(ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ)

(માર્ચ, ૨૦૧૯થી આગળ)

મેં ડૉ. કલામને સ્વામીજીના ભારત પરિભ્રમણ સમયના એક પ્રસંગની વાત કરી. જ્યારે સ્વામીજી આલ્મોડા નજીક અત્યંત થાક અને ભૂખથી પડી ગયા હતા, ત્યારે એક મુસલમાન ફકીરે આવીને એમને કાકડી ખવડાવી અને એમનો જીવ બચાવ્યો હતો. આવા બીજા અનેક પ્રસંગો મેં એમને કહ્યા. પછી મેં તેમને પૂછ્યું, ‘આપ સ્વામી વિવેકાનંદમાં આટલો બધો રસ શા માટે ધરાવો છો ?’ એમણે કહ્યું, ‘મને સ્વામી વિવેકાનંદ પ્રત્યે ખૂબ જ આદરભાવ છે. એનું કારણ એ છે કે તેઓ એવા મહાન વિરલ સંત હતા કે જેમણે ધર્મને વ્યવહારુ આધ્યાત્મિકતામાં પરિવર્તિત કર્યો.’

પછી એમણે મને શ્રીરામકૃષ્ણદેવના જીવનના પ્રેરક પ્રસંગો વિશે જણાવવા કહ્યું. મેં તેમને કોલકાતાની જરાતલાની મસ્જિદની પાસે બનેલા પ્રસંગ વિશે કહ્યું કે મસ્જિદની પાસેથી શ્રીરામકૃષ્ણ ઘોડાગાડીમાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે ત્યાં એક ફકીરને રડતાં રડતાં ‘ઓ પ્રિય, તું આવ’ એવી પ્રાર્થના કરતો જોયો અને તેઓ ઘોડાગાડીમાંથી ઊતરી ગયા અને તે ફકીર પાસે જઈને તેને ભેટી પડ્યા ! પછી શ્રીરામકૃષ્ણે ઇસ્લામ અને બીજા ધર્મોની સાધના કેવી રીતે કરી તે વિશે તેમને જણાવ્યું.

ડૉ. કલામ આ બધા જ પ્રસંગો સાંભળીને આનંદિત થયા અને તેમણે મને પૂછ્યું કે શ્રીરામકૃષ્ણે લગ્ન કર્યાં હતાં કે નહીં ? મેં તેમને જણાવ્યું કે તેમણે લગ્ન તો કર્યાં હતાં, પણ તેમણે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. તેઓ આદર્શ ગૃહસ્થ હતા, તેની સાથે તેઓ આદર્શ સંન્યાસી પણ હતા. મેં તેમને કહ્યું કે શ્રીરામકૃષ્ણ તેમનાં પત્ની શારદામણિને જગન્માતા રૂપે જોતા હતા. અને ફલહારિણી કાલીપૂજાના વિશિષ્ટ દિવસે તેમણે જગન્માતા રૂપે ષોડશોપચારે પૂજા પણ કરી હતી. ડૉ.કલામ શારદાદેવી વિશે વધારે જાણવા ઉત્સુક હતા. તેથી મેં તેમને જણાવ્યું કે શ્રીરામકૃષ્ણના લીલાસંવરણ પછી તેઓ ૩૪ વર્ષ જીવ્યાં. તેમણે શ્રીરામકૃષ્ણ ભાવધારાને વિકસાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું, એટલું જ નહીં પણ કોઈપણ જાતના ધર્મ, જાતિ, સંપ્રદાય કે દેશના ભેદભાવ વગર તેમણે શ્રીરામકૃષ્ણના ભક્તો અને શ્રીરામકૃષ્ણના સાક્ષાત્ સંન્યાસી શિષ્યોની એક માતાની જેમ સંભાળ લીધી. તેથી બધા તેમને ‘હોલી મધર – પાવનકારી મા’ના રૂપે માનતા. (ક્રમશ 🙂

Total Views: 358

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.