વૈજ્ઞાનિકોને પ્રથમવાર વિચાર આવેલો કે તત્કાલ નાશવંત બને તેવું કોઈ સંશોધન નથી કરવું. શરીરમાં અત્યંત શક્તિશાળી શસ્ત્રો છે, એમને શોધવાં છે. બ્રિટિશ લેખક પોલ બ્રન્ટન હિમાલયમાં ખૂબ ફર્યા, ત્યાર બાદ તેમને જ્ઞાન થયું કે ભારતની યોગશક્તિ, આધ્યાત્મિકશક્તિ જ શ્રેષ્ઠ છે.

અર્ધ જાગ્રત મનની શક્તિનો ઉપયોગ કરે એ માણસ ખૂબ આગળ વધે છે. અપેક્ષા નામનું પરિબળ આપણા માટે હંમેશાં નડતરરૂપ બન્યું છે. દરેક બાબતમાં આપણે અપેક્ષા અને સ્વાર્થને જોડતા ગયા છીએ. પરિણામે મન વધારે નિર્બળ થતું ગયું છે. પરીક્ષાના પરિણામ વખતે વિદ્યાર્થીઓ કરતાં તેમનાં માબાપ વધારે તણાવમાં આવી જાય છે. મનનો અતિ દુરુપયોગ થવા લાગે એટલે તણાવ સાથેની અસ્થિરતાનો પ્રભાવ વધે છે અને માણસ તરંગી અથવા ગાંડામાં ખપી શકે છે.

મન પર કાબૂ મેળવવા, મનની એકાગ્રતા સિદ્ધ કરવા ભારતીય યોગપદ્ધતિ શ્રેષ્ઠ માર્ગ છે. ધ્યાનની અવસ્થામાં મન સ્થિર થાય છે. ધ્યાન પછીનું ચરણ છે સમાધિ. આ ચરણમાં તમે કોઈ બીજા વિશ્વમાં સફર કરતા હો એવું લાગે છે. સમાધિ અવસ્થામાં અર્ધજાગ્રત મનના પડદા ખૂલવા માંડે છે. અકલ્પનીય શક્તિનો સંચાર થાય છે. મન પર પૂર્ણ નિયંત્રણ મેળવી શકાય છે. હજુ સુધી વિશ્વમાં એવી કોઈ દવા નથી શોધાઈ કે જે કોઈ પ્રકારની આડ અસર વગર મન પર નિયંત્રણ મેળવી શકે. આપણે હંમેશાં તનની સારવાર કરીએ છીએ. મનની સારવાર ખૂબ જરૂરી છે, પણ આપણે તે કરતા નથી અને તેનાં પરિણામો નજર સામે આવી ગયાં છે. અમેરિકામાં સાઇકિયાટ્રિક એસોસિયેશને જાહેર કર્યા મુજબ દર વર્ષે અમેરિકામાં લાખો લોકો ડિપ્રેશનનો ભોગ બને છે.

ભારતમાં પણ આ માનસિક સમસ્યા વધી રહી છે. આપણે કોઈ દર્દીને કહીએ કે આ રોગ તમારા મનનું પરિણામ છે, ત્યારે એ સાંભળીને દર્દીને શરમ આવે છે અને તેના મનમાં પ્રશ્ન થાય છે કે ‘શું હું ગાંડો થઈ ગયો છું ?’ મન નબળું પડે, નકારાત્મક બને ત્યારે રોગ થવાની સંભાવના વધી જાય છે. મન નબળું પડવાનો અર્થ માણસ પાગલ થઈ ગયો છે, એવો નથી. નબળા મનને, નબળા શરીરને ફરીથી પ્રબળ કરી શકાય છે. હૃદયની પાંચ નળીઓ બંધ હોય છતાં માણસ મનમાં ગાંઠ વાળી લે કે હું કેટલાક સિદ્ધાંતોનું પાલન કરીને સારી રીતે જીવીશ; આવું થાય તો દર્દી સરસ રીતે જીવી શકે છે અને વિજ્ઞાન ખોટું પડે.

મનને તંદુરસ્ત અને મક્કમ બનાવવા શું કરવું? સૌ પ્રથમ વિચારોનું શુદ્ધીકરણ કરવું જરૂરી છે. દરરોજ રાત્રે ગંભીરતાથી આટલું ચિંતન કરો કે આપણે શુભ વિચારોને બરોબર અમલમાં મૂકીએ છીએ ? એ વિચારોને મૂર્તિમંત બનાવીએ છીએ ? મન સાથે સમાધાન કરીને ઇચ્છા મુજબનું પરિણામ મેળવી શકીએ છીએ ?

જે જગતમાં આપણે જીવીએ છીએ એ જગતની આપણી પરિકલ્પના જુદી છે. એટલે વિચારોના શુદ્ધીકરણની જરૂર પડે છે. એક ઘરમાં ચાર વ્યક્તિ રહેતી હોય અને ચારેયના વિચાર જુદા હોય; એકેય વચ્ચે મનમેળ ન હોય, છતાં એ વ્યક્તિ કહે છે કે અમારે લોહીના સંબંધ છે. આ બાબત કેટલા અંશે યોગ્ય ગણાય? આજે સ્થળ સ્થળનાં અંતર ઘટ્યાં છે પણ માણસ માણસ વચ્ચેનાં મનનું અંતર વધ્યું છે. તમે ભારતમાં હો અને તમારાં સ્વજન અમેરિકામાં રહેતાં હોય, તો તમને અમેરિકા પહોંચતાં ૨૪ કલાકથી પણ ઓછો સમય લાગે છે. એ સ્વજન સાથે તમારે મનમેળ ન હોય તો તમે ૨૪ વર્ષ સાથે રહો છતાં મન વચ્ચેનું અંતર ઘટતું નથી.

સ્વામી દયાનંદ સરસ્વતીજીએ એક સરસ વાત કહેલી, ‘આપણે અન્યથી ઊંચા છીએ એવું માનીએ છીએ અને એ બાબત સિદ્ધ કરવા અન્ય સાથે મનથી લડતા રહીએ છીએ.’ આ બાબત અસ્વસ્થતાની નિશાની છે. જ્ઞાન આપણી સમજદારી માટે છે. જ્ઞાનનો ઉપયોગ વાદવિવાદ કે વિખવાદ કરવા માટે ન થવો જોઈએ. દરેક જગ્યાએ જ્ઞાન વ્યક્ત કરવું જરૂરી નથી. જરૂર લાગે ત્યાં જ જ્ઞાનનો ભંડાર ખોલવો જોઈએ. જ્ઞાનનો ઉપયોગ વાદવિવાદમાં કરો તો મન અસ્વસ્થ બનશે અને તનમાં રોગને ઘૂસવાનો મોકો મળશે. નવા વિશ્વનું નવું સૂત્ર આ છે : ‘જેનું મન તંદુરસ્ત, તેનું તન તંદુરસ્ત.’

વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે ઘણી વખત સંઘર્ષ આકાર લે છે. આવી ઘટનાઓને અવગણી શકાય તેમ નથી. અને એ રીતે આધ્યાત્મિક શક્તિને પણ નજરઅંદાજ ન કરી શકાય. આ બન્નેનો સંગમ રચાય, બન્ને એક બીજાનાં પૂરક બને તો શ્રેષ્ઠ માનવજીવનની સંભાવના વધી જાય. આવા પ્રયોગો થયા છે.

અમદાવાદ હાઈવે પર સ્વામી માધવપ્રિયદાસજીએ વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય રચીને સરસ શાળા-ગુરુકુળનું નિર્માણ કર્યું છે. એક બાબત નોંધવા જેવી છે કે આજની યુવા પેઢીમાં ધર્મ પ્રત્યેનું આકર્ષણ વધતું જાય છે. વિવિધ મંત્રોના ગુંજનનો વ્યાપ વધતો જાય છે. ૐકાર સર્વવ્યાપી બન્યો છે. હનુમાન ચાલીસાના પાઠનો પ્રચાર વિસ્તરી રહ્યો છે. ધ્યાનયોગનો તો જાણે યુગ આવી ગયો છે. આ બધી બાબતોમાં માત્ર શ્રદ્ધા હોય તો મનોબળ એકદમ દૃઢ થઈ શકે છે. મન ઉપર કાબૂ આવે તો શરીરને તંદુરસ્ત રાખવું સરળ બને છે.

ધ્યાનયોગના સહારે વિશ્વ નવી દિશા તરફ જઈ શકે તેમ છે. સરેરાશ માણસને સાતથી આઠ કલાક ઊંઘની જરૂર હોય છે, પરંતુ મોટાભાગના લોકો ત્રણથી ચાર કલાક જ ઊંઘી શકે છે, બાકીના સમયમાં પથારીમાં પડ્યા રહેતા હોય છે. આ બાબત મનની વ્યગ્રતા સૂચવે છે. મનને શાંત રાખવા યૌગિક પદ્ધતિના પ્રયોગો વધારે સફળ સાબિત થયા છે. તંદુરસ્ત રહેવા સતત માળા ફેરવવાની કે વધારે પડતા ધાર્મિક થઈ જવાની જરૂર નથી. આપણે તો માત્ર મનને પ્રસન્નતા, એકાગ્રતા તરફ દોરી જવાની જરૂર છે. નકારાત્મકતા, ક્રોધ, નિંદા, ઈર્ષ્યાથી દૂર રહીને હકારાત્મક કે ભાવાત્મક અભિગમ કેળવશો તો મન તંદુરસ્ત બનશે. મન સાથે સમાધાન જરૂરી છે. જ્યારે જ્યારે આપણને લાગે કે મન સાથેની સ્થિતિ અનુકૂળ નથી, વિક્ષેપો સર્જાય તેમ છે; આવે વખતે ઉતાવળે કોઈ નિર્ણય કર્યા વગર આવો એક સરળ પ્રયોગ કરજો. દસ મિનિટ આંખ બંધ કરીને બેસી જજો. ઘણા વિચારો આવશે. એમાં એકાદ વિચાર એવો હશે કે જેમાં મન સાથેનું કંઈક સમાધાન છુપાયેલું હશે.

રાત્રીની ઊંઘ તનની શાંતિ માટે જ નહીં, પણ મનની શાંતિ માટે આવશ્યક છે. આઠેક કલાકની ગાઢ ઊંઘમાં હૃદયના ધબકારાની સંખ્યા ઘટવા લાગે છે. શરીરતંત્રની તમામ પ્રક્રિયાઓ ધીમી પડી જાય છે. મનનું કાર્ય ઘટી જાય છે. મનને આરામ મળે છે. સાંજથી જ માણસે શાંત પડવું જોઈએ. પણ ઘણા લોકો રાત્રે ચાલવા નીકળે છે. વિજ્ઞાને સાબિત કર્યું છે કે માનવના મસ્તકમાં ઊંઘ, ઈર્ષ્યા, નિંદા અને અભાવાત્મકતાનાં કેન્દ્રો અત્યંત નજીક આવેલાં છે.

રાત્રે ઉગ્રતા કે વ્યગ્રતા સાથે ચાલો તો આ કેન્દ્રો પર વિપરીત અસર થાય છે અને ઊંઘ ઘટે છે; સાથે ને સાથે ઈર્ષ્યા, નિંદા અને અભાવાત્મક ભાવો વિકસે છે. તન-મનને તંદુરસ્ત રાખવાની સરળ પદ્ધતિ એ છે કે સવારે વહેલા ઊઠીને ચાલો, દિવસમાં છ વખત થોડું થોડું જમો, વિરુદ્ધ આહારનો ત્યાગ કરો અને રાત્રે વહેલા સૂઈ જાઓ. રોગ આવે અને તેનો ઇલાજ કરવો તે વખાણવા જેવી સ્થિતિ ન ગણાય. રોગ ન જ આવે તેવી સ્થિતિનું નિર્માણ કરવું શ્રેષ્ઠ ગણાય. દવા છેલ્લો વિકલ્પ બનવી જોઈએ.

આખા વિશ્વને દવાનું લાયસન્સ આપતા અમેરિકનોના સંગઠનોના વૈજ્ઞાનિકોની એક બેઠક મળી. આ બેઠકમાં ચર્ચા થઈ કે વિશ્વમાં દવાઓનો ખડકલો થતો જાય છે અને આપણે દરરોજ લાયસન્સ આપ્યે જ જઈએ છીએ. આ બરાબર છે ? ચર્ચાના અંતે તેમણે દરેક દવાઉત્પાદક કંપનીને સૂચન કર્યું કે તમારાં સંશોધનોનો ૫૦% હિસ્સો દવારહિત કરો. એવી પદ્ધતિ અપનાવો કે જેથી દવા વગર પણ દર્દનો સચોટ ઇલાજ થઈ શકે. દરેક કંપનીને સંશોધકોની ટુકડીમાં મનોવૈજ્ઞાનિકનો સમાવેશ કરવાનું સૂચન કર્યું.

દવાથી મગજનાં રસાયણોમાં ફેરફાર થાય છે, તે દવા વગર કઈ રીતે થઈ શકે તેવાં સંશોધનો પર ભાર મૂક્યો છે. વૈજ્ઞાનિકોનાં સંગઠનોએ અમેરિકાની સરકારને આવો કાયદો પસાર કરવા જણાવ્યું. કાયદો બને તો દવા કંપનીઓને ઘણું નુકસાન થાય તેમ છે, પણ માનવ-આરોગ્યને આવો કાયદો અત્યંત લાભદાયી બને તેમ છે.

અનેક પ્રયોગો બાદ વિજ્ઞાને સાબિત કર્યું કે માણસના વર્તન સાથે જ્ઞાનતંતુઓને સીધો સંબંધ છે. માણસની લાગણી વિશે દીર્ઘકાળથી પ્રયોગો ચાલે છે. સદીઓ પહેલાં નિર્માણ પામેલા ભારતીય યોગ-આયુર્વેદ શાસ્ત્રમાં ભાવનાત્મક આરોગ્યનો ખ્યાલ રખાયો છે. આ વિચારસરણી તરફ આજે વિશ્વ વળી રહ્યું છે. ઈ.સ.૨૦૦૦માં વિશ્વ-આરોગ્ય-સંસ્થાએ શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક વ્યાખ્યામાં આધ્યાત્મિક શબ્દ ઉમેરવા સૂચના આપી હતી. વિશ્વની આ નવી દિશા છે. આધ્યાત્મિક માણસો વિશ્વમાં છવાઈ રહ્યા છે. દુનિયાભરમાં ભારતીય શાસ્ત્રોની, પદ્ધતિઓની ઓળખ ઊભી થતી જાય છે. અમેરિકા અને યુરોપના વૈજ્ઞાનિકો પણ ભારતીય સંતો પાસે શિબિરો કરાવે છે. તેઓ કબૂલે છે કે ભારતના આધ્યાત્મિક વારસાને મન સાથે સીધો સંબંધ છે.

Total Views: 361

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.