‘રામચરિતમાનસ’માં રામરાજ્યની વિભાવના
‘રામરાજ્ય’ની વ્યાખ્યા આપતાં ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે :

दैहिक दैविक भौतिक तापा ।
राम राज नहिं काहुहि व्यापा ।।
सब नर करहिं परस्पर प्रीति ।
चलहिं स्वधर्म निरत श्रुति नीति ।।

‘રામરાજ્ય’માં દેહનો, દેવનો કે પ્રાણીઓનો તાપ કોઈને વ્યાપતો ન હતો. બધા મનુષ્યો પરસ્પર પ્રેમ કરતા હતા અને વેદોમાં બતાવેલી નીતિ-મર્યાદામાં પોતપોતાનાં કર્તવ્યમાં તત્પર રહીને સ્વધર્મ પ્રમાણે ચાલતા.
‘રામરાજ્ય’માં કોઈ દુ :ખી ન હતા. ‘રામચરિત -માનસ’માં કાકભુશુંડિ કહે છે :

राम काज न भरोसु सुनु सचराचर जग माहिं ।
काल कर्म सुभाव गुन, कृत दुःख काहुहि नाहिं ।।

‘હે પૃથ્વીરાજ ગરુડ ! સાંભળો, રામરાજ્યમાં જડ-ચેતન સર્વજગતમાં કાળ, કર્મ, સ્વભાવ અને ગુણોથી ઉત્પન થયેલાં દુ :ખો કોઈનેય ન હતાં.’
‘રામરાજ્ય’ના આર્થિક વિકાસ વિશે ‘રામચરિતમાનસ’માં કહ્યું છે :

राम काज कर सुख संपदा ।
बरनि न सकइ फनीस सारदा ।।

‘રામરાજ્યની સુખસંપત્તિનું વર્ણન શેષનાગ તથા સરસ્વતી પણ કરી શકતાં નથી.’
એક પંડિતજીને એક ન્યાયાધીશે આગ્રહ કર્યો કે ‘રામરાજ્યની વ્યવસ્થા’ વિશે પ્રવચન આપો. પંડિતજીએ આ માટે પોતાની અસમર્થતા બતાવતાં કહ્યું કે ‘રામરાજ્યમાં ન્યાય વ્યવસ્થા જેવું કંઈ હતું જ નહીં, એક પણ ન્યાયાધીશ ન હતા, ન્યાય કરવા જેવું કંઈ હતું જ નહીં કારણ કે અન્યાય જેવું કંઈ હતું જ નહીં !’
રાજનીતિનાં ચાર ચરણ છે- સામ, દામ, દંડ અને ભેદ. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે રામરાજ્યમાં દંડ અને ભેદનો એટલો અભાવ હતો કે જો કોઈ દંડી સંન્યાસીના હાથમાં દંડ ન જોત તો દંડ કોને કહેવાય એ પણ લોકો ભૂલી જાત અને ભેદનીતિનો એટલો અભાવ થઈ ગયો હતો કે સંગીતમાં રાગરાગિણીના ભેદ ન સંભળાત તો લોકો ભેદ શબ્દ પણ ભૂલી જાત. તેઓ કહે છે :

दंड जतन्हि कर, भेद जहं, नर्तक नृत्य समाज ।
जितहु मनहि, सुनिय अस, रामचन्द्र के राज ।।

રામરાજ્યની પ્રાસંગિકતા

આ તો થઈ ત્રેતાયુગની વાત. આજે શું એવું રાજ્ય સ્થાપવાનું શક્ય છે ? મહાત્મા ગાંધીજીની ઇચ્છા હતી કે આપણા દેશમાં ‘રામરાજ્ય’ જેવું આદર્શ રાજ્ય સ્થપાય. ભલે સંપૂર્ણપણે એવું રાજ્ય સ્થાપવું શક્ય ન હોય તોપણ એ આદર્શને ધ્યાનમાં રાખીને આપણે જો અંશત : પણ સફળ થઈ શકીએ, તો તેટલા પ્રમાણમાં આપણો સમાજ સ્વસ્થ અને સુખી થશે.
‘રામરાજ્ય’ની સ્થાપનાનો માર્ગ કાંટાળો છે. એ સમયમાં રામરાજ્ય કાંઈ સરળતાથી નહોતું સ્થપાયું. એ વખતે જે મુશ્કેલીઓનો સામનો રામરાજ્યની પ્રક્રિયામાં કરવો પડ્યો એનું વિશ્લેષણ આજના સમયમાં પણ ઉપયોગી નીવડી શકે તેમ છે.

ગઈકાલે અયોધ્યામાં કેટલો આનંદ, કેટલો ઉલ્લાસ હતો ! અને આજે સમસ્ત શહેર શોકસાગરમાં ડૂબી ગયું છે. શ્રીરામના રાજ્યાભિષેકની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, પણ કૈકેયીએ અને મંથરાએ આખી બાજી પલટાવી નાખી. શ્રીરામે પિતાની આજ્ઞાનો સહર્ષ સ્વીકાર કર્યો અને ૧૪ વર્ષો માટે વનવાસ સ્વીકાર્યો. વનવાસ માટે જતી વખતે તેમના મુખ ઉપર એટલી પ્રસન્નતા હતી કે એના પર કોઈ પ્રતિક્રિયાની નિશાની જોવા મળતી ન હતી. પછી ચિત્રકૂટમાં એક મીઠું યુદ્ધ છેડાય છે, શ્રીરામ અને ભરત વચ્ચે. તે પણ પદપ્રાપ્તિ માટે નહીં, પણ પદત્યાગ માટે ! છેવટે બન્નેમાંથી એકેય રાજાના ઉચ્ચતમ પદનો સ્વીકાર કરવા તૈયાર થતા નથી. અને આજે ! આજે તો પદપ્રાપ્તિ માટે નેતાઓ કેટલી હદ સુધી નીચે જઈ શકે છે, એનો બધાને ખ્યાલ છે જ. આજે વિડંબણા એ છે કે આપણા દેશમાં શ્રીરામ જેવા નેતા નથી. ચારિત્ર્યવાન, કુશળ, ધીરસ્થિર, ત્યાગશીલ નેતાઓનો આજે અભાવ છે.

આદર્શ રાજ્ય માટે આદર્શ સેવકોની આવશ્યકતા

તાજેતરમાં બેલુર મઠમાં રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે એક અખિલ ભારતીય યુવસંમેલન યોજાયું હતું. એમાં લગભગ ૧૦ હજાર જેટલાં યુવાન ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન એક આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, ‘આજે આપણો દેશ ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, ત્યારે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ રાજકારણમાં કેમ જોડાતા નથી અને મુખ્ય પદો પર શા માટે આસીન થતા નથી ? અમને તમારા પર શ્રદ્ધા છે, તમારા જેવા ત્યાગીઓના હાથમાં જ્યાં સુધી શાસન નહીં આવે, ત્યાં સુધી દેશની પરિસ્થિતિ નહીં સુધરે.’ આ પ્રશ્નના ઉત્તરમાં તેમને જણાવવામાં આવ્યું, ‘સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, ત્યારે જ એ નિર્ણય કર્યો હતો કે આ સંસ્થા રાજકારણથી દૂર રહેશે, એ ખરેખર તો એક આધ્યાત્મિક સંસ્થા છે. સેવાની બધી પ્રવૃત્તિઓ આ સંસ્થાના સંન્યાસીઓ સાધનાના ભાગરૂપે ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શ પ્રમાણે કરે છે. અમે રાજકારણમાં ન જોડાઈ શકીએ પણ અમે તમારી સાથે સહમત છીએ કે આપણા દેશમાં વધુ સારા, ચારિત્ર્યવાન અને પ્રામાણિક નેતાઓની આવશ્યકતા છે. અમે પોતે નેતા ભલે ન બની શકીએ, પણ વધુ સારા નેતા બનાવવા માટે પ્રયત્ન કરી શકીએ. અને આ પ્રયત્નના એક ભાગરૂપે જ આવાં સંમેલનો યોજવામાં આવે છે. અમને શ્રદ્ધા છે કે જો આજથી તમે લોકો પોતાના ચારિત્ર્યઘડતરમાં લાગી જશો, તો તમારામાંથી જ આગામી સમયમાં સારા નેતાઓ, ઓફિસરો, સારા વહીવટદારોનું નિર્માણ થશે.’ સ્વાધીનતાનાં આટલાં વર્ષો પછી પણ આપણી પ્રગતિ સંતોષજનક કેમ નથી દેખાતી ? તેનું કારણ શાસકોની પદલોલુપતા છે. સ્વાધીનતાસંગ્રામમાં કેટલાય લોકોએ પોતાનું સર્વસ્વ દેશ માટે અર્પણ કરી દીધું અને દેશ માટે ખપી પણ ગયા. સ્વાધીનતા પછી કેટલાક લોકો જોડાયા તો દેશસેવાના ઉદ્દેશથી, પણ તેમની સાયકલમાં જ્યારે પદલોલુપતા રૂપી ખીલી ખૂંચી ગઈ, ત્યારે પૈડાંમાં પંક્ચર પડી ગયું અને દેશસેવાની ભાવના રૂપી હવા નીકળી ગઈ! અને પછી તો દેશનો ખજાનો લૂંટવાની સ્પર્ધામાં બધા લાગી ગયા !
આપણી રાષ્ટ્રિય નિર્બળતા-ઈર્ષ્યા

આપણી આટલી મહાન આધ્યાત્મિક સંસ્કૃતિ હોવા છતાં આપણો દેશ સેંકડો વર્ષો સુધી ગુલામ કેમ રહ્યો? તેનું કારણ રાજાઓમાં, શાસકોમાં સંગઠનશક્તિનો અભાવ અને પરસ્પરની ઈર્ષ્યા. સોમનાથના મંદિર પર આક્રમણ થયું ત્યારે રજપૂત રાજાઓ પરસ્પરના વેરને લીધે એક ન થઈ શક્યા અને સોમનાથ મંદિર લુંટાઈ ગયું. કેટલાયે રજપૂતો માર્યા ગયા. આવાં તો કેટલાંય ઉદાહરણો દેશના ઇતિહાસમાં જોવા મળે છે.

આપણી રાષ્ટ્રિય નિર્બળતાને પારખીને સ્વામી વિવેકાનંદજીએ આજથી ૧૦૦ વર્ષ કરતાંય પહેલાં કહ્યું હતું, ‘આપણે નર્યા સ્વાર્થી છીએ. આપણામાંના ત્રણ જણ પણ જો એકઠા થાય તો એકબીજાને તિરસ્કાર્યા વિના રહી શકતા નથી. એકબીજાની ઈર્ષ્યા કર્યા વિના રહી શકતા નથી.’ એક વિદ્વાને મજેદાર વાત કહી છે, ‘ભારતીય વિશેષજ્ઞો જાપાનીઓ કરતાં પણ ગુણવત્તામાં બેગણા શ્રેષ્ઠ છે. એક ભારતીય એટલે બે જાપાની અને ચાર અમેરિકન. પણ બે ભારતીય એટલે શૂન્ય જાપાની અને શૂન્ય અમેરિકન ! કારણ કે બન્નેની શક્તિ એકબીજાની ઈર્ષ્યા કરવામાં ખર્ચાઈ જવાની.’ વ્યવસ્થાશક્તિનું મહત્ત્વ સમજાવતાં આપણા દેશવાસીઓને સ્વામીજીએ કહ્યું હતું, ‘આપણા સ્વભાવમાં વ્યવસ્થાશક્તિનો સંપૂર્ણ અભાવ જ છે. ઈર્ષ્યાનો અભાવ એ જ વ્યવસ્થાશક્તિને પામવાનું મોટું રહસ્ય છે. આપણા ત્રીસ કરોડ હિન્દુઓ પર ચાર કરોડ અંગ્રેજો રાજ કેમ ચલાવી શકે છે ?…. એ ચાર કરોડ પોતાની સંકલ્પશક્તિ વડે સંગઠિત થઈને કામ કરે છે, એટલે જ એ વિરાટશક્તિ બની રહે છે અને આપણા ત્રીસ કરોડમાં તો દરેકની પોતપોતાની જુદી ઇચ્છાઓ હોય છે. આથી જ ભારતનું ભાવી ઉજ્જવળ બનાવવું હોય તો વ્યવસ્થાશક્તિ, શક્તિસંચય અને ઇચ્છાશક્તિના સુમેળની ખાસ જરૂર છે.’ ભાવી શાસકોને ઉદ્દેશીને સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘સત્તા ચલાવવાનો શોખ અને ઈર્ષ્યા આ બન્ને વસ્તુથી ચેતતા રહેજો.’

આદર્શ રાજ્ય માટે આદર્શ નાગરિકોની આવશ્યકતા

કહેવત છે ‘યથા રાજા તથા પ્રજા’. જ્યાં સુધી આપણા દેશમાં ચારિત્ર્યશીલ શાસકો શાસન ન કરે, ત્યાં સુધી રામરાજ્યનું સ્વપ્ન સાકાર કરવું વધુ ને વધુ મુશ્કેલ બનશે. આજે લોકશાહીના યુગમાં એ પણ સ્વીકારવું પડે કે ‘યથા પ્રજા તથા રાજા.’ આ શાસકો પ્રજાના મતદાનથી જ સત્તા પર આવે છે એટલે સ્વામી વિવેકાનંદ પ્રજાજનોના ચારિત્ર્યઘડતર પર ભાર મૂકીને કહે છે, ‘કોઈપણ દેશ એની ધારાસભામાં આ કે તે કાયદો પસાર કરે છે, એટલા માટે મહાન બની જતો નથી. કોઈપણ રાષ્ટ્ર મહાન બને છે એના સાધુચરિત અને ઉદાત્ત પ્રજાજનોને કારણે.’

પ્રજાજનોને આદર્શ નાગરિકત્વ તરફ દોરી જવા એ પણ એક લાંબી પ્રક્રિયા છે અને એ માટે અત્યંત ધૈર્યની આવશ્યકતા છે. આ વાત સમજાવતાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘રાજઓ તો ગયા અને હવે તો લોકશાસનનો સમય આવ્યો છે. આથી લોકો ઘટતી કેળવણી મેળવે, પોતાની જરૂરિયાતો સમજતા થાય અને પોતાના કોયડાનો ઉકેલ લાવવા તત્પર બને, ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે.’

અંતરમાં રામરાજ્ય સ્થાપવાની આવશ્યકતા

રામરાજ્ય જેવા સમાજની સ્થાપના કરવા શાસકો અને પ્રજાજનો બન્ને માટે ચારિત્ર્યઘડતરની એક સમાન આવશ્યકતા છે. જ્યાં સુધી આપણાં અંતરમાં ઈર્ષ્યારૂપી મંથરા, લોભરૂપી કૈકેયી, મોહરૂપી રાવણ, અહંકારરૂપી કુંભકર્ણ, કામરૂપી મેઘનાદ વગેરે નિવાસ કરતા હોય, ત્યાં સુધી આપણાં હૃદયસિંહાસન પર શ્રીરામ વિરાજમાન ન થઈ શકે. અને જ્યાં સુધી અંતરમાં રામરાજયની સ્થાપના ન થઈ જાય ત્યાં સુધી સમાજમાં, દેશમાં રામરાજ્યની સ્થાપના શક્ય નથી.

આપણાં હૃદયસિંહાસન પર રામરાજ્યની સ્થાપના કરવા માટે જ ગાંધીજી રામનામનો પ્રચાર કરતા. રામભજન વિશે ગાંધીજીએ લખ્યું છે, ‘મારો અભિપ્રાય એવો છે કે રામનામનો પ્રચાર ખાદીના કે સ્વરાજના પ્રચારની જેમ ન થઈ શકે. આ અતિશય કઠિનકાળમાં રામનામ પણ અવળું જ જપાય છે…. તેથી જે રામનામનો પ્રચાર કરવા ઇચ્છે છે તેણે પોતે તે પ્રચાર પોતાના હૃદયમાં કરીને, રામનું સામ્રાજ્ય ત્યાં સ્થાપીને તેનો પ્રચાર કરવો.’

બિનસાંપ્રદાયિક રાજ્યમાં રામરાજ્ય

આ ‘રામ’ કોણ ? ગાંધીજી ગોસ્વામી તુલસીદાસની જેમ માનતા હતા કે રામ ફક્ત ઐતિહાસિક પાત્ર જ નહીં, પરંતુ તેઓ સાક્ષાત્ પરબ્રહ્મ પરમેશ્વર છે, એ શાશ્વત પરમ સત્ય છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા, ‘એક રામ તેનાં હજાર નામ.’ એક વ્યક્તિએ ગાંધીજીને પૂછ્યું, ‘રામધૂનમાં જે હિન્દુ નથી તે કેવી રીતે જોડાય ?’ તેના જવાબમાં તેમણે કહ્યું, ‘જ્યારે જ્યારે કોઈ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો ફક્ત હિન્દુઓ માટે છે. એટલે મુસલમાનો તેમાં કેમ ન જોડાઈ શકે, ત્યારે મને હસવું આવે છે. તો શું મુસલમાનોનો એક ખુદા છે, અને હિન્દુ, પારસી કે ખ્રિસ્તીનો બીજો છે ? ના, સર્વસમર્થ અને ર્સ્વવ્યાપી ઈશ્વર એક જ છે…. મારો રામ જે રામની આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ તે રામ અયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઇતિહાસમાં થઈ ગયેલો રાજા રામચન્દ્ર નથી. મારો રામ તો સનાતન, તે કંઈ જન્મ લેતો નથી અને તેના જેવો બીજો કોઈ નથી.’

શ્રીરામની ઉપર્યુક્ત વ્યાખ્યાના સંદર્ભમાં બિનસાંપ્રદાયિક રાજ્ય – સેક્યુલર સ્ટેટમાં પણ ‘રામરાજ્ય’નો આદર્શ અપનાવી શકાય.

શ્રીરામકૃષ્ણદેવે જટાધારી પાસેથી દીક્ષા લઈને વાત્સલ્ય ભાવની સાધના કરી. પરિણામે શ્રીરામચન્દ્રની બાલમૂર્તિનાં – રામલલ્લાનાં હરપળે દિવ્યદર્શન કરવા સક્ષમ બન્યા હતા. પોતાની અનુભૂતિને તેઓ એક પ્રખ્યાત દોહા દ્વારા પ્રગટ કરતા :

जो राम दशरथका बेटा, वो ही राम घटघट में लेटा ।
वो ही राम जगत पसेरा, वो ही राम सबसे न्यारा ।।

શ્રીરામનવમીના પાવન પ્રસંગે આપણે આ શાશ્વત પરમ સત્યરૂપી શ્રીરામને પ્રાર્થીએ કે તેઓ આપણાં હૃદયસિંહાસન પર વિરાજમાન થાય. એના પરિણામે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યારૂપી રાક્ષસોનો વિનાશ થાય અને આપણાં અંતરમાં રામરાજ્ય સ્થપાય, એની સાથે સમાજમાં રામરાજ્ય સ્થાપવાનો માર્ગ મોકળો થશે.

Total Views: 478

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.