ભગવાન શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી ઘણાં વિઘ્ન-બાધાઓ પછી ‘શ્રી મ. દર્શન’ પ્રકાશિત થયું. ઉત્તરાખંડ હિમાલયમાં ગંગાતીર પર પર્ણકુટીમાં નિવાસ, ભિક્ષાના અન્ન વડે ઉદરપૂર્તિ, ‘નિર્જને ગોપને વ્યાકુળ થઈને ભગવાનને પોકારવા’ એના માટે પૂજ્યપાદ આચાર્ય શ્રી મ. પોતાના અંતેવાસીઓના પ્રાણોમાં ગંભીર પ્રેરણા અને અદમ્ય ઉત્સાહ જન્માવતા હતા. ભારતનો આ સનાતન મહાન આદર્શ શ્રીરામકૃષ્ણનાં સંન્યાસી સંતાનોની સાથે એમના જીવનમાં પણ સાકાર થઈ ઊઠ્યો હતો. શ્રી મ.ના દેહત્યાગ પછી જ્યારે મારા જીવનમાં પણ આ શુભસમયનો આર્વિભાવ થયો અને એમના જ શુભાશીર્વાદથી હૃષીકેશમાં ભિક્ષાજીવી બનીને અભૂતપૂર્વ સુખશાંતિનો આસ્વાદ પામ્યો, ત્યારે જેને ઘણા સમયથી યક્ષના ધનની જેમ પોટલી બાંધીને રાખ્યી હતી એવી એમની અમૃતવાણીના ભંડાર જેવી, એ ડાયરીઓને(રોજનીશી) જોવા લાગ્યો. હવે એ વધારે મૂલ્યવાન, અધિક મધુર અને શાંતિદાયક લાગવા માંડી. સારી નોંધપોથીમાં તે વાણીને સુંદર, સુવાચ્ય રીતે લખવાનું આરંભ કરી દીધું. બંધુઓએ કુતૂહલથી શું લખંુ છું એ શોધી લીધંુ અને માગીને રસપૂર્વક વાંચવા લાગ્યા. હૃષીકેશવાસી ત્યાગી-તપસ્વીગણ તો વાંચીને મુગ્ધ બની ગયા. પછી શરૂ થયો સારી રીતે લખીને પ્રકાશિત કરાવવા માટેનો વારંવાર અનુરોધ.

એની પાંડુલિપિ તો ઈ.સ.૧૯૪૩ની વસંતમાં હૃષીકેશમાં તૈયાર થઈ ગઈ. પછી એને શ્રીરામકૃષ્ણ મઠના અનેક પ્રવીણ તથા નવીન સાધુભક્તો અને વિદ્વાન વ્યક્તિઓએ વાંચી અને સાંભળી. ત્રણ વર્ષ સુધી એની પ્રસંશા થતી રહી. પ્રકાશિત કરવાની ઇચ્છા હોવા છતાં અનિવાર્ય કારણોસર પ્રયત્ન ન થયો. એ દિવસોમાં દૈવવશ દાર્શનિક પ્રવર આચાર્ય મહેન્દ્રનાથ સરકાર ઉત્તરાખંડ આવ્યા. તેઓ પણ પાંડુલિપિ વાંચીને મુગ્ધ થઈ ગયા અને લઈ ગયા કલકત્તા પ્રકાશિત કરવા. બંગાળની રાજનૈતિક વિષમતાઓના કારણે એનું પ્રકાશન થતાં થતાં અટકી ગયું. ભગવાનની ઇચ્છા સિવાય કાંઈ થતું નથી. એટલે આટલા દિવસો પછી જનસાધારણના હાથમાં પહોંચ્યું.

આ પુસ્તકમાં શ્રી પરમહંસદેવ અને શ્રીશ્રીમાની થોડી નવીન વાતો; તેમના તથા સ્વામી વિવેકાનંદના મુખ્ય શિષ્યો અને સંતાનોની વાણી છે. તેની સાથે ‘કથામૃત’કાર દ્વારા કથામૃતની વ્યાખ્યા તથા શ્રીરામકૃષ્ણ જીવન-આલોકમાં ઉપનિષદ, ગીતા, ભાગવત, પુરાણ, બાઇબલ વગેરે શાસ્ત્રોની આલોચના છે.

બેલુર મઠના ઘણા સાધુજનોના વિશેષ અનુરોધથી આ પુસ્તક લખવાનું પ્રધાન ઉદ્દીપન થયંુ. તેઓ જાણતા હતા કે મારી પાસે શ્રી મ.ની વાણીની ડાયરી છે. ડાયરી હું સ્વયં વાંચતો અને પોતાના માટે જ રાખી હતી. ક્યારેક કોઈ સાંભળવા ઇચ્છતું તો સંભળાવતો. પુસ્તક રૂપે પ્રગટ કરવાની ઇચ્છા ન હતી. સાધુઓ અને ભક્તોની ઇચ્છાથી જ પ્રકાશિત કરવાની ઇચ્છા થઈ.

પૂજ્યપાદ શ્રી મ.ના કૃપાશ્રયમાં દીર્ઘકાળ સુધી રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એ સમયે જે પ્રત્યક્ષ જોતો અને સાંભળતો એને જ પોતાની દૈનિક ડાયરીમાં કોઈને ખબર ન પડે તે રીતે લખી લેતો. હું વાંચતો અને ભક્તોના આગ્રહથી એમને સંભળાવતો. શ્રી મ.એ પણ એનો પાઠ સાંભળ્યો અને સ્થાનવિશેષ પર એમાં સંશોધન કરી આપ્યું. નોંધને કઈ રીતે ત્રુટિરહિત રાખવી એનો ઉપદેશ પણ આપ્યો. આ પુસ્તકની પ્રત્યેક વિષયવસ્તુ મારી પોતાની ડાયરીમાંથી જ લેવામાં આવી છે. બીજા કોઈની સાંભળેલી કે અન્ય પુસ્તક વાંચીને લખવામાં આવી નથી. શ્રી મ.ના સાહચર્યનો લાભ પણ છે. એક દૈવી ઘટના – બહુ નાની વયમાં કથામૃતનો પ્રથમ ભાગ વાંચવા મળ્યો, એ સમયે વિશેષ કાંઈ સમજી ન શક્યો. એ વખતે શ્રી મ. પ્રત્યે આકર્ષણ નહોતું. શ્રી મ.એ પુસ્તક લખ્યંુ છે, એટલું જ જાણતો હતો. અમારું આકર્ષણ હતું જગદ્ગુરુ આચાર્ય શ્રીમત્ વિવેકાનંદજી પ્રત્યે. સ્વદેશી આંદોલનના આરંભથી જ એમનું નામ સાંભળ્યું હતું. એમની શિકાગો-ભાષણોની છબિ જોઈ હતી. એ જ વીરકેસરી વિવેકાનંદજી હતા, અમારા ઉપાસ્ય. અમે મનમાં વિચારતા કે તેઓ ભારતની મુક્તિ માટે આવ્યા છે. એ સમયે એમના પર જે શ્રદ્ધા અને પ્રેમ હતાં, એ ભક્તભાવે ન હતાં, એક Admirer, પ્રસંશકરૂપે હતાં. એ સમયથી જ અમે સ્વામીજીનો આશ્રય કરીને યથાશક્તિ પવિત્ર જીવનયાપન અને સેવાવૃત્ત અનુષ્ઠાન કરવાની ઇચ્છા રાખતા હતા. અમારો આદર્શ ગીતા, ચંડી વગેરે વાંચીને સારી રીતે ન સમજવા છતાં પણ અનાડંબર સરળ જીવન જીવવાનો હતો. પરંતુ ત્યાં સુધી ‘ઈશ્વરલાભ મનુષ્યજીવનનો સર્વશ્રેષ્ઠ ઉદ્દેશ્ય છે’, એની ખબર હૃદયમાં પહોંચી નહોતી. આ રીતે દિવસો વહી રહ્યા હતા.

કાૅલેજમાં ભણતી વખતે એક દિવસ એક મિત્ર સાથે શ્રીરામકૃષ્ણના સાક્ષાત્ શિષ્યગણ સંબંધે વાતચીત થઈ. વચ્ચે વચ્ચે એવી ચર્ચા થયા જ કરતી હતી. મિત્ર હતા, બેલુર મઠમાં દીક્ષિત શ્રીશ્રીમાના મંત્ર-શિષ્ય. એમણે કહ્યું, ‘શ્રી મ. ઠાકુરની વાત સિવાય અન્ય વાત બોલતા જ નથી.’ તર્ક માટે મેં કહ્યું, ‘તેઓ સ્વામીજીની વાતો કેમ નથી કહેતા ? સ્વામીજીએ ભારતને બચાવ્યું છે, મુક્તિનું સાધન બતાવ્યું છે. એમના આગમન અને પ્રચારથી જ તો સ્વાધીનતા સંગ્રામનો નવીનરૂપે સૂત્રપાત થયો છે. અમે તો એમની વાતોથી જ પવિત્ર જીવનયાપનની ઇચ્છા કરી રહ્યા છીએ. તેઓ એમની વાતો કેમ નથી કહેતા?’ તર્ક ધીરે ધીરે ઉગ્ર થઈ ગયો. ભક્ત-મિત્ર નિરુપાય બનીને બોલ્યા, ‘જો આપનો આ જ મત હોય તો જઈને એક દિવસ આ વાત કરી આવોનેે.’ એ જ નક્કી થયું.

શ્રી મ.ને ઉત્તમ ઉપદેશ આપવા ગયો અને એમની જ ઉપદેશજાળમાં ચિરકાળ માટે બંધાઈ ગયો. શ્રાવણની સાંજનો વરસાદ વરસી ચૂક્યો હતો. મોર્ટન સ્કૂલના ચોથા માળની છત પર શ્રી મ. સાથે હું બેઠો હતો. પહેલાં બે-ચાર વાતો પૂછીને અમારા મુખ પર દૈવી અને અંતર્ભેદી ચક્ષુયુગલ એક મિનિટ માટે સ્થિર કરીને સ્વામીજીની વાતો કરવા લાગ્યા. એ એક અદ્‌ભુત ઘટના ! સતત ત્રણ કલાક સુધી ફક્ત સ્વામીજીના મહિમા વિશે જ બોલ્યા. મને જ્ઞાનબોધ થવા માંડ્યો. જાણે કે, ચિત્તમાં શાંતિ અને અમૃતની વર્ષા થવા લાગી છે. હૃદયનાં સંગ્રહાયેલાં સંશય, અશાંતિ દૂર થઈને જાણે કે ઇચ્છિત વિષય અજાણ્યે જ પ્રગટ થવા લાગ્યો. આવું મધુર વર્ષણ આ પહેલાં હૃદયમાં ક્યારેય થયું ન હતું ! ઘણા દિવસોની વાંછિત વસ્તુ પ્રાપ્ત થવાથી હૃદય આનંદથી પરિપૂર્ણ થયું. અને શ્રી મ.ની આ વાતોથી સમાલોચકની દૃષ્ટિથી પરીક્ષાની જે પ્રવૃત્તિ ચાલતી હતી, એ પણ દૂર થવા લાગી. મનમાં થવા લાગ્યું, આ આવી વ્યક્તિ છે કોણ? એમની વાતોમાં અહંકાર તો લેશમાત્ર પણ નથી. ‘હું’ એવો તો શબ્દ સુધ્ધાં નથી. અમે યુવક અને તેઓ વયસ્ક. એમનો વ્યવહાર અમારી સાથે જાણે સમવયસ્કનો હોય તેમ અમારી વચ્ચે કોઈ પણ પડદો નહીં; અને કેવું માધુર્ય! જાણે તેઓ પોતાની સાથે જ વાતો કરે છે, એમ અમે અનુભવ્યું. પોતાની કોઈ વાત ન કહેતાં સ્વામીજીની વાત જ અવિરત ચાલી રહી છે. કહેવા લાગ્યા કે ભારતના યુવકો સ્વામીજીને પગલે પગલે ચાલે તો તેમાં તેમનું પોતાનું પણ કલ્યાણ છે અને દેશના બીજા દસનું પણ કલ્યાણ છે. શુકદેવ નવક્લેવરમાં નરેન્દ્રનાથના રૂપે આવ્યા છે. તેમનું પોતાનું કોઈ પ્રયોજન નહીં. તેઓ હતા નિત્યસિદ્ધ, ઈશ્વરકોટિ, સપ્તર્ષિઓમાંના એક ઋષિ. ભારત અને જગતના કલ્યાણ માટે એમનું આગમન થયું. ચોથા માળેથી પહેલા માળે ઊતર્યા હતા, જીવશિવની સેવા શીખવવા. શ્રીરામકૃષ્ણના ‘માથાર મણિ’ (માથાના મણિ) નરેન્દ્રમાં અઢાર ગુણ હતા. શ્રીઠાકુરના કેશવમાં હતો કેવળ તે એક માત્ર. સીઝર, સિકન્દર, નેપોલિયનના વિજયો કરતાં પણ મોટો હતો એમનો ધર્મક્ષેત્રે, અન્યક્ષેત્રે વિજય.

પહેલાં સ્વામીજી ઉપર અમારી જે પ્રીતિ હતી એ જાણે હતી Fanatic, ઉન્માદીની પ્રીતિ. ફૂલઝડીની જેમ ફશ-ફશ કરીને ઊંચે ચડીને પડી જાય – Sentimental Admirer – શૂન્યગર્ભ પ્રસંશકની પ્રીતિ. રાજનીતિના રંગમાં રંગાઈને સ્વામીજીને ત્યારે જોતો હતો. શ્રી મ.ની વાતોથી એ રંગ ધોવાઈને એથી પણ ઉચ્ચ રીતે જોવાનો પ્રકાશ સાંપડ્યો. અવતારના મુખ્ય પાર્ષદ નિત્યમુક્ત બ્રહ્મજ્ઞપુરુષ છે, વિવેકાનંદ; આ વિચારેે હૃદયમાં પ્રવેશ કર્યો. જાણે કે બ્રહ્મજ્ઞાનના ઉત્તુંગ શિખર પર સમાસીત વિવેકાનંદ ! વિશાળ એમની દૃષ્ટિ અને સર્વતોમુખી પ્રતિભા. એના દ્વારા જ તેઓ જોઈ શકતા હતા જગતની અને ભારતની સમસ્યાઓને નખદર્પણમાં. સાથે ને સાથે સ્થાન-કાળ-પાત્ર ભેદથી એને જ ક્યાંક-ક્યાંક વ્યક્ત કરી. અલ્પદૃષ્ટિ મનુષ્ય એમને કેવી રીતે સમજી શકે ? એટલે તે પોતાનાં ચશ્માંના રંગમાં રંગીને જ એમને જુએ છે.

અમે મૂળ લાભ પામ્યા. શ્રી મ.નાં દર્શનના થોડા દિવસ પહેલેથી જ મારા હૃદયની ભીતરથી એક આકાંક્ષા ઉદ્ભવતી હતી ! અને દરરોજ નીરવ પ્રાર્થના : હે ઈશ્વર, જેની બુદ્ધિ સ્થિર અને અવિચલિત હોય એવી વ્યક્તિ મને મેળવી આપો અને તેમની બુદ્ધિનો આશ્રય લઈને ચાલવાથી જીવનમાં ચડવા-પડવાનું બંધ થઈ જાય. ઈશ્વર-લાભ-જન્ય એે વ્યક્તિની સહાયતાનું પ્રયોજન ન હતું. ખરેખર એ હતું, એની બુદ્ધિથી મનુષ્યના રોજબરોજના જીવનપથ પર હું ચાલું. પોતાની બુદ્ધિની દુર્બળતા અને અસ્થિરતાનો અનુભવ કરવા આ પ્રકારના એક વ્યક્તિની સ્થિતપ્રજ્ઞતાની ખોજનું કારણ હતું. કાૅલેજમાં ભણતી વખતે એ દિવસોમાં કોઈ એક ઘટનામાં મેં મારી બુદ્ધિના દોષને જોઈ લીધો, મનમાં થયું, એને લઈને ગર્વ કરવો નકામો. આવી ક્ષુદ્ર ચંચળ બુદ્ધિને હું આટલા દિવસ મોટી માનતો રહ્યો હતો, પણ એનો વધારે વિશ્વાસ કરી શકાય નહીં. બુદ્ધિમાન નામે જે અભિમાન હતું તે ચૂરચૂર થઈ ગયું. મનુષ્યના જીવનમાં આ બહુ મોટી દુ :ખદ વાત છે. પોતાની બુદ્ધિનો આશ્રય લઈને જ બધા નાનાં-મોટાં કામ કરે છે. પરંતુ જ્યારે પોતાની બુદ્ધિ પર અવિશ્વાસ થઈ જાય છે, ત્યારે મનુષ્યની થઈ જાય છે જીવતા છતાં મૃતપ્રાય : અવસ્થા. આ જ અશાંતિનો અગ્નિ હૃદયમાં સદા બળતો હતો. અસહાય બનીને વ્યાકુળ પ્રાર્થના પણ ચાલી રહી હતી : પ્રભુ, એવા કોઈની સાથે મારો મેળાપ કરાવી આપો કે જેની વાણીનો હંું દાસ બનીને ચાલંુ. હું આ બુદ્ધિના આધારે વધારે ચાલી શકું નહીં. બહારનાં બધાં જ ક્રિયાકર્મો ચાલુ હતાં, પરંતુ ભીતરમાં તો સદાય આ જ જ્વાળા અને ઉત્કટ પ્રાર્થના. આવી જ મનોવૃત્તિની અરાજકતાના સમયે શ્રી મ.ના નૂતનભાવનાં દર્શન અને લાભ થયાં. જે દિવસે આ ભાવને લઈને શ્રી મ.ને જોયા તે દિવસથી જ સમજી લીધું કે ભગવાને મારી પ્રાર્થના સાંભળીને જ શ્રી મ.ને મારા માટે કર્ણધાર રૂપે મોકલ્યા છે – શ્રી મ કર્ણધાર.

અને એ સાથે પેલી એક અભિલાષા પણ પૂર્ણ થઈ. બાલ્યકાળથી જ આરુણિ, ઉપમન્યુ અને વેદોની વાતો વાંચીને, સાંભળીને ઋષિ સંગે ગુરુગૃહવાસની ઇચ્છા હતી. શ્રી મ.ને પામીને અને એમની સાથે નિવાસ કરીને આ અભિલાષા પણ પૂર્ણરૂપે પૂરી થઈ ગઈ.

આ મિલનની પહેલાં ઠાકુર અને સ્વામીજીનાં પુસ્તકો વાંચતો, બેલુર મઠ અને દક્ષિણેશ્વર આવજા કરતો, માૅર્ટન સ્કૂલમાં શ્રી મ. છે, એ વાત જાણતો પણ હતો, એમને જોયા પણ હતા. પરંતુ આ બધું જ મૂળત : સ્વામીજીના સંપર્કથી જ હતું. ત્યાં સુધી આ નૂતનદૃષ્ટિ ખૂલી ન હતી. આ ઘટના બની એ દિવસથી રોજ શ્રી મ. પાસે જવા લાગ્યો. એમની વાતો એકાગ્ર મનથી સાંભળતો અને ઘરે પાછો ફરીને લખતો. મનમાં થતું કે આ વાતોથી મારા પ્રાણ શીતળ થયા છે, એને લખી રાખું. જ્યારે શ્રી મ.ને નહીં મળું, ત્યારે વાંચીને શાંતિ પ્રાપ્ત કરીશ. પહેલાં અન્યને સંભળાવવાની કે પુસ્તક પ્રકાશિત કરવાની લેશમાત્ર પણ ઇચ્છા હતી નહિ. આ પહેલાં જ કહી ચૂક્યો છું કે બીજાની વાતોથી પણ લખવામાં નથી આવ્યંું. પ્રાણોની ભીતર લખવાની પ્રેરણા થઈ, ત્યારે જ લખ્યંુ. એ લેખન જ છે, હવે ‘શ્રી મ. દર્શન’ના રૂપે પ્રકાશિત.

થોડા દિવસોમાં મને સમજાવા લાગ્યું કે શ્રી મ. મારા ગુરુ છે. પરંતુ શ્રી મ. ની વાતો અને વ્યવહારમાં ગુરુગિરિની નામગંધ પણ નહીં. મને એ વ્યવહારે જ વધારે આકર્ષ્યાે. એમની પાસેથી જ સર્વપ્રથમ સાંભળ્યંુ કે જે અખંડ સચ્ચિદાનંદ વાક્મનથી અતીત છે, તે જ આવ્યા શ્રીરામકૃષ્ણના રૂપે. હજુ હમણાં જ તો આવીને ગયા છે, જાણે કે ‘હાથ લંબાવીને પકડી શકાય છે.’ એમની સૌરભ હજુ પણ પવન-વહન કરીને સર્વત્ર પ્રસરાવી રહી છે. એ સાથે જ સાંભળી ઠાકુરની પ્રતિજ્ઞા- ‘જે મારું ચિંતન કરશે, તે મારું ઐશ્વર્ય પ્રાપ્ત કરશે, જેવી રીતે પિતાનું ઐશ્વર્ય પુત્ર પ્રાપ્ત કરે છે.’ એમને પ્રાપ્ત કરવાના સહજ ઉપાયની વાતો પણ સાંભળી – ‘મારું ધ્યાન કરવાથી જ થઈ જશે, તમારેે બીજું કાંઈ કરવું નહીં પડે.’ ‘હું કોણ અને તું કોણ, એ જાણવાથી જ થઈ જશે,’ ઠાકુરનાં આ જ મહાવાક્યો.

શ્રી મ.ને ઓળખ્યા એક નવા રૂપમાં. શ્રીરામકૃષ્ણ, વિવેકાનંદ અને મઠ – હું એમને પહેલાં સાધારણ દૃષ્ટિથી જોતો હતો. શ્રી મ. ની કૃપાથી હવે એક અલગ દૃષ્ટિથી જોવા લાગ્યો. શ્રીરામકૃષ્ણ યુગાવતાર, નરેન્દ્ર વગેરે એમના શિષ્યો; ચૈતન્યદેવ અને એમના શિષ્યો જેવા હતા. શ્રીરામકૃષ્ણના પ્રચારનું મુખ્ય કેન્દ્ર બેલુર મઠ. સંન્યાસી-મનુષ્ય હોવા છતાં પણ ભિન્ન સ્તરના મનુષ્ય, આપણા પ્રણમ્ય. બેલુર મઠને તો એક અભિનવ રંગ ધારણ કરાવી દીધો શ્રી મ.એ, દેવભાવ વડે મંડિત કરીને. પ્રસંશા શ્રદ્ધામાં પરિણત થઈ ગઈ. બેલુર મઠના બાગનું પ્રત્યેક વૃક્ષ પવિત્ર, પ્રત્યેક ધૂલિ-કણ પવિત્ર, કારણ કે એ સર્વત્યાગીઓનો આશ્રમ. દક્ષિણેશ્વરના સંબંધમાં પણ આ જ ભાવ ભરી દીધો. ભગવાને ત્રીસ વર્ષ સુધી આ પુણ્યભૂમિ પર નરલીલા કરી. અહીંના ધૂલિકણો, વૃક્ષલતાઓમાં છે એમનો દિવ્ય-સ્પર્શ. ત્યાંનાં બધાં વૃક્ષો દેવતા અને ઋષિ છે. લીલાસ્વાદન માટે આ રૂપે વસી રહ્યા છે. સંભવત : એટલે જ શ્રી મ. દક્ષિણેશ્વરનાં વૃક્ષોને આલિંગન કર્યા કરતા.

મને ઉત્સાહિત કરીને અને વળી આગ્રહ કરીને વહેલી સવારે દરરોજ મઠમાં મોકલવા લાગ્યા; શીખવી દીધું કે મઠના ફાટકને દંડવત્ પ્રણામ કરીને આ ચાર મંત્રનું ઉચ્ચારણ કરીને પ્રવેશ કરજે :

૧. કાયા-વાચા-મનથી આશ્રમને દુ :ખપીડા નહીં પહોંચાડું. ૨. ધ્યાનના સમયે સાધુઓનું ઉલ્લંઘન નહીં કરું. ૩. ચરણામૃત અથવા પ્રસાદ કણમાત્ર જ ગ્રહણ કરીશ અને ભિક્ષાના અન્નથી પેટ ભરીને ભોજન નહીં કરું. ૪. સાધુઓ સાથે તર્ક નહીં કરું. તિરસ્કાર મળશે તોપણ મઠની અંદર પ્રતિવાદ નહીં કરું. આ આશ્રમનાં સાધુ, સેવક, પશુ, પક્ષી બધાં જ અમારાં વંદનીય.

Total Views: 278

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.