હે મા, દુર્ગતિનાશિની દુર્ગા ! કોરોના મહામારીના પ્રકોપથી રક્ષા કરો!

ભારતના વિવિધ ભાગોમાં આ પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. ઈશ્વરને માતા તરીકે પૂજવાનું આ મોટામાં મોટું પર્વ છે. દુર્ગાદેવી ભગવાનનું શક્તિસ્વરૂપ છે. વિશ્વમાં હિન્દુ ધર્મ જ એવો છે, જેણે ઈશ્વરના માતૃભાવ પર આટલો ભાર મૂક્યો છે. જો કે હવે અન્ય ધર્મોમાં પણ ઈશ્વરને માતૃરૂપે જોવા માટેની ઝુંબેશ ચાલુ થઈ છે. અનેક પાદરીઓએ તાજેતરમાં પોપને અનુરોધ કર્યો છે કે બાઇબલમાં ઈશ્વરનો ‘પિતા’ (Father) જ નહીં, પણ ‘માતા’ (Mother) તરીકેનો અર્થ પણ સ્વીકારવામાં આવે.

આપણા આ યુગમાં ઈશ્વરના માતૃભાવનો પ્રચાર કરવા માટે શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવીનું આગમન થયું છે. શ્રીરામકૃષ્ણદેવે વિવિધ ધર્મોની, વિવિધ ભાવોની સાધના કરી હતી. ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, હિન્દુ ધર્મ વગેરેની સાધના કરી હતી, વૈષ્ણવ મત પ્રમાણે, શૈવ મત પ્રમાણે, તંત્રોક્ત મત પ્રમાણે વિવિધ ભાવોની સાધના કરી હતી, પણ તેમની સાધનાની શરૂઆત થઈ હતી – ભવતારિણી માતા કાલીની પૂજાથી – શાક્ત મત પ્રમાણેની પૂજાથી.

૧૬મી ઓગસ્ટ, ૧૮૮૬ના રોજ શ્રીરામકૃષ્ણદેવે મહાસમાધિ લીધી. પણ તે પહેલાં તેમણે પોતાની પત્ની શ્રીમા શારદાદેવીની જગદંબારૂપે ષોડશી પૂજા કરી, પોતાની સાધનાનું સર્વસ્વ ફળ તેમના ચરણોમાં સમર્પિત કર્યું અને તેમને ‘વિશ્વજનની’ના આસને આરૂઢ કર્યાં. શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણદેવના દેહવિલય બાદ ૩૪ વર્ષો સુધી આ ધરાધામમાં રહી વિશ્વજનનીની ભૂમિકા અદા કરી હતી. એક વાર એક ભક્ત તેમને પૂછી બેઠા, ‘મા, અન્ય અવતારોમાં તો જોવા મળે છે કે શક્તિનું તિરોધાન અવતાર પહેલાં થાય છે, પણ આ વખતે તો શ્રીરામકૃષ્ણદેવનું તિરોધાન પહેલાં થઈ ગયું અને તમે તો હજુ જીવિત છો !’ શ્રીમા શારદાદેવીએ કહ્યું, ‘દીકરા, તેઓ (શ્રીરામકૃષ્ણદેવ) મને ઈશ્વરના માતૃભાવના પ્રચાર માટે મૂકી ગયા છે.’

બધા પ્રકારના માનવ-સંબંધોમાં માતા અને સંતાનનો સંબંધ સૌથી વધુ મધુર હોય છે તેથી ઈશ્વરને માતારૂપે જોવાથી ભક્તિરૂપી ફળ વધુ સહેલાઈથી સાંપડે છે. વળી વર્તમાન સમયમાં માનવ કઠોર સાધના કરવામાં સક્ષમ નથી, જાણ્યે અજાણ્યે તેનાથી અનેક દુષ્કર્મો થઈ જાય છે, તેથી પોતાના પુરુષાર્થ દ્વારા ઈશ્વરને પામવામાં પોતાને અસમર્થ માને છે ત્યારે તે માતાની શરણે જઈ બધાં દુષ્કર્મોથી મુક્તિ મેળવી લે છે, માતાની કૃપા મેળવી લે છે. આદિ શંકરાચાર્ય ‘દેવ્યપરાધ ક્ષમાપન સ્તોત્ર’માં સુંદર વાત કરે છે :

‘कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति’ (સંસારમાં કુપુત્ર થઈ શકે પણ માતા ક્યારેય કુમાતા નથી થતી!)

આમ આધુનિક માનવ માટે દુર્ગાપૂજા – નવરાત્રિના મહોત્સવનું મહત્ત્વ વધી જાય છે.

માતૃપૂજાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

હજારો વર્ષોથી ભારતવર્ષમાં ઈશ્વરને માતારૂપે પૂજવાની પ્રથા ચાલી રહી છે. તેનો પ્રારંભ ક્યારે થયો તે કહેવું મુશ્કેલ છે. પણ કદાચ સૌથી પહેલાં ‘ધરતી’ને માતારૂપે – ઈશ્વરના પ્રતિનિધિરૂપે પૂજવાનો પ્રારંભ થયો હશે એમ પ્રાચીન ગ્રંથોમાં અપાયેલ સંદર્ભાે ઉપરથી લાગે છે. એ સ્વાભાવિક પણ છે. માનવે જ્યારે જોયું કે તેની જરૂરિયાતની બધી વસ્તુઓ – અન્ન, જળ, વસ્ત્ર, ફળ, ફૂલ બધું જ ધરતીમાતાની કૃપાથી પ્રાપ્ત થાય છે, ત્યારે તેની જ પૂજા પ્રથમ કરવી એ તેના માટે સ્વાભાવિક વાત હતી. અષાઢ, શ્રાવણ અને ભાદરવા માસમાં થયેલ વર્ષાથી ધરતી ધાન્યથી ભરપૂર થઈ જાય છે, આસો માસના પ્રારંભમાં ખેડૂત આ ધાન્યને પોતાના ઘરમાં લાવે છે ત્યારે આનંદથી નાચી ઊઠે છે અને સ્વાભાવિકપણે માતા ધરતીની આરતી ઉતારે છે. કદાચ આ જ રીતે નવરાત્રિના ઉત્સવનો પ્રારંભ દેશના વિભિન્ન ભાગોમાં થયો હશે.

ઋગ્વેદ સંહિતામાં ‘દેવીસૂક્તમ્’માં એમ કહેવામાં આવ્યું છે કે અમ્ભૃણ ઋષિની પુત્રી ‘વાક્’ને પ્રતીતિ થઈ કે તે પોતે દેવી-માતાથી જુદી નથી, પણ એકરૂપ છે, એ પરમાત્માની શક્તિ છે, જે સમગ્ર વિશ્વમાં દેવો, માનવીઓ, પશુઓ અને અગાધ મહાસાગરનાં પ્રાણીઓમાં આવિર્ભાવ પામે છે.

‘કેનોપનિષદ’માં યક્ષ પ્રશ્નની જાણીતી વાર્તા આવે છે. ઉમાએ દેવોને સત્ય શું છે તે સમજાવ્યું અને તેઓને કહ્યું કે પરમાત્માની શક્તિની સહાયથી જ દેવો અસુરોને હરાવવા શક્તિમાન થયા હતા.

બંગાળીમાં લખાયેલ ‘કૃત્તિવાસ રામાયણ’ પ્રમાણે ભગવાન શ્રીરામે રાવણના વધ માટે દેવીની પૂજા – વાસંતી પૂજા – વસંત ઋતુમાં કરવાને બદલે શરદ ઋતુમાં કરી. એટલે તેને ‘અકાલ બોધન’ કહેવામાં આવે છે. દુર્ગાપૂજાના મંત્રોમાં કહ્યું છે –

‘रावणस्य विनाशाय रामस्यानुग्रहाय च अकाले बोधिता देवी’. શ્રી દેવી ભાગવતમાં કહ્યું છે કે સુરથ અને સમાધિએ વસંતકાળમાં દેવીની પૂજા કરી હતી.

બંગાળમાં દુર્ગાપૂજાનો ઉત્સવ સૌથી મોટા ઉત્સવરૂપે ધામધૂમથી ઉજવાય છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં બંગાળમાં પ્રતિમામાં માતા દુર્ગાની પૂજા લગભગ એક હજાર વર્ષ પૂર્વે પ્રારંભ થઈ. ઘણાની માન્યતા છે કે નદિયા (બંગાળ)ના મહારાજા કૃષ્ણચંદ્રે અઢારમી શતાબ્દીમાં દુર્ગાપૂજાનો પ્રારંભ કર્યો. પણ સ્મૃતિકાર રઘુનંદન (ઈ.સ. ૧૫૦૦-૧૫૭૫) દ્વારા રચિત ‘दुर्गापूजा तत्त्व’, મૈથિલી પંડિત વાચસ્પતિ મિશ્ર (ઈ.સ. ૧૪૨૫-૧૪૯૦) દ્વારા રચિત ‘वासन्तीपूजा प्रकरण’, પ્રખ્યાત મૈથિલી કવિ વિદ્યાપતિ (ઈ.સ. ૧૩૭૫-૧૪૫૦) દ્વારા રચિત ‘दुर्गाभक्तितरंगिणी’ વગેરે ગ્રંથોથી આ માન્યતા ભૂલભરેલી સાબિત થાય છે. સમ્રાટ અક્બરના શાસનકાળમાં રાજશાહી (બંગાળ)ના રાજા કંસનારાયણે ઈ.સ.૧૮૫૦માં નવ લાખ રૂપિયાનો ખર્ચ કરી પ્રતિમામાં દુર્ગાપૂજા કરી હતી. તે પછી જ બંગાળમાં દુર્ગાપૂજાનું પ્રચલન વધુ થતું ગયું.

સંપૂર્ણ દેશમાં પ્રચલિત દુર્ગાપૂજાનું આધુનિક સ્વરૂપ કદાચ કલકત્તા શહેરની દેન છે. કલકત્તામાં સર્વ પ્રથમ મોટી દુર્ગાપૂજા ઈ.સ. ૧૭૫૭માં પ્લાસીના યુદ્ધ પછી શોભા બજાર, રાજમહેલમાં રાજા નવકૃષ્ણ દ્વારા આયોજિત થઈ હતી; તેઓ લોર્ડ ક્લાઈવના મુન્શીરૂપે કાર્યરત હતા. લોર્ડ ક્લાઈવે પણ આ પૂજામાં ભાગ લીધો હતો.

નવરાત્રિ મહોત્સવનું બદલાતું સ્વરૂપ

નવરાત્રિ મહોત્સવનું એક માત્ર લક્ષ્ય હતું, જગદંબાની પૂજા કરી, આરતી ઉતારી તેમને રિઝવવાં, તેમની કૃપા મેળવવી. માતા અંબિકાના પ્રતીકને સામે રાખી ગરબામાં દીપકો પ્રગટાવી, નૃત્ય દ્વારા કન્યાઓ દરરોજ નવ રાત્રિઓ સુધી ગુજરાતમાં મા જગદંબાની, અંબિકાની આરતી ઉતારતી. પણ આ મહોત્સવનું સ્વરૂપ વર્ષે વર્ષે બદલાતું જાય છે. ધાર્મિક ઉત્સવે ધીરે ધીરે સામાજિક અને સાંસ્કૃતિક ઉત્સવનું રૂપ ધારણ કર્યું અને હવે તો કોઈ કોઈ સ્થળે આ ઉત્સવ તમાશાનું રૂપ ધારણ કરી રહ્યો છે. અને એટલે જ દુર્ગાપૂજાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી હોવા છતાં, ‘દુર્ગતિનાશિની’ દુર્ગાની પૂજા કરવા છતાં, આપણી દુર્ગતિ વધતી જ જાય છે. દેશમાં લોકો અનેક આપત્તિઓ-વિપત્તિઓથી, પીડિત થઈ રહ્યા છે. શું આપણે આવું જ બધું ચાહીએ છીએ ? વિદ્વાનો આ વિશે ગંભીરતાથી ચર્ચા-વિચારણા કરે એનો સમય હવે પાકી ગયો છે.

હવે તો નવરાત્રિના ઉત્સવોમાં મા જગદંબાની પૂજા ગૌણ બની ગઈ છે. મનોરંજન, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો જ હવે મુખ્ય બની ગયા છે. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પહેલાં તો શુદ્ધ સ્વરૂપના હતા, હવે તો તેમાં પણ ઉચ્છૃંખલતા વધી રહી છે. ભક્તિ સંગીતનું સ્થાન સિનેમાનાં ગીતો અને પોપ મ્યુઝિકે લઈ લીધું છે. દાંડિયા રાસ-ગરબાનું સ્થાન ડિસ્કો ડાન્સે લઈ લીધું છે. વધુને વધુ ખર્ચ હવે મંડપના ડેકોરેશન, માઈક, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે પર થાય છે. કરોડો રૂપિયાનો વ્યય આવી વસ્તુઓ પર થાય છે. આટલું બધું ધન એકત્રિત કરવા માટેની પ્રણાલિકામાં પણ હવે પરિવર્તન આવી રહ્યું છે. પહેલાં તો લોકો આ માટે સહર્ષ ફાળો આપતા, પછી અનિચ્છાપૂર્વક દેવા લાગ્યા અને હવે તો તેઓની પાસેથી બળજબરીથી લેવામાં આવે છે.

પહેલાં તો માની પૂજાનું સ્વરૂપ સાત્ત્વિક હતું; માની સુંદર પ્રતિમા, વિધિવત્ પૂજા, મંત્રોચ્ચાર, ભક્તિ સંગીત, સ્નેહમય વાતાવરણ અને શુદ્ધ સાત્ત્વિક દિવ્ય આનંદ જ તેનાં મુખ્ય અંગો હતાં. પછી પૂજાનું સ્વરૂપ રાજસિક બની ગયું, પૂજા ગૌણ બની ગઈ. ડેકોરેશન, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે મુખ્ય બની ગયા, ધાર્મિક ઉત્સવે સામાજિક ઉત્સવનું સ્વરૂપ લઈ લીધું અને હવે તો જે સ્વરૂપમાં નવરાત્રિ પૂજા જોવા મળે છે તેને તામસિક કહેવામાં અતિશયોક્તિ નહીં કહેવાય.

વિધિહીન પૂજા અને કેસેટ દ્વારા શ્લોક ઉચ્ચારણ ! મનોરંજનના નામે દેવીની સામે જ બિભત્સ નાચ-ગાન! અને ફાળો ઉઘરાવવા માટે દાદાગીરી ! ધર્મના નામ પર ચાલી રહેલ આ અધર્મનું આચરણ શું જગદંબા સહન કરશે? આજે દેશમાં સર્વત્ર અશાંતિ ફેલાયેલ છે, કુદરતી આપત્તિઓથી લોકો ત્રસ્ત છે, સંતપ્ત છે; ‘દુર્ગતિનાશિની’ દુર્ગાની પૂજાઓમાં વધારો થતો હોવા છતાં આપણી દુર્ગતિ વધતી જ જાય છે ! હજુ પણ આપણે થોભીને વિચાર કરીએ.

આપણી દુર્ગતિનું કારણ ક્યું છે એ જાણીએ. જાગ્યા ત્યારથી સવાર! મા જગદંબાની સાત્ત્વિક પૂજાનો ફરીથી પ્રારંભ કરીએ, ભક્તિપૂર્ણ ઉપાસના દ્વારા તેમને પ્રસન્ન કરીએ. તેમના પ્રસન્ન થવાથી લક્ષ્મી (ધન), સરસ્વતી (જ્ઞાન), ગણેશ (સિદ્ધિ) તથા કાર્તિક (સામર્થ્ય) પોતાની મેળે આપણી પાસે આવશે. મા જગદંબાની ખરી પૂજા કરવાથી તેઓ અધર્મરૂપી, પાપરૂપી, વાસનારૂપી મહિષાસુરનો વધ કરશે અને ચારે તરફ શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થશે. તો આવો, આપણે પણ દેવતાઓ સાથે જગદંબાની સ્તુતિ કરીએ –

देवि प्रसीद परिपालय नोऽरिभीतेः

नित्यं यथासुरवधादधुनैव सद्यः ।

पापानि सर्वजगतां प्रशमं नयाशु

उत्पातपाकजनितांश्च महोपसर्गान् ।।

प्रणतानां प्रसीद त्वं देवि विश्वातिर्हारिणि ।

त्रैलोक्यवासिनामीड्ये लोकानां वरदा भव ।।

(દુર્ગા સપ્તશતી ૧૧/૩૪-૩૫)

‘દેવી ! પ્રસન્ન થાઓ ! જેવી રીતે આ વખતે અસુરોનો વધ કરી તમે તુરત અમારી રક્ષા કરી છે, એવી જ રીતે સદાય અમને શત્રુઓના ભયમાંથી બચાવો!

સંપૂર્ણ જગતનું પાપ નષ્ટ કરી દો તેમજ ઉત્પાત અને પાપોના ફળસ્વરૂપ પ્રાપ્ત થવાવાળી મહામારીઓ વગેરે મોટા મોટા ઉપદ્રવોને તુરત દૂર કરી દો.

વિશ્વની પીડા દૂર કરવાવાળાં દેવી ! અમે તમારા ચરણોમાં પડ્યા છીએ, અમારા પર પ્રસન્ન થાઓ. ત્રિલોક નિવાસીઓની પૂજનીય પરમેશ્વરી, સર્વ લોકોને વરદાન આપો.’

Total Views: 1,703

5 Comments

  1. Nilesh Bakrania October 3, 2022 at 3:56 am - Reply

    ખુબજ સરસ માર્ગદર્શન સભર લેખ છે. સાચી વાત લોજીક સાથે જાણવા મળી તેનો આનંદ થયો છે, જેનો અમે અમારા જીવન માં અમલ કરીશું અને અન્યો ને પ્રેરણા પણ આપી શકીશું. Thsnk you.

    • jyot October 16, 2022 at 3:33 am - Reply

      જય ઠાકુર

  2. જયેશ વૈષ્ણવ September 27, 2022 at 1:51 am - Reply

    પરમાત્માના શક્તિ સ્વરૂપને સમજવા વાળા અને શક્તિની પૂજા કરવા વાળા મનુષ્યોએ પોતાની દુર્ગતી રોકવા આવા લેખોનો અભ્યાસ કરવો અને જાગૃત થવું ખૂબ જરૂરી છે. કારણ કે શક્તિ પૂજામાં આજે જે પરિવર્તન આવી રહ્યું છે તે યોગ્ય નથી.
    આપનો ખૂબ ખૂબ આભાર આવા લેખ લખવા બદલ.
    🙏જય માતાજી 🙏
    -જયેશ વૈષ્ણવ

    • jyot October 16, 2022 at 3:36 am - Reply

      appreciate કરવા માટે આભાર

  3. દિલીપભાઈ September 26, 2022 at 7:20 am - Reply

    100%સત્ય વચન

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.