શ્રીકૃષ્ણનો મથુરાપ્રવેશ

બીજે દિવસે બલરામજી તથા ગોવાળિયાઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણે મથુરાપુરી જોવા નગરમાં પ્રવેશ કર્યો. બન્ને ભાઈઓના આગમનના સમાચાર આખી મથુરા નગરીમાં ફેલાઈ ચૂક્યા. ત્યાંના લોકોએ આ બન્ને ભાઈઓનાં સાહસિક કાર્યો વિશે ઘણું ઘણું સાંભળ્યું હતું. એટલે જ એમનાં દર્શન કરવા મથુરાવાસીઓ ઉત્કંઠા સેવી રહ્યાં હતાં. નગરની નારીઓ પણ ઉત્સુક્તા સાથે એમને નિરખવા ઝટપટ મેડી-અટારીઓ પર ચડી ગઈ અને શ્રીકૃષ્ણ અને બલરામજી પર પુષ્પોની વર્ષા કરવા લાગી. શ્રીકૃષ્ણ મતવાલા ગજરાજની જેમ મસ્તીથી ચાલ્યા જતા હતા.

એ સમયે શ્રીકૃષ્ણે જોયું કે કપડાં રંગવાનું કામ કરનાર એક ધોબી તેમની તરફ આવતો હતો. તેમણે એ ધોબીને કહ્યું, ‘ભાઈ ! તમે અમારા માટે યોગ્ય થોડાં સારાં કપડાં આપો. ભગવાન તમારું ભલું કરશે.’ ધોબી તો રાજા કંસનો સેવક અને વળી પાછો અભિમાની. એણે તો ક્રોધે ભરાઈને શ્રીકૃષ્ણને કહ્યું, ‘અરે મૂર્ખાઓ ! તમે રહો છો પહાડો અને જંગલોમાં ! ત્યાં શું આવાં વસ્ત્રો પહેરો છો ? આ વસ્ત્રો તો કેવળ રાજાઓને શોભે! જાઓ જાઓ, અહીંથી ભાગો ! જો હવે વધુ જીવવાની ઇચ્છા હોય તો આવી રીતે કંઈ ન માગતા, સમજ્યા ! રાજના કર્મચારીઓ તમારા જેવા લોકોને જેલમાં પૂરી દેશે !’

જ્યારે એ ધોબી ગુસ્સે થઈને ઘણું ઘણું બકવા લાગ્યો, ત્યારે શ્રીકૃષ્ણે થોડા ક્રોધિત થઈને તેને એક તમાચો ચોડી દીધો. આ તમાચો એટલો જોરથી લાગ્યો કે ધોબીનું પ્રાણપંખેરું ઊડી ગયું. આ દૃશ્ય જોઈને તે ધોબીના તાબામાં કામ કરનારા લોકો કપડાંની ગાંસડીઓ બાંધીને ત્યાંથી નાસી છૂટ્યા. શ્રીકૃષ્ણ અને બલરામજીએ એમની ગાંસડીઓમાંથી પોતાને મનગમતાં કપડાં લઈ લીધાં અને બાકીનાં વધેલાં કપડાં પણ ગોવાળિયાઓને દઈ દીધાં. કેટલાંયે કપડાં ત્યાં ને ત્યાં જમીન પર છોડીને તેઓ ચાલી નીકળ્યા.

શ્રીકૃષ્ણ થોડા આગળ ચાલ્યા ત્યાં તેમને એક દરજી મળ્યો. ભગવાનનું અનુપમ સૌંદર્ય જોઈને તે તો રાજી રાજી થઈ ગયો. એણે એ રંગબેરંગી સુંદર વસ્ત્રોને એમના શરીરના માપ પ્રમાણે બરાબર સીવી દીધાં. અનેક પ્રકારનાં સુંદર વસ્ત્રોથી શોભતા બન્ને ભાઈઓ વધુ શોભાયમાન બન્યા. શ્રીકૃષ્ણે એ દરજીનાં વિનમ્રતા અને પ્રેમને જોઈને તેના પર પ્રસન્ન થઈ ભરપૂર સંપત્તિ અને ઐશ્વર્યનો સ્વામી બનાવી દીધો.

ત્યાર પછી શ્રીકૃષ્ણ સુદામા નામના માળીના ઘરે ગયા. સુદામાએ શ્રીકૃષ્ણ વિશે ઘણું સાંભળ્યું હતું. બન્ને ભાઈઓને જોઈને તે ઊભો થયો અને પછી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. પછી એમને આસન આપીને બેસાડ્યા, તેમના પગ પખાળ્યા, હાથ ધોવડાવ્યા અને પુષ્પ આદિથી તેમનું પૂજન કર્યું. ત્યાર બાદ તેમણે ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી, ‘હે પ્રભુ ! આપના આગમનથી મારું જીવન ધન્ય થયું. આપ મને આદેશ આપો કે હું આપની શી સેવા કરું.’ ત્યાર પછી ભગવાનની ઇચ્છાને જાણીને તેણે સુંદર મજાનાં સુગંધી પુષ્પોના હારથી શ્રીકૃષ્ણ અને બલરામજીના શણગાર કર્યા. સુદામા માળીની ભક્તિ અને શ્રદ્ધાથી શ્રીકૃષ્ણ અત્યંત પ્રસન્ન થયા અને એમણે કોઈ વરદાન માગવા કહ્યું. સુદામા માળીએ હાથ જોડીને ભક્તિભાવે કહ્યું, ‘હે પ્રભુ ! આપ જ સમસ્ત પ્રાણીઓના આત્મા છો. આપના ચરણોમાં મારી અવિચળ ભક્તિ રહો. આપના ભક્તો પ્રત્યે પણ મારો એવો જ ભક્તિભાવ જળવાઈ રહે એવું કરો. મારા મનમાં સમસ્ત પ્રાણીઓ પ્રત્યે અહૈતુક દયાભાવ સદૈવ બની રહે એવું વરદાન આપો. આપનાં દર્શન કરી લીધાં પછી મારા મનમાં વળી બીજી કઈ કામના હોઈ શકે ?’ શ્રીકૃષ્ણે સુદામાને તેણે માગેલાં વરદાન તો આપ્યાં, પણ એની સાથે બળ, આયુ, કીર્તિ અને સમૃદ્ધિનું વરદાન પણ આપ્યું.

કુબ્જા પર કૃપા

ત્યાર પછી શ્રીકૃષ્ણ અને બલરામજી પોતાની મંડળી સાથે મથુરા નગરીના રાજમાર્ગ પર આગળ વધ્યા. ચાલતાં ચાલતાં એમણે જોયું તો એક યુવતી પોતાના હાથમાં ચંદનનું પાત્ર લઈને જઈ રહી છે. ચંદનની સુગંધથી આખો રાજમાર્ગ સુગંધ સુગંધ થઈ ગયો. એ સ્ત્રી સુંદર તો હતી પણ એનો દેહ કુબડો હતો. એટલે એનું નામ ‘કુબ્જા’ પડી ગયું હતું. શ્રીકૃષ્ણે એના પર કૃપા કરવા તેની સામે જોઈને હસતાં હસતાં પૂછ્યું, ‘હે સુંદરી ! તમે કોણ છો ? આ ચંદન કોના માટે લઈ જાઓ છો? કૃપા કરીને આ ઉત્તમ ચંદન અને અંગરાગ અમને પણ આપી દો. એ દાનથી તમારું શીઘ્ર પરમ કલ્યાણ થશે.’

કૃષ્ણનાં વચન સાંભળીને કુબ્જાએ કહ્યું, ‘હે પરમ સુંદર યુવક ! હું મહારાજ કંસની પ્રિય દાસી છું. એમને ત્યાં ચંદન અને અંગરાગ લગાડવાનું કામ કરું છું. મારું નામ ત્રિવક્રા છે. મેં તૈયાર કરેલાં ચંદન અને અંગરાગ મહારાજ કંસને બહુ પસંદ છે, પરંતુ આપ બે સિવાય એને માટે વધુ સારું પાત્ર કોણ હોઈ શકે ?’

એમ કહીને કુબ્જાએ શ્રીકૃષ્ણ અને બલરામજીને એ સુગંધી ચંદન અને અંગરાગ આપ્યાં. શ્રીકૃષ્ણે પોતાના ઘનશ્યામ દેહ પર પીળા રંગનો અને બલરામજીએ પોતાના ગૌરવર્ણા દેહ પર લાલ રંગનો અંગરાગ લગાડ્યો. એનાથી અનુરંજિત થઈને તેઓ અત્યંત શોભાયમાન થયા. શ્રીકૃષ્ણ એ કુબ્જા પર અત્યંત પ્રસન્ન થયા અને એમણે એના દેહને સીધો, ટટ્ટાર કરવાનો વિચાર કર્યો. ભગવાન શ્રીકૃષ્ણે પોતાના ચરણોથી કુબ્જાના પગના બન્ને પંજાને દબાવ્યા અને હાથ ઊંચા કરીને બે આંગળીઓ તેની હડપચી પર લગાડી તેમજ તેના દેહને જરાક ઊંચક્યો. શ્રીકૃષ્ણે આટલું કર્યું કે તરત જ કુબ્જાનાં અંગ એક સુંદર યુવતીનાં અંગ જેવાં સીધાં – સમાન થઈ ગયાં.

 

Total Views: 292

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.