એકવીસમી સદીનું જીવન એટલે ભાગદોડની જિંદગી અને તે કારણે ઊભી થતી સમસ્યાઓનું સમાધાન એટલે યોગ. આજના આ ઝડપી યુગમાં યોગ એ જીવનનું મહત્ત્વનું અંગ છે. છેલ્લા દસકામાં યોગ અંગે લોકોમાં જાગૃતિ વધી છે. જેમણે યોગનો હજુ સ્વીકાર નથી કર્યો તેમણે એક યા બીજી રીતે, આજે કે આવતી કાલે તેને સ્વીકાર્યે જ છૂટકો, કારણ કે એ તો અનેક રોગોની જડીબુટ્ટી છે. રોગ આવ્યા પછી દવા લઈ તેને ભગાડવા કરતાં તેને આપણા શરીરમાં પ્રવેશવા ન દેવો એમાં જ ડહાપણ છે અને યોગનો સ્વીકાર એ રોગને જીવનમાં ન પ્રવેશવા દેનાર એક દ્વારપાળ છે.

છેલ્લા એક દસકામાં માનવીની જિંદગીની દિશા બદલાઈ છે. હવે લોકો સમજવા લાગ્યા છે કે જીવનમાં ધનદોલત જ મહત્ત્વનાં નથી. જો શરીર આરોગ્યમય નહિ હોય, તો અબજો રૂપિયા હોય તોપણ શા કામના? માત્ર ભૌતિક સુખ જ જીવનમાં પર્યાપ્ત નથી, કારણ કે તેનાથી માત્ર સગવડો મળે છે. જો સાચું સુખ મેળવવું હોય તો આંતરિક સુખ – આધ્યાત્મિક વિકાસ જરૂરી છે. આ માટે જરૂરી છે હકારાત્મક વિચારો. વિચારોની દઢતા માનવીને જાગૃત અવસ્થા તરફ લાવે છે અને જીવનની દિશા બદલવા પ્રેરે છે, જ્યારે વિચારોની દરિદ્રતા વિકાસના શિખર તરફ પહોચાડવાને બદલે પતન તરફ દોરે છે. જીવનમાં પ્રાપ્ત થયેલી તમામ ક્ષણોને માણવી હોય, તો તે માટેની ઇચ્છા જોઈએ.

આજે મોટા ભાગના લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે અમને તો જીવન ગમતું નથી, પરંતુ શું કરીએ, આયુષ્ય છે એટલે જીવવું પડે છે. ‘જીવનનું બીજું નામ જ મજબૂરી છે.’ આ બધા નિરાશાજનક વિચારો છે. તે જીવનનો વિકાસ કરી શકે ખરા ? અરે ! માનવી સવારે ઊઠે ત્યારથી માંડીને રાત્રે સૂએ ત્યાં સુધી માત્ર આનંદમાં જ રહે એવું કોઈ માધ્યમ ખરું ? એક જ માધ્યમ છે મન અને મનમાં આવતા વિચારો. જ્યાં સુધી યંત્રવત્ જીવવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી મન અને શરીરની સ્થિતિનો વિચાર કરી શકીશું જ નહિ. યંત્રવત્ જીવનમાં તણાવમુક્ત જીવન શક્ય જ નથી.

આજના માનવીને જાણે તણાવ સાથે એક પ્રકારનો નાતો બંધાઈ ગયો છે. આથી જ માનવીને માઠા વિચારો જ વધારે અને સારા વિચારો ખૂબ ઓછા આવે છે. કદાચ તેને કાંઈ વાગી જાય કે તે પડી જાય તો મનમાં સતત એવાજ વિચારો આવે છે કે હવે આ પછીના જીવનમાં કાંઈ થાય નહિ તો સારું. વળી સતત કોઈ ને કોઈ પ્રકારના દબાણમાં આપણે રહેતા હોવાથી રાત્રે ઊંઘ પણ આવતી નથી. ઊંઘ લાવવા માટે ગોળીઓ લેવી પડે છે. અરે ! મહાલયોમાં માણતા માણસને આવી પ્રાથમિક જરૂરિયાતો માટે પણ દવાઓ પર આધારિત રહેવું પડે છે એ કેવી કરુણ દશા ! આની પાછળનું મહત્ત્વનું કારણ હોય તો તે છે વણજોઈતા વિચારો. તે આપણાં દિલોદિમાગ પર કબજો જમાવી દે છે, જેને કારણે જ્ઞાનતંતુ નબળા પડી જાય છે ને ઊંઘ આવતી નથી. પછી તે પોતે જ વિચાર્યા કરે છે કે આમાંથી હું ક્યારે છૂટીશ?

દવાખાનામાં રોજ આવતાં દર્દીઓમાં ૭૦% જેટલા લોકો તણાવગ્રસ્ત જ હોય છે. તેમને જ્યારે સમજાવીએ કે આમાંથી મુક્ત થાઓ તો જીવન સારી રીતે જીવી શકશો, તો ઘણા લોકો કહેતા હોય છે કે ‘સાહેબ ! તમે કહો છો તે બરાબર છે. અમે યોગ, કસરત- બધું જ કરવા ઇચ્છીએ છીએ, છતાં નથી કરી શકતા.’ જો કે ઘણા લોકોને તો પોતાની ખામી ક્યાં છે તેની જ ખબર નથી હોતી, જ્યારે કેટલાક લોકોને પોતાની નબળાઈનો ખ્યાલ આવવા માંડ્યો છે એ એક સારી નિશાની છે, કારણ કે ખામી જાણે તો તેને ખૂબી બનાવવા માટે કે દૂર કરવા માટે ઉપાય કરી શકાય, પણ જો જાણતા જ ન હોય તો ઉપાય ક્યાંથી કરે? આથી જ ૨૧મી સદીનું અમોઘ શસ્ત્ર યોગ છે, કારણ કે તેનાથી ઉપાય શક્ય બને છે.

યોગ દ્વારા તણાવમુક્તિ કરવી હોય તો શું કરવું જોઈએ? યોગને જીવનમાં અપનાવવા માટે માત્ર શીખી લીધે નહિ ચાલે, દૈનિક જીવનમાં ડગલે ને પગલે તેનો ઉપયોગ કરવો પડશે. ધ્યાન, પ્રાણાયામ, આસન વગેરેને રોજિંદા જીવનક્રમમાં સ્થાન આપવું પડશે. એક વાર ધ્યાનમાં દશ મિનિટ બેસી જુઓ.

બેઠા પછી લાગશે કે આખા દિવસમાં એ દશ મિનિટ જ સારી પસાર થઈ. આ રીતે જ આખું જીવન પસાર થાય તો કેટલું સારું ! પરંતુ આવું આપણે માત્ર વિચારીએ છીએ. ક્લાસમાં જતા હોઈએ કે શીખતા હોઈએ ત્યારે બધું કરીએ, પરંતુ ઘરમાં કાંઈ જ કરતા નથી. ઘરનું વાતાવરણ અને નિત્યક્રમ એવાં બનાવી દીધાં છે કે ઊઠીને સીધા ઘરકામમાં જ લાગી જઈએ છીએ. આજનો માનવી નિખાલસ રહેવાને બદલે દંભી બનતો જાય છે. હસવું હોય તો દંભ, વખાણ કરવાં હોય તો દંભ. અરે! માનવી સાચું બોલવા જાય તોપણ જુઠું જ બોલે છે. એની પાછળ આ દંભ અને દેખાવ રહેલા છે. આનાથી વધારે મજબૂરી બીજી કઈ?

આપણે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો તણાવની શરીરનાં જુદાં જુદાં અંગ પર કેવી અસર થાય છે તે જોતાં દરેકે અવશ્ય યોગને જીવનમાં સ્થાન આપવું જ પડશે. આજના માનવીને દરેક જગ્યાએ વૈભવ જોઈએ છે, સુખ-સગવડ જોઈએ છે. કોઈ પણ ભોગે તેને સત્તા, સંપત્તિ અને વાહવાહ જોઈએ છે. આ માટે એ સતત દોડધામ કર્યા જ કરે છે, ક્યાંય જંપીને બેસતો નથી, શાંતિથી વિચારતો નથી અને સુખચેનથી રહેતો નથી. પ્રાણાયામ, આસન, ક્સરત વગેરે સાથેનું જીવન, શાંતિ અને સુખ સાથેનું જીવન, અપેક્ષારહિત જીવન, ઓછી સગવડવાળું જીવન અને સંઘર્ષમય જીવન જાણે અસંભવિત બની ગયું છે.

શારીરિક શ્રમ, સાદાઈ અને પુરુષાર્થને જાકારો દઈ વૈભવી ઠાઠ, આડંબર, શારીરિક શ્રમનો અભાવ વગેરે બાબતોને આજના માનવીએ અપનાવી લીધી છે અને એટલે જ તે દુ:ખી છે. સુખ-શાંતિની શોધમાં તેને આમતેમ ભટકવું પડે છે. સમજુ અને શાણા માણસોને આજની નહિ, આવતી કાલની ચિંતા છે; આ પેઢીની નહિ, આવનારી પેઢીની ચિંતા હોય છે. કેવો વારસો આપણે તેને અર્પણ કરીશું ?

આજનો માનવી વિજ્ઞાન અને ટેક્નોલોજીની જ વાતો કરે છે. અધ્યાત્મને તેણે જાણે તિલાંજલિ દઈ દીધી હોય તેવું લાગે છે. આજનો માનવી ઊંચાં બિલ્ડિંગો તો બનાવી જાણે છે, પણ તેના મનના વિચારો સાવ તળિયે જઈ પહોંચ્યા છે. આજનો માનવી વિશાળ રસ્તા તો બનાવી જાણે છે, પણ દિલની સંકુચિતતાને કારણે તે અસીમ વૈભવ વચ્ચે પણ દુ:ખનો અનુભવ કરી રહ્યો છે. મારે એક દૃષ્ટાંત આપવું છે.

બાબા આમ્ટે – નાગપુરથી ૧૨૦ કિ.મી.ના અંતરે તેમનો આશ્રમ આવેલો છે. ત્યાં તેઓ રક્તપિત્તના

દર્દીઓને રાખે, તેમની સેવા કરે, તેમને સાજા કરે. સેવા અને એમાં પણ સમાજના પ્રેમથી અને સ્વીકારથી વંચિત લોકોની સેવા, તે તેમનો જીવનમંત્ર હતો. બધાનો જીવનમંત્ર એવો ન હોઈ શકે તે હું સમજું છું. હું તે આશ્રમ જોવા ગયેલો. જોતાં જોતાં આગળ ચાલ્યો ત્યાં એક મકાન બંધાતું જોયું. લગભગ ૧૮ થી ૨૨ વર્ષનાં યુવક-યુવતીઓ આ મકાન બાંધી રહ્યાં હતાં. મારી સાથે રહેલા બાબાના પુત્ર વિક્રમ આમ્ટેને પૂછયું કે ‘આ લોકો શું બાંધે છે ?’ ત્યારે તેણે કહ્યું કે તમે તે લોકોને મળો. પછી તમને બધી વાત કરીશ.

હું તે લોકોને મળવા ગયો, તેમને મકાન બાબતમાં પૂછ્યું તો તેમણે નિખાલસતાથી કહ્યું કે ‘અમે લોકો સ્વીડનનાં રહેવાસી છીએ. અમે ગાયને ઉછેરીએ, તેના દૂધને સાચવીએ અને લોકોને શુદ્ધ દૂધ પૂરું પાડીએ. સ્વીડનમાં અમે એ શીખ્યાં. અહીં આવીને અમે જે કમાણી કરીએ છીએ તે કોઈ સારા કાર્યમાં વાપરવા માટે ઉપયોગમાં લઈશું. અમે શુદ્ધ દૂધ લોકોને પૂરું પાડવા માટે પ્લાન્ટ બનાવીએ છીએ. બાબાની જેમ કંઈક સારું કાર્ય – સંતોષ થાય તેવું કાર્ય કરવાની અમારી ઇચ્છા છે.’

મેં તેમને કહ્યું કે ‘પ્લાન્ટ તો તમે કોઈની પાસે પણ બંધાવી શકો, એમાં તમારે પોતાને બાંધકામ કરવાની શી જરૂર?’ ત્યારે તે લોકોએ જે ઉત્તર આપ્યો તે સાંભળવા જેવો છે. તેમણે કહ્યું કે ‘સેવાનો સાચો અર્થ એ છે કે તે કરવાથી આનંદ મળે – સંતોષ મળે. તેમાં લેશમાત્ર પણ અહમ્ ન હોવો જોઈએ. પૈસા આપી કામ કરાવીએ તો સેવાનો આનંદ કયાંથી મળે? અમે જાતે મકાન બનાવીશું, સ્વીડનથી ગાયો લાવીશું, પ્લાન્ટ તેયાર કરી તેમાં અદ્યતન ટેક્નોલોજીવાળાં મશીન મૂકીશું, ગાય કેવી રીતે દોહવી અને કેવી રીતે પદ્ધતિસર કામ થાય તે ગામના લોકોને શીખવીશું અને એ રીતે તેમને પણ પગભર બનાવીશું.’

આ હતો ૧૮થી ૨૨ વર્ષનાં યુવક-યુવતીઓનો જવાબ. સેવા કરવામાં મનને ડુબાડી દો તો જે સંતોષ મળશે તે અવર્ણનીય હશે – જે આનંદ મળશે તે અદ્વિતીય હશે. આડંબર કર્યા વિના સરળતાથી કામ કરી દંભથી મુક્ત બનવાનું છે. આજે તો માનવી કરે નહિ કાંઈ, પરંતુ ‘મેં કર્યું, મેં કર્યું’ના ઢોલ આખી દુનિયામાં પીટે. આવા કાર્યથી આનંદ ક્યાંથી મળે ? દરેક કાર્ય કરવામાં માનવીય સંબંધોની ગરિમા, અંતરની ભીનાશ, અંતરની લાગણી ખૂબ જ જરૂરી છે. આજે આ બધું દિવસેદિવસે ઘટતું જાય છે. આજે માનવી ગુનાખોરીની દુનિયા, લૂંટફાટ અને માનવીય મૂલ્યોના ઘસારા વચ્ચે જીવી રહ્યો છે, જે કારણે સંવેદના મરતી જાય છે. માનવી એકલો પડતો જાય છે અને તણાવ વધે છે.

તણાવ એટલે શું ? કોઈ વાહન લઈને આપણે જતા હોઈએ, પાછળથી કોઈ હોર્ન મારે, કોઈ ઓવરટેક કરીને જાય તોપણ આપણે મગજ ગુમાવી બેસીએ છીએ. સાવ નજીવી બાબતમાં આપણે મગજ ગુમાવીએ છીએ તેવો અહેસાસ થતો હોવા છતાં તેનાથી મુક્ત થઈ શકતા નથી. ઘણી વાર ખોટું કાર્ય થઈ ગયું હોય તો તેની માફી માગવામાં પણ અહં નડે છે. તે નથી થતું તે કારણે મગજમાં બધો ભરાવો થતો રહે છે.

તેમાંથી બદલાની ભાવના, બીજાને નુક્સાન કરવાની ભાવના, બીજાને નીચા દેખાડવાની વૃત્તિ પેદા થાય છે. આવા નકારાત્મક વિચારોનું જે ઝરણું ઉત્પન્ન થાય છે તે તણાવમાં ઢસડી જાય છે.

તણાવ દરિયો છે – વમળ છે. એક વખત તેમાં ફસાયા પછી તેમાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ છે. તેમાં જ માનવી અટવાયા કરે છે. આમાં મુખ્ય બાબત અહંને કાઢવાની છે – તેનાથી દૂર જવાની છે. આપણી યાત્રાને ‘I’માંથી ‘We’માં લઈ જવાની છે. ‘મારું નહિ, આપણું’ એ ભાવનાને ઘૂંટવાની છે. ‘હું’ નહિ, ‘આપણે બધાં’ એમ જ્યારે માનતા થઈશું ત્યારે સવાર પડશે. આપણે કોઈને દુ:ખ પહોંચાડ્યા વિના દિવસ પસાર કરી શકતા નથી, એટલે ભગવાનને પ્રાર્થના જરૂર કરવી કે ‘હે ભગવાન ! મારું કલ્યાણ થાય, જગતનું કલ્યાણ થાય, હું જેને મળવાનો છું, જેની સાથે સંબંધ બાંધવાનો છું, જેના સંપર્કમાં આવવાનો છું તેને મારા થકી દુ:ખ ન થાય, મારી વાણી પર સંયમ રહે !’ આ પ્રાર્થના કરવાથી -સાચા દિલથી કરવાથી ને તેના પર અમલ કરવાથી પણ શાંતિનો અનુભવ થશે.

એક બહેન મારી પાસે પોતાના ઇલાજ માટે આવ્યાં. તે આવીને મને ઘણા પ્રશ્નો પૂછવા લાગ્યાં. આથી મેં તેમને કહ્યું કે ‘બહેન, તમને એવું નથી લાગતું કે તમે તણાવમાં છો ?’ આથી તે ગુસ્સે થઈ ગયાં. મને કહે, ‘તમે મારું અપમાન કર્યું.’ ત્યારે મેં કહ્યું, ‘મેં ક્યાંય તમારું અપમાન નથી કર્યું કે મારો એવો ઇરાદો પણ નથી. આ તો મને જેવું લાગ્યું તે મેં તમને કહ્યું. તમારાં વર્તાવ અને વાત પરથી મને લાગ્યું કે તમને કોઈ રોગ નથી, પરંતુ મનની એવી અવસ્થા છે જેનાથી તમે પરેશાન છો.’ પછી તો તે બહેને મારી માફી માગી, પોતાના વર્તન માટે પસ્તાવો કર્યો અને પોતાની આપવીતી કહી. ઘરના લોકોના વર્તનથી તે ત્રસ્ત હતાં. ત્યારે મેં તેમને કહ્યું, ‘તમે ઘરના ચાર લોકોને બદલવા પ્રયત્ન કરો છો તેના કરતાં તમે પોતે જ બદલી જાઓ ને ! સાચું સમાધાન અનુકૂલન સાધવામાં છે , નાની-નાની બાબતોમાં ઊકળી ઊઠવામાં નથી.’

કોઈ આપણા પર ગુસ્સે થતું હોય ત્યારે તેને શાંતિથી સાંભળી લો અને પછી કાંઈ બન્યું જ નથી એમ વાતને ખંખેરી નાખો તેના જેવી અવસ્થા બીજી એકેય નથી. દરેક બાબતને સવળા અર્થમાં લો. સામી વ્યક્તિ માટે વિચારો કે ‘તેના મનમાં જે મારા પ્રત્યે ઝેર ભર્યું હતું – નકારાત્મકતા હતી તે હવે નીકળી ગઈ છે તેથી મને નડશે નહિ.’ વળી આવી બાબત બને ત્યારે ક્યારેય પણ સામો જવાબ ન આપવો, મૌન સેવવું એ પણ એક હથિયાર છે.

આજે વિચારસરણી જ આખી બદલાઈ ગઈ છે. દરેક વસ્તુમાં બીજાનું જોવાય છે : ‘બાજુવાળાનો છોકરો ‘ઝી’ ટીવીમાં ગયો તો મારો કેમ ન જાય ? બાજુવાળાનો છોકરો મીડિયમ અંગ્રેજીમાં સૌથી મોંઘી સ્કૂલમાં ભણે તો મારો છોકરો કેમ ન ભણે ? બાજુવાળા ગાડી લે તો મારે કેમ ન લેવી ?

મિત્રે લગ્નમાં ૨૦૦૦ માણસો જમાડ્યાં, રૂપિયા ૪૦૦વાળી ડિશ જમાડી, પાર્ટી પ્લોટમાં ડેકોરેટિવ સ્ટેજમાં લગ્ન કર્યાં, હવે હું જો એમ ન કરું તો સમાજમાં બધાં મારી વાતો કરે.’ આવું શા માટે? આપણે બીજાથી જુદું ન કરી શકીએ? આપણે સમાજને અમુક કક્ષાઓમાં વિભાજિત કરી દીધો છે. એ ઢાંચામાં આપણે ગોઠવાવાનો પ્રયત્ન કરીએ છીએ અને ઇચ્છાનુસાર ન થાય તો તણાવ અનુભવીએ છીએ.

Total Views: 326

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.