ચાણૂર અને મુષ્ટિક જેવા પહેલવાનોનો વધ

જે સમયે દર્શકોમાં આવી ચર્ચા થઈ રહી હતી, તે સમયે ચાણૂરે શ્રીકૃષ્ણ અને બલરામજીને કહ્યું, ‘નંદનંદન શ્રીકૃષ્ણ અને બલરામજી તમે બન્ને વીર અને આદરણીય છો. અમારા મહારાજે સાંભળ્યું છે કે તમે બન્ને કુશ્તી લડવામાં અત્યંત નિપુણ છો. તમારું મલ્લયુદ્ધનું કૌશલ્ય જોવા માટે એમણે તમને અહીં બોલાવ્યા છે. એટલે ચાલો, અમે અને તમે બન્ને મળીને મહારાજને ખુશ કરવા કુસ્તી લડીએ.’ શ્રીકૃષ્ણ દુષ્ટ ચાણૂરનો મનમેલો પ્રસ્તાવ બરાબર સમજી ગયા. છતાં પણ ચાણૂરને કહ્યું, ‘અમે લોકો એ જ કરીશું કે જેનાથી મહારાજ પ્રસન્ન થાય. પરંતુ અમે લોકો તો હજી બાળક કહેવાઈએ એટલે અમારા જેવા બળવાન બાળકો સાથે જ કુસ્તી લડવાની રમત રમીશું.’

આ સાંભળીને ચાણૂરે કહ્યું, ‘અરે, તમે બન્ને ન તો બાળક છો કે ન કિશોર. તમે તો કુવલીયાપીડ જેવા હાથીને પણ રમતરમતમાં મારી નાખ્યો. એટલે તમે બન્ને અમારા જેવા મોટા પહેલવાન સાથે લડવા માટે યોગ્ય છો ! તમે મારી સાથે મલ્લયુદ્ધ કરો અને બલરામની સાથે મુષ્ટિક લડશે.’

શ્રીકૃષ્ણ અને બલરામજીએ આ પડકારને સ્વીકારી લીધો. ચાણૂર અને મુષ્ટિક અનુક્રમે કૃષ્ણ અને બલરામ સાથે મલ્લયુદ્ધે ચડ્યા. બન્ને ભાઈઓએ ચાણૂર જેવા મલ્લોનો વધ કરવાનો ચોક્કસ નિર્ધાર કરી લીધો હતો. બન્ને પક્ષોના યોદ્ધાઓ હાથથી હાથ ભીડવીને, પગથી પગને અડાડીને પોતાના પ્રતિદ્વંદ્વીને પોતાની તરફ ખેંચવા લાગ્યા. તેઓ હાથના પંજાને પંજા સાથે, ઘૂંટણને ઘૂંટણ સાથે, માથાને માથા સાથે અને છાતીને છાતી સાથે ભીડવીને એકબીજાને મારવા લાગ્યા. તેઓ પોતપોતાના પ્રતિદ્વંદ્વીને પકડીને આમતેમ ફેરવતા, દૂર ધકેલી દેતા અને જોરથી જકડી લઈને દરેક રીતે એકબીજાને હરાવવાનો પ્રયત્ન કરતા હતા.

આ દંગલ જોવા નગરની ઘણી નારીઓ પણ આવી હતી. એમણે જોયું કે મોટા મોટા પહેલવાનો સાથે નાના નાના બાળકોને લડાવી રહ્યા છે. એ જોઈને તેઓ અંદરઅંદર વાતો કરવા લાગી, ‘રાજાની સામે જ અત્યંત બળવાન અને અનુભવી પહેલવાનો સાથે આ નાના અને નિર્બળ બાળકોને લડાવી રહ્યા છે, એ કેટલા દુ :ખની વાત છે ! આ કંસના પહેલવાનોનું એકે એક અંગ વજ્ર જેવું કઠોર છે અને આ શ્રીકૃષ્ણ અને બલરામ તો હજી જુવાન પણ નથી ! ક્યાં મથુરાના આ મલ્લો અને ક્યાં આ બન્ને ! મહારાજ કંસ અવશ્ય અધર્મનું પાપ વહોરી રહ્યા છે.’

જે સમયે નગરની નારીઓ આ પ્રકારની અંદરોઅંદર વાતો કરતી હતી, ત્યારે શ્રીકૃષ્ણે મનમાં ને મનમાં ચાણૂરનું કામ પતાવી દેવાનો નિર્ણય કર્યો. ભગવાનનાં અંગપ્રત્યંગ તો વજ્રથીયે કઠોર બની ગયાં. એમની રગડથી ચાણૂરની રગેરગ ઢીલી થઈ ગઈ. હવે તેણે અત્યંત ક્રોધિત થઈને બાજ પક્ષીની જેમ કૃષ્ણ પર આક્રમણ કર્યું અને સાથે ને સાથે બન્ને હાથે મુક્કા મારીને તેણે શ્રીકૃષ્ણની છાતી પર પ્રહાર કર્યા. પરંતુ ચાણૂર જેવા મલ્લના પ્રબળ મુક્કાના પ્રહારથી શ્રીકૃષ્ણ જરાય વિચલિત ન થયા. તેમને તો જાણે કે ગજરાજને કોઈ પુષ્પના ગજરાથી માર મારે એવું લાગ્યું ! પછી શ્રીકૃષ્ણે ચાણૂરની બન્ને ભુજાઓ પકડી લીધી અને આકાશમાં અદ્ધર ફેરવીને ધરતી પર પછાડી દીધો. ચાણૂર તો કરાંજતાં કરાંજતાં મૃત્યુ પામ્યો. એવી જ રીતે મુષ્ટિકે પણ પહેલાં તો બલરામજીને એકાદ મુક્કો તો જડી દીધો એટલે તેના વળતા પ્રહારમાં મુષ્ટિકના મોં પર જબરો તમાચો જડી દીધો. આ પ્રબળ તમાચાના પ્રહારથી તે કાંપવા લાગ્યો અને જેમ વાવાઝોડામાં ઝાડ ઊખડી જાય તેમ તે પ્રાણહીન બનીને લોહીલુહાણ અવસ્થામાં ધરતી પર પડ્યો. બીજા ત્રણ મુખ્ય પહેલવાનો પણ શ્રીકૃષ્ણ અને બલરામજીના પ્રહારોથી રમતરમતમાં મરી ગયા. જે પહેલવાનો બચી ગયા એ બધા પોતાના પ્રાણ બચાવવા ત્યાંથી નાસી છૂટ્યા.

ત્યારે શ્રીકૃષ્ણ અને બલરામજી પોતાની ઉંમરવાળા ગોવાળિયાઓ સાથે ભેરી અને તૂરીના નાદ સાથે નાચવા લાગ્યા. શ્રીકૃષ્ણ અને બલરામજીની આ અદ્‌ભુત લીલા જોઈને બધા દર્શકોના આનંદનો પાર ન રહ્યો.

 

Total Views: 285

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.