(ગતાંકથી આગળ)

હું તમને એક ઘટના વિષે વાત કરું. અમદાવાદમાં એક છોકરી મારી પાસે આવી. તેણે મને જણાવ્યું કે તે આત્મહત્યા કરવા માગે છે. વાત એમ હતી કે તેણી ઇન્ટરનેટ ચેટીંગના માધ્યમથી ઘણા મિત્રોના સંપર્કમાં રહેતી અને તેમાંથી તે એક યુવાનના પ્રેમમાં પડી. તે યુવતીએ છોકરાને જણાવ્યું, ‘હું તારી સાથે લગ્ન કરવા ઇચ્છું છું.’ છોકરાએ પણ કહ્યું, ‘હા, હા, હું ચોેક્કસ તારી સાથે લગ્ન કરીશ.’ તે યુવતીએ પોતાનાં માતા-પિતાને મળવા માટે યુવકને જણાવ્યું. તેથી તે છોકરો અમદાવાદ આવ્યો અને તેણીનાં માતા-પિતાને મળ્યો. આ છોકરો બીજી જ્ઞાતિનો હોવાથી યુવતીનાં મા-બાપ લગ્ન માટે રાજી ન હતાં. પરંતુ મનેકમને સંમતિ આપી. હવે યુવતીએ તે છોકરાને કહ્યું, ‘મારે પણ તારાં પેરન્ટ્સને મળવું જોઈએ.’ ત્યારે તે યુવાને કહ્યું, ‘મારાં પેરન્ટ્સનું સ્વાસ્થ્ય હાલ સારું નથી. આપણે તેમને પછીથી મળીશું.’ અને આમ કરીને તે મળવાની વાત ટાળતો રહ્યો.

એક દિવસ તે યુવતીએ છોકરાને ફોન કર્યો. સામે છેડેથી કોઈ યુવતીએ જ ફોન ઉપાડ્યો. તેણીએ પૂછ્યું, ‘તમે કોણ બોલો છો?’ તે યુવતીએ પણ પૂછ્યું, ‘તમે કોણ છો ? તમે શા માટે ફોન ઉપાડ્યો?’ સામેથી જવાબ મળ્યો, ‘હું તેમની પત્ની બોલું છું.’ પછી છોકરીને ખબર પડી કે તે વ્યક્તિએ તો છ મહિના પહેલાં જ લગ્ન કરી લીધાં હતાં અને છતાં ‘હું તારી સાથે જ લગ્ન કરીશ’ તેવું કહેતો હતો.

તેણીએ એ યુવાનને પૂછ્યું, ‘તેં મને શા માટે સાચી વાત ન જણાવી ?’ ત્યારે પેલો કહે, ‘મને એમ હતું કે તને બધું જણાવી દઈશ તો તું હૃદયથી ભાંગી પડીશ અને હું તને નાખુશ કરવા નહોતો ઇચ્છતો.’ સ્વાભાવિક રીતે તે છોકરીને ખૂબ જ આઘાત લાગ્યો, માનસિક રોગનો ભોગ બની. જો કે હાલ તે થોડી સ્વસ્થ છે. પરંતુ અત્યારે આવી ઘટનાઓ બનતી રહે છે. ઇન્ટરનેટ ચેટીંગ ઓછું કરવાથી આવી ઘટનાઓ ઓછી થશે અને સમય પણ બચશે.

આપણે પોતાની પાસે રહેલા સમયનું પૃથક્કરણ કરવું જોઈએ અને તે મુજબ ટૂંકા કે લાંબા ગાળાનાં કાર્યોની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ. દરેક બાબતની નોંધ કરવી જોઈએ અને સમયાંતરે તેમને જોતા રહેવું જોઈએ. અંગ્રેજી મૂળાક્ષરોમાં પહેલો જ અક્ષર ‘A’ આવે છે. ટાઇમ મેનેજમેન્ટના સંદર્ભમાં ‘A’ નો અર્થ ‘એનેલાઇઝ’ થાય છે. તમારા ધ્યેયોની પ્રાથમિકતા નક્કી કરવી. તેના પછી ‘B’ આવે છે. ‘બાઈટ’, અર્થાત્ જેટલું ચાવી શકો તેટલો જ કોળિયો ભરો.

સ્ટીફન આર. કોવેનું એક સરસ પુસ્તક છે, ‘ધ સેવન હેબીટ્સ ઓફ હાઇલી ઇફેક્ટીવ પીપલ,’ જેમાં એક વાર્તા આવે છે : એક કઠિયારો વૃક્ષો કાપતાં કાપતાં થાકીને પડી ગયો. ત્યાં એક માણસ તેની પાસે આવ્યો. તેણે કઠિયારાને થોડો આરામ કરવા કહ્યું અને તેના કુહાડાની ધાર કાઢવાની પણ સલાહ આપી. પરંતુ આપણે બધાં કહીએ છીએ તેમ કઠિયારાએ પણ જવાબ આપ્યો, ‘તમે સાચું કહો છો, પણ ધાર કાઢવાનો સમય ક્યાં છે?’ હું પણ જ્યારે જ્યારે વિદ્યાર્થીઓને દિવસમાં ફક્ત પાંચ મિનિટ સ્વામી વિવેકાનંદજી વિશે વાંચવાનું અને થોડું ધ્યાન કરવાનું કહું છું, ત્યારે તેઓનો પ્રત્યુત્તર પણ આવો જ હોય છે. ‘સમય ક્યાં છે?’ હું તેઓને સમજાવું છું કે જો તમે ધ્યાનમાં બેસશો તો તમારી એકાગ્રતા વધશે અને તમે ઓછા સમયમાં વધારે કાર્ય કરી શકશો. તેઓ અભ્યાસ પણ સારી રીતે કરી શકશે. પરંતુ આપણને તે સમજાતું નથી. આમ થવાનું કારણ એ છે કે આપણે આપણા જીવનમાં શેની પ્રાધાન્યતા છે, એ નક્કી કરી શકતા નથી.

જ્યારે હું વિદ્યાર્થીઓને કહું છું કે હવે તો તમારી બારમા ધોરણની પરીક્ષાઓ પૂર્ણ થઈ ચૂકી છે. હવે તો સ્વામીજીને વાંચો. ત્યારે કહેશે, ‘અરે, સ્વામીજી, તમે સમજતા નથી. માત્ર એક પરીક્ષા પૂર્ણ થઈ છે. હવે અમારે પ્રવેશપરીક્ષાની તૈયારી કરવાની છે.’ મેં કહ્યું, ‘ભલે, ત્યાર પછી તમે મારી પાસે આવજો હું તમને સ્વામીજી વિશેનું એક પુસ્તક આપીશ.’ થોડા સમય પછી તેઓ જ્યારે મારી પાસે આવે, ત્યારે ફરીથી હું કહું, ‘હવે તમારી એન્જિનિયરીંગની પરીક્ષા પૂરી થઈ ગઈ છે.’ ત્યારે તેઓ કહે, ‘હવે અમારે મેડિકલ એકઝામ આપવાની છે.’ આમ તેમણે એ નક્કી કર્યું નથી હોતું કે તેઓને એન્જિનિયરીંગ ભણવું છે કે મેડિકલ સાયન્સ. તેમને જેમાં પ્રવેશ મળે તેમાં તેઓ જાય. આમ તેઓ એક કરતાં વધારે પરીક્ષામાં બેસે, પરંતુ એક પણ પરીક્ષાની પૂર્ણ તૈયારી કરતા નથી. તેઓ હંમેશાં માનસિક તણાવમાં જ રહેતા હોય છે. બીજા બધા કહે તેમ તેઓ કર્યા કરે છે. પરિણામે તેઓ અનિર્ણિત જ રહે છે. ગધેડા પર સવારી કરવાને બદલે ગધેડાની જેમ બોજ સહન કર્યે જાય છે. તેથી જ કહેવાય છે કે તમે જેટલું ચાવી શકો તેટલો જ કોળિયો ભરો, પહેલાં તો તમારો પોતાનો અભિગમ સ્પષ્ટ કરો અને તે મુજબ ચાલો. બધાંનું ન સાંભળો. તમારી જાત જે કહે છે તેને લક્ષ્યમાં લો. ટોળામાંનું ઘેટું ન બનો.

એક શિક્ષક શીખવી રહ્યા હતા. વિદ્યાર્થીઓને સમજાવવા તેમણે એક ઉદાહરણ આપ્યું. દસ ઘેટાં રસ્તા પર જઈ રહ્યાં હતાં. તેમાંથી પાંચ ઘેટાં ખાઈમાં પડી ગયાં તો બાકી કેટલાં વધ્યાં ?’ વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો, ‘પાંચ’. શિક્ષકે કહ્યું, ‘બરાબર’. એ દરમિયાન વર્ગમાંનો એક વિદ્યાર્થી ઊભો થયો. ‘ના સાહેબ, આ જવાબ ખોટો છે.’ શિક્ષકે કહ્યું, ‘તું મૂર્ખ છો, આટલું સરળ ગણિત તને નથી સમજાતું ?’ એ સાંભળીને છોકરાએ જવાબ આપ્યો, ‘સાહેબ, તમે ગણિતના શિક્ષક છો, પરંતુ તમને ઘેટાંનું ગણિત નથી આવડતું. ઘેટાંનો સ્વભાવ જ એવો હોય છે કે જો એક ઘેટું ખાઈમાં પડે તો બીજું પડશે, ત્રીજું પડશે અને એમ કરતાં દસમું ઘેટું પણ ખાઈમાં પડશે. તેથી અહીં દસમાંથી પાંચ બાદ કરશો તો શૂન્ય જ વધશે – આ ઘેટાંનું ગણિત છે.’

આમ જ બને છે. ઘેટાં હંમેશાં નકલ કરવામાં જ માને છે. તેથી જ હું યુવાનોને પોતાના આંતરિક અવાજને ઓળખવાનું કહું છું, સિંહ જેવા બનો ! જો તમે ડાૅકટર બનવાનું નક્કી કર્યું હોય તો ડાૅકટર જ બનો! જો તમે MBBSમાં એડમિશન ન મેળવી શકો તો શા માટે આયુર્વેદ કે અન્ય મેડિકલ અભ્યાસક્રમમાં નથી જોડાતા ?

મને યાદ છે એક વખત એક ગૃહસ્થના ઘરે ગયો હતો ત્યાં તેમની દીકરી એમ.બી.બી.એસ.માં એડમિશન ન મળવાના કારણે રડતી હતી. મેં તેને આયુર્વેદમાં એડમિશન લઈ લેવાની સલાહ આપી. તેેથી તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને મને કડવાં વેણ પણ કહ્યાં. મેં કહ્યું કે હું જાણું છું કે અત્યારના વિદ્યાર્થીઓનું વલણ MBBS તરફનું છે. પરંતુ આજથી દસ વર્ષો પહેલાં અમેરિકનો એલોપથીને બદલે અન્ય મેડિકલ વિકલ્પ તરફ વળ્યા હતા. આજથી પાંચ વર્ષ પછી ભારતમાં પણ આ જ પરિવર્તન દેખાશે.

તે છોકરીને ગળે આ વાત ઊતરી નહીં. પરંતુ અન્ય કોઈ જગ્યાએ પ્રવેશ ન મળતાં તેણે મનેકમને પણ આયુર્વેદમાં પ્રવેશ મેળવ્યો. પાંચ વરસ પહેલાં જ હું તેને મુંબઈમાં મળ્યો. તેણીએ કહ્યું, ‘સ્વામીજી, મેં તે દિવસે તમને કહેલાં કડવાં વેણ માટે માફી માગું છું : પરંતુ હું તમારા એ સૂચન બદલ ખરેખર આપની આભારી છું.’ હાલ તેણીએ એક આયુર્વેદિક ડાૅકટર સાથે પરણીને પોતાનું ક્લિનીક ખોલ્યું છે અને સારા એવા પૈસા ક્માય છે. તેણીએ કહ્યું કે તેનાં સહાધ્યાયીઓએ હજું ક્યાંય નોકરી મેળવી નથી અને હજુ તેઓ સ્પેશ્યલાઇઝેશન કરવામાં પોતાના પૈસા ખર્ચી રહ્યાં છે.

ટાઇમ મેનેજમેન્ટની બાબતમાં ત્રીજી મહત્ત્વની બાબત- ‘C’ એટલે કે ‘combine the activities- પ્રવૃત્તિઓનું સંયોજન.’ એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે જેને એકબીજા સાથે સંયોજિત કરી શકાય – એકી સાથે કરી શકાય. ગૃહિણીઓની જેમ તમે પણ એવી પ્રવૃત્તિઓ શોધી કાઢો જે તમે એક ચોક્કસ સમયમાં એક સાથે જ કરી શકો. ગૃહિણીઓ કેટલી કાર્યદક્ષતાથી કામ કરે છે, જેમ કે જ્યારે કૂકર ચાલુ હોય ત્યારે તેની સમાંતરે જ તેણી લોટ બાંધીને રોટલી બનાવી લેશે. તેવી જ રીતે તમે પણ ચા કે કોફી પીતાં પીતાં જ તમારા ચાર્ટ્સ કે ગ્રાફ્નો અભ્યાસ કરી શકો છો.

ચોથી મહત્ત્વની બાબત ‘D’ – Delegate – એટલે કે કાર્યસોંપણી. કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ જ ચતુર હોય છે. તેઓ તેમનું હોમવર્ક તેમના મિત્રોને સોંપી દે છે. ના, તે ખરા અર્થમાં સાચું પ્રત્યાયોજન નથી. તમને કોઈપણ જાતનું નુકસાન ન થાય અને તમે તમારું કામ તમારા મિત્રો પાસે કરાવો, એ સાચું પ્રત્યાયોજન છે. જેમ કે માતા પોતાનું કેટલુંક ઘરકામ નોકરાણી પાસે કરાવી લે છે. પરંતુ વિદ્યાર્થીઓએ તો પોતાનું કાર્ય જાતે જ કરવું જોઈએ. કહેવાય છે ને, ‘જાત મહેનત જિંદાબાદ’.

કોઈપણ કાર્ય સારી રીતે પાર પાડવા માટે જે તે કાર્ય માટે યોગ્ય વ્યક્તિની જ પસંદગી થવી જોઈએ. કોઈ વ્યક્તિએ પોતાની જાતને જ સર્વસંપૂર્ણ માનીને બધું જ કાર્ય પોતે જ ન કરવું જોઈએ. તેનાથી માનસિક તણાવ વધશે. આપણે બીજાઓની ક્ષમતામાં વિશ્વાસ કરવાનું પણ શીખવું જોઈએ. (ક્રમશ 🙂

Total Views: 379

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.