ગતાંકથી આગળ…

પોતાના અન્ય ગુરુભાઈઓની જેમ શિવાનંદજી પોતે પણ પછીથી અમે એમને પહેલાં મળ્યા હતા તેવા એક મહાન શક્તિ સંપન્ન આધ્યાત્મિક ગુરુ બન્યા. સંઘાધ્યક્ષ બન્યા પછી એ શક્તિ એમનામાં વધારે અભિવ્યક્ત થઈ. લગભગ ઈ.સ.૧૯૨૩માં સિંધમાંથી એક સાધક સ્વામી શિવાનંદજી પાસે દીક્ષા માટે આવ્યા. એ ભક્તે સ્વપ્નમાં મંત્રદીક્ષા મેળવી હતી. પરંતુ તેનું મહત્ત્વ ન સમજી શકવાને કારણે તેમનું મન ઉદ્વિગ્ન રહેતું. મહાપુરુષ મહારાજ તેમને મંદિરમાં લઈ ગયા, તેમને દીક્ષા આપી અને થોડો સમય ધ્યાન કરવા કહ્યું. પછી તેઓ પ્રસન્ન મુદ્રામાં, દિવ્યભાવમાં વિભોર થઈને પોતાના ઓરડામાં પાછા આવ્યા, કારણ કે એમને ખ્યાલ હતો કે મંદિરમાં કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો થઈ રહી છે.

નવા શિષ્યને એક અદ્‌ભુત અનુભૂતિ થઈ. મંત્ર પ્રાપ્ત કરતાં જ તેમનામાં એક નવી આધ્યાત્મિક ચેતનાનો ઉદય થયો, તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં અને તે ગહન ધ્યાનમાં ડૂબી ગયા. ગુરુની પાસે પાછા ફરતાં તેમણે કહ્યું કે કેવી રીતે એમની કૃપાથી પોતાનું હૃદય દિવ્યશાંતિથી પૂર્ણ બની ગયું છે. તેમણે કહ્યું કે દીક્ષાના સમયે તેમને જે મંત્ર આપવામાં આવ્યો તે પોતાને સ્વપ્નમાં મળ્યો હતો તે જ મંત્ર હતો. પરંતુ દીક્ષાના સમયે તેમને તેનો અર્થ સમજાયો.

મહાપુરુષ મહારાજે તેમને કહ્યું, ‘વત્સ, આજે સ્વયં ભગવાને તમારા પર કૃપા કરી છે. તેઓ જ બીજા પર દયા કરી શકે છે. અમે તો એમના હાથના યંત્રમાત્ર છીએ. ભગવાન ગુરુના હૃદયમાં પ્રગટ થઈને શિષ્યના હૃદયમાં આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે. મેં તો તમને પ્રભુને સમર્પિત કરી દીધા છે અને એમણે તમારા જીવન અને તમારા ભવિષ્યની જવાબદારી લઈ લીધી છે.’

ચિરંતન ગુરુ :

એક કહેવત છે કે માનવગુરુ શિષ્યના કાનમાં મંત્રનું ઉચ્ચારણ કરે છે, જ્યારે જગદ્ગુરુ ભક્તના હૃદયમાં બોલે છે. સાધકમાં અધ્યાત્મ ચેતનાનું ભગવાન દ્વારા જાગરણ થયા પછી સાચી દીક્ષા થાય છે. સાચા ગુરુ સર્વવ્યાપી ભગવાન, અંતર્યામી પરમાત્મા છે. તેઓ સંસારની ગતિ, ભર્તા, પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, સુહૃદ, પ્રભવ અને પ્રલય, આધાર, સમસ્ત જ્ઞાનનિધાન, અવ્યય બીજ છે :
गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् ।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम् ।।
(गीता- 9.18)

સાધારણ ગુરુ અને શિષ્ય પરસ્પર મળે ત્યારે એકબીજામાં ભગવાનને જોવાનો પ્રયત્ન કરે છે. શિષ્ય ગુરુને ગુરુઓના ગુરુ એવા પરમાત્માનો એક વિગ્રહ(મૂર્તિ) સમજે છે. એના માધ્યમથી ભગવત્કૃપા પ્રવાહિત થાય છે. તે એ રૂપે એમની સેવા તથા ઉપાસના કરે છે તેમજ તેમની આજ્ઞાનું પાલન કરે છે. ભારતમાં હજારો લોકો દ્વારા જેનો પાઠ થાય છે તેવા આ પ્રસિદ્ધ શ્લોકમાં આ વાત વ્યક્ત થઈ છે :

अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया ।
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।।
अनेक जन्म सम्प्राप्तकर्मबन्धविदाहिने ।
आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः ।।

અર્થાત્ ‘અજ્ઞાનના અંધકારથી અંધ વ્યક્તિનાં નેત્રોને જ્ઞાનરૂપી આંજણની સળીથી ઉન્મીલિત કરનારા શ્રીગુરુને હું પ્રણામ કરું છું. આત્મજ્ઞાન આપીને અનેક જન્મોનાં કર્મબંધનોને ભસ્મ કરનારા શ્રીગુરુને હું પ્રણામ કરું છું.’

यस्यैव स्फुरणं सदात्मकमसत् कल्पार्थकं भासते
साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् ।
यत्साक्षात्करणाद् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ।। (श्रीशंकराचार्य कृत दक्षिणामूतिर् स्तोत्र – 3)

અર્થાત્ ‘તેના સત્ તથા ચૈતન્ય પ્રકાશથી અસત્ કલ્પજગત પ્રકાશિત થાય છે અને તે ‘તત્ત્વમસિ’ વગેરે વેદવચનો દ્વારા પોતાના આશ્રિત શિષ્યોને જ્ઞાન પ્રદાન કરે છે. એના સાક્ષાત્કારથી જીવ સંસારસાગરમાં પુન : પડતો નથી, એ કલ્યાણકારી ગુરુમૂર્તિ ગ્રહણકારી દક્ષિણામૂર્તિને હું પ્રણામ કરું છું.’

જીવાત્મા પરમાત્મા દ્વારા પરિવ્યાપ્ત અને ચારે તરફથી આવૃત છે. પરંતુ અજ્ઞાનને કારણે જીવ આ સત્યનો અનુભવ કરી શકતો નથી. દીક્ષાનો ઉદ્દેશ અજ્ઞાનના આવરણને દૂર કરવાનો છે. એક વખત આ આવરણ દૂર થઈ જાય પછી જીવ અને પરમાત્માની વચ્ચેનો સંપર્ક નિયમિત સાધના દ્વારા જાળવી શકાય છે.

આવશ્યકતા અને તેની પૂર્તિનો પુરાણો નિયમ આધ્યાત્મિક જીવનમાં પણ કાર્ય કરે છે. જો કોઈ સાધક સત્યલોક માટે ઉત્કટતાથી વ્યાકુળ બને, તો તે સત્યલોક કોઈને કોઈ સ્રોતમાંથી તેને અવશ્ય પ્રાપ્ત થશે. એમાં કંઈક આવું થાય છે- તેનું હૃદય ભગવત્કૃપા માટે ઉન્મુક્ત બને છે, ઈશ્વરીય જ્ઞાન- આલોક તેના પર જાણે કે ઊતરી પડે છે અને જેમ જેમ તે પરમ સત્યની નિકટ પહોંચે છે, તેમ તેમ તે પરમાત્મજ્યોતિને બધાં પ્રાણીઓમાં પ્રકાશિત થતી જોઈ શકે છે. અને જ્યારે તે ગુરુઓના પરમ ગુરુ પરમાત્મા સાથે એક થઈ જાય છે, ત્યારે તે પણ બીજાઓ માટે ઈશ્વરીય જ્ઞાનનું સ્રોત બની જાય છે. તે બધાં પ્રાણીઓની આ દૃઢ જ્ઞાન સાથે સેવા કરે છે કે તે એ ભગવાનની જ સેવા કરી રહ્યો છે કે જે ચિરંતન ગુરુ છે તથા જે સદીઓથી જીવોને બોધ આપીને ઉદ્બુદ્ધ કરી રહ્યા છે. તેઓ એમને જ્ઞાનનો આલોક પ્રદાન કરે છે અને એમનું પથપ્રદર્શન પણ કરે છે. (ક્રમશ 🙂

Total Views: 547

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.