ગતાંકથી આગળ…

આધ્યાત્મિક દીક્ષાથી જીવનું પરમાત્મા સાથે તાદાત્મ્ય સ્થાપિત થઈ જાય છે. એક ચીની સંતે આ પ્રકારે પ્રાકૃતિક સમરસતા (તાઓ)ના સિદ્ધાંતને પ્રદર્શિત કર્યો છે : એમણે બે વીણાઓને સારી રીતે સંગીત ધ્વનિથી સજાવી. તેમણે એક વીણાને પાસેના ઓરડામાં રાખી અને પોતાના હાથમાં રાખેલી વીણા પર ‘કુંગ’ સ્વર બજાવ્યો. તત્કાલ બીજી વીણા પણ ‘કુંગ’ સ્વર બજી ઊઠ્યો. ‘ચિઓ’ સૂર બજાવવાથી બીજી વીણા પર એ જ તાર ઝંકૃત થયા, કારણ કે બન્ને તારને એક જ સૂરમાં સજાવ્યા હતા.

એક વીણામાં સૂરોનું અંતર બદલવાથી બીજા વીણાના સૂર બેસૂરા અને કર્કશ બની ગયા. ધ્વનિ તો હતો, પરંતુ મુખ્ય સ્વરનો પ્રભાવ ન હતો. તેવી જ રીતે આપણે વાંચી શકીએ છીએ, વિચાર કરી શકીએ છીએ, બોલી શકીએ છીએ, પરંતુ જ્યાં સુધી આપણે આપણા આત્માનું પરમાત્મા સાથે તાદાત્મ્ય સ્થાપિત કરવાનું શીખી જતા નથી, ત્યાં સુધી બધું વ્યર્થ છે.

દીક્ષાનો પ્રભાવ એ જ પવિત્ર વ્યક્તિમાં પ્રગટ થાય છે કે જે ભગવાનને ઉત્કટતાથી ચાહે છે. પતંજલિ શિષ્યોના ત્રણ ભેદ કરે છે : મૃદુ અર્થાત્ જે સાધક આધ્યાત્મિક સાધનાની કઠિનાઈઓને વધારે સહન નથી કરી શકતો; મધ્યમ અર્થાત્ તે પહેલા કરતાં (મૃદુ કરતાં) વધારે પ્રયત્ન કરે છે. તીવ્ર અર્થાત્ જે સાક્ષાત્કાર માટે ઉત્કટતાપૂર્વક પ્રયત્ન કરે છે અને જેમણે બાહ્ય વ્યવધાનો પરથી મનને દૂર કરવાનું રહસ્ય શીખી લીધું છે, જેમને અંતર્યામી પરમાત્મસત્તાનું જ્ઞાન સદા જળવાઈ રહે છે તેમજ જેમને ભગવાનની તીવ્ર લાલસા છે. (પાતંજલ યોગસૂત્ર – ૧.૨૨) ભગવત્પ્રાપ્તિની લાલસાને સદા ભગવત્કૃપાનું લક્ષણ સમજવું જોઈએ.

મારા પોતાના આધ્યાત્મિક જીવનના પ્રારંભમાં મને પથ અત્યંત કઠિન લાગતો હતો. જ્યારે મેં સ્વામી બ્રહ્માનંદજીને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ ? તેમનો ઉત્તર હતો, ‘સંઘર્ષ, સંઘર્ષ.’ ગુરુનો નિર્દેશ પ્રાપ્ત કરવો એ પૂરતું નથી, સતત સંઘર્ષ કરવો આવશ્યક છે. સર્વ પ્રથમ શિષ્યે પૂર્ણ આંતરિકતા સાથે સત્યના સાક્ષાત્કાર માટે આતુર રહેવું જોઈએ. જે લોકો તૈયાર છે, એમનામાં આધ્યાત્મિક જાગરણ તત્કાલ થઈ શકે છે. અને જે સંઘર્ષ રત છે તેમનામાં આધ્યાત્મિક જાગરણ ધીરે ધીરે થાય છે.

જ્યારે આપણે આનંદિત થઈએ છીએ, ત્યારે આપણે એ આનંદનો બીજામાં સંચાર કરી શકીએ છીએ. એવી જ રીતે એક શ્રેષ્ઠ આધ્યાત્મિક ગુરુ પોતાના શિષ્યમાં આધ્યાત્મિક સ્પંદનોનો સંચાર કરી શકે છે. અમે શ્રીરામકૃષ્ણના મહાન શિષ્યોને કેટલીયે વાર આ શક્તિનો પ્રયોગ કરતા જોયા છે. તેઓ આધ્યાત્મિક શક્તિના મહાન ભંડાર હતા, પરંતુ તેઓ તેનો ખૂબ સાવધતાપૂર્વક ઉપયોગ કરતા. સામાન્ય રીતે ગુરુ પોતાની શક્તિનો સંચાર મંત્રના માધ્યમથી કરે છે.

મંત્રશક્તિ :

એકવાર એક સંન્યાસી શિષ્યે મહાપુરુષ મહારાજને પૂછ્યું, ‘બધા લોકોને દીક્ષા લેતાં જ આધ્યાત્મિક જાગરણ થતું નથી. તો પછી શું એમને કંઈક ને કંઈક લાભ નહીં થતો હોય ?’ મહાપુરુષ મહારાજે જવાબ આપ્યો, ‘ભલે દીક્ષાને સમયે એમને કંઈ પણ અનુભવ ન થતો હોય, છતાંપણ એક બ્રહ્મજ્ઞ ગુરુ દ્વારા અપાયેલ મંત્રની શક્તિ અમોઘ હોય છે. શિષ્યમાં સંચરિત આધ્યાત્મિક શક્તિ કાલાંતરે તેનું રૂપાંતરણ કરી દે છે અને એના પછી આધ્યાત્મિક જાગરણ થાય છે.’

જો કોઈ મહાત્મા પૂર્ણ જ્ઞાની ન હોય અને દીક્ષા આપે તો એનો કેવો પ્રભાવ પડશે ? એક સામાન્ય મહાત્માની તુલના વિદ્યાલયના ઉપલા ધોરણના વિદ્યાર્થીઓ સાથે કરી શકાય; આવા વિદ્યાર્થીઓ મહાવિદ્યાલયમાં દાખલ ન થવા છતાંપણ પોતાનાથી કનિષ્ઠને પ્રારંભિક નિર્દેશ આપી શકે છે.

એક બાજુએ તે પોતે સત્ય તરફ આગળ ધપતો જાય છે અને સાથે ને સાથે બીજામાં અધ્યાત્મજ્ઞાનનું જાગરણ કરવાનો પ્રયત્ન કરે છે. જો દીક્ષાર્થી નિષ્ઠાપૂર્વક આધ્યાત્મિક જીવન જીવે, તો આધ્યાત્મિક જીવનમાં પૂરતી પ્રગતિસંપન્ન સામાન્ય ગુરુ દ્વારા અપાયેલ દીક્ષાથી પણ અમુક સમયે આધ્યાત્મિક જાગરણ થાય છે. સ્વયં મંત્રમાં પણ એક મહાન શક્તિ હોય છે. શ્રી ચૈતન્ય આપણને એનો ઉપદેશ આપતાં કહે છે : ‘હે પ્રભુ ! આપે પોતાનાં ઘણાં નામ પ્રગટ કર્યાં છે, જેમાં આપે પોતાની સર્વસમર્થ શક્તિ અર્પિત કરી દીધી છે તથા એના સ્મરણમાં કોઈ સમય કે નિયમ નિર્ધારિત કર્યો નથી.

नाम्नामकारि बहुधा निजसर्वशक्तिस्तत्रापिर्ता नियमितः स्मरणे न कालः । (शिक्षाष्टकम्-2)

ૐ તથા અન્ય ભગવાનનાં નામોના જપના પ્રભાવ વિશે પતંજલિ (पातंजल योगसूत्र-1.29) કહે છે કે તેનાથી સાધનપથની વિભિન્ન બાધાઓ દૂર થાય છે તથા પ્રત્યક્ ચૈતન્યનો અધિગમ થાય છે. આ બાધાઓ કઈ છે ? વ્યાધિ, સંશય, માનસિક ચંચળતા વગેરે આ આડખીલીઓ છે. મંત્રનો જપ વ્યક્તિત્વમાં એક નવી સમરસતા અને સામંજસ્ય પેદા કરે છે. તેનાથી સ્નાયુ શીતલ થાય છે અને મનની શક્તિઓ કેન્દ્રિત બને છે. અને કાલાંતરે અંતરાત્માનું જાગરણ થાય છે. આધ્યાત્મિક જીવનનો પ્રારંભ કરી રહેલ સાધક મંત્રની શક્તિને સમજી ન શકે, પરંતુ નિષ્ઠાપૂર્વક જપ કરવાથી તે ક્રમશ : તેની શક્તિનો અનુભવ કરી શકશે.

સ્વામી બ્રહ્માનંદજી કહે છે, ‘જપ, જપ, જપ, કર્મ કરતી વખતે પણ જપ કરો. પોતાનાં બધાં ક્રિયાકલાપોની વચ્ચે મંત્રજપનું ચક્ર ચાલતું રહેવા દો. જો એવું કરી શકો તો હૃદયની બધી જ્વાળાઓ શાંત થઈ જશે. ઘણા પાપીઓ ભગવાનનાં નામનું શરણ લઈને શુદ્ધ, મુક્ત અને સિદ્ધ થઈ ગયા છે. ભગવાન અને એમનાં નામમાં અતૂટ વિશ્વાસ રાખો. એ બન્ને ભિન્ન નથી એવું માનો.’ (ઇટરનલ કમ્પેનિઅન – પૃ.૨૯૭)

ભૂતકાળમાં સંતોએ પ્રદર્શિત કર્યું છે તથા વર્તમાનકાળમાં પણ આ વાત વારંવાર સિદ્ધ થઈ છે કે ભગવાનની શક્તિ ભગવાનના નામના માધ્યમથી અવશ્ય વ્યક્ત થાય છે. ગુરુએ આપેલ મંત્રને બહુમૂલ્ય સમજીને હૃદયમાં સંભાળીને રાખવાથી તથા નિરંતર તેના પર ધ્યાન કરવાથી સાધકમાં આ શક્તિ વધારેને વધારે વિકસિત થાય છે.

શ્રીરામકૃષ્ણ તેની તુલના મોતી બનવાની પ્રક્રિયા સાથે કરતા. એક પ્રચલિત માન્યતા પ્રમાણે કાલુ માછલી સ્વાતિનક્ષત્રનો ઉદય થતાં સુધી રાહ જુએ છે. જો એ સમયે વરસાદ વરસે તો તે પોતાની છીપ ખોલીને તેનું પાણી એમાં ગ્રહણ કરી લે છે. પછી તો તે સમુદ્રના તળિયે ડૂબકી લગાવીને છીપમાં પડેલું એ જલબિંદુ મોતી ન બની જાય, ત્યાં સુધી મહિનાઓ સુધી ત્યાં જ પડી રહે છે. એવી રીતે ભક્તનું હૃદય સત્ય પ્રત્યે ઉન્મુક્ત હોવું જોઈએ અને ગુરુ પાસેથી આધ્યાત્મિક ઉપદેશ મેળવ્યા પછી તેને એકનિષ્ઠ ઉત્સાહ સાથે ત્યાં સુધી એની સાધના કરવી જોઈએ કે જ્યાં સુધી આધ્યાત્મિક અનુભૂતિરૂપ મોતીનું નિર્માણ ન થઈ જાય. (ક્રમશ 🙂

 

Total Views: 386

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.