એક સમય હતો કે જયારે આપણે વર્ષો વર્ષ સુધી એકના એક જ કાર્યનું પુનરાવર્તન કરતા જતા હતા. ખેડૂત, એકાઉન્ટન્ટ, ડાૅક્ટર, શિક્ષક, સૈનિક, મેનેજર, વકીલ, એન્જિનિયર આ બધા કોલેજમાં જે શીખ્યા એ જ્ઞાનથી જ એમનું પૂરું જીવન ચલાવતા. એવું ક્યારેક જ થતું કે કોઈ નવી ટેકનોલોજી કે શોધખોળ એમના વ્યાવસાયિક જીવનમાં પાયાના એટલા મૂળભૂત ફેરફારો લાવી દેતી કે જેથી એમણે કોલેજમાં જે શીખ્યું છે તે તદ્દન નકામું થઈ જતું અને તેઓ કામ વગરના થઈ જતા.

પરંતુ આજના ડિજીટલ ટેકનોલોજીના આ યુગમાં બધા જ વ્યવસાયોમાં લગભગ પ્રતિ વર્ષે એવી આશ્ચર્યજનક અને અદ્‌ભુત ઉન્નતિઓ થાય છે કે જો આપણે સતત શીખતા ન રહીએ તો ગમે ત્યારે બેકાર થઈ જઈ શકીએ.

એટલું જ નહિ, હવે તો ઘણાં ખરાં કાર્યો આર્ટિફિસિઅલ ઈન્ટેલીજન્સ (artificial intelligence) એટલે કે પોતાની બુદ્ધિ ધરાવતાં કમ્પ્યૂટર કરી લેશે. અત્યારથી જ રોગનાં નિદાન, અટપટા કેસમાં કાયદાકીય સલાહ, કાર તેમજ વિમાન ચાલન, ખાવાનું બનાવવું, શેરની લે-વેચ વગેરે કેટલુંય કમ્પ્યૂટર આપણા કરતાં વધુ સારી રીતે કરી રહ્યાં છે.

પરંતુ આજે જેઓ નવી શોધખોળ કે નવસર્જન-innovation and creativity-કરી શકે છે, તેઓની અત્યંત માગ પણ છે. ટોચના વિદ્વાનો અને વૈજ્ઞાનિકો આજે દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ જેટલું સન્માન મેળવે છે. શું છે તેઓની નવસર્જનની કળાનું રહસ્ય?

આઇન્સ્ટાઇન અને ન્યૂટન વિશ્વના બે સહુથી મહાન વૈજ્ઞાનિકો છે. કેમ તેઓ તદ્દન નવી જ અને અદ્‌ભુત શોધો કરી માનવસમાજ માટે પ્રગતિ અને વિકાસના નવા રસ્તા દર્શાવી આપે છે, જયારે મોટા ભાગના એન્જિનિયરો કે વૈજ્ઞાનિકો માત્ર ગોખણપટ્ટીથી ચલાવે છે? તેઓ પોતે જ પોતાની સફળતાનું રહસ્ય આપણને સમજાવે છે. ગુરુત્વાકર્ષણના નિયમનો આવિષ્કાર કરનાર ન્યૂટન કહે છે :

‘જો મેં કોઈ મહત્ત્વની શોધ કરી હોય તો એમાં મારી બુદ્ધિ કરતાં મારી ધીરજપૂર્વકની એકાગ્રતાએ મોટો ભાગ ભજાવ્યો છે.’

‘જો લોકો મારી જેમ ગહન ચિંતન કરે તો તેઓ પણ મારી જેમ જ પરિણામ મેળવી શકશે.’

આઇન્સ્ટાઇન કહે છે :

‘આપણે સંતોષજનક અને પ્રકૃતિ સાથે એકરાગપૂર્ણ જીવન ત્યારે જ જીવી શકીએ કે જયારે આપણે માનવસ્વભાવની મર્યાદામાં રહી ભૌતિક સુખોની આશાનો ત્યાગ કરીએ.’

‘એક વ્યક્તિનું સાચું મૂલ્યાંકન છે કે એ ક્યાં સુધી પોતાના સ્વાર્થી સ્વભાવથી મુક્ત થઈ શક્યો છે.’

‘આદેશ આપવો એ નહિ પણ સેવા કરવી એ જ માનવજીવનનો સાચો ઉદ્દેશ્ય છે.’

એકાગ્રતા, સેવા, સ્વાર્થત્યાગ, સંતોષ, મર્યાદિત ભૌતિક સુખભોગ – આ છે વિશ્વના સહુથી મહાન વૈજ્ઞાનિકોના પોતાના શબ્દોમાં એમની સફળતાનું રહસ્ય. આજે એક ભ્રમ ફેલાયો છે કે મોડી રાત સુધી કામ કરતા રહેવું. અનિયમિત જીવનશૈલી, અસ્તવ્યસ્ત સામાજિક જીવન, કુટેવો એ બધું હોય તો જ જાણે કે નોકરીમાં પ્રગતિ થાય. પણ આ તદ્દન ભૂલભરેલો વિચાર છે. ગણિતજ્ઞ અને દાર્શનિક સ્પેન્સર-બ્રાઉન ઓક્સફોર્ડ અને કેમ્બ્રીજમાં પ્રોફેસર હતા. તેઓ કહે છે :

‘ન્યૂટનની જેમ પ્રકૃતિના નિયમોનું સંશોધન વર્ષો વર્ષની એકાગ્રતા માગી લે છે. અને માગી લે છે ત્યાગ. કાર્યનો ત્યાગ, વિચારશક્તિનો ત્યાગ, ગણતરીનો ત્યાગ, કોઈ પણ પ્રકારની કાર્યબહુલતાનો ત્યાગ, વાંચનનો ત્યાગ, વાર્તાલાપનો ત્યાગ. ન કોઈ પ્રયત્ન કે ન કોઈ વિચાર. જેની શોધ કરવી છે એનું જ માત્ર મનમાં રટણ. આ મુશ્કેલ રસ્તા પર ચાલવાનું જે લોકો સાહસ કરે છે તેમને કોઈ માર્ગદર્શન આપવાવાળું તો નથી જ, પણ ઉપરથી તેમને નિરુત્સાહ કરવાવાળા ઘણા છે. વૈજ્ઞાનિકોને છુપાઈને આ એકાગ્રતાના એકાંત રસ્તા ઉપર ચાલવું પડે છે. એટલું જ નહિ, પણ લોકોના હતાશાજનક અભિમતને સંતોષવા માટે દેખાડો કરવો પડે છે કે નવું સશોધન કરવા માટે પોતે જાણે કેટલાય બેબાકળા બની સખત મહેનત કરી રહ્યા છે.’

સર્જનશીલતાની કળા આપણને શાળામાં જ શીખવવી જોઈએ. એને બદલે આપણે શીખીએ છીએ માત્ર મુખસ્થ કરવાની કળા. આઇન્સ્ટાઇને પોતાના પુત્રને એક ખૂબ સુંદર પત્ર લખ્યો :

‘તને પિયાનો વગાડી ગાન કરવું ગમે છે એ જાણી મને ખૂબ ખુશી થઈ. પિયાનો વગાડવો અને લાકડામાં કોતરણી કામ કરવું એ તારી ઉંમરનાં બાળકો માટે શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ છે – નિશાળમાં જઈ ગોખણપટ્ટી કરવા કરતાં પણ વધુ શ્રેષ્ઠ. કારણ કે તારા જેવા સબળ બાળકને આ જ વધુ માફક આવે. પિયાનો પર એ ગાન કર કે જે તને મનપસંદ છે, ભલે શિક્ષકે તને એ ન શીખવ્યાં હોય. શીખવાની સરળ અને અસરકારક પદ્ધતિ છે કે તું કોઈ કામ એટલા આનંદપૂર્વક કર કે સમય ક્યાં પસાર થઈ જાય એનું તને ધ્યાન ન રહે. હું ક્યારેક મારા કામમાં એટલો ડૂબી જાઉં છું કે બપોરના ખાવાનો સમય ક્યાં પસાર થઈ ગયો એનો પણ ખ્યાલ રહેતો નથી.’

સ્વામી વિવેકાનંદ કહે છે :

‘મારા મત પ્રમાણે કેળવણીનો સાર મનની એકાગ્રતા જ છે, હકીકતો એકઠી કરવી તે નહિ. જો મારે મારું શિક્ષણ ફરીથી લેવાનું હોય અને કેવી રીતે ભણવું એ મારે નક્કી કરવાનું હોય, તો તો હું હકીકતોનો મુદ્દલ અભ્યાસ ન કરું; હું તો એકાગ્રતા અને અલિપ્તતાની શક્તિ જ કેળવું અને પછી સંપૂર્ણ સજ્જ થયેલ મનરૂપી સાધન વડે ઇચ્છા મુજબની હકીકતો એકઠી કરું.’

‘એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહીં. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો નેવું ટકા ભાગ વ્યર્થ જાય છે અને તેથી તે સતત ભૂલો કર્યા કરે છે; કેળવાયેલું મન અથવા માણસ કદી ભૂલ કરે નહીં. ચિત્તને જ્યારે એકાગ્ર કરી પાછું તેના પોતાના પર જ કેન્દ્રિત કરવામાં આવે છે, ત્યારે આપણી અંદરનું બધું આપણું માલિક નહીં બનતાં આપણું દાસ બને છે.

ગ્રીક લોકોએ પોતાનું ચિત્ત બાહ્ય જગત ઉપર કેન્દ્રિત કર્યું અને પરિણામે કલા અને સાહિત્ય વગેરેમાં પૂર્ણતા પ્રાપ્ત કરી. હિંદુઓએ આંતરજગત ઉપર – આત્માના અણદીઠા સામ્રાજ્યમાં – મન કેન્દ્રિત કર્યું અને યોગવિદ્યાનો વિકાસ કર્યો.’

આપણે બધા સહજતાથી યોગવિદ્યા શીખી શકીએ એ માટે મહર્ષિ પતંજલિએ આઠ અંગોમાં એને વિભાજિત કરી : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ.

સ્વામીજી આ આઠ અંગોની સંક્ષેપમાં વ્યાખ્યા આપે છે :

યમ : એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ – આમનું પાલન કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે. કોઈ પણ જીવતા પ્રાણીને મન, વચન અને કર્મથી કદી દુ :ખ ન પહોંચાડવું તેનું નામ અહિંસા. ‘અહિંસા પરમો ધર્મ.’ સમસ્ત સૃષ્ટિ પ્રત્યે આ અહિંસાની ભાવના વડે મળતાં સુખ કરતાં વધુ મોટું બીજું કોઈ સુખ નથી. સત્ય વડે આપણને કર્મનાં ફળ પ્રાપ્ત થાય છે. સત્ય દ્વારા સર્વ કંઈ મળે છે. સત્યમાં સર્વ કંઈ પ્રતિષ્ઠિત છે. હકીકતોને જેવી હોય તેવી જણાવવી તેનું નામ સત્ય. બીજાઓની વસ્તુઓ ચોરીથી કે બળજબરીથી ન લેવી તેનું નામ અસ્તેય, યાને નિર્લાેભીપણું. વિચાર, વાણી અને ક્રિયામાં હંમેશાં અને સર્વ સ્થિતિમાં ઇંદ્રિય-સંયમ પાળવો એ બ્રહ્મચર્ય કહેવાય. ભારેમાં ભારે દુ :ખ આવી પડે તો પણ કોઈની પાસેથી કશું દાન ન લેવું તેને અપરિગ્રહ કહેવામાં આવે છે. એની પાછળ વિચાર એ રહેલો છે કે માણસ બીજા પાસેથી દાન લે છે તેથી તેનું હૃદય મલિન બને છે, તે હલકો પડે છે, તે પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવે છે, તે બંધાઈ જાય છે ને તેનામાં આસક્તિ વધે છે.

નિયમ : નિયમો પાંચ છે : તપ, સ્વાધ્યાય, સંતોષ, શૌચ અને ઈશ્વરપ્રણિધાન. તપ એટલે ઉપવાસાદિ અથવા બીજા પ્રકારોથી શરીરને નિયમમાં રાખવું તે શારીરિક તપ. વેદોનો પાઠ અને જેમના વડે શરીરમાંના સત્ત્વગુણની વૃદ્ધિ થાય તેવા મંત્રનો જપ કરવો એ સ્વાધ્યાય… શૌચને વિશે ઋષિઓએ કહ્યું છે કે શૌચ બે પ્રકારનાં છે, બાહ્ય અને આંતર. જળથી, માટીથી કે બીજા પદાર્થાેથી શરીરની શુદ્ધિને બાહ્ય શૌચ કહેવામાં આવે છે, જેમ કે સ્નાન વગેરે. સાચું બોલવું તથા બીજા સદ્ગુણો વડે મનને શુદ્ધ કરવું તેને આંતર શૌચ કહેવામાં આવે છે… ઈશ્વરપ્રણિધાન એટલે સ્તુતિ દ્વારા, ચિંતવન દ્વારા, તેમજ ભક્તિ દ્વારા ઈશ્વરની પૂજા.

આસન : એને વિશે સમજી રાખવાની બાબત માત્ર આટલી છે કે છાતી, ખભા અને માથું સીધાં ટટાર રાખીને શરીરને મોકળું રહેવા દેવું.

પ્રાણાયામ : પ્રાણનો અર્થ થાય છે શરીરની અંદરની જીવનશક્તિઓ, આયામનો અર્થ છે તેમને કાબૂમાં લેવી. પ્રાણાયામના ત્રણ પ્રકાર છે : સાવ સાદો, વચલા પ્રકારનો અને ઘણા ઉચ્ચ પ્રકારનો. પ્રાણાયામના ત્રણ વિભાગ છે : પૂરક, કુંભક અને રેચક. જ્યારે બાર સેકન્ડથી શરૂઆત કરવામાં આવે ત્યારે તે નીચામાં નીચા પ્રકારનો, સાવ સાદો પ્રાણાયામ કહેવાય. જ્યારે તમે ચોવીસ સેકન્ડથી શરૂઆત કરો ત્યારે તે મધ્યમ પ્રકારનો કહેવાય; અને જેમાં છત્રીસ સેકન્ડથી શરૂઆત કરવામાં આવે તે પ્રાણાયામ ઉત્તમ કોટિનો ગણાય. નીચામાં નીચા પ્રકારના પ્રાણાયામમાં પરસેવો થાય, મધ્યમ પ્રકારના પ્રાણાયામમાં શરીરનો કંપ થાય અને સર્વોચ્ચ પ્રકારના પ્રાણાયામમાં શરીર હળવું થઈ જાય અને પરમ આનંદનો અનુભવ થાય.

પ્રત્યાહાર : ઇંદ્રિયો એટલે કે જ્ઞાનેન્દ્રિયો બહિર્મુખ છે અને બાહ્ય વિષયોની સાથે સંસર્ગમાં આવે છે. એ ઇંદ્રિયોને ઇચ્છાશક્તિના કાબૂ નીચે લાવવી તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે.

ધારણા : મનને હૃદયકમળ અથવા મસ્તકના મધ્યભાગ પર સ્થિર કરવું, તેને ધારણા કહેવામાં આવે છે.

ધ્યાન : એક જ સ્થાનને આધારભૂત કરીને, તે જ સ્થાન પૂરતા મર્યાદિત રહેવાથી એક વિશિષ્ટ પ્રકારના માનસિક તરંગો ઊઠે છે; આ તરંગો બીજા પ્રકારના તરંગોમાં સમાઈ જતા નથી, પણ ક્રમે ક્રમે પ્રબળ થાય છે, જ્યારે બીજા બધા તરંગો પાછા હઠતા જાય છે અને છેવટે લય પામી જાય છે. ત્યાર પછી આ બધા વિવિધ તરંગો જોડાઈ જઈને એક થઈ જાય છે અને મનમાં તે એક જ તરંગ રહે છે. આને ધ્યાન કહેવામાં આવે છે.

સમાધિ : જ્યારે કશા જ આધારની જરૂર ન રહે, જ્યારે સમગ્ર મન એક જ તરંગરૂપ બની ગયું હોય, વૃત્તિ એકાકાર થઈ ગઈ હોય, ત્યારે તેને સમાધિ કહેવામાં આવે છે. એ અવસ્થામાં બાહ્ય સ્થાનો અને આંતર કેન્દ્રોમાંથી આવતી સઘળી સહાયથી રહિત, કેવળ વિચારનો અર્થ માત્ર જ વિદ્યમાન હોય છે. મધ્યકેન્દ્ર પર મનને જો બાર સેકન્ડ સુધી સ્થિર કરી શકાય તો એ એક ધારણા થાય, આવી બાર ધારણાનું એક ધ્યાન થાય અને આવાં બાર ધ્યાનની એક સમાધિ કહેવાય.

Total Views: 328

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.