આ બાજુ પહેલાં તો રોજ બહારથી આવીને જ શ્રીમ.નાં દર્શન કરીને વાણીશ્રવણ કરતો. હવે એમની સાથે જ માૅર્ટન ઇન્સ્ટિટ્યૂશનમાં રહેવા લાગ્યો. ધીરે ધીરે સ્કૂલમાં ભણાવવાની જવાબદારી પણ આવી ગઈ. સાધુભક્તોની અભ્યર્થના અને સેવા, સ્કૂલનું અધ્યાપન કાર્ય, કથામૃત છપાવવાનો ભાર, વિશિષ્ટ વ્યક્તિઓને મળવા જવંુ, પ્રતિનિધિના રૂપે નિમંત્રણ સાચવવાં, બની શકે તેટલી શ્રીમ.ના દેહની સેવા, આ બધાં કાર્ય કરવા લાગ્યો. એક શબ્દમાં કહીએ તો આજકાલ જે ‘સેક્રેટરી’ કરે છે, એ જ કામ કરવું પડતું હતું.

એક વાર એમણે પ્રસ્તાવ મૂક્યો : માૅર્ટન સ્કૂલના હેડમાસ્ટર તરીકે હાજર થવાનો. હું રાજી ન થયો. એનાથી દુ :ખી થઈને તેઓ કહેવા લાગ્યા, ‘ગુરુજનોની વાતનો અસ્વીકાર ન કરાય. તેઓ ચાહે છે કે ભક્તોને મોટાં કામ સોંપીને તેમનો ઉત્કર્ષ કરવો.’ ભારતની બહારથી કોઈ આવતું, તો શ્રીમ. મને આવો આદેશ આપીને મોકલતા, ‘જઈને આ આ વિષયો પર ચર્ચા કરો.’

ઠાકુરનાં જેમણે દર્શન કર્યાં છે, એવા ઘણાય બ્રાહ્મભક્તો પાસે મને મોકલ્યા કરતા. કોલકાતામાં કોઈપણ સભા-સમિતિમાં ધર્મ-ચર્ચા

થતી એવી બધી જગ્યાએ અમને મોકલતા અને અમારી પાસેથી સંપૂર્ણ અહેવાલ લેતા. એમની એક અભિલાષા એ હતી કે કોલકાતા શહેરમાં ભગવાન માટે કોણ, શંુ કરે છે, તે એક વાર બધંુ જોવું. એટલે ગિરજાઘર, મસ્જિદ, જૈનમંદિર, બુદ્ધવિહાર, બ્રાહ્મસમાજ, આર્યસમાજ સર્વત્ર અમને જ મોકલતા. તેઓ પણ ઘણી વાર સાથે આવતા, હિન્દુઓનાં મઠો અને મંદિરોમાં જવાની વાત જ વધારે. એક વાર અમેરિકાથી ડૉ. બરોઝ આવ્યા. તેઓ કાયમી લેક્ચરર હતા. (Dr. Barrows પાર્લિયામેન્ટ આૅફ રિલિજીયન્સની સ્વાગત સમિતિના સભાપતિ હતા. એ સભામાં સ્વામી વિવેકાનંદ ભાષણ આપીને જગવિખ્યાત થયા હતા.) કોલકાતાના વિશ્વવિદ્યાલયના તત્ત્વાવધાનમાં આલ્બર્ટ હાૅલમાં એમણે સાત ભાષણો આપ્યાં. લગભગ બધાં ઈશુ ખ્રિસ્ત વિશેનાં.

શ્રીમ.એ મને કહ્યું, ‘આપ જઈને એમની સાથે ઈશુના ત્યાગના સંબંધમાં વાતચીત કરી આવો’, આ basis પર વાતો કરવાનું કહ્યું – ‘Foxes have holes and the birds of the air have nests, but the Son of the man hath nowhere to lay his head,’ અને એમને એક હજુ ભાષણ આપવાનો અનુરોધ કરજો – એનો વિષય હશે, ‘Renunciation of Christ.’

વક્તાને કહ્યું તો એમણે આવો ઉત્તર આપ્યો, ‘મારી પાસે સમય નથી, દાર્જિલિંગ જઈ રહ્યો છું.’ મારી પાસે આટલાં બધાં કામ હોવા છતાં શ્રીમ. મને લો કાૅલેજમાં ભણવા પણ મોકલતા હતા.

બીજી બાજુ સાધનભજનનું શિક્ષણ પણ આપવા લાગ્યા. શ્રીમ.ની પાસે રહીને કોઈ ચાર-પાંચ કલાકથી વધારે વિશ્રામ ન કરી શકતું. રાત્રે ત્રણ વાગે, ન બને તો ચાર વાગે ઊઠીને ધ્યાન-જપ કરવાનાં રહેતાં. આ બાજુ સૂતાં સૂતાં લગભગ અગિયાર વાગી જતા. હું જોવા લાગ્યો તો શ્રીમ. છે, શ્રીરામકૃષ્ણમય ! શ્રીમ.ની પાસે છે શ્રીરામકૃષ્ણનું બધું જ પ્રિય – ‘मधुराधिपते सकलं मधुरम्’. રોજ-રોજ એ સાંભળીને, એમનું આચરણ જોઈને શ્રીરામકૃષ્ણ પર અમારું આકર્ષણ વધવા લાગ્યું. એમનું જ ધ્યાન, એમના જ જપ અને એમનું જ પૂજન કરાવવા લાગ્યા અને ઉપનિષદ, ગીતા, બાઇબલ વગેરે શાસ્ત્રોની વ્યાખ્યા સંભળાવ્યા કરતા.

શ્રીરામકૃષ્ણના જીવનના આલોકમાં શ્રીમ. કહ્યા કરતા, ‘શ્રીરામકૃષ્ણની વાણી છે વેદાદિ સર્વશાસ્ત્રોનું ભાષ્ય- Divine interpretation,’ પરંતુ તેઓ સ્વયં રહ્યા ગુરુગીરીની ત્રિસીમાઓની બહાર.

આટલાં કાર્યો કરતાં કરતાં દૈનિક ડાયરી લખવી, એ પૂર્વાભ્યાસ પૂર્ણમાત્રામાં ચાલતો રહ્યો. ક્યારેક ક્યારેક આખી રાત જાગીને ડાયરી લખ્યા કરતો. એક વાર આટલા ભારણથી શરીર તૂટવા લાગ્યંુ ને છાતી ધડકવા લાગી; ત્યારે શ્રીમ.એ કહ્યું, ‘ઠાકુર કહેતા કે, ‘ઘાસની કુટિયામાં હાથી ઘૂસીને તોડફોડ કરી નાખે છે.’ આપની અવસ્થા પણ એવી થઈ. આ બધી વાતોને લખી રાખવાની તથા ચિંતા કરવાની ચેષ્ટા કરી રહ્યા છો અને એને લીધે આ બધું થાય છે. આ બધી અમારી વાતો નહીં, ઠાકુરની છે. આ કંઠમાં તેઓ બેસીને બોલે છે, બહુ જ તેજવાન એમની વાતો. આવું જ મારે પણ એક વાર થયું હતું. ત્યારે ઠાકુરનું શરીર હતું. બાદુર બાગાનમાં વિદ્યાસાગર મહાશયના ઘરની સામે રસ્તા પર એક દિવસ બેભાન થઈને પડી ગયો.

મહોલ્લાવાળાએ જોયો એટલે ગાડી કરીને પહોંચાડ્યો. ‘આપ થોડાક દિવસ નિરાંતે ઊંઘ લો. મારી સામે આવશો નહીં. આવવાથી વાતો સાંભળીને આ પીડા વધી જશે. જેટલું દૂધ પચતું હોય એટલું પીઓ. મારી એ અવસ્થાની વાત સાંભળીને ઠાકુરે મારા માટે આ જ વ્યવસ્થા કરી હતી.’

ડાયરી કઈ રીતે લખવી જોઈએ એ વિશે ક્યારેક ક્યારેક એ ઉપદેશ આપતા, આ વાત હું પહેલાં કહી ચૂક્યો છું. એક વાર એક જગ્યાએ ધર્મપ્રસંગ સાંભળવા માટે મને મોકલ્યો.ત્યાં કંઈ પણ લખવાની મનાઈ હતી. પરંતુ શ્રીમ.ને બધું સંભળાવવું પડશે. શું કરું એમ વિચારી રહ્યો હતો.

એમણે કહ્યું, ‘આ બે મુદ્દા યાદ રાખજો – પહેલો, ઠાકુરના સંબંધમાં જે બોલે તે વાતો; બીજો, વક્તા પોતાની બાબતમાં જે કહે તે વાતો; એનાથી જ બાકીની બધી વાતો આપોઆપ યાદ રહી જશે.’

એમણે એક દિવસ કહ્યું, ‘ખૂબ સારી રીતે background- તૈયાર કરીને બધી વાતો બીજાને આપવી જોઈએ, નહીંતર એનું મૂલ્ય ઓછું થઈ જાય છે. જેમ ડાયમંડ-હીરો માટીમાં રાખવાથી અન્ય રૂપે દેખાય છે, ઘાસ પર બીજા પ્રકારે, લાકડા પર વળી જુદા જ પ્રકારનો, પરંતુ વેલવેટ-મખમલ પર રાખવાથી એની brilliance-ચમક સૌથી વધારે થઈ જાય છે.

ભક્ત પાસે ચિઠ્ઠી લખાવતી વખતે તેઓ કહેતા, ‘ચિઠ્ઠી વાંચતાં જ પાઠકના મનમાં થવું જોઈએ કે ઈશ્વર જ અમારો અનંતકાળનો બંધુ છે, બીજું બધું બે દિવસનું. એમાં સુંદર વર્ણન; સ્થાન, કાળ, પાત્ર સહિત કવિત્વ પણ હોવું જોઈએ. આ બધા રસોનું આસ્વાદન કર્યા વિના મન એકદમ બ્રહ્મરસમાં જવા ઇચ્છતું નથી. એટલે જ્યાં સુધી સમાધિ ન થાય ત્યાં સુધી જરા પૂરક રસો પણ જોઈએ.’ આ પુસ્તકમાં ‘રામનવમી’ અને સ્વામી વિવેકાનંદના જન્મોત્સવનું વર્ણન શ્રીમ.ના આદેશથી જ લખવામાં આવ્યું છે.

કોલકાતાથી બહાર જાય ત્યારે તેઓ અમારી પાસેથી મઠ અને દક્ષિણેશ્વરનું વિવરણ લખાવીને મગાવ્યા કરતા. એમણે એક વાર મિહિજામથી લખ્યું, ‘હું જ્યારે પુરી ગયો હતો – Dear Jagabandhu Babajee, Many Many thanks for your sacred and interesting letter; સમુદ્રમાં સ્નાન, સમુદ્રની રેતાળ ભૂમિ પર ધ્યાન, શ્રીમંદિરમાં ધ્યાન, રત્નવેદીસ્પર્શન અને પૂજા, શ્રી મહાપ્રસાદનું ત્રણ વાર સેવન, એ ઘણા સૌભાગ્યની વાતો છે.

શ્રી ઠાકુર ચૈતન્યાવતારમાં ત્યાં ચોવીસ વર્ષો સુધી રહ્યા અને શ્રી જગન્નાથ મહાપ્રભુનાં દર્શન નિત્ય કરતા હતા. શ્રી ઠાકુર એટલે જ તો પોતાના અંતરંગોને આ પુરીધામનાં દર્શન કરવા માટે કહ્યા કરતા. શ્રી ઠાકુરની વાણીનો ત્યાં પાઠ કરવો બહુ જ ઉત્તમ છે, શ્રી ચૈતન્યચરિતામૃત અંતલીલા અર્થાત્ શ્રી રાધાકાન્ત મઠ, શ્રી નરેન્દ્ર સરોવર, શ્રી ચૈતન્ય મહાપ્રભુનાં સર્વ સ્થાન અને સાર્વભૌમનું ઘર, ક્ષેત્રવાસીઓનો મઠ અને શશિનિકેતનનાં દર્શન કરજો. ત્યાં શ્રી શ્રીમા તથા બીજા ઘણા ભક્તો ઘણી વાર રહ્યાં હતાં.

દ્વિતીય પત્રમાં લખ્યું, ‘તમારા (શ્રીમ. મને આપ અને જગબંધુુ બાબુ અથવા બાબાજી કહીને મોટાભાગે બોલવતા. ક્યારેક ક્યારેક તંુ જગબંધુ પણ કહેતા.) interesting પત્ર વાંચીને તો જાણે શ્રી પુરીધામની પરિક્રમા કરી રહ્યો છું અને શ્રી જગન્નાથજીનાં દર્શન કરી રહ્યો છું. મન થાય છે, પરબીડિયામાં મહાપ્રસાદનો કણ મોકલો, તો બહુ જ આનંદ થશે.’

એક વાર વધુ મિહિજામથી લખ્યું – Dear Jagbadhu Babaajee, Many many thanks for your graphic description of the Star Theatre meeting – you have brought the proceeding just before our eyes…. My Sashtanga to all sadhus and Bhaktas assembled at the Math, for witnessing the great Mahotsava celebrating the anniversary of the birth of our dear Lord and Master, God incarnate for humanity.

એક દિવસે એમણે અમારામાંથી ઘણાને એક સભામાં મોકલ્યા. પાછા આવીને અમે તેનો રિપોર્ટ આપ્યો. એ પછી શ્રીમ.એ અન્ય ભક્તોને પૂછ્યું, ‘કેવો રહ્યો રિપોર્ટ?’ ભક્તોએ કહ્યું, ‘ત્યાં જઈને સાંભળવાથી તો એટલો આનંદ નહોતો આવ્યો જેટલો રિપોર્ટ સાંભળીને આવ્યો.’ એક વાર નવવિધાન બ્રાહ્મોસમાજનો ઉત્સવ થઈ રહ્યો હતો. શ્રીરામકૃષ્ણ અને કેશવનું મિલન- એ વિષય પર એ દિવસે ચર્ચા થાય છે. એના માટે શ્રીમ.ને નિમંત્રણ હતું. એમણે મને મોકલી દીધો. અને શું શું બોલવું, એ પણ બતાવી દીધું. પ્રવીણ બ્રાહ્મભક્ત, સમાજના નેતા આચાર્ય પ્રમથસેન (શ્રી કેશવસેનના ભાઈના પુત્ર) વગેરે સાથે ચર્ચા થઈ. એ વખતે બીજા પણ કેટલાક ભક્તોને મોકલ્યા. સૌની છેલ્લે પોતે પણ ઉપસ્થિત થયા. એક વાર મને કહ્યું કે તમારે વહેલી પરોઢે સ્ટીમરમાં નિત્ય મઠમાં જવું. પાછા ફરીને રાત્રિની ભક્તસભામાં સૂક્ષ્મતમ વિવરણ કહેવું પડતું. આ પ્રકારે ઈશ્વરીય વિષયો પર બોલવા અને લખવાનું શિક્ષણ વિવિધ રૂપે આપતા.

અમારી પાસે સાધુભક્તોની સેવા માટે થોડાક રૂપિયા રહેતા. એનો હિસાબ રાખવાનું શીખવ્યું. ક્યા સાધુ આવ્યા, ક્યાંથી આવ્યા, નામ શું, ખાવા માટે શું શું આપ્યું, આ બધું લખવું જોઈએ. રૂપિયા-પૈસાનો હિસાબ દરરોજ મેળવવો પડતો. ક્યારેક-ક્યારેક તો બે-ચાર પૈસાનો હિસાબ કરતાં કરતાં આખી મીણબત્તી સળગીને પૂરી થઈ જતી.

એ બાબત ક્યારેક કાંઈક કહીએ તો તેઓ કહેતા, ‘એક મનુષ્ય (તૈયાર કરવા માટે)ની કિંમત વધારે છે, મીણબત્તી તો માત્ર ત્રણ આનાની આવે’. એક વાર શ્રીમ. માટે એક ધોતિયાનો જોટો લાવ્યો. લાવતાં જ પૂછ્યું, ‘જોઈને તો લાવ્યા છો ને, ખોલીને ?’ ‘એવી રીતે નથી લાવ્યો’, સાંભળીને કહ્યું, ‘એ શું ? પૈસા આપીને લાવવું અને પાછું જોવું પણ નહીં ?’ મેં કહ્યું, ‘કોલકાતાની મોટી દુકાનોમાં કોઈ એવી રીતે જોઈને નથી લાવતું.’

વિરક્ત થઈને શ્રીમ. કહેવા લાગ્યા, ‘બધાની દેખાદેખીમાં હું પણ નહીં જોઉં, એ કેવી વાત ? ઠાકુર તો કહેતા : ભક્ત હોય તો મૂર્ખ શું કામ હોય, એનું શું થશે? ઠાકુરના ભક્તની તો પીઠમાં પણ બે આંખ હોય – તો જ એમનો ખરો ભક્ત. ઠાકુર બીજું પણ કહેતા : ઉપરામણ રૂપે જે વસ્તુ મળતી હોય તે પણ માગીને લાવવી જોઈએ. એનો શું કાંઈ અર્થ નથી ? ખેલની વાતો છે શું બધી ? તોય કદાચ જ સોળ આના લાવે.’ ધોતીનો જોટો ખોલીને બતાવ્યો. એક જગ્યાએ એક ખૂણામાં થોડુંક સૂતર ઓછું હતું, અડધા હાથ જગ્યા પર. જોતાં જ કઠોર સ્વરમાં કહેવા લાગ્યા, ‘આ જુઓ, આ કપડું ખરાબ છે.’ અમને ક્રોધ આવ્યો. પ્રગટ ન કર્યો. પરંતુ શ્રીમ. સમજી ગયા. ફરી દુકાનેથી ઘણા ધોતીના જોટા લાવતા જોઈ હસીને કહેવા લાગ્યા, ‘જોઉં છું આપ નારાજ થઈ ગયા. એક જોડી રાખો. ઠાકુર કહેતા : જે મીઠાનો હિસાબ રાખી શકે તે મિશ્રીનો હિસાબ પણ રાખી શકે. જો એમાં ઠગાઈ જાય તો મહામાયાના આ વિચિત્ર જાદુથી પણ મનુષ્ય ઠગાઈ જાય.’

એક વાર ‘કથામૃત’ છપાઈ રહ્યું હતું, મારા ઉપર ભાર હતો. આટલા કામકાજ વચ્ચે સમયસર પ્રૂફ જોઈ ન શક્યો, ઘણાં જમા થઈ ગયાં. એક દિવસ રાત્રે, ત્યારે એક વાગ્યો હતો, શ્રીમ.ના ઓરડામાં અજવાળું જોઈને ત્યાં ગયો, જોઉં છું – ફાનસના પ્રકાશમાં એકલા જ પ્રૂફ જોઈ રહ્યા છે. શ્રીમ.ની તબિયત ત્યારે સારી નહોતી, અને કસમયે કામ કરવાથી આંખોમાંથી પાણી પડી રહ્યું હતું.

આ જોઈને મને ખૂબ કષ્ટ થયું. એટલે શ્રદ્ધાથી ગુસ્સો કર્યો. એમણે સ્નેહનું શાસન સ્વીકારતાં કહ્યું, ‘આ ગ્રંથ વાંચીને લોકોને શાંતિ પ્રાપ્ત થઈ રહી છે – ઠાકુરની અમૃતમયી વાણી. શરીર તો જવાનું જ, એમની વાણીથી જો લોકોને શાંતિ પ્રાપ્ત થાય તો આ શરીરનું આ રીતે જવું જ ઉત્તમ છે. આપણે તો ગૃહસ્થ છીએ એની કેવી જ્વાળા, અને કેવું દુ :ખ હોય, હાડકે હાડકાં જાણે છે. એ જ્વાળા ભુલાય એમના ‘કથામૃત’થી. એ જ ‘કથામૃત’ દુ :ખ-સંતાપ ત્રસ્ત જગતના લોકોને આપવાની ચેષ્ટા થઈ રહી છે. પુસ્તક ઝટપટ પ્રકાશિત થઈ જાય તો સારંુ છે, એટલે આ કામ.’

સાચે જ, શ્રીમ.નું શરીર ગયું જ આ ‘કથામૃત’ના પ્રકાશનમાં અને પ્રચારમાં. પાંચમો ભાગ પ્રકાશિત થઈ રહ્યો હતો ત્યારે. કથામૃતના અંતિમ અંશને હાથમાં લઈને જ જાણે આ મહર્ષિ મહાપ્રયાણ કરી ગયા.

Total Views: 296

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.