રણામ નથી કરતા, તેના પર વિશેષ ધ્યાન હોય છે. કેવું પાજી મન! અહીંયાં જ અટકતું નથી. પાછું વિચારે ચડે કે કેમ પ્રણામ નહિ કર્યા હોય? સંન્યાસીથી રહેવાયું નહિ. તેણે પૂછી નાખ્યું કે કેમ પ્રણામ ન કર્યા? પ્રણામ કરનાર એક કન્યાએ જવાબ આપ્યો, ‘આજે એ બન્ને સ્ત્રીધર્મમાં હોવાથી પૂજા કે સ્પર્શ ન કરી શકે.’ ત્યારે મનને હાશકારો થયો કે ઓ અચ્છા, એમ છે! ગામની કન્યાઓ અતિ પવિત્ર અને સુશીલ હતી. કાલે નર્મદાજયંતી નિમિત્તે નર્મદાપૂજનના મુખ્ય યજમાનને ત્યાં સાંજના ભોજનપ્રસાદની વ્યવસ્થા થઈ હતી. ગામના નવા બંધાતા મંદિરના એક ઓરડામાં ઠંડા થયેલ આરસપહાણના ભોંયતળિયા પર આસન લગાવીને ઘસઘસાટ સૂઈ ગયા.

આજે ૨૬ જાન્યુઆરી, ૨૦૧૫, નર્મદા જયંતી. આખા ગામમાં ઉષાકાળથી જ ચહલપહલ હતી. આજે નર્મદાપૂજન, નર્મદામૈયાને ચૂંદડી ઓઢાડવાનો વિશાળ કાર્યક્રમ, નર્મદાપુરાણ કથાનો અંતિમ દિવસ, કન્યાપૂજન, સાધુભંડારો અને ગ્રામના બધા જ લોકો માટે ભોજનપ્રસાદ. સવારથી જ મા નર્મદાનાં ક્યારેય ન સાંભળ્યાં હોય એવાં ભવ્ય સંગીતમય સુંદર ભજનોની સૂરાવલી વહેવા લાગી હતી. આનંદના ઉલ્લાસમાં અને મધુમય વાતાવરણમાં એક પછી એક બધા કાર્યક્રમો સંપન્ન થવા લાગ્યા. ગામના લોકોએ ભાવપૂર્વક કન્યાપૂજન-ભોજન તથા પ્રણામી સાથે સાધુભંડારો પૂર્ણ કર્યો. પ્રેમપૂર્વક ગામ લોકોની વિદાય લઈ પરિક્રમાના માર્ગે આગળ જવા રવાના થયા.

૧ કિલોમીટર દૂર જતાં શાંત નિર્જન જગ્યામાં એક ઊંચા ટેકરા પર નાનો આશ્રમ દેખાયો. માટીથી લીપેલ નાનકડા સુંદર આશ્રમે અને ત્યાંની નિર્જનતાએ અમારાં મન મોહી લીધાં. હવે આજના દિવસે અહીં જ રોકાઈ જવાનો નિર્ણય થયો.

 

Total Views: 307

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.