ગતાંકથી આગળ…

પછી ત્રીજું ને છેલ્લું આવે છે प्रत्यगात्मभूताश्च, ‘પોતાના અંતરાત્માની સૌથી નિકટ.’ આ શરીર આપણું બહિરંગ છે અને જ્ઞાનતંતુતંત્ર અને ઇન્દ્રિયતંત્ર અંતરંગ છે અર્થાત્ આપણા આત્માની એ વધારે નિકટ છે; મન એમનાથીયે વધારે નિકટ છે અને બુદ્ધિ આત્માની નિકટતમ છે. વેદાંતે વિકસાવેલી આ બધી શાસ્ત્રીય પરિભાષા છે : सूक्ष्मा महान्तश्च प्रत्यगात्मभूताश्च. તમે प्रत्यगात्मा શબ્દ પ્રયોજો છો ત્યારે એનો અર્થ છે, આત્મા, અંતરાત્મા. બહિર્જગત પણ આત્મા છે પણ તે, એની બાહ્ય અભિવ્યક્તિમાં. पराक् स्वरूप, पराक् શબ્દ વાપરો છો ત્યારે તમારી આંગળી પરલક્ષી સત્યને ચીંધે છે. પણ એ આંગળી પોતાની તરફ વળે છે ત્યારે સત્યનું प्रत्यक् પરિમાણ, દ્રષ્ટા, આત્માનો નિર્દેશ થાય છે. પેલું પણે તે पराक् અને આ ભીતર તે प्रत्यक्.

પ્રકૃતિને આ બે પરિમાણો છે, पराक् અને प्रत्यक्. पराक् પરિમાણનો અભ્યાસ આપણે ભૌતિકશાસ્ત્રોમાં કરીએ છીએ કારણ, એ પરિમાણ, પાંચ ઇન્દ્રિયોએ દર્શાવેલો વિષય છે. સર્વ ભૌતિકશાસ્ત્રોનો આધાર આ ઇન્દ્રિયપ્રાપ્ત માહિતી છે. પરંતુ એ અધ્યયન પૂરું થતાં, આંગળી અંદરની બાજુએ, પોતાની તરફ વળે છે, મનુષ્યની ચેતના તરફ વળે છે. એ ચેતના દ્રષ્ટા છે, સંસ્કૃતમાં એને विषयी કહે છે, એ કર્તા છે, જ્ઞાતા છે, આત્મા છે; વધારે ગહન રહસ્ય ત્યાં છુપાયું છે. હજી હમણાં સુધી અર્વાચીન ભૌતિકશાસ્ત્ર એ જાણતું ન હતું અને એણે એ સત્યની દરકાર પણ કરી ન હતી. પરંતુ હવે, વીસમી સદીમાં, ખાસ કરીને અણુ ભૌતિકશાસ્ત્રમાંની ક્રાંતિકારક શોધોને પરિણામે, અર્વાચીન વિજ્ઞાનની ક્ષિતિજમાં દ્રષ્ટા, કર્તા ધીમે ધીમે ઊપસવા લાગ્યો છે. માત્રા-ઘટના (quantum phenomenon)ને સમજવા માટે, ચૈતન્યે ભાગ ભજવવો પડે છે એમ, કોઈ વૈજ્ઞાનિક વાત મૂકશે. એટલે ભૌતિક વિજ્ઞાન સમક્ષ જાગૃતિનું એક નવું પરિમાણ, સત્યનું એક નવું પરિમાણ ઊઘડી રહ્યું છે. આની આગાહી વેદાંતે ચાર હજાર વર્ષો પહેલાં કરી હતી અને કહ્યું હતું કે પરાક્ તત્ત્વના અધ્યયન પછી આપણે પ્રત્યક્ તત્ત્વ તરફ વળવાનું છે. તત્ત્વ એટલે સત્ય. પરાક્ તત્ત્વ સત્ય છે, અર્થાત્ બહારની પ્રકૃતિ સત્ય છે. પ્રત્યક્ તત્ત્વ, સૌની ભીતર રહેલું તત્ત્વ પણ સત્ય છે. એ પોતે અભ્યાસનું વિશાળ ક્ષેત્ર છે. અને આજે સંપ્રજ્ઞાત અવસ્થાનું અધ્યયન પાશ્ચાત્ય માનસશાસ્ત્રનો અગત્યનો વિષય છે. અગાઉ તેમ ન હતું. વિવિધ દૃષ્ટિબિંદુઓએથી એ હવે વધારે ને વધારે અગત્યનો વિષય ગણાય છે. ભૌતિકશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો અભ્યાસ સૈદ્ધાંતિક દૃષ્ટિબિંદુએથી કરવામાં આવે છે ત્યારે માનવીની ભીતરમાંનું આ કશું ગહન સામે આવે છે; વ્યાવહારિક દૃષ્ટિબિંદુએથી માનવપરિસ્થિતિ આપણી સન્મુખ આવે છે; ઊંચા પ્રકારના ટેક્નોલોજિકલ વિકાસને લઈને, માનવચિત્ત ઘણું વિકૃત બની ગયું છે. આ પ્રશ્નને ભૌતિક વિજ્ઞાન લાંબો વખત અવગણી શકે નહીં. તમે શાંતિ ચાહતા હો, તમે પૂર્ણ જીવન ઇચ્છતા હો તો, તમારા પોતાના ચિત્તનો અને ચેતનાનો અભ્યાસ કરો. ઉત્તર અને ઇલાજ બંને પેલા પ્રત્યક્ તત્ત્વમાંથી સાંપડશે. હિકમતભર્યાં સાધનો વધારે પેદા કર્યાથી કે ઉપભોગ પદાર્થાેની વૃદ્ધિ કરવાથી તમને એ નહીં સાંપડે. સૈદ્ધાંતિક અને વ્યાવહારિક બંને બાબતોમાંથી ઉદ્ભવતું જોરદાર કારણ આ વિષયની અગત્ય પ્રગટ કરે છે.

એટલે આ પરાક્ અને પ્રત્યક્ શબ્દોની અગત્ય બરાબર ધ્યાનમાં રાખો. માત્ર એક જ પરિમાણનું અધ્યયન નહીં કરો. આપણા ભારતના ઋષિમુનિઓએ પહેલાં પરાક્ પરિમાણનો અભ્યાસ કર્યો, બાહ્ય જગતનો અભ્યાસ કર્યો અને ભૌતિક વિજ્ઞાનની ઘણી શાખાઓ વિકસાવી. પછી જ એમણે પ્રત્યક્ પરિમાણનો અભ્યાસ કર્યો. એટલે તો એમને સત્યના, પૂર્ણ સત્યના, એક અને અદ્વૈત તત્ત્વનું દર્શન થયું. બહાર પ્રકૃતિ રૂપે દેખાતું એ તત્ત્વ માનવીની અંદર ચેતના રૂપે પ્રકટ થાય છે. આને લઈને તો, જે પાશ્ચાત્ય વિજ્ઞાનને યુરોપના ધર્મ અને ધર્મશાસ્ત્ર સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો તેને વેદાંતે હૃદયપૂર્વક સ્વીકાર્યું છે. ભારતે આ પરાક્ અને પ્રત્યક્ પાસાંની અન્વીક્ષા કરી તેથી અદ્વૈત દર્શન પ્રકટ થયું. આત્માને વેદાંત प्रत्यगात्मा, प्रत्यक् स्वरूप, प्रत्यक् तत्त्व કહે છે. આ બધા શબ્દો વેદાંત સાહિત્યમાં સાંપડે છે; તમારી ભીતર ધબકતું સત્ય કયું છે? નવજાત શિશુની આંખો નિહાળો. એ આંખો કોઈ ગહન પરિમાણ પ્રગટ કરે છે. કયું છે એ પરિમાણ ? એક ઢીંગલી લો. એની આંખો જુઓ. ત્યાં કશું ઊંડાણ નથી; કેવળ સપાટી છે. કોઈપણ ચેતનવંતા બાળકનાં ચક્ષુ ગહન ઊંડાણ પ્રગટ કરશે. આત્મા તરીકે તમારી અંદર રહેલાં પ્રત્યક્ તત્ત્વનાં ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ ત્રણ પડનું દર્શન આ અન્વીક્ષાએ કરાવ્યું હતું.

સને ૧૯૮૧માં ‘શિકાગો વિવેકાનંદ વેદાંત સોસાયટી’ની સુવર્ણ જયંતી પ્રસંગે શિકાગોમાં ખાસ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં આ વિષય પર અમે બે જણે વાર્તાલાપ આપ્યો હતો : શિકાગો યુનિવર્સિટીના પ્રસિદ્ધ તારકભૌતિકશાસ્ત્રી ડૉ. એસ. ચંદ્રશેખર Approach to Truth in Science, ‘વિજ્ઞાનમાં સત્યનો અભિગમ’, એ વિશે બોલ્યા હતા અને Approach to Truth in Vedanta, ‘વેદાંતમાં સત્યનો અભિગમ’, એ વિશે હું બોલ્યો હતો. બંને સત્યની ખોજ છે. એટલે पराक् અને प्रत्यक् સાર્થક શબ્દો છે. અર્વાચીન ભૌતિક વિજ્ઞાને પ્રકૃતિના માત્ર પરાક્ સ્વરૂપનો અભ્યાસ કર્યો છે. એ વિજ્ઞાનની ક્ષિતિજ ઉપર હવે ધીમે ધીમે પ્રત્યક્ સ્વરૂપ ડોકાવા લાગ્યું છે. એટલે पराण्याहुः વધારે સૂક્ષ્મ, વધારે महान्तः, વધારે प्रत्यगात्माभूतः નિર્દેશે છે.

આ ત્રણ શબ્દો સૂક્ષ્મ, વ્યાપ અને શક્તિમાં વિશાળ અને તમારા સાચા સ્વની, તમારા અંતરાત્માની વધારે નિકટના છે; परा શબ્દનો અર્થ આ સંદર્ભમાં સમજવાનો છે. प्रत्यगात्मा એટલે અંતરાત્મા.

અત્યાર સુધી આપણે આ ત્રણમાંથી પ્રથમ પ્રકાર, ઇન્દ્રિયતંત્રની ચર્ચા કરી છે. આપણે मनस्, ‘મન’ તરફ જઈએ ત્યારે આપણને જણાય છે કે ઇન્દ્રિયતંત્ર કરતાં એ વધારે સૂક્ષ્મ महान्तश्च, ‘વ્યાપ અને શક્તિમાં વધારે વિશાળ’ અને प्रत्यगात्माभूताश्च, ‘અંતરાત્મા તરીકે વધારે ઊંડે છે.’ (ક્રમશ 🙂

Total Views: 332

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.