ગતાંકથી આગળ……
એક સવારે અચાનક સાહેબે મને પૂછ્યું, ‘એવરેસ્ટ ચડીશ ?’ આમ તો અત્યાર સુધીમાં કેટલાય લોકો એવરેસ્ટ સુધી જઈ આવ્યા હતા. પણ જેને એક પગ ન હોય એવી કોઈ મહિલા ગઈ ન હતી. મેં કહ્યું, ‘મારો એક પગ નથી અને તમે એવરેસ્ટ ચડવાની વાતો કરો છો ?’ સાહેબે (મારા બનેવી) હસીને કહ્યું, ‘હા, એટલે જ હું એવરેસ્ટ ચડવાની વાત કરું છું.’
મને થોડો અંદાજ આવવા લાગ્યો કે સાહેબના મનમાં શું હતું. જો હું એવરેસ્ટ ચડવા પ્રયત્ન કરું અને સફળ થાઉં તો હું પ્રથમ વિકલાંગ મહિલા એવરેસ્ટ આરોહક બનું. જો કે આ આખી વાત અત્યંત કપરી હતી. મારા વોર્ડમાં પણ મારે પરિવારજનની મદદથી ચાલવું પડતું. એવરેસ્ટ ચડવાની વાત તો એક દૂરના સ્વપ્ન જેવી હતી. પણ સાહેબે તો રટ લીધી અને કહેવા લાગ્યા કે હું આ સ્વીકારું અને વિશ્વાસ રાખું તો એક ઇતિહાસ રચી શકું. આ વખતે મારા ઉપર થયેલા વાહિયાત આક્ષેપો યાદ આવ્યા. એમાં એવું કહેવાતું હતું કે હું રાષ્ટ્રિયકક્ષાની ખેલાડી હતી જ નહીં. ધારો કે હું એમ કરી શકું અથવા હવે હું એવરેસ્ટ ચડી જાઉં તો મારા બધા ટીકાકારોને સણસણતો જવાબ આપી શકું.
અગાઉ થયેલા વાહિયાત આક્ષેપોના ઉત્તર સાહેબ ટી.વી.ના કેમેરા સમક્ષ આપવા લાગ્યા. એને પરિણામે જી.આર.પી.ના અધિકારીઓને જીવંત પ્રસારણમાં ચર્ચા કરવા માટે પણ પડકારી શક્યા. એ વખતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના દિલ્હી સ્થિત અધિકારીઓ હું ખરેખર એક રાષ્ટ્રિય સ્તરની ખેલાડી હતી એવું સમર્થન કરવા લાગ્યા. મારી પાસે ઘણાં પ્રમાણપત્રો હતાં કે જે પુરવાર કરી શકે તેમ હતાં કે હું રાષ્ટ્રિય સ્તરની ખેલાડી હતી. છતાંય કોઈના મનમાં એક વાર શંકાનો કીડો પેસી જાય તો કશું કારગત થતું નથી. એને લીધે હું હતાશ થઈ ગઈ હતી.
આવું તો ચાલ્યે રાખ્યું. મેં સાહેબને મારી આ પડકાર ઝીલવાની તૈયારી જણાવી દીધી. મેં એમને કહ્યું, ‘ઠીક હૈ, હમ કરેંગે – ભલે, હું એમ કરીશ.’ હવે મારી સામે ભવિષ્યમાં કશુંક હકારાત્મક જોવાની વાત આવી ગઈ. એક લક્ષ્ય, એક મિશન, સ્વપ્નો જોવાનું એક કારણ. આ વાત સહેલી ન હતી. મારા જીવનમાં સરળતાથી કંઈ મળ્યું નથી. પહેલાં મકાનની વાડની દીવાલો મેં સર કરી. હવે મારે એક પર્વત પર ચડીને મારી જાતની પરીક્ષા લેવાનું આયોજન કરવાનું હતું. આ કાર્યમાં હજી સુધી કોઈ વિકલાંગ મહિલાને સફળતા મળી ન હતી. એટલે આ એક પડકાર હતો અને તક પણ હતી. કોઈ ગ્લાસ કાં તો અડધો ખાલી હોય છે કે પછી અડધો ભરેલો હોય છે ત્યારે તમે કઈ દૃષ્ટિએ જુઓ છો એના દ્વારા તમારા જીવનનો દૃષ્ટિકોણ નક્કી થાય છે. આપણે હંમેશાં આ ગ્લાસને પૂરેપૂરો ભરી દેવાની આશા સાથે જીવવું જોઈએ.
મને થયું કે જાણે મારો પુનર્જન્મ થયો છે. મારે ઝડપથી સાજા થવું હતું. કૃત્રિમ પગ ક્યારે પહેરાવે એની હું આતુરતાથી રાહ જોતી હતી. છેવટે એ દિવસ આવી પહોંચ્યો ત્યારે મને નાચવાનું મન થઈ આવ્યું. એ પગ લગભગ મારા પોતાના પગ જેવો જ લાગતો હતો. મને જાણે નવું જીવન જ મળ્યું. મારા મનમાં પણ હું એવરેસ્ટને નમાવવા માટે શક્તિ જમાવવા લાગી. કૃત્રિમ પગની તાલીમ આપવાનું હવે શરૂ થવાનું હતું એટલે એ પગને કઈ રીતે ગોઠવવો, કઈ રીતે ચાલવું, કઈ કઈ સાવધાનીઓ અને સાવચેતીઓ રાખવી એ બધાની તાલીમ શરૂ થઈ. એક દિવસની બેઠક પૂરી થઈ પછી કૃત્રિમ પગને ખાટલાની પાસે મૂકીને તાલીમ આપનારા રવાના થયા. બીજી નવી બેઠક માટે બીજે દિવસે સવારે એ પગ પહેરવાનો હતો. એક નવાગંતુક સાથે પ્રેમમાં પડી. એની સાથે જીવનભર જોડાવવાનું આવ્યું હતું. અત્યારે તો મારે એકલા જ ચાલવાનું હતું. ખાટલામાંથી ઊભી થવા જતાં ન અથડાઉં કે પડી જાઉં એની સંભાળ લેનારા ઘણા હતા. મારા એ સંઘર્ષની તીવ્ર યાતનાને મારા સિવાય બીજું કોઈ સમજી શકે તેમ ન હતું. પર્વત પર ચડવા માટે મારે પૂરતી સજ્જતા કેળવવાની હતી. એટલે આજુબાજુનાં બધાં ઊંઘી જાય ત્યારે એકલી ચાલવાનું જોખમ ખેડવાનો નિર્ણય કર્યો. ખાટલાની ઈસ પર હાથ રાખીને મારો જમણો પગ જમીન પર ઠેરવ્યો. જમીનનો સ્પર્શ અજાણ્યો લાગ્યો. દીવાલને ટેકે-ટેકે ચાલીશ તો પડવાની બીક ન રહે. અરે, હુર્રે ! હું ચાલતી હતી, જાણે હું હવામાં ઊડી રહી હોઉં એવું લાગ્યું ! અત્યંત આનંદ થયો. વોર્ડમાં ગોઠવેલા સીસી ટીવી કેમેરા મારી પ્રવૃત્તિ નોંધી રહ્યા હતા ! બીજે દિવસે ડાૅક્ટરોનું પ્રતિનિધિમંડળ આવ્યું અને એમણે એકલા ન ચાલવાની સલાહ આપી, કારણ કે એમાં ઘણાં જોખમ હતાં. એમણે મારો કૃત્રિમ પગ કઢાવી નાખ્યો.
બીજે દિવસે મેં એમ્સના ડિરેક્ટરને આત્મવિશ્વાસ સાથે હું એકલી ચાલી શકું છું એનું નિદર્શન બતાવ્યું. સામાન્ય માણસને કૃત્રિમ પગ પર ચાલતાં એકાદ વર્ષ વીતી જાય. પણ મારા મનમાં મારું લક્ષ્ય રાખી એ બધાને ગળે મારી વાત ઉતારી. તેમને આશ્ચર્ય તો થયું. બે દિવસની તાલીમ પછી કોઈ આવી રીતે ચાલી શકવાની શક્યતા ન હતી છતાં પણ એમણે મારા આત્મવિશ્વાસને લીધે અનિચ્છાએ પણ કોઈના નિરીક્ષણ હેઠળ રહીને એકલી ચાલવાની પરવાનગી આપી. મેં એ શરત સ્વીકારી. એવરેસ્ટને સર કરવાના મારા લક્ષ્યની વાત એમને કરી ન હતી. જેટલું હું એકલી ચાલી, તેટલો મારો આત્મવિશ્વાસ વધતો રહ્યો. હવે ખરેખર બંધનમાંથી મુક્તિની ભાવના મારા મનમાં ઉદ્ભવી.
Your Content Goes Here