ગતાંકથી આગળ…

પ્રકરણ – ૯

સાધુસંગ

સત્સંગની આવશ્યકતા

બધા ધર્મો અને બધી આધ્યાત્મિક સાધનાઓમાં સંતો તેમજ જ્ઞાનીઓના સંગનું મહત્ત્વ છે. વસ્તુત : એ સાધકના આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત આવશ્યક પણ છે. સાધકના પ્રારંભિક જીવનનું એ સૌથી મહત્ત્વનું અંગ પણ છે. ભારતમાં આધ્યાત્મિક પ્રગતિના ઇચ્છુક એવા બધા લોકો સંતોના સંગ માટે સર્વદા આગ્રહપૂર્વક પ્રયત્નશીલ રહ્યા છે. સત્સંગથી શું લાભ થાય છે, એ વિશે શ્રીરામકૃષ્ણ કથામૃતમાં એક મહત્ત્વનો વાર્તાલાપ છે :

એક ભક્ત : મહારાજ, તો ઉપાય ?

શ્રીરામકૃષ્ણ : ઉપાય, સાધુસંગ અને પ્રાર્થના. વૈદ્ય પાસે ગયા વિના રોગ જાય નહીં. સાધુસંગ એક જ દિવસ કરવાથી કંઈ થતું નથી. સદૈવ આવશ્યક છે. રોગ લાગ્યો જ છે, પછી વૈદ્ય પાસે રહ્યા વિના નાડીજ્ઞાન થતું નથી. સાથે સાથે ફરવું પડે છે. ત્યારે સમજાય છે કે કઈ કફની નાડી છે અને કઈ પિત્તની નાડી !

ભક્ત : સાધુસંગથી શું ઉપકાર થાય છે ?

શ્રીરામકૃષ્ણ : ઈશ્વર પર અનુરાગ થાય છે. એમની સાથે પ્રેમ બંધાય છે. વ્યાકુળતા ન આવે તો કંઈ થતું નથી. સાધુસંગ કરતાં કરતાં ઈશ્વર માટે પ્રાણ વ્યાકુળ થાય છે… સાધુસંગ કરવાથી એક બીજો ઉપકાર થાય છે – સત્ અને અસત્નો વિચાર. સત્ નિત્ય પદાર્થ અર્થાત્ ઈશ્વર; અસત્ અર્થાત્ અનિત્ય.

બીજા શબ્દોમાં કહીએ તો સત્સંગથી આપણામાં ત્યાગભાવનાની વૃદ્ધિ થાય છે. સર્વ ત્યાગી સંતોની સાથે રહેવાથી બીજા લોકો ત્યાગનું મૂલ્ય સમજે છે. તેમજ તેની સાધના માટે બળ પ્રાપ્ત કરે છે. એક મુસલમાન સંતની કથા છે. તેની પાસે એક દિવસ સુલતાન આવ્યા. સુલતાને તપસ્વીના ત્યાગની પ્રસંશા કરી. એના ઉત્તરમાં સંતે કહ્યું, ‘મારો ત્યાગ ? શા માટે ? તમારો તો એનાથી પણ વધારે છે. મેં તો સંસાર અને તેના ભોગનો ત્યાગ કર્યો છે, જ્યારે તમે તો ભગવાન તથા સ્વર્ગનાં સુખોનો ત્યાગ કરી દીધો છે.’

સમ્યક્ સંગનો વિષય અત્યંત મહત્ત્વપૂર્ણ છે. એ બુદ્ધ દ્વારા કથિત ‘સમ્યક્-સ્મૃતિ’ સાથે નિકટનો સંબંધ ધરાવે છે અને વેદાંતની સાધનામાં એની ઉપેક્ષા કરી શકાતી નથી. અહંકારી બની બીજાઓથી દૂર રહેવું, સહૃદયતાનો અભાવ અને બીજા પ્રત્યે સંવેદનશીલતાનો અભાવ એવો એનો અર્થ નથી. આનાથી ઊલટું બાહ્ય રીતે કેટલાક લોકો સાથે સંગ ન રાખીને દૂર રહેતા હોવા છતાં એક પૂર્ણત : દયાનું કાર્ય કરી શકો છો. ત્યાગ અને સંન્યાસને ઉચ્ચતર સ્થાન આપીને પણ બૌદ્ધ ધર્મ બધાં પ્રાણીઓ પ્રત્યેની કરુણાનો ધર્મ છે.

આધ્યાત્મિક પથના સહયાત્રી એકબીજાને સહાયતા કરી શકે છે. એટલે સત્સંગનું આટલું મહત્ત્વ છે. પરસ્પર સહાયતા, એકબીજા પ્રત્યે સદ્ભાવના હોવી જોઈએ, કારણ કે એ બન્ને આપણી શક્તિ અને આપણા પ્રયાસને ચાલુ રાખવામાં સહાયક નિવડે છે.

આપણે ક્યારેય ગુરુ બનવાની કોશિષ ન કરવી જોઈએ. પરંતુ સહપાઠીની જેમ આચરણ કરવું જોઈએ અને જો બને તો બીજાને મદદ કરવી જોઈએ. જો આપણે ઉચિત સીમાઓમાં રહેવાનું જાણતા હોઈએ તો આવું કરવું હંમેશાંને માટે આપત્તિ વિહોણું બને છે. આવા વખતે આપણે બીજાને તથા આપણા પોતાના માટે ભયંકર નથી બનતા અને અહંકાર તેમજ અહમ્-મન્યતા આપણામાં અંકુરિત થતી નથી. તેમજ બીજાને હાનિ પણ પહોંચાડી શકતા નથી.

‘હે જગદંબે ! હું યંત્ર છું, તું ચલાવનારી છો’, આપણે આવો મનોભાવ અપનાવવો જોઈએ, મોટાપણાનો ભાવ ક્યારેય નહીં. બીજાનું નેતૃત્વ કરતાં પહેલાં પરમાત્માને આત્મસમર્પણ

કરવાના ભાવથી સમર્પિત બનીને બીજાની સેવા કરતાં શીખો. કેટલીયે વાર પૂરતા પ્રશિક્ષણ વિના બીજાના પથનું પ્રદર્શન કરવા ઇચ્છીએ છીએ અને કાર્યની પૂરી કિંમત ચૂકવ્યા વિના આપણે ફળ મેળવવા ઇચ્છીએ છીએ.

ભક્તોની નાની મંડળીનો લાભ એ છે કે ઓછા લોકોમાં સ્વભાવની સમાનતા હોય છે અને આ બધા સ્પષ્ટ નિર્દેશ તેમાં કાર્યાન્વિત થાય છે. નાની મંડળીમાં ચાડીચૂગલી વિના સાચી સહાનુભૂતિનો ભાવ જાગવો સરળ છે, પછી ભલે એ મંડળીના સભ્યો પ્રારંભિક કક્ષાના સાધકો કેમ ન હોય. પહેલાં ગહન કર્મ અને ત્યાર બાદ કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવો એ સદાને માટે શ્રેયસ્કર રહે છે. પ્રત્યેક દેશમાં એવા કેટલાક નિષ્ઠાવાન લોકો હોવા જોઈએ કે જે પૂર્ણ પવિત્રતા, સેવા અને ભક્તિના ઉચ્ચતમ આદર્શ માટે પ્રયત્નશીલ રહે તેમજ તે આદર્શ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવા તત્પર બને; સાથે ને સાથે એની પ્રાપ્તિ માટે કોઈપણ કષ્ટ સહન કરવા તૈયાર હોય. આપણી ઇચ્છા હોય તોપણ મોટા જનસમુદાયને આધ્યાત્મિક બનાવી શકતા નથી. પરંતુ આપણે એમાંના કેટલાક કે જેમના પરિવર્તનનો સમય પાકી ગયો છે એવા નિષ્ઠાવાન લોકોનું જીવન બદલાવી શકીએ છીએ.

મૂર્ખાઓનો સંગ ન કરો :
સંસ્કૃતમાં એક શ્લોક છે :

वरं पर्वतदुर्गेषु भ्रान्तं वनचरैःसह ।
न मूर्खजनसम्पर्कः सुरेन्द्रभुवनेष्वपि ।।

– અર્થાત્ સ્વર્ગમાં મૂર્ખાઓના સંપર્કને બદલે વનપર્વતોમાં વનવાસીઓ સાથે ભ્રમણ કરવું શ્રેયસ્કર છે.
(ક્રમશ 🙂

Total Views: 343

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.