ગતાંકથી આગળ….

મનુષ્યોમાં રજસ અને તમસનું આધિપત્ય હોય ત્યારે ગુનો અને એના જેવા બીજા પ્રશ્નો ઊભા થાય. પણ મન સત્ત્વ તરફ પ્રગતિ કરે કે આખું દૃશ્ય બદલાઈ જાય છે અને મનુષ્ય શાંત, સ્થિર, અચલ અને કરુણાવાન બને છે. મનની એ સ્થિતિમાંથી કોઈ ગુનો ઉદ્ભવી શકે નહીં. આપણે એ કેવી રીતે પામી શકીએ ? પોતાના મનને તાલીમ આપીને. બધું મનમાં જ છે; તમારું મન સ્વસ્થ હશે તો તમે જે કરશો તે બધું સ્વસ્થ જ હશે. તમારું ચિત્ત અસ્વસ્થ હશે તો તમે જે કંઈ કરશો તેથી તમને અને સમાજને તનાવ ઊભો થશે. आवृतं ज्ञानम् एतेन, ‘આના વડે જ્ઞાન આચ્છાદિત છે.’ હું મજાનો માણસ છું એમ ધારી લો; હું કશું ખોટું કામ કરું છું ત્યારે મારું વ્યક્તિત્વ, મારું સ્થાન એ સર્વ તત્કાલ પૂરતું મારામાં આચ્છાદિત થઈ જાય છે. મારા સ્વરૂપનું, મારા સ્થાનનું જે જ્ઞાન મારી અંદર છે તેને કામ અને ક્રોધ ઢાંકી દે છે. તત્ત્વત : મનુષ્ય દિવ્ય છે એ વાત પર વેદાંત નિત્ય ભાર મૂકે છે. આ કામ ક્રોધ એ દિવ્યતાને ઢાંકી દે છે. સૂર્ય હંમેશાં પ્રકાશિત હોય છે પણ વાદળાનો ટુકડો એને ઢાંકી દઈ શકે છે, અને સૂર્ય ઝાંખો થઈ જાય છે. એ જ રીતે, રજોગુણના જન્મ્યા આ કામ અને ક્રોધના પ્રભાવક સ્વરૂપ હેઠળ આ દિવ્ય સ્વરૂપ અને એનું જ્ઞાન ઢંકાઈ જાય છે. બીજાં બધાં અનિષ્ટો એમાંથી જ ઊભાં થાય છે. આપણે આ કોયડો હાથ ધરવાનો છે.

આપણે આજે જેને ઉપભોક્તાવાદનું અનિષ્ટ કહીએ છીએ તે નિરકુંશ ઇચ્છામાંથી, નિરકુંશ તૃષ્ણામાંથી પ્રશ્નો ઊભા થાય છે. તે આપણે જોયું છે. એ ઉપભોક્તાવાદી ફિલસૂફી પ્રકૃતિનો કેટલો બધો વિનાશ કરે છે ! અને સમાજમાં ગુનાના મૂળને, હિંસાના મૂળને આપણે આંબી શકીએ છીએ અને, આપણે જોઈએ છીએ કે, આ બધું મનની નિરકુંશતામાંથી જ આવે છે. આપણા ચિત્તની સામાન્ય સ્થિતિમાં આપણે જે કદી કરીએ નહીં તે કરવાને પ્રેરતા આ કામને વશ કરવા માટે આપણે ચિત્તને કેળવવું જોઈએ. માટે આ શબ્દો, ज्ञानिनो नित्यवैरिणा, ‘જ્ઞાનની ખોજ કરનારના આ સનાતન શત્રુઓ છે.’ ઇચ્છાનો પ્રેર્યો હું કર્મ કરું છું. એટલે, એ ઇચ્છા પર નિયમન આવે તે જરૂરનું છે. સર્વ સભ્યતા અને સંસ્કૃતિ માનવ ઇચ્છાની નીપજ છે. પણ તમે સભ્ય મનુષ્ય બનો, ત્યારે એ ઇચ્છા સંયત્રિત થાય છે. સર્વ સભ્યતા અને સંસ્કૃતિમાં એ ઇચ્છા-તૃષ્ણા-ની અને તેના પરના નિયમનની ઉપસ્થિતિ હોય છે. ઇચ્છાના નિયમન માટે સમાજ એક ક્ષેત્ર છે. બીજા કોઈને નુકસાન થાય તેવું કશું જ મારાથી કરી શકાય નહીં. આ દીવાની કાયદો છે તેમજ અપરાધી કાયદો પણ છે. રાજ્યશાસન છે તેમ મારી નૈતિક વિવેકબુદ્ધિ પણ છે. મનુષ્યની અંદરનાં શક્તિશાળી પરિબળોને નાથવાને માટે આ સર્વ છે; પરંતુ પેલી તૃષ્ણા માનવીનો સનાતન શત્રુ બની બેસે છે. જો એને બરાબર વશમાં અને નિયમનમાં ન રખાય તો એને લઈને તમારું આખું જીવન ઉજ્જડ બની જાય છે.

શ્રીમદ્ ભાગવતમાં સમ્રાટ યયાતિની કથા છે. મોજશોખના, સુખોપભોગના સંસારી જીવન જીવવાની પ્રચંડ તૃષ્ણા એનામાં હતી. એણે એ ભોગ ભોગવ્યા; પછી એ વૃદ્ધ થયો. એને ફરીથી જુવાન થવાની ઇચ્છા થઈ; પોતાના પુત્ર પાસેથી એણે તેનું યૌવન માગ્યું. એના એક પુત્રે પોતાની યુવાની રાજાને આપી, રાજાનું વાર્ધક્ય લઈ લીધું. એટલે રાજા ફરી સુખોપભોગમાં પડયો અને ફરી એ ઘરડો થઈ ગયો. પછી એ થોડો વિચાર કરવા લાગ્યો : આ દેહ ફરી વાર વૃદ્ધ થયો છે. તૃષ્ણા તો જુવાન જેવી જ તાજી છે. એ જીર્ણ થઈ નથી. એ નિત્ય તાજી છે. એટલે એનામાં ડહાપણ પ્રકટ્યું અને સુંદર શ્લોકમાં એણે જ્ઞાનનું મહાવાક્ય ઉચ્ચાર્યું :

न जातु कामः कामानां उपभोगेन शाम्यति ।
हविषा कृष्णवर्त्मेव भूय एव अभिवर्धते ।।

‘કામનાનો ઉપભોગ કર્યાથી કામના સંતોષાતી નથી; અગ્નિમાં (એને ઠારવા માટે) ઘી નખાતાં એ ભભૂકી ઊઠે તેમ એ વધારે ભભૂકી ઊઠે છે.’
આ ગહન બોધ ભારતને એના ઇતિહાસમાં ઘણો વહેલેરો લાધ્યો હતો.

આજે જગત એ બોધને શોધે છે. આજની સભ્યતાને એ જ મૂંઝવણ સતાવી રહી છે; કુશળ ટેકનોલોજી પૂરાં પાડે છે તે બધાં નવાં સાધનો અને માત્ર નવી નવી ચીજવસ્તુઓની ઝંખના પ્રકૃતિની સાધનસંપત્તિનો વિનાશ નોતરે છે અને પર્યાવરણ સંતુલનના તથા બીજા પ્રશ્નો ઊભા કરે છે. ભૌતિકવાદી જીવનદૃષ્ટિમાં આ ઇન્દ્રિય-તૃષ્ણાઓ અને તેમની તૃપ્તિ કરતાં કશું ચડિયાતું નથી. માનવજીવન અને ભાવિની સર્વવ્યાપક ફિલસૂફીની આવશ્યકતા છે અને ગીતા તે આપે છે. ‘તારી ઇચ્છા પર અંકુશ રાખ’, એટલું જ માત્ર એ માનવીને કહેતી નથી. એ કહે છે, ‘તારી તૃષ્ણાને તું કશાક ઉચ્ચતર લક્ષ્ય તરફ વાળ.’ ઇન્દ્રિય-તૃષ્ણા અને તેની તૃપ્તિ કંઈ મનુષ્યની ઉચ્ચતમ સ્થિતિ નથી. માનવવિકાસ ઇન્દ્રિય કક્ષાથી ઉપર અને પાર છે. ગીતા માનવીને શુષ્ક સાધુની દશામાં નથી મૂકી દેતી. પણ એ કહે છે, ‘બીજી ઊંચાઈઓ આંબવાની છે. આ કક્ષાએ જ ચીટકી ન રહો.’ આજની સભ્યતા મૂંગી રહીને એ જ્ઞાનની ખોજ કરી રહી છે. એટલે, અર્વાચીન સભ્યતાના પ્રશ્નોના વિષય પરનાં લખાણોમાં આ યયાતિ-બોધનો પડઘો સંભળાય છે. न जातु कामः कामानां. जातु એટલે, કામનો ભોગ ભોગવવાથી કામ કદી સંતોષાતો નથી. અગ્નિને ઠારવા માટે ઘી નાખતાં એ ભભૂકી ઊઠે છે તેમ, કામ પણ અનેકગણો થાય છે. કેટલાંક અર્વાચીન લખાણોમાં એ જ્ઞાન વ્યક્ત થઈ રહ્યું છે. (ક્રમશ 🙂

Total Views: 347

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.