વેદાંત અનુસાર બહિ :કરણ, અંત :કરણ, અને આત્મા આ ત્રણના સમન્વય સ્વરૂપ છે આપણું માનવજીવન. બહિ :કરણ એટલે આપણું શરીર અને આંખ, કાન, નાક, વગેરે ઇન્દ્રિયો; અંત :કરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અને અહંકાર. આ બંનેની પારે છે આત્મા. નિષ્કલંક નિષ્પાપ શુદ્ધ બુદ્ધ મુક્ત એકમ્-એવ-અદ્વિતીયમ્ આત્મા પર ક્યારેય કામ-ક્રોધ રૂપી કલંક લાગતું નથી. પરંતુ આપણું અંત :કરણ આપણાં પૂર્વકર્મોના પરિણામે કુસંસ્કારોથી આચ્છાદિત થઈ ગયું છે. નિષ્કામ કર્મ, શ્રદ્ધા-ભક્તિ, ગહન ધ્યાન, અને આત્માના સાચા સ્વભાવના અધ્યયન દ્વારા આપણે પૂર્વ સંસ્કારો દૂર કરી ચિત્તને નિર્મળ કરી શકીએ છીએ. ચિત્તશુદ્ધિ થતાં જ આત્મા પોતાના સાચા સ્વરૂપમાં પ્રકાશિત થાય છે અને આપણે પૂર્ણ જ્ઞાની બનીએ છીએ.

સ્વામી વિવેકાનંદ કહે છે : ‘એમ ન હોઈ શકે કે આત્મા જાણે છે, પરંતુ આત્મા પોતે જ જ્ઞાનસ્વરૂપ છે. એમ ન હોઈ શકે કે આત્માને અસ્તિત્વ છે, પરંતુ આત્મા પોતે જ અસ્તિત્વ સ્વરૂપ છે. એમ ન હોઈ શકે કે આત્માને સુખ છે, પરંતુ આત્મા પોતે જ સુખસ્વરૂપ છે. જે સુખી હોય તેનું સુખ બીજા પાસેથી આવેલું હોય છે; જેને જ્ઞાન છે, તેનું જ્ઞાન અન્યત્રથી મેળવેલું હોય છે; અને જેને સાપેક્ષ અસ્તિત્વ છે, તેનું અસ્તિત્વ માત્ર પ્રતિબિંબિત હોય છે.’

આ વાર્તા છે બૌદ્ધ ધર્મની ‘ઝેન’ શાખાના ઉદ્ભવની. ઝેનનો ‘બુદ્ધ સ્વભાવ’ સિદ્ધાંત વેદાંતના ‘આત્મા’ના સિદ્ધાંત સાથે ખૂબ જ મળતો આવે છે. સંસ્કૃત ‘ધ્યાન’માંથી ચીનમાં ‘ચાન’ અને તેમાંથી જાપાનમાં ‘ઝેન’ શબ્દ આવ્યો. નામ પ્રમાણે જ ઝેન ધ્યાનને સાધનાનું મુખ્ય અંગ ગણે છે, તેમજ ઝેનમાં ધ્યાનવિદ્યાનું ગહન અધ્યયન થયું છે.

કહેવાય છે કે ભગવાન બુદ્ધે સ્વયં ઝેનનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. એક દિવસે તેઓ હાથમાં કમળ સહિત મૌનરૂપે શિષ્યોની સમક્ષ વિરાજમાન રહ્યા. એમના શિષ્યોમાંથી માત્ર મહાકશ્યપ જ બુદ્ધનો મૌન ઉપદેશ સમજી શકયા, તેથી બુદ્ધે તેમનું સન્માન કર્યું. માટે જ કહેવાય છે કે ઝેનનો પ્રચાર શાસ્ત્રીય વિદ્યાની પારે મૌન ઉપદેશ દ્વારા ગુરુશિષ્ય પરંપરાથી થયો છે. આદિ શંકરાચાર્ય ‘શ્રીદક્ષિણામૂર્તિસ્તોત્રમ્’માં આ વાત ખૂબ સુંદરરૂપે કહે છે :

चित्रं वटतरोर्मूले वृद्धाः शिष्यास्तु गुरुर्युवा ।

गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः ।।12।।

આશ્ચર્ય તો એ છે કે વટવૃક્ષની નીચે બેઠેલા બધા શિષ્યો વૃદ્ધ છે પણ ગુરુ યુવાન છે; ગુરુ મૌન વ્યાખ્યાન આપે છે અને શિષ્યોના બધા સંશય છિન્ન થઈ જાય છે.

બોધિધર્મ નામના ભારતીય ભિખ્ખુએ બૌદ્ધ ધર્મનો ચીનમાં પ્રચાર કર્યો. આ બોધિધર્મ ઝેનની ચીની શાખાના પ્રથમ ગુરુ તરીકે ઓળખાય છે.

પરંતુ ઝેનનો વર્તમાન સ્વરૂપમાં વિકાસ તેમજ તેનો બહોળો પ્રચાર ઝેનના છઠ્ઠા ગુરુ હુઈ-નેંગ (ઈ.સ. ૬૩૮-૭૧૩)એ કર્યો. તેમનો જન્મ દક્ષિણ ચીનના એક પ્રદેશમાં થયો હતો. તેમના પિતા એક ઉચ્ચ ચીની અધિકારી હતા, જેમને અન્યાયીપણે દેશનિકાલ કરીને સામાન્ય નાગરિક બનાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાના આઘાતથી તેઓ મૃત્યુ પામ્યા ત્યારે હુઈ-નેંગ ખૂબ જ નાની વયના હતા. પિતાવિહોણા પુત્ર અને તેની માતાએ જીવનનિર્વાહ માટે બજારમાં લાકડાં વેચવાનું શરૂ કર્યું. એક વાર બાળક હુઈ-નેંગએ સંજોગવશાત્ બૌદ્ધ ધર્મના ‘વજ્રચ્છેદિકા-પ્રજ્ઞાપારમિતા સૂત્ર’નું ગાન સાંભળ્યું :

તારા મનને મુક્ત રીતે કાર્ય કરવા દે,

ક્યાંય પણ અને કોઈ પણ વસ્તુ પર બંધાયા વિના.

આ સાંભળતાં જ એકાએક બાળકનો વિવેક જાગ્રત થયો. તેના અંતરાત્માની જ્ઞાનપિપાસા તેને ઝેનના પાંચમા સિદ્ધગુરુ હોંગ-રેનના શરણમાં લઈ ગઈ. હોંગ-રેને બાળકનો પોતાના આશ્રમમાં શિષ્યરૂપે સ્વીકાર કર્યો.

એ સમયે ચીનના આશ્રમોમાં ધનિક તેમજ સામાજિક રૂપે ખ્યાતનામ પરિવારોમાંથી આવતા શિષ્યો સાધના કરતા તેમજ ગુરુના ઉપદેશ સાંભળતા. ગરીબ પરિવારમાંથી આવવાને કારણે હુઈ-નેંગને આશ્રમમાં નોકરના રૂપમાં શારીરિક શ્રમભર્યાં કામ કરીને રહેવું પડ્યું. તેઓ બધાની સાથે ગુરુના ઉપદેશ પણ સાંભળી ન શકતા તેથી કચરો વાળતાં વાળતાં દૂરથી ઉપદેશ શ્રવણ કરતા. બાકી બધા શિષ્યો તેમને નોકર તરીકે જ ગણતા. પરંતુ સમય જતાં હુઈ-નેંગએ દૂરથી સાંભળવા છતાં ગુરુનો ઉપદેશ યથાર્થરૂપે આત્મસાત્ કર્યો.

સમય જતાં ગુરુ એ પોતાનો જીવનપ્રદીપ અસ્ત થવાની અણી પર છે, એ સમજીને પોતાના ઉત્તરાધિકારીની શોધ આરંભી. તેમણે પોતાના શિષ્યોને કહ્યું કે જે પોતાની સમજ અનુસાર શ્રેષ્ઠ કવિતા રચશે તેને તેઓ પોતાનો ઉત્તરાધિકારી બનાવશે. શેન-સીઉ ગુરુના પ્રધાન અને વિદ્વાન શિષ્ય હતા. બધા માનતા કે તેઓ જ ગુરુના ઉત્તરાધિકારી થવાના છે. તેઓએ આશ્રમની દીવાલ ઉપર કવિતા લખી :

શરીર આપણું છે બોધિવૃક્ષ
અને મન છે દર્પણ
સતત અને ધ્યાનપૂર્વક આપણે કરીએ તેને સ્વચ્છ
જેથી તે રહે હંમેશાં ઉજ્જ્વળ અને નિષ્કલંક

રાજકુમાર ગૌતમ સાંસારિક સુખોની અનિત્યતા હૃદયંગમ કરી મહેલનાં ભોગસુખો છોડીને શાશ્વત શાંતિની શોધમાં ભિખ્ખુ બનીને નીકળ્યા. નિર્વાણપ્રાપ્તિ બાદ તેમણે નિર્વાણ પ્રાપ્ત કરવાની સાધનપદ્ધતિ તો અવશ્ય પ્રચલિત કરી પરંતુ દાર્શનિક સત્યોનો ઉપદેશ દેવાથી તેઓ દૂર રહ્યા. ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ બાદ કેટલાક શિષ્યોએ કહ્યું કે બુદ્ધે આત્માને ક્યારેય સ્વીકાર્યો નથી. આ દાર્શનિક શિષ્યોએ ‘અનાત્મા’ સિદ્ધાંતની રચના કરી, જેના અનુસાર આપણી અંદર કોઈ નિત્ય અમર આત્મા વિરાજમાન નથી. આપણી અંદર મન છે જે વહેતા ઝરણાની જેમ સતત પરિવર્તનશીલ છે અને મલિન ભાવો જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ, અજ્ઞાનથી કલુષિત છે. સતત ધ્યાનરૂપી સાધનાથી મનના આ કલંકો સ્વચ્છ થતાં રહે છે. છેવટે લાંબા સમય સુધી ધ્યાન કરવાથી આ મલિન ભાવો સંપૂર્ણપણે દૂર થાય છે અને સાથે જ મનનો પ્રવાહ સ્તંભિત થાય છે. મનની આ નિશ્ચલ નિસ્પંદ અવસ્થાને જ તેઓ નિર્વાણ કહે છે.

અહીં અનાત્માના સિદ્ધાંત અનુસાર આ કવિતા કહે છે કે આપણે શરીર અને મનના બનેલ છીએ અને આપણું મન મલિન હોવાથી તેને સતત ધ્યાન દ્વારા સ્વચ્છ રાખવું પડે.
ગુરુ મૌન ઉપદેશ દ્વારા પ્રસારિત ઝેનના ‘બુદ્ધ સ્વભાવ’માં સિદ્ધ હતા. તેમણે આ કવિતા વાંચીને પ્રશંસા અવશ્ય કરી પણ સાથે જ કહ્યું, ‘શેન-સીઉ આપણા સાચા સ્વભાવને હજુ

સમજી શક્યા નથી. તેઓ પ્રજ્ઞાના મુખ્ય દ્વાર સુધી જ પહોંચ્યા છે, પરંતુ પ્રજ્ઞાના હૃદયમાં પ્રવેશ કર્યો નથી.’

થોડા દિવસો બાદ રાતના સમયે જ્યારે બધા સુઈ ગયા હતા ત્યારે હુઈ-નેંગએ દીવાલ પર એક બીજી કવિતા લખી :

નથી કોઈ બોધિવૃક્ષ
કે નથી કોઈ દર્પણ
જો દર્પણ જ ન હોય તો
શું થશે અસ્વચ્છ અને કલુષિત

હુઈ-નેંગનું કહેવું છે કે આપણો સાચો સ્વભાવ આપણું શરીર કે કલુષિત મન નથી પણ તેની પારે ‘બુદ્ધ સ્વભાવ’ છે. માટે કલુષિત મનને શુદ્ધ કર્યા કરવું એ જ માત્ર સાધના નથી. આપણો આ બુદ્ધ સ્વભાવ સદા સ્વચ્છ નિર્મળ અને જ્ઞાનસ્વરૂપ છે. ધ્યાનની સાથે જ આપણા ‘બુદ્ધ સ્વભાવ’નું જ્ઞાન એ નિર્વાણની સાચી ચાવી છે.
બીજે દિવસે સવારે બધા શિષ્યોએ આ કવિતા વાંચી ત્યારે તેઓમાં ખળભળાટ મચી ગયો. તેઓએ વિચાર્યું કે આ કવિતા બુદ્ધ ધર્મના મૂળ સિદ્ધાંતની અવજ્ઞા છે. પરંતુ કવિતાના લેખકને કોઈ શોધી ન શક્યું. ગુરુ સમજી ગયા હતા કે તેના સાચા લેખક કોણ છે. વાતાવરણ સમજી જઈ ગુરુએ હુઈ-નેંગને રાત્રે બોલાવીને કહ્યું : ‘તું જ છે મારો સાચો ઉત્તરાધિકારી. પરંતુ જો હું જાહેરમાં આમ કહીશ તો બાકી બીજા શિષ્યો તને હાનિ પહોંચાડી શકે છે. માટે તું અત્યારે જ આશ્રમ છોડીને નીકળી જા અને બહાર જઈ બુદ્ધ સ્વભાવના સિદ્ધાંતનો પ્રચાર કર.’

આ કવિતા શ્રીરામકૃષ્ણદેવના એક પ્રસંગ સાથે મળતી આવે છે. શ્રીરામકૃષ્ણના ગુરુ તોતાપુરી પોતાની પાસે એક જળપાત્ર કે લોટો, એક લાંબો ચીપિયો અને બેસવાના આસન માટે એક ચર્મ માત્ર રાખતા. અને એક જાડી ચાદરથી હંમેશાં પોતાનો દેહ ઢાંકેલો રાખતા. લોટા તથા ચીપિયાને તોતાપુરી દરરોજ માંજીને ચકચકતાં રાખતા. તોતાપુરીને આ પ્રમાણે રોજ ધ્યાન કરતા જોઈને શ્રીરામકૃષ્ણે એક દિવસ એમ પૂછી પણ નાખ્યું કે, ‘આપને તો બ્રહ્મ પ્રાપ્તિ થઈ ગઈ છે, સિદ્ધ થઈ ગયા છો, પછી શા માટે વળી રોજ ધ્યાનાભ્યાસ કરો છો ?’ તે ઉપરથી તોતાપુરીએ શાન્ત નજરે શ્રીરામકૃષ્ણ તરફ જોઈને લોટા તરફ આંગળી ચીંધીને બોલ્યા, ‘કેવો ઊજળો દેખાય છે ને ? પણ જો રોજ માંજું નહીં તો ? મેલો થઈ જશે ને ? મનનું પણ એ મુજબ જાણવું. ધ્યાનનો અભ્યાસ કરીને મનને એ પ્રમાણે રોજ માંજતા-ઘસતા ના રહીએ તો મલિન થઈ જાય.’ તીક્ષ્ણ દૃષ્ટિવાળા શ્રીરામકૃષ્ણ ગુરુની એ વાત માની લેતાં

બોલ્યા ‘પણ જો સોનાનો લોટો હોય તો ? તો પછી રોજ ના માંજીએ તો પણ મેલો થઈ ના જાય’. ગુરુએ હસીને કબૂલ કર્યું, ‘હા, એ ખરું.’
ગુરુના આશીર્વાદથી હુઈ-નેંગએ ઝેનનો બહોળો પ્રચાર કર્યો. આજે પશ્ચિમના દેશોમાં ઝેનનો ધ્યાનકેન્દ્રિત અભિગમ સવિશેષ પ્રખ્યાત છે.

Total Views: 414

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.