‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતમાં રહેલું જ્ઞાન બ્રહ્મજ્ઞાન સમાન છે. મનની ભીતર શક્તિઓનો અનંત ભંડાર છે. દૃઢ મનોબળ અને તીવ્ર ઇચ્છાશક્તિ હોય તો માણસ માળવે જ નહીં, પણ મન થાય ત્યાં જઈ શકે છે. વર્તમાન જીવનશૈલીમાં માણસ મનથી નબળો પડવા લાગ્યો છે. મનને મનાવવાની શક્તિ અને સમજ ઘટી રહ્યાં છે.

આઈન્સ્ટાઈનને શિક્ષકો અભ્યાસમાં નબળો ગણતા. પરંતુ મનની શક્તિ દ્વારા તેમણે અણુશક્તિની શોધ કરી. આ શોધ દ્વારા આઈન્સ્ટાઈનની પરિકલ્પના માનવકલ્યાણની હતી. પણ આ શોધનો ઉપયોગ કેવો થયો? હીરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ નખાયા અને હાહાકાર સર્જાયો. શોધકનું મન તીવ્રપણે ભાવાત્મક હતું. અને શોધનો ઉપયોગ કરનારનું મન સંપૂર્ણપણે નકારાત્મક હતું.

મન સાથેનો સંઘર્ષ માનવને પોતાને તો નડે જ છે, આ સંઘર્ષ અન્ય લોકોને પણ હેરાન કરી દે છે. મન સાથે સમાધાન અનિવાર્ય છે, પણ તેમ શા માટે નથી થઈ શકતું? એવું કયું પરિબળ છે કે જે નડે છે? સમાધાનની ભૂમિકા સહેલાઈથી સમજાય છે, પણ તેનો અમલ નથી થઈ શકતો. આ પ્રશ્નોને વિજ્ઞાનના દૃષ્ટિકોણથી સમજીએ.

આપણાં મનની સાથે આપણો ‘સ્વ’ જોડાયેલો છે. મનને સમાધાન માટે તૈયાર કરવામાં આવે તો આપણને પોતાનો અહં નડે છે. ‘હું કોણ છું!’ આ પૃથ્વી પર આપણે સામાન્ય તણખલા જેવા ગણાઈએ, પણ આ વાસ્તવિકતા આપણને સમજાતી નથી. જર્મન લેખક નિકોલસ બોને પોતાના પુસ્તક ‘Power of Now’માં લખ્યું છે : ‘અત્યારે ને અત્યારે હું જેટલું મારા મનને સમજાવી શકીશ, તેટલું કાલે નહીં સમજાવી શકું.’ મન પાસે સમય લેવાનો પ્રયાસ કરશો તો મન ક્યારેય નહીં માને. મનને આદેશ આપવાનું શીખી લો. મનની ગુલામી કરવાની જરૂર નથી.

સામાન્ય રીતે તન અને મનને રાત્રે આરામ મળતો હોય છે. સમૂહમાં માણસ એકલો પડે ત્યારે મનથી વધારે નબળો પડે છે. મન પર કાબૂ ન રાખી શકનાર માણસ અસ્તવ્યસ્ત બની જાય છે, કારણ કે હાથપગ સહિત શરીરની તમામ પ્રક્રિયાનું સંચાલન મન દ્વારા થાય છે.

આપણે મગજ શબ્દ વાપરીએ છીએ. મગજ એ સાધન છે. તેમાંથી જે તરંગો પેદા થાય છે, તે ‘માઇન્ડ’ની ‘ફિનોમિના’ છે. માણસ પાસે બે મન છે. જાગ્રત મન અને અર્ધજાગ્રત મન. આપણે ધ્યાન કરીએ છીએ, ત્યારે ગહન ધ્યાનની અસર અર્ધજાગ્રત મન પર થાય છે અને આપણી શક્તિ શરીરનાં ચક્રો પર કેન્દ્રિત થાય છે. ચક્રોમાં એટલી બધી આંદોલનાત્મક (વાઈબ્રેટિવ) શક્તિ હોય છે કે શરીરમાં આપોઆપ ઋણાત્મક, ધનાત્મક શક્તિ (નેગેટિવ-પોઝિટિવ) સંતુલિત થવા માંડે છે. આપણા શરીરીમાં ‘ઓટોમેટિક નર્વસ સિસ્ટમ – સ્વયં સંચાલિત ચાલતું રહેતું જ્ઞાનતંતુઓનું માળખું’ હોય છે. અગ્નિમાં આપણે હાથ શા માટે નથી નાખતા ? આ માળખા દ્વારા મનને આપોઆપ આદેશ મળે છે કે આમ ન કરાય. વિશેષ ક્ષણોમાં આપણા મનની અંદર તીવ્ર ઝડપથી ફેરફારો થવા માંડે છે.

માણસ ખૂબ થાકેલો હોય, તેનું મન પ્રસન્ન કે પ્રફુલ્લિત કરવામાં આવે તો શરીરમાં થાક હોવા છતાં પણ તે દોડવા માંડે છે. આનો અર્થ એ થાય છે કે મન શક્તિશાળી છે અને મન દ્વારા શરીરનો ધારીએ તેવો અને તેટલો ઉપયોગ થઈ શકે છે. તબીબી ક્ષેત્રે ઘણા કિસ્સા એવા બને છે કે તબીબોએ અને સગાંસંબંધીઓએ આશા છોડી દીધી હોય, પણ દર્દી જીવી જાય છે.

મારી પાસે આશરે ૮૦ વર્ષની વયનાં એક મહિલા દર્દી આવે છે. આ માડી આઠેક વખત ખૂબ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થયેલાં. તબીબીવિજ્ઞાનની દૃષ્ટિએ અપેક્ષા જ ન હોય કે આ દર્દી બચી શકશે, પરંતુ આઠમી વખતે મેં જ્યારે આ માડીને હોસ્પિટલમાંથી સુખરૂપ રજા આપી ત્યારે મારા મનમાં આ પ્રશ્ન ઊઠ્યો : ‘શું હું ભૂલ કરું છું કે આ માડી જીવવા માટે પ્રબળ મન ધરાવે છે ? માડીના શરીરમાં ૩ ગ્રામ હિમોગ્લોબીન છે, બન્ને કિડની ફેઈલ છે, બન્ને ફેફસાં ખલાસ છે, હૃદય ૧૫% જ કાર્યરત છે, શરીર ખૂબ જાડું છે, અત્યંત ડાયાબિટિસ છે, બી.પી.નું જોર છે…. આવા દર્દી માટે તબીબીવિજ્ઞાન શું કરી શકે ? પણ એ માડી ગંભીર સ્થિતિમાં બેશુદ્ધ હાલતમાં હોય અને સહેજ ભાનમાં આવે ત્યારે પહેલું જ વાક્ય બોલે, ‘સાહેબ, મારે જીવવું છે, હોેં !’

આ માડીનું શારીરિક દર્દ તો ગંભીર છે જ, પણ તેમનું સાંસારિક દર્દ પણ હચમચાવી દે તેવું છે. માડીને બે દીકરીઓ અને ત્રણ દીકારાઓ છે. પ્રમાણમાં મોટો ગણાય તેવો સંસાર હોવા છતાં એ માડી જેટલી વાર હોસ્પિટલમાં દાખલ થયાં, ત્યારે તેમની સાથે કોઈ સ્વજન આવ્યું નથી. આ સ્થિતિ હોવા છતાં માડીના મુખમાંથી ફરિયાદ રૂપે એક પણ શબ્દ નીકળ્યો નથી.

નકારાત્મક વિચારો માડીના મનમાં પ્રવેશ્યા જ નથી. માડીએ આ લખનારની હાજરીમાં દેહદાન કરવા માટે ફોર્મ ભર્યું છે. આ માડી તબીબીવિજ્ઞાનને મનની શક્તિથી હરાવીને જીવી રહ્યાં છે.

દૃઢ મનોબળ દ્વારા ઘણી બધી સિદ્ધિઓ મળી શકે છે. અમેરિકન સાઇકિયાટ્રિક એસોસિએશને સંશોધન બાદ તારણ કાઢ્યું છે કે મનને કાબૂમાં રાખી શકાય તેવાં પરિબળો આ ધરતી પર પારાવાર છે, પણ તેનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં થતો નથી.

અર્ધજાગ્રત મન પાસે ૮૫% થી ૯૦% શક્તિ છે અને જાગ્રત મન પાસે ૧૫% થી ૧૦% જ શક્તિ છે. આપણે અજાગ્રત મનની શક્તિઓનો ઉપયોગ કરતા નથી. પણ ઓછી શક્તિ ધરાવતાં જાગ્રત મનનો ઉપયોગ કરીએ છીએ. સાથે ને સાથે તેની પાસે પણ ૯૫% ખોટાં કામ કરાવીએ છીએ. મન અને શરીર વચ્ચે સીધો સંબંધ છે. શરીરમાં રોગની ઉપસ્થિતિ હોય તો તેમાં ૭૦% જેટલું કારણપ્રમાણ મનનું હોય છે. આપણે દુ :ખી થઈએ છીએ ત્યારે સમજવું કે મન સાથે સમાધાન કરવામાં ક્યાંક ખામી રહી ગઈ છે.

મન પર તાત્ત્વિક અભ્યાસ જે. કૃષ્ણમૂર્તિ તથા વિમલા તાઈએ કર્યો છે. માણસ મનથી વધારે નબળો પડતો જાય છે. અપેક્ષા મુજબ કાર્ય ન થાય, પરિણામ ન મળે ત્યારે નકારાત્મકતાની તીવ્ર અસર થાય છે, એનો પ્રભાવ શરીર પર પણ પડે છે.

૨૦મી સદીની વાત કરીએ તો વિજ્ઞાનના કારણે માણસ વૈભવ તરફ ચાલ્યો ગયો છે. વિશ્વસ્તરની યોજાતી આધ્યાત્મિક અને વિજ્ઞાન પરિષદમાં એક પ્રશ્ન મૂકવામાં આવેલો : ‘જે ઝડપથી વિજ્ઞાન સિદ્ધ કરે છે, એ ઝડપથી અધ્યાત્મ કેમ સિદ્ધ કરી શકતું નથી ?’ આ પ્રશ્નનો જવાબ એક ભારતીય સંતે સરસ રીતે આપ્યો હતો : ‘જે ઝડપે વિજ્ઞાન સિદ્ધિ મેળવે છે, એ જ ઝડપે તે સિદ્ધિનો નાશ પણ કરે છે. અધ્યાત્મ જે ઝડપે સિદ્ધિ મેળવે છે, એ જ ઝડપે તે સિદ્ધિનો નાશ થતો નથી.’ જવાબ સાંભળીને વૈજ્ઞાનિકો વિચારમાં પડી ગયા. આ વાત ૧૯૮૫ની સાલની છે.

Total Views: 176
By Published On: May 1, 2019Categories: Kamal Parikh, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram