કર્મની ખરાબ અસરોથી મુક્ત કેવી રીતે થવાય તે શ્રીકૃષ્ણ પછીના ૩૧મા શ્લોકમાં કહે છે :

ये ये मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः।
श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः।।31।।

‘શ્રદ્ધાપૂર્વક, નિષ્ઠાથી અને વાંધા કાઢયા વિના જે લોકો મારા આ બોધને અનુસરે છે, તેઓ પણ કર્મની ખરાબ અસરોથી મુક્ત થાય છે.’

અહીં નિર્દેશેલા મારા બોધને જે લોકો શ્રદ્ધાપૂર્વક અને ભક્તિપૂર્વક સાંભળશે અને તેને પોતાના જીવનમાં અમલમાં મૂકશે; તેઓ બધા સંકલ્પવિકલ્પોમાંથી, બંધનોમાંથી મુક્ત થશે અને પૂર્ણ આધ્યાત્મિક મુક્તિ મેળવશે. એ જ્ઞાની પૂર્ણ આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરશે તેમજ કર્મયોગી પણ એ પામશે. કર્મ બંધન ઊભાં કરે છે, પરંતુ કર્મબંધનના પાશને તમે દૂર કરી શકો, તેવી રીત છે ખરી; એથી કર્મ મુક્તિમાર્ગે લઈ જાય. બધા મનુષ્યો માટે આ ખૂબ લાભદાયક સંદેશ છે. એટલે શ્રીકૃષ્ણના બોધને ગીતા કહેવામાં આવે છે. માનવ-આત્મા માટેનું એ ગાન છે. સર એડવિન આર્નલ્ડે ગીતાનું ‘સોંગ સિલેસ્ટિયલ- સ્વર્ગીય ગાન’ તરીકે નામાભિધાન કર્યું છે. આ દર્શનને અનુસરશે તો લાખોલાખો લોકો કર્મયુદ્ધના ચક્રવ્યૂહમાં સપડાયેલા હોવા છતાં આધ્યાત્મિક વિકાસ સાધશે. જગતના સૌ કર્મપ્રવૃત્ત લોકોને શ્રીકૃષ્ણની આ મોટી ખાતરી છે અને તમે રાય હો યા રંક, મોટા હો યા નાના, સમાજમાં લગભગ દરેક વ્યક્તિ કર્મ કરનાર છે. એટલે સર્વ માનવજાત માટે આ વૈશ્વિક દર્શન છે. પછી શ્રીકૃષ્ણ કહે છે, ‘આ બોધને સાંભળવાની જેને પડી નથી, અને જે એની ઠેકડી ઉડાડે છે, તે લોકો જીવનની અતિ નિમ્ન કક્ષાએ રહેવાના’.

ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम्।
सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतसः।।32।।

‘પરંતુ, મારા આ બોધને ઉતારી પાડતા, જ્ઞાન અને વિવેકના પૂર્ણ અભાવવાળા લોકો તે પ્રમાણે આચરણ કરતા નથી, તેમને તું ચિત્ત વગરના અને નાશ પામેલા જાણ.’

જેઓ एतत् अभ्यसूयन्ता, ‘મારા આ બોધને ઉતારી પાડી, न अनुतिष्ठन्ति मे मतम्, ‘મારા આ બોધને આચરણમાં મૂકતા નથી’; सर्वज्ञानविमूढान् तान्, ‘તેઓ જ્ઞાનનાં બધાં ક્ષેત્રોમાં ભ્રાન્ત છે’; પછી એમનું શું થાય છે?; विद्धि नष्टान्, ‘એમને નાશ પામેલા જાણ’; अचेतसः, ‘જે ચિત્ત વગરના છે’. ઉંદરનું પાંજરામાં પુરાયા જેવું આ છે; જે માર્ગેથી એ અંદર ગયો તે માર્ગેથી એ પાછો બહાર નીકળી શકે છે; પણ તે એ જાણતો નથી, એ ભ્રાન્ત છે અને કેવળ પાંજરામાં દોડાદોડી કર્યા કરે છે. શ્રીકૃષ્ણ કહે છે, ‘બધાં જ મુક્તિ પામે એવી પદ્ધતિ છે અને હું તે કહું છું.’

એટલે એક મહાન ગુરુ આવે છે અને આપણને કહે છે કે આપણે આ બંધનમાં ફસાયા છીએ અને એમાંથી બહાર નીકળી શકીશું. એમાંથી બહાર નીકળવાનો એક માર્ગ છે. ગીતાનું યોગદર્શન સૌને માટેનું છે; કર્મનો પડકાર, આપણી ભીતર અને બહાર, સર્વત્ર રહેલી આ પ્રકૃતિનો પડકાર વગેરે સંસારના સર્વ પડકાર આપણે ઝીલવાના છે; તે ઝીલીને, આ બોધને આચરીને આ જીવનમાં જ મુક્ત થઈએ. સમગ્ર માનવજાતને શ્રીકૃષ્ણ આ ગહન સંદેશ આપે છે. એટલે તો ગીતા કામ કરતા લોકોને આકર્ષે છે. આળસુ લોકો આ સંદેશ સમજી શકે નહીં, કર્મઠ લોકો જ સમજી શકે. કર્મપ્રવૃત્ત લોકો અનુરક્તિથી અને આનંદથી કર્મ કરે છે અને કર્મમાં માનવ-મન-હૃદયનાં ગાંભીર્ય અને શાંતિ શીખે છે તેમજ આ રીતે કર્મ કરવાનો આનંદ કેવો છે ? એ ગ્લાઈડિંગના જેવું છે. આપણે હવામાં ગ્લાઈડ કરીએ – સરકીએ – ત્યારે આપણે કશું દબાણ કે ઘર્ષણ અનુભવતા નથી. પવન આપણને આમ કે તેમ ઘસડી લઈ જાય છે. જીવન જાણે કે ગ્લાઈડિંગ બની જાય છે – આપણે એને આજનું હેંગ-ગ્લાઈડિંગ પણ કહી શકીએ. જીવન એમ વહ્યા કરે છે. તદૃન સ્વયંસ્ફુરિત, સ્વાભાવિક; શી રીતે ? તમારા તંત્રમાંના પરિવર્તનને કારણે ઊર્ધ્વતર પ્રકૃતિરૂપી નવું તત્ત્વ પ્રવેશ્યું છે, अध्यात्मचेतसाः, ‘આધ્યાત્મિક અભિગમ વડે ! પરિણામે સર્વ કર્મ જુદું થઈ જાય છે. કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં એનું નિદર્શન કરી શકે છે. આપણું ચિત્ત બિનકેળવાયેલું હોય, ત્યારે આપણે કામ કરીએ છીએ, થાકી જઈએ છીએ, નાસીપાસ થઈ જઈએ છીએ, આખા દિવસમાં આપણા ચિત્તમાં ચડઊતર ભાવો આવ્યા જ કરે છે. પણ તમારી પાસે આ अध्यात्मचेतस्, હોય, આધ્યાત્મિક વૃત્તિવાળું ચિત્ત હોય, ત્યારે આ બધી મુશ્કેલીઓનો સામનો તમે વધારે ને વધારે સારી રીતે કરી શકો છો. આ સિદ્ધિ કંઈ એક દિવસમાં પ્રાપ્ત નથી થતી, પરંતુ વિવિધ પરિસ્થિતિઓમાં એને લાગુ કરવાથી તમારી આધ્યાત્મિક શક્તિ વૃદ્ધિ પામે છે અને સસ્મિત વદને તમે વધારે બોજો ઊંચકવા સમર્થ બનો છો. ગીતાએ આ શકયતાનાં દ્વાર સમગ્ર માનવજાત માટે ઉઘાડી આપ્યાં છે.

 

Total Views: 458

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.