ગતાંકથી આગળ…

ફરી સતત ચાલીને અમે ગૌમુખ પહોંચ્યાં ત્યારે ચાર વાગ્યા હતા. તે સ્થળના અદ્‌ભુત સૌંદર્યથી હું અત્યંત આશ્ચર્ય પામી ગઈ. તે હિમનદીઓ જાણે મને પોકારી રહી હતી; અને જોખમોની પરવા કર્યા વિના જ હું તેમના તરફ આગળ વધી. મારા ગાઇડ અને સાહેબ મને એમ કરતી જુએ તે પહેલાં જ એક હિમનદીના કાંઠે હું પહોંચી ગઈ હતી. ગંગાના મૂળ સ્રોતથી જેટલું નજીક જઈ શકાય તેટલું નજીક મારે જવું હતું. હકીકતમાં મને કોઈ અગમ્ય ખેંચાણનો અનુભવ થઈ રહ્યો હતો, જે મને એ દિશામાં આગળ ધકેલતો હતો.જાણે એક દૈવી બળ મને આગળ ધકેલીને પ્રકૃતિ સાથે એકાત્મ થઈ જવા પ્રેરિત કરી રહ્યું હતું. ગાઇડ અને સાહેબ મને પાછળથી હાક પાડતા સંભળાયા કે મારે તરત જ પાછ ફરી જવું.

અમારું ટ્રૅકિંગ પૂરું થયું ત્યારે બીજા કોઈ લોકો આસપાસ ન હતા. ‘ભલી થઈને પાછી ફર, આગળ ન જઈશ,’ એમ એ લોકો બોલતા હતા. મને અચાનક જોખમનો ખ્યાલ આવ્યો અને ધીમેથી પાછી ફરી. જે ક્ષણે મેં એમની દિશામાં આગળ ડગલું મૂક્યું તે ક્ષણે જે સ્થળે હું હજી હમણાં જ ઊભી હતી ત્યાંથી હિમશિલાની લાદી ૫૦૦ ફૂટ નીચે ધસી પડી. જો એક ક્ષણ હું મોડી પડી હોત તો મારો બર્ફીલો અંત આવ્યો હોત. ગાઇડ અને સાહેબના ક્રોધને માઝા ન હતી. મેં ક્ષમા માગી. ‘મારે જોવું હતું કે શું ગંગા જ્યાંથી ઉદ્ભવે છે તે સ્થાન ખરેખર એક ગાયના મુખ જેવું છે કે નહીં,’ મેં તેમને કહ્યું.

હવે વાતાવરણ ફરી ખરાબ થવા લાગ્યું હતું. ભારે હિમવર્ષા શરૂ થઈ હતી. અમને છત આપે તેવું કોઈ સ્થળ જણાયું નહીં. અમે શું કરવું તેનો વિચાર કરતાં હતાં ત્યાંજ બર્ફીલા પવનના ઝપાટા આવવા લાગ્યા. અમારા ગાઇડ મોટે ભાગે આખે રસ્તે ખરાબ મન :સ્થિતિમાં જ રહેતા હતા. તેમને હવે પોતાના જાનનું જોખમ લાગ્યું અને અમને મૂકીને તેઓ ભાગી જ ગયા. ફરી એક વાર હું અને સાહેબ એકલાં અને જાતે બધું કરવાની સ્થિતિમાં મુકાયાં. એક ઝળૂંબતી કમાન જેવી પથરીલી જગ્યા નીચે અમે કોઈક રીતે છત મેળવી. એકાદ કલાક પછી જ્યારે પવનનું જોર ઘટ્યું ત્યારે અમે ત્યાંથી નીકળી જવાનો નિર્ણય લીધો. પણ સમસ્યા એ હતી કે આખો રસ્તો હવે બરફની મોટી લાદીથી છવાઈ ગયો હતો. એનો અર્થ એ કે પાછા ફરવામાં મદદરૂપ થાત એવા અમારા પગની છાપ હવે બરફ નીચે ઢંકાઈ ગઈ હતી. અને એથી એ માર્ગ શોધવો કઠિનતર બન્યો હતો. એક બાજુ પહાડ અને બીજી બાજુ મુક્તપ્રવાહે વહેતી ગંગાનદી !

સદ્ભાગ્યે આ વખતે અમે કેટલીક પહાડી બકરીઓ જોઈ. અમે તેમની સાથે જવાનું નક્કી કર્યું કેમકે અમને લાગ્યું કે તેઓ અમને કોઈ ગામડામાં લઈ જશે. એમ કરવું ડહાપણનું કામ પુરવાર થયું. એમની સાથે જવાથી અમે અમારો રસ્તો શોધી શક્યાં. ભોજબાસા પહોંચ્યા ત્યારે સાંજના કે રાતના ૧૧ વાગી ગયા હતા. અને મારી સ્થિતિ ખરેખર ખરાબ હતી. અમે જ્યારે લાલબાબાને ત્યાં પહોંચ્યાં ત્યારે અમને છોડીને ભાગેલા અમારા ગાઇડ ત્યાં મળ્યા. તેમણે શું કર્યું હતું તે લાલબાબાએ જાણ્યું ત્યારે તેમને ખૂબ ઠપકો આપ્યો. પછી તેમણે અમને તેમની સાથે રહેવા અને જમવાનો પ્રસ્તાવ મૂક્યો. અમે એ રાત એમના મંદિરમાં ગાળી. સવારે ૬ વાગ્યે તેમણે અમને રજા આપી અને અમે સાંજે ૫ વાગ્યે ગંગોત્રી પહોંચ્યાં. અહીંથી અમે એક ટૅક્સી કરી અને ટાટા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશને પહોેંચ્યાં.

બીજે દિવસે અમે બચેન્દ્રી પાલને મળ્યાં અને ગોમુખની અમારી સફરની વાત કરી, કેવી રીતે હું મોતના મુખમાં હતી, વગેરે. અમારી વાત એ પ્રતિભાશાળી પર્વતારોહકે શાંતિથી સાંભળી. અમે વાત પૂરી કરી ત્યાર પછી તેમણે અમે કરેલી ભૂલો બતાવી, જેમ કે એક ‘હેડલાઇટ’ અમે સાથે રાખી ન હતી. ‘જો તમે એ સાથે રાખી હોત તો તમારે નંગુબાબા સાથે રહેવું પડ્યું ન હોત.’ તેમની વાત સાચી હતી. થાક લાગવા ઉપરાંત અમે તેમની ગુફામાં આશરો લેવા ગયાં તેનું એક કારણ એ પણ હતું કે રાત્રે અમે કશું જોઈ શકતાં ન હતાં. વળી બચેન્દ્રી પાલે અમને ધીરજ રાખવાનું મૂલ્ય પણ સમજાવ્યું. તેમણે કહ્યું કે એક આરોહક માટે એ મોટો અને ચાવી રૂપ ગુણ છે. ‘ધીરજ અને ક્ષમતા તમને બધી પરિસ્થિતિને પહોંચી વળવામાં મદદ કરે છે અને ગાઇડની વાત માનવી એ પણ હંમેશાં ચાવીરૂપ છે.’

મેં સંમતિ દર્શાવી. એ સાંજે બચેન્દ્રી પાલને સાહેબે વાત કરી, ‘મૅડમ, હવે તમે જે કોઈ શરતો મૂકેલી તે મુજબ અરુણિમા કામ કરી ચૂકી છે. હવે તે માઉન્ટ એવરેસ્ટ ચડવા સક્ષમ છે.’ પરંતુ બચેન્દ્રી પાલને હજુ થોડી શંકાઓ હતી. તેમણે સૂચવ્યું કે અમારે ૨૦૧૪-૨૦૧૫ સુધી રાહ જોવી. પણ આ સમયે સાહેબે દૃઢતાથી કહ્યું કે અમારું લક્ષ્ય તો ૨૦૧૩ જ છે. બચેન્દ્રી પાલ સમજી ગયાં કે આ લોકો પોતાની યોજના અનુસાર જવા ધારે છે, તેથી તેઓ એમાં સંમત તો થયાં, પરંતુ તેમણે એક શરત રાખી. તેમણે કહ્યું કે એવરેસ્ટ ચડવા અગાઉ મારે લદાખના ચમસાર કાંગડી શિખર ઉપર ચડવું, જે ચીન-તિબેટની સરહદે આવેલું છે. ‘જો તે ૨૧,૭૯૮ ફૂટ ઊંચા શિખરને ચડવામાં તમે સફળ થશો તો તમે એવરેસ્ટ ચડવામાં સફળતાની રાહે આવશો’, તેમણે અમને કહ્યું.

અમે સંમત થયાં અને તરત અમારા નવા લક્ષ્ય- લદાખ જવા નીકળ્યાં. સતત ત્રણ દિવસના પ્રવાસ પછી અમે કાર્ઝાેક ગામે પહોંચ્યાં જે ચીન-તિબેટ સરહદ પાસેનું છેલ્લું ભારતીય સ્થળ છે. કાર્ઝાેકથી ચીનની સરહદ માંડ ૪૦ કિ.મી. દૂર હશે. કાર્ઝાેક પછીના ક્ષેત્રમાં ‘નો મૅન્સ લૅન્ડ’ અથવા ‘નધણિયાતો પ્રદેશ’ની સ્થિતિ છે. અહીં લશ્કરનાં થાણાં તો છે પરંતુ કોઈ સામાન્ય નાગરિક અહીં નથી હોતો. અમારા જૂથમાં ૨૧ વ્યક્તિઓ હતી. અને બૅઝ કૅમ્પ ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએ હતો. અમે ત્યાં પહોંચ્યાં એટલી વારમાં બાકીના ૧૯માંથી ૧૬ લોકો પાછા ફરી ગયા. ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઈએથી સાહેબે જ ઘણા લોકોને નીચે આવવામાં મદદ કરી અને તેમાં બચેન્દ્રી પાલના મોટા ભાઈ પણ હતા. જો કે તેમના બીજા ભાઈ રાજેન્દ્ર પાલ પોતે એક નીવડેલા પર્વતારોહક છે. તેમની અને બીજા બે લોકો સાથે હું પણ ઉપર ચડતી રહી… ચડતી રહી અને છેવટે શિખર ઉપર પહોંચીને મારે આપણો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવો હતો. (ક્રમશ 🙂

Total Views: 268

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram