ગયા અંકોમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદ પોતાનાં શિષ્યાં જોસેફાઈન મેક્લાઉડનું આમંત્રણ સ્વીકારીને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પધાર્યા છે. અહીંની ઉન્મુક્ત હવામાં તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. ટૂંક સમયમાં જ સ્વામીજીના કાર્યમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવનાર ત્રણ મીડ ભગિનીઓ તથા શ્રી અને શ્રીમતી બોમગાર્ટ એમને આવી મળ્યાં છે.

મિસિસ બ્લોજેટનો પત્ર (ડ્રાફટ)

સ્વામીજીએ પોતાના ઘરે વિતાવેલ એ શાંતિ અને આનંદમય દિવસોને યાદ કરતો એક પત્ર મિસિસ બ્લોજેટે જુલાઈ, ૧૯૦૨માં મિસ જોસેફાઈન મેકલાઉડને લખ્યો હતો. આ એ પત્રનો એક અંશ છે :

સરળ સ્વાધીન અને સૌહાર્દપૂર્ણ વિતાવેલ, ક્યારેય ન ભૂલાય એવા એ શિયાળાના ત્વરિત જ્યોતિર્મય દિવસો મને હંમેશાં યાદ રહેશે. આનંદિત અને સાત્ત્વિક રહેવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. મારો એમની સાથે વ્યક્તિગત પરિચય ટૂંક સમય પૂરતો જ હતો, પરંતુ એટલા સમયમાં પણ હું સેંકડો રીતે સ્વામીજીના સ્વભાવનું શિશુસુલભ પાસું જોઈ શકી હતી. એમનો આ સુમધુર શિશુસ્વભાવ બધી જ સુસંસ્કૃત સ્ત્રીઓમાં રહેલ માતૃભાવને આકર્ષિત કરતો. તેઓ તેમની પાસે રહેલ લોકો પર એવી રીતે નિર્ભર રહેતા કે જેના પરિણામે એ બધાનો સ્વામીજીની સાથે સાચા હૃદયનો સંબંધ બની જતો.

સૃષ્ટિ જેટલા જ પ્રાચીન વિષયો વિશે અફૂરંત જ્ઞાન ધરાવતા હોવા છતાં, એક ઋષિ અને દાર્શનિક હોવા છતાં, મને લાગતું કે સ્વામીજી પશ્ચિમના પુરુષોની ઓળખાણ સમા વ્યવહારિક વિષયો વિશે સંપૂર્ણ અજ્ઞાત છે! હું સતત સ્વામીજીને કંઈક સામાન્ય સહાય કરતી રહેતી, કારણ કે રોજિંદા ઘરગથ્થુ જીવનની સરળ બાબતોમાં પણ સ્વામીજીને માર્ગદર્શનની જરૂર રહેતી.

એક દિવસે કામની વ્યસ્તતાની વચ્ચે મેં સ્વામીજીને તારા (જોસેફાઈન મેક્લાઉડ) વિશે પ્રશ્ન કર્યો, જેના ઉત્તરમાં એમણે કહ્યું, ‘હા! ‘જો’ આપણા બધામાં સૌથી મધુર સ્વભાવવાળી છે.’

અરે, તું જેને ‘ચા વેળાની ગોષ્ઠી’ કહેતી એ મધુરમ દિવસો. આપણે કેટલું હસતાં! શું તને એ દિવસ યાદ છે કે સ્વામીજી પોતે પાઘડી કેવી રીતે પહેરતા એ મને બતાવી રહ્યા હતા અને તેઓને એક પ્રવચનમાં પહોંચવાનો વિલંબ થઈ રહ્યો હોવાથી તું એમને ઝડપ કરવા વિનંતી કરી રહી હતી. મેં કહ્યું હતું, ‘સ્વામીજી, ઉતાવળ કરો મા. જેમફાંસી અપાઈ રહી છે એ વ્યક્તિ ધક્કામુક્કી કરતાં ટોળાને કહે છે – ‘ઉતાવળ કરો મા, હું જ્યાં સુધી પહોંચીશ નહીં ત્યાં સુધી જોવાલાયક કશું થવાનું નથી’ – એમ પ્રવચન સ્થળે તમારા પહોંચ્યા પહેલાં જોવાલાયક કશું જ થવાનું નથી.’ આ વાતથી તેઓ એટલા ખુશ થઈ ગયા હતા કે પછીના દિવસોમાં ઘણીવાર – ‘જ્યાં સુધી હું ત્યાં નહીં પહોંચું ત્યાં સુધી જોવાલાયક કશું જ થવાનું નથી’ – એમ કહી તેઓ બાળકની માફક ખૂબ હસતા.

હમણાં જ મને એ સવાર યાદ આવી કે જ્યારે અર્ધ-ઉન્મિલિત નયને, ગહન ગભીર ચહેરે સ્વામીજી ધ્યાનમગ્ન થઈ બેઠા હતા, અને બીજી બાજુ એક વિદ્વાન હિંદુ વિશે જાણી એમને સાંભળવા માટે ઘર ભરીને લોકો રાહ જોઈ રહ્યા હતા. ધ્યાન સમાપ્ત થયા બાદ મિસિસ લેગેટ તરફ જોઈ તેઓએ એક સરળ બાળકની માફક પૂછ્યું, ‘હું શું બોલું?’ સુસંસ્કૃત સ્ત્રી-પુરુષો સમાવિષ્ટ બૌદ્ધિક શ્રોતાવર્ગને હર્ષિત કરી શકવાની કુશાગ્ર શક્તિ ધરાવતા આ મેધાવી પુરુષ કયા વિષય વિશે બોલવું એ પૂછે છે! અને ત્યારે આ પ્રશ્નમાં મને મિસિસ લેગેટના નિર્ણય ઉપર રહેલ સ્વામીજીનો ગભીર વિશ્વાસ દેખાયો.

વહેલી સવારે જ્યારે તું અને તારી બહેન સૂતી રહેતી, ત્યારે દિવસનો એક રસપ્રદ ભાગ તું ગુમાવી દેતી હતી. સ્વામીજી સ્નાનાગારમાં સવારની ડૂબકી લેવા આવતા અને ત્યાર બાદ તેમના ધીરગંભીર સ્વરમાં સ્તોત્ર પાઠ સંભળાતો. સંસ્કૃત મારે માટે અજાણી ભાષા હોવા છતાં હું તેનો સાર ગ્રહણ કરી શકતી હતી. આ પ્રભાતીય ભક્તિ એ મહાન હિંદુની મારી સૌથી મધુર યાદોમાંની એક છે. એ ઘરગથ્થુ જૂનવાણી રસોડામાં તેં અને મેં સ્વામીજીને એમના સર્વોચ્ચ સ્વરૂપમાં જોયા હતા.

આનંદના એ દિવસો

જોસેફાઈન મેકલાઉડ પોતાનાં સંસ્મરણોમાં લખે છે :

રોજ સવારે અમે સ્વામીજીને સ્નાનગૃહમાં મંત્રપાઠ કરતા સાંભળતાં. તેઓ વેરવિખેર વાળ સહિત બહાર આવતા અને સવારના નાસ્તા માટે તૈયાર થતા. મિસિસ બ્લોજેટ ખૂબ સ્વાદિષ્ટ પેનકેક બનાવતાં – જે અમે રસોડામાં ટેબલ પર બેસી ખાતાં. સ્વામીજી અમારી સાથે બેસતા અને મિસિસ બ્લોજેટ સાથે રસિક અને મનોરંજક તર્કવિચાર કરતા.

સવારના પ્રવચનમાંથી પાછા ફર્યા બાદ સ્વામીજી બપોરનું ભોજન રાંધતા. સ્વામીજીના મિત્રો એ ભોજન ખૂબ આનંદથી જમતા. મિસિસ બ્લોજેટ કહે છે કે પ્રવચન સમાપ્ત થયા બાદ શ્રોતાઓ એટલી અધીરાઈથી એમને ઘેરી વળતાં કે સ્વામીજીને જોર કરીને તેમનાથી છૂટીને ઘરે આવવંુ પડતું. ઘરે આવીને જ સ્વામીજી ‘હવે આપણે રાંધીશું’ એમ કહેતા. શાળામાંથી છૂટેલા બાળકની જેમ આનંદપૂર્વક દોડીને રસોડામાં પહોંચી જતા. થોડીવાર બાદ ‘જો’ આવીને જોતી કે સ્વામીજી પોતાના પ્રવચનવાળાં મોંઘાં કપડાંમાં ખાવાનું બનાવે છે. કપડાંની કિંમત વિશે સજાગ ‘જો’ સ્વામીજીને ઘરનાં કપડાં પહેરી ખાવાનું બનાવવા માટે ઠપકો આપતી.

ભોજન બાદ સ્વામીજી બગીચામાં હિંચકા ઉપર જઈ સૂતા. ક્યારેક તેઓ ફ્રેંચ સામાજિક દાર્શનિક એલિસી રીક્લુસનું ઘણા ખંડોમાં છપાયેલ, દળદાર, સચિત્ર, અને તેમના પ્રિય વિષય ‘મનુષ્ય’ ઉપર લખાયેલ ‘પૃથ્વી અને તેના નિવાસીઓ’ પુસ્તક વાંચતા. ક્યારેક મિસ મેક્લાઉડ તેમની સાથે વાતો કરતાં અથવા તેમના પત્રો – જેમાં ખાસ કરીને ભગિની નિવેદિતાના પત્રો રહેતા – વાંચી સંભળાવતાં.

પ્રવૃત્તિ એ જ સલામતીની ચાવી છે

આ સમય દરમિયાન સ્વામીજીએ લખેલ પત્રોમાં કર્મ પ્રત્યે એમનું માનસિક વલણ જણાઈ આવે છે. સ્વામીજી લખે છે :

માર્ગાે તરફથી ઘણો જ આશાભર્યો પત્ર મળ્યો હતો. હું પાસાડેનામાં ચક્કી ચલાવે રાખું છું; અને આશા રાખું છું કે અહીંના મારા કામનું કંઈક પરિણામ આવશે. અહીં કેટલાક લોકો ખૂબ ઉત્સાહી છે. આ બાજુએ રાજયોગના પુસ્તકે ઘણું કામ કર્યંુ છે. … અહીં હું થોડું લખવાનું કામ પણ કરું છું. અહીંનાં વ્યાખ્યાનો એક લઘુલિપિ લેખકે લખી લીધાં હતાં; લોકો તે છપાવવા માગે છે. …

યોજનાઓ હંમેશની માફક ધીમે ધીમે આગળ વધે છે, પણ જેમ હું તેમ એ બધું જગદંબા જાણે. હું ઇચ્છું છું કે મને તે મુક્તિ આપે અને પોતાની યોજના પાર પાડવા માટે મારે બદલે નવા કાર્યકરો ઊભા કરે. સાથોસાથ ગીતામાં ફળની આશા રાખ્યા વિના કાર્ય કરવાની બાબતમાં જે ઉપદેશ કર્યો છે તેનો વ્યવહારુ અમલ કરવાની માનસિક રીત મેં શોધી કાઢી છે. એકાગ્રતા અને ધ્યાન તેમજ એકાગ્રતા પર કાબૂના વિષય પર મને ઘણો પ્રકાશ મળ્યો છે. જો તેનો અભ્યાસ થાય તો આપણને તે સઘળી ચિંતા અને ઉપાધિથી પર લઈ જાય છે. ખરેખર તો તે આપણને યોગ્ય લાગે ત્યારે આપણા મનને એકાગ્ર કરવાનું શાસ્ત્ર છે. પણ ભલાં ધીરા માતા! તમારું શું ? માતૃપદ અને તેની સજાઓનું આ પરિણામ છે; આપણે બધા આપણા વિશે જ વિચારો કરીએ છીએ, માતાનો કદી પણ નહીં. …

હું આશા રાખું છું કે તુરીયાનંદ હવે પૂરેપૂરા સાજા થયા હશે અને કામ કરતા હશે. બિચારાના નસીબમાં સહન કરવાનું જ લખ્યું છે ! હરકત નહીં. દુ :ખમાં પણ આનંદ છે, જ્યારે તે બીજાને માટે વેઠવું પડે ત્યારે. ખરું કે નહીં ?

હવે ચક્ર ફરતું ફરતું ઉપર આવી રહ્યું છે. ભગવતી તે ચલાવે છે. કામ પૂરું કર્યા પહેલાં તે મને જવા નથી દેવાની – એ જ રહસ્ય છે.

જુઓ, ઇંગ્લેન્ડ કેવું પ્રવૃત્તિમાં પડ્યું છે ! આ રક્તપાત પછી લોકોને કેવળ ‘યુદ્ધ’ ‘યુદ્ધ’ ‘યુદ્ધ’ના વિચારો કરતાં કંઈક વધુ સારા અને વધુ ઉન્નત વિચારો કરવાનો અવકાશ મળશે. આપણે માટે આ તક છે. આપણે તરત દોડી જઈએ, તેમાંના સંખ્યાબંધ લોકોને ભેગા કરીએ અને પછી ભારતનું કામ પૂરા વેગથી ચાલુ કરીએ.

હું ઘણો જ વધારે શાંત છું; અને મને લાગે છે કે શાંતિનો એક માત્ર માર્ગ બીજાને ઉપદેશ આપવો એ છે. પ્રવૃત્તિ એ જ સલામતીની ચાવી છે. …

વળી જ્યારે હું સાવ એકલો પડી જાઉં છું ત્યારે જ હું કામ કરી શકું છું; જ્યારે હું એકલો હોઉં છું ત્યારે મારાથી શ્રેષ્ઠ કાર્ય થઈ શકે છે. મા જગદંબા તેની ગોઠવણ કરતી હોય તેમ લાગે છે. ‘જો’ માને છે કે મહાન કાર્યો – માના પાત્રમાં – તૈયાર થઈ રહ્યાં છે. આશા રાખીએ કે તેમ હોય.

‘જો’ અને માર્ગાેટ સાચાં ભવિષ્યવેત્તા બની ગયાં હોય તેમ જણાય છે. હું તો એટલું જ કહું કે જો જગદંબા ફરી એકવાર ભારત પર કૃપાવંત થતાં હોય તો આ જિંદગીમાં મને જે એકે એક પ્રહાર પડેલો છે, જે એકે એક દુ :ખ આવેલું છે તે, મારે માટે એક આનંદદાયક આહુતિ જેવું બનશે.

 

Total Views: 576

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.