ગતાંકથી આગળ……

એમ્સમાં જવાનું સૂચન તો થયું. સૂચન કરનાર પણ નીકળી ગયા. હવે અમારી સ્થિતિ કફોડી થઈ. અહીંની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં અને તેના વહીવટમાં ફરિયાદનું કોઈ કારણ ન હતું. સારવાર પણ ઉત્તમ થઈ રહી હતી. વળી લખનૌમાં અમારાં ઘણાં સગાં અને મિત્રો પાસેનાં સ્થળોમાં જ હતાં. વળી અમારી આર્થિક સ્થિતિ હજી પણ દયાજનક હતી. એટલે મારો પરિવાર એમ્સમાં જવું કે નહીં એની અવઢવમાં હતો. ત્યાં અમને કોઈ ઓળખતું ન હતું. પણ ખરે વખતે હિન્દી અખબાર ‘દૈનિક જાગરણ’નાં એક પત્રકાર બહેને એમ્સ વિશે કેટલીક મૂલ્યવાન અને સમયસરની સલાહ આપી.

તેમણે કહ્યું, ‘હમણાં જ તક છે. તમારે દિલ્હીનો પ્રસ્તાવ સ્વીકારવો જોઈએ. ‘એમ્સ’ આ લખનૌની હોસ્પિટલ કરતાં કેટલાય પ્રમાણમાં વધારે સારી હોસ્પિટલ છે. મિડિયાવાળા કંઈ લાંબો વખત રસ લઈને દબાણ ન લાવી શકે, એની તો તમને ખબર હશે જ.’ પછી મારા પરિવારને સંબોધીને કહ્યું, ‘હમણાં તો આખો દેશ તમારી સાથે છે. અરુણિમાના ભવિષ્યની સાથે ચેડાં ન કરતાં.’

આ પત્રકારની વાત મારા બનેવીને સાચી લાગી. બધા સભ્યો સાથે બેઠા અને તરત જ નક્કી કર્યું કે દિલ્હી જવું. મારો પરિવાર આમ તો મોટા ભાગના નિર્ણયો ફટાફટ લઈ શકતો અને આ નિર્ણય પણ માત્ર ૩૦ જ સેકન્ડમાં લેવાઈ ગયો ! ભલામણ કરનાર પેલા મંત્રી ઊપડવાની તૈયારીમાં હતા. ગાડી નીકળવાની તૈયારીમાં જ હતી, ત્યાં મારા બનેવીએ કહ્યું, ‘સર, અમે તૈયાર છીએ ! દિલ્હી જવા તૈયાર છીએ !’

મંત્રીએ પણ હકારાત્મક પ્રતિભાવ આપતાં કહ્યું, ‘સારું, તમારે માટે બધી વ્યવસ્થા હું કરી દઈશ. નીકળવા માટે જલદી તૈયાર થઈ જાઓ.’ એમણે શાંતિ અને કાર્યક્ષમતાથી સોંપેલું કાર્ય પૂરું કર્યું એ જોઈને અમારો પરિવાર અભિભૂત થઈ ગયો. તેમણે ગૃહસચિવને ફોન કરીને મને દિલ્હી પહોંચાડવા એક હવાઈ એમ્બ્યુલન્સની ગોઠવણ કરવા કહ્યું. કિંગ જ્યોર્જ હોસ્પિટલમાંથી મને એરપોર્ટ લઈ ગયા. હોસ્પિટલથી લખનૌ એરપોર્ટનો આખો માર્ગ બીજાના પ્રવાસ માટે બંધ રખાયો. આવી બધી વાતો મારો પરિવાર મને કહેતો રહ્યો. મને નબળાઈ ખૂબ હતી પણ આ બધું સાંભળીને સારું લાગ્યું. કોઈ ખ્યાતનામ ખેલાડીઓ કે ફિલ્મસ્ટારો કે સુખ્યાત નેતાનું જે રીતે સ્વાગત કરે અને એમને જોવા માટે પડાપડી કરે તેવી જ રીતે હવાઈ એમ્બ્યુલન્સમાંથી મને સ્ટે્રચરમાં દિલ્હી એરપોર્ટ પર ઉતારી ત્યારે મેં જોયું તો હજારો લોકો મારો સત્કાર કરવા ત્યાં એકઠા થયા હતા.

લખનૌથી મને દિલ્હી સારવાર માટે લાવવામાં આવી એમાં પણ રાજકીય સંદર્ભ હતો. બે પક્ષોની જુદી જુદી સરકાર વચ્ચે મારો કેસ પણ રાજકારણમાં સંડોવાયો. કેટલાક મિત્રો અને પરિવારજનોએ કહ્યું કે ઉત્તરપ્રદેશના અધિકારીઓની સલાહ અહીં લખનૌમાં સારવાર લેવાની હતી. દિલ્હીમાં જવાની જરૂર ન હતી. એ વાત સાચી કે લખનૌના ટ્રોમા સેન્ટરમાં મને ઘણી સારી સારવાર મળતી હતી. દિલ્હી ખસેડવાનું કોઈ દેખીતું કારણ ન હતું. પેલાં પત્રકાર બહેનની સલાહ પણ શાણપણવાળી લાગી. એટલે અમે દિલ્હી આવવાનો વિકલ્પ પસંદ કર્યો. એની પાછળ કોઈ રાજકીય હેતુ ન હતો. અમને એવો જરાય અંદેશો ન હતો કે અમારું આ પગલું વાદવિવાદમાં ઢસડી જશે; ભવિષ્યમાં મારાં ચારિત્ર્ય અને વર્તણૂક ઉપર પ્રશ્નો ઊઠશે અને મારા પરિવારને નિશાન બનાવશે કે મારી આસપાસના લોકો વિશે ખોટા ઇરાદાઓનાં આળ મુકાશે.

ઝબૂકતી બત્તીઓ અને માઈક, ટીવીના કેમેરા તેમજ ખબરપત્રીઓના જમેલામાંથી દિલ્હી એરપોર્ટ પર ઊતરતાંવેંત મારા લાઈવ ફોટા મુકાતા હતા. એ દરમિયાન મને એમ્બ્યુલન્સમાં સુરક્ષિત રીતે ગોઠવી અને અમે એમ્સ પહોંચ્યાં. જેવાં અમે એમ્સ પર પહોંચ્યાં કે ત્યાંના સ્થાનિક રાજકારણીઓ સ્વાગત અને માર્ગદર્શન માટે હાજર હતા. કોણ ચૂકે લાભ આ ખાટવો, જેવું રાજકીય વાતાવરણ જામ્યું.

રમેશ સિક્કા અને ધર્મવીર ભારતીને અમે એમ્સમાં આવીએ ત્યારે શા માટે હાજર રહેવા કહ્યું હતું તે વાત થોડા જ સમયમાં સ્પષ્ટ થઈ ગઈ. તેમને દિલ્હીના અમારા નિવાસ દરમિયાન અમારું ધ્યાન રાખવાનું કામ સોંપાયું હતું. તેઓ અમારા સ્થાનિક સંપર્ક અને સ્રોત બન્યા. મને એમ્સમાં રાખી ત્યારે મારા પરિવારને તેમના ગેસ્ટ હાઉસમાં રહેવાનંુ હતું. તેમની સાથે વીઆઈપી જેવો વ્યવહાર થતો. તેઓ બન્ને વિના મૂલ્યે લાંબા સમય માટે અમારા યજમાન બન્યા. મને હોસ્પિટલનું ખાવાનું ન ગમે ત્યારે તેઓ મને ઘરનું ભોજન મળે તેવું કરતા. આ બન્નેને કારણે દિલ્હીમાં અમને કોઈ સમસ્યા ન નડી. મને કોમનવેલ્થ ગેમ્સ વોર્ડમાં મૂકવામાં આવી. આ વોર્ડ ખાસ ઊભો કરવામાં આવ્યો હતો. એ આધુનિક સ્તરનો હતો. લખનૌનો વોર્ડ હોટલ જેવો હતો અને આ દિલ્હીવાળો વોર્ડ ફાઈવસ્ટાર હોટલ જેવો હતો. અહીં બધું સ્વચ્છ હતું. તેમના પરિચારકો સ્માર્ટ, નર્સ વ્યવસ્થિત અને બધા સાથે સ્મિત વેરતી. હું શાતાભરી સુગંધ સમગ્ર વાતાવરણમાં અનુભવતી.

આખા દેશમાં આવી હોસ્પિટલો હોય તો દર્દીની સાજા થવાની માત્રા ઘણી વધે અને ઝડપી બને. જે રાજ્ય કે દેશમાં માતાઓ અને નવજાત શિશુઓનાં મોતનું પ્રમાણ સૌથી વધારે હોય તેમાં આવી અપેક્ષા રાખવી વધુ પડતી ગણાય, એ હું જાણતી હતી. બદનસીબે એમ્સ જેવી હોસ્પિટલ બહુ ઓછી હોય છે. મને જે વોર્ડમાં મૂકવામાં આવી હતી તે ભારતના મોટા ભાગના નાગરિકો માટે એક સ્વપ્ન જેવો છે. મારા જેવી નિમ્ન મધ્યમ વર્ગની વ્યક્તિ માટે તો આવા વોર્ડમાં એક દિવસ રહેવા અને સારવાર મેળવવાનો ખર્ચ લગભગ આખા વર્ષની આવક જેટલો થઈ જાય છે. આખો પરિવાર મારા માટે સર્વોત્તમ સારવાર ઇચ્છતો હતો. આમ છતાં પણ તેઓ પોતાની બધી સ્થાવરજંગમ મિલકત વેચી નાખે તોપણ આવી સારવારમાં થતો સમગ્ર ખર્ચનો અડધો ભાગ જ માંડ માંડ ઊભો થાય. (ક્રમશ 🙂

Total Views: 281

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.