આજે કોરોના વાઈરસરૂપ એક વૈશ્વિક પડકાર આપણી સમક્ષ આવી ઊભો છે. આ કટોકટીના સમયમાં આવો આપણે સૌ સ્વામી વિવેકાનંદની અભયવાણી યાદ કરીએ.

‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને આચરણમાં લાવવા સ્વામી વિવેકાનંદે ૧૮૯૭ના મે માસમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. ટૂંક સમયમાં જ આદર્શની કસોટી આવી પડી. ૧૮૯૮ના એપ્રિલ માસમાં કોલકાતામાં પ્લેગ ફાટી નીકળ્યો. એ સમયે પ્લેગ જ્યાં ફેલાતો તે શહેરોનો વિનાશ થઈ જતો, રસ્તા મૃતદેહોથી ભરાઈ જતા, અને લોકો પોતાના પ્લેગગ્રસિત પ્રિયજનોને ઈશ્વર ભરોસે રળછોડીને જતા રહેતા, એટલી જીવલેણ પ્લેગની બિમારી હતી.

એ સમયે સ્વામી વિવેકાનંદ દાર્જિલિંગમાં હતા.કોલકાતામાં ફાટી નીકળેલા પ્લેગના સમાચાર આવ્યા તે આખો દિવસ સ્વામીજી મૌન, ચિંતાગ્રસ્ત રહ્યા અને કંઈ પણ ભોજન કર્યું નહીં. તેઓએ મિશનની સ્થાપના આવી પરિસ્થિતિ માટે જ કરી હતી.

૨૯મી એપ્રિલે લખેલા પત્રમાં કુમારી મેકલાઉડને તેમણે લખ્યું : ‘જે શહેરમાં મેં જન્મ લીધો છે, ત્યાં જો પ્લેગની મહામારી આવે તો તેનો સામનો કરવા માટે પ્રાણ આપવા પડે તો તે પણ આપી દેવાનો મેં નિશ્ચય કર્યો છે.’ પ્લેગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એવી શક્યતાની જાણકારી મળવાથી સ્વામીજી વિના વિલંબે તારીખ ૩ મેના રોજ કોલકાતા આવી પહોંચ્યા.

સ્વામીજીએ ત્યાં આવીને જોયું કે પ્લેગમાં ભલે ઘણા લોકોએ જાન ગુમાવ્યા ન હોય પણ લોકોના મનમાં એટલો બધો ભય વ્યાપી ગયો છે કે ભયના માર્યા મોટી સંખ્યામાં લોકો શહેર છોડીને બીજે જવા તત્પર બન્યા છે. અંગ્રેજ સરકાર કઠોરતાથી તેમને રોકે છે, તો એનું પરિણામ ઊલટું જ આવી રહ્યું છે. એ સમયે નાગરિક જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું. એમણે જોયું કે સેવાકાર્ય માટે હોસ્પિટલોની વ્યવસ્થા કરવા છતાં પણ લોકોનો ભય દૂર કરવાનો ઉપાય હજુ સુધી શોધી શકાયો નથી.

આથી નાગરિકોને હિંમત આપવા માટે સ્વામીજીએ તાત્કાલિક એક અપીલ છાપી વિતરણ કરાવી :

ૐ નમો ભગવતે શ્રીરામકૃષ્ણાય

કલકત્તાના બંધુઓ !

૧. તમારા સુખે અમે સુખી છીએ અને તમારા દુ :ખે દુ :ખી છીએ. એટલે તીવ્ર પીડાના આ દિવસોમાં તમારા કલ્યાણ માટે અને રોગમાંથી તમને બચાવવા માટે તથા મરકીના ભયમાંથી મુક્ત કરવા માટે અમે અવિરત પ્રાર્થના કરીએ છીએ.

૨. ઉચ્ચ અને નીચ, રાય અને રંક સૌ જે મહારોગથી બચવા શહેરમાંથી નાસી રહ્યાં છે તે અમારી વચ્ચે આવે અને તમારી સેવાચાકરી કરતાં અમે મૃત્યુ પામીશું તો અમારી જાતને અમે ધન્ય માનીશું કારણ કે તમે સૌ ઈશ્વર-સ્વરૂપ છો. ગુમાનથી, વહેમથી કે અજ્ઞાનથી જે કોઈ અન્યથા વિચારે છે તે ઈશ્વરનો અપરાધ કરે છે અને ખોટું પાપ કરે છે તેમાં લેશ પણ શંકા નથી.

૩. અમારી તમને નમ્ર પ્રાર્થના છે – બિનપાયાદાર ડરને કારણે ભડકો નહીં. ઈશ્વર પર આધાર રાખો અને પ્રશ્નના ઉત્તમ ઉકેલ માટે શાંતિથી કોશિશ કરો, નહીં તો એ જ કાર્ય કરતા લોકો સાથે જોડાઓ.

૪. ડરવા જેવું શું છે ? પ્લેગ થવાથી લોકોના હૃદયમાં પેઠેલા ડરને માટે કંઈ કારણ નથી. બીજાં સ્થળોએ જોવા મળતું પ્લેગનું ભયંકર રૂપ તેવું કંઈ, પ્રભુ ઇચ્છાથી, કલકત્તામાં બન્યું નથી. સરકારી સત્તાવાળાઓ પણ આપણને ખાસ મદદરૂપ થયા છે. તો ડરવા જેવું શું છે ?

૫. તો ચાલો, આ ડર તજી દઈએ અને ઈશ્વરની અનંત કરુણામાં વિશ્વાસ રાખી કમર કસી કાર્યક્ષેત્રે કૂદી પડીએ. આપણે પવિત્ર અને વિશુદ્ધ જીવન જીવીએ. ઈશ્વરની કૃપાથી રોગ, ચેપી રોગનો ભય વગેરે બધું હવામાં ઊડી જશે.

૬. (અ) હંમેશાં ઘર, આસપાસની જગ્યા, ઓરડાઓ, કપડાં, પથારી, ગટર બધું સ્વચ્છ રાખો.

(આ) વાસી, બગડેલો ખોરાક ખાશો નહીં; તાજો અને પોષક ખોરાક જ લેવો. નિર્બળ શરીર સરળતાથી રોગનો ભોગ બને છે.

(ઇ) મનને હંમેશાં પ્રસન્ન રાખો. મૃત્યુ એક દિવસ આવવાનું જ છે. કાયરોને મૃત્યુનું શૂળ વારંવાર વાગે છે, માત્ર એ કારણ કે તેમનાં મન ભયભીત છે.

(ઈ) અનીતિમય જીવન જીવનાર કે બીજાંને નુકસાન પહોંચાડનાર કદી ભયમુક્ત રહી શકતા નથી. એટલે અત્યારે આપણે મૃત્યુના ભયનો સામનો કરી રહ્યા છીએ ત્યારે આવા વર્તનથી દૂર રહો.

(ઉ) ગૃહસ્થો હો તો પણ આ ચેપી રોગના કાળમાં કામ ક્રોધથી દૂર રહો.

(ઊ) અફવાઓને કાને ધરો નહીં.

(એ) બ્રિટિશ સરકાર કોઈને પરાણે રસી મૂકશે નહીં. જેની ઇચ્છા હશે તેને જ તે મૂકવામાં આવશે.

(ઐ) ધર્મ, જ્ઞાતિ અને સ્ત્રીઓની લાજમર્યાદાનો પૂરો ખ્યાલ રાખીને અમારી હોસ્પિટલમાં કોઈની સારવારમાં ખામી રાખવામાં આવશે નહીં. પૈસાદારો ભલે નાસી જાય ! પણ અમે ગરીબ છીએ અને ગરીબની પીડા અમે સમજીએ છીએ. સહાયકોને જગદંબાનો આધાર છે. મા અમને ખાતરી આપે છે; ‘ડરો નહીં ! ડરો નહીં !’

૭. ભાઈ, તારી મદદમાં કોઈ ન હોય તો ભગવંત શ્રીરામકૃષ્ણના સેવકોને બેલુર મઠમાં તરત ખબર મોકલવા. શારીરિક દૃષ્ટિએ શક્ય બધી મદદ મળી રહેશે. માની કૃપાથી આર્થિક સહાય પણ સાંપડી રહેશે.

નોંધ : રોગનો ભય દૂર કરવા માટે રોજ સાંજે દરેક લત્તામાં નામસંકીર્તન કરવું.

સ્વામીજીએ બીજું પગલું પ્લેગ સેવાકેન્દ્રો સ્થાપવાનું લીધું. જ્યારે એમના ગુરુભાઈઓએ પ્રશ્ન કર્યો, ‘એના રૂપિયા ક્યાંથી આવશે ?’ સ્વામીજીએ ભવાં ચઢાવીને જવાબ આપ્યો, ‘કેમ ? જરૂર પડશે તો મઠની નવી જમીન વેચી નાખીશ. આપણે લોકો તો રહ્યા ફકીર. મૂઠીભર ભિક્ષા માંગીને વૃક્ષોની નીચે સૂઈ રહીશું. પણ જો જમીન વેચીને હજારો લોકોના પ્રાણ બચાવી શકાતા હોય તો કેવી જગ્યા ને કેવી જમીન ?’

આ છે મહાપ્રાણ મહાપુરુષની ઉચિત વાણી. ૧૮૮૬માં શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછીથી જ તેઓ ગંગા કિનારે તેઓનાં અસ્થિ સ્થાપિત કરી તેની ઉપર એક ભવ્ય મંદિર અને ભારતના આધ્યાત્મિક વારસાના પુન : જાગરણ માટે સંન્યાસી સંઘની સ્થાપનાની પરિકલ્પના કરી રહ્યા હતા. તે માટે તેમણે પ્રાણ રેડીને પરિશ્રમ પણ કર્યો હતો. ભિક્ષા માંગીને, તેમજ વ્યાખ્યાન વગેરે આપીને એમણે જે કંઈ મેળવ્યું હતું, એ બધું તેઓએ આ કાર્યમાં વાપરી નાખ્યું હતું. પોતાના માટે તેમણે કંઈ જ રાખ્યું ન હતું. તોપણ દુ :ખીઓનું દર્દ એમના હૃદયને વીંધી ગયું, ત્યારે તેઓ ક્ષણભરના વિલંબ વગર કહી શક્યા કે જરૂર પડી તો તેઓ પોતાનો પરમપ્રિય બેલુર મઠ પણ વેચી નાખવા તૈયાર છે.

આ ભીષણ મહામારીને પણ સ્વામીજી મા કાલીનું જ રૂપ માનતા હતા. ૩ મેએ શ્રીમા શારદાદેવીના ઘરે નિવેદિતા અને એક અન્ય મહિલાને મળવાનું થતાં સ્વામીજીએ કહ્યું હતું,

‘મા કાલીના અસ્તિત્વ વિષે ઘણા બધા લોકો ઉપહાસ કર્યા કરે છે, પરંતુ જુઓ, આજે મા પોતાની પ્રજાની વચ્ચે આવિર્ભાવ પામી છે. એનો કોઈ અંત ન જણાતાં લોકો ભયભીત છે અને મૃત્યુના દંડદાતા સૈનિકો પોકારી રહ્યા છે. કોણ કહી શકે છે કે ભગવાન શુભની જેમ જ અશુભરૂપે પણ પોતાને અભિવ્યક્ત નથી કરતા? પરંતુ માત્ર હિંદુઓ તેને અશુભ રૂપમાં પૂજવાની હિંમત કરે છે.’

મઠની જમીન વેચવાની જરૂર ન પડી. કેમ કે પ્લેગ કાબુમાં આવી જતાં સરકારે કઠોર નિયમો ઉઠાવી લીધા. અને સ્વામી વિવેકાનંદ જેવા

સહૃદયી સાધુને પોતાની સાથે જોઈને લોકોને ઘણો જ સહારો મળી ગયો. વળી જરૂરી નાણાં પણ અન્ય માર્ગાે દ્વારા મળવા લાગ્યાં. છેવટે

ભલે તેની જરૂર ન પડી પણ પ્રારંભમાં તો સ્વામીજી દરેક પ્રકારની વ્યવસ્થા કરવા માટે તૈયાર હતા.

એક વિશાળ જમીન ભાડે લઈને તેમાં સરકારી નિયમો પ્રમાણે દરદીઓને રહેવા માટે જુદાં જુદાં સેવાકેન્દ્રો બનાવાયાં, જેમાં અનેક સ્વયંસેવકો સેવાકાર્ય માટે જોડાયા. આખરે શ્રીમા શારદાદેવી અને સ્વામીજીની પ્રાર્થના તથા સ્વયંસેવકોના અઢળક પ્રયાસોને પરિણામે કોલકાતામાંથી પ્લેગ નેસ્તનાબૂદ થયો.

 

 

Total Views: 345

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.