યતો દદાસિ નો નર્મ ચક્ષુષા ત્વં વિપશ્યતામ્—।
તતો ભવિષ્યસિ દેવી વિખ્યાતા ભુવિ નર્મદા—।।

અર્થાત્ આપનું દર્શન કરતાં અમને આપ સુખ પ્રદાન કરો છો તેથી હે દેવી! પૃથ્વી પર તમે ‘નર્મદા’નામે પ્રસિદ્ધ છો.

આજે ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૫ને બુધવાર. આજે શૂલપાણેશ્વરની ઝાડીના મધ્યભાગ સમા ઘોંઘસામાં આવેલ બ્રહ્મલીન લક્ષ્મણગિરિ મહારાજના આશ્રમમાં પહોંચીશું. સંન્યાસીની પદચાલ જાણે બાંધેલી હતી. એક કલાકમાં ૩ કિ.મી., પણ હવે તો પહાડી વિસ્તાર તેથી ચાલવાની ગતિ વધુ ધીમી થઈ. પાછળ ચાલતા મહાત્યાગીજી પણ સંન્યાસીથી આગળ નીકળી ગયા. ઘોંઘસા આશ્રમ આશરે ૪ કિ.મી. દૂર. બે મહિનાથી સતત ચાલતી પદયાત્રાને કારણે પગના તળિયાને સ્પર્શતો ચંપલનો અંદરનો ભાગ પણ અત્યંત લીસો થઈ જવાથી એક પહાડીના ચઢાણ વખતે સંન્યાસી થોડા લપસ્યા. સદ્ભાગ્યે પહાડી પાસેની ખીણ થોડી દૂર અને ઓછી ઊંડાઈવાળી હતી. સંગાથી પી.સ્વામીને આ વાતની જાણ થતાં ગંભીર થઈ ગયા અને સાવધાનીથી ચાલવા સૂચન કર્યું. એક ઊંચી પહાડી પર આવી પહોંચ્યા. પ્રકૃતિનો અદ્‌ભુત નજારો. દૂર શ્રીમા નર્મદાનો વિશાળ જળરાશિ ભારત દેશના નકશા આકારે દૃષ્ટિગોચર થતો હતો! આછા લીલા રંગના જળરાશિનાં દર્શન થતાં હતાં! અહીંથી નર્મદા ડેમ આશરે ૧૨૫ કિ.મી. દૂર હશે. ખૂબ જ ઊંચાઈ અને દૂર હોવાથી આ મહાજળરાશિની વિશાળતાનો અંદાજ આપણને લાગતો નથી. આ પહાડીઓ વિચિત્ર પ્રકારની. આપણને એમ લાગે કે આ પહાડી તો પૂરી થઈ ગઈ, હવે રસ્તો ક્યાં હશે? પણ એકદમ નજીક જતાં ખ્યાલ આવે કે નાની એવી એક પગદંડી છે. હવે તો ઘોંઘસા આશ્રમ પણ દેખાવા લાગ્યો હતો. પરંતુ પહાડી રસ્તો કેમેય કરી ખૂટતો ન હતો. આ રીતે લગભગ સવારે ૧૧.૩૦ વાગ્યે ઘોંઘસા આશ્રમે પહોંચ્યા. નર્મદા તટે આવેલ આ આશ્રમમાં બ્રહ્મલીન લક્ષ્મણગિરિ મહારાજનાં ત્યાગ, તપસ્યા અને પાવનતાનાં દર્શન થયાં. લક્ષ્મણગિરિ મહારાજ વિશેની વિસ્તૃત ચર્ચા અગાઉના લેખમાં કરેલ છે તેથી અહીં પુનરાવર્તન કરીશું નહીં. અત્યારે તેમના શિષ્ય નર્મદાનંદ મહારાજ બિરાજમાન છે. અત્યંત સૌમ્ય અને શાંત મૂર્તિ. દુર્ગમ પહાડીઓ વચ્ચે આ આશ્રમ હોવાથી અહીં હજુ સુધી વીજળીની સુવિધા (ફેબ્રુઆરી ૨૦૧૫) પ્રાપ્ય નથી.

નર્મદા તટ તરફ ક્યારેક ક્યારેક નર્મદા તરંગોને આધારે (શ્રીમા નર્મદાની કૃપા હોય તો) મોબાઈલમાં નેટવર્ક મળે. આશ્રમમાં સુંદર ઝાડપાન, બગીચો; નર્મદા તટ તરફ લક્ષ્મણ મહારાજની સમાધિ, તેની બાજુમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે સિમેન્ટના પતરાથી ઢંકાયેલ યજ્ઞશાળા. પૂજ્ય નર્મદાનંદ મહારાજે અમારી મંડળીને પ્રેમભર્યો આવકાર આપ્યો. યજ્ઞશાળામાં આસન લગાવી શ્રીપ્રભુ (શ્રીઠાકુર, મા અને સ્વામીજી) અને નર્મદામૈયાને પધરાવ્યાં. જલદી જલદી નર્મદા તટે સ્નાન કરવા માટે ગયા. પહેલેથી જ સૂચના મળી હતી કે અહીં નર્મદાનાં જળ ખૂબ જ ઊંડાણવાળાં અને મગરનો ભય છે. એટલે તટ પર જ બેસી કમંડળથી સ્ફટિક સમા નિર્મળ, પાવન જળથી સ્નાન કર્યું. વિકટ યાત્રાના પરિશ્રમ અને થાકની જગ્યાએ મન આનંદ અને ઉત્સાહથી ભરાઈ ગયું. સ્નાન કરતાં જાણે ધરાતા જ ન હતા.

અમારી મંડળીના અચાનક પ્રાગટ્યને કારણે નર્મદાનંદ મહારાજે અલગથી બનાવેલ સાદો ભોજન-પ્રસાદ ગ્રહણ કરી તૃપ્ત થયા. નીરવ અને પરમ શાંત વાતાવરણ તેમજ પૂજ્ય મહારાજના ઉદારભાવને કારણે અહીં બે-ત્રણ દિવસ રોકાવાનો નિર્ણય લેવાયો. મધ્યપ્રદેશના આ વિસ્તારના વિધાયકની સહાયથી એમ્બ્યુલન્સમાં રૂપાંતરિત થયેલ સ્ટીમબોટ દ્વારા તબીબી ટુકડી રાજઘાટથી અહીં અઠવાડિયામાં બે વાર આવી આશ્રમના અંતેવાસી અને પરિક્રમાવાસીઓના ખબરઅંતર લેતી. દર ગુરુવારે નર્મદાનંદ મહારાજ સ્વયં સ્ટીમબોટ દ્વારા થોડે દૂર ઉત્તર તટે આવેલ ડહી ગામમાં હટાણું કરવા જતા. આજનો દિવસ આનંદથી પસાર થયો. સંધ્યા ઉપાસનામાં વિશેષ આનંદ આવ્યો. વાળુ કર્યા પછી શુક્લપક્ષની સપ્તમીના ચંદ્રનો શુભ્ર પ્રકાશ રાત્રીના તિમિરને પૂર્ણ રીતે તો અવરોધી શક્યો નહીં પરંતુ એવું લાગ્યું કે નર્મદા પર આજે અર્ધચંદ્ર બિરાજમાન છે, જાણે મૈયાએ આજે જટાશંકરીનું રૂપ ધારણ કર્યું છે! સ્તબ્ધ પ્રકૃતિ, ગહન રાત્રી, જીવ-જંતુઓનો સૂક્ષ્મ ધ્વનિ-રવ, વસંતનો શીતલ સમીરણ- જાણે પ્રાચીન વનમાં રાત્રીના સમયે આવી ચડ્યા હોઈએ; આ બધું હૃદયંગમ કરી ભગવાનની અપૂર્વ શક્તિ અને લીલાનું ચિંતન કરવા લાગ્યા. રાત્રીના શયનની તૈયારી કરવા લાગ્યા. થોડા જ દિવસોમાં આદિવાસીઓનો વિશેષ ઉત્સવ હોળી આગત એટલે દૂર દૂરની પહાડીઓમાંથી આદિવાસીઓનાં સુંદર લોકગીતોનો મધુર અવાજ કર્ણગોચર થતો હતો. હજુ તો નિંદર આવી ન આવી, ત્યાં પંડિતજીની પથારી પાસે કંઈક સળવળાટ થયો. બેટરી કરીને જોયું તો આશ્રમના બે ભૈરવનાથ (કૂતરા) જાણે તેમના નિત્યક્રમ અનુસાર આ યજ્ઞશાળામાં પોતાનું સ્થાન હસ્તગત કરવા આવી પહોંચ્યા. પંડિતજીએ એક-બે વાર તો તગડ્યા પણ ઠંડીને કારણે તેઓને પણ તકલીફ પડશે એમ વિચારી સમાધાનકારી વલણ અપનાવી બધા એક સાથે સૂઈ ગયા. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી નિત્યક્રમ પતાવી ઉપાસનારત બન્યા. પ્રભાતના સૂર્ય પ્રકાશથી આશ્રમના નવા રૂપનાં દર્શનની સાથે સાથે નર્મદાનાં બંધિયાર પાણી (Backwater) ની ઊંચી જગ્યાએ ભૂરા અને કાળા વિશાળકાય મગરનાં દર્શન થયાં. સવારના ૧૦ વાગ્યે સ્ટીમબોટ-એમ્બ્યુલન્સ આવી પહોંચી અને બધા પરિક્રમાવાસીઓની પ્રાથમિક તબીબી તપાસ થઈ. આમ ખૂબ આનંદપૂર્વક આશ્રમમાં ત્રણ દિવસ પસાર કર્યા.

Total Views: 317

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.