મનુષ્ય મનનશીલ. મનન અથવા ચિંતન માત્ર મનુષ્ય જ કરી શકે. માનવમનમાં અસંખ્ય ચિંતા વૃત્તિ અથવા તરંગરૂપે ઊઠે અને તે અંકિત થઈને આપણામાં વિલીન થઈ જાય. આપણા માટે જે સાધારણ હોય તેઓની સ્મૃતિ મ્લાન બની જાય. પરંતુ જેઓ આપણા પ્રાણથી પણ પ્રિય હોય તેઓની સ્મૃતિ આપણામાં હંમેશાં ઉજ્જ્વલભાવે વિદ્યમાન રહે. લગભગ બે દાયકા પહેલાં સ્વામી ભૂતેશાનંદજીએ મહાસમાધિ લીધી છે, છતાંય કેટલાંય માનવમનમાં આજે પણ તેઓ જીવંત છે. પૂજ્યપાદ સ્વામી ભૂતેશાનંદજી સાથેના મારા પાવન સંગની અવધિ ૧૯૬૦ થી ૧૯૯૮ સુધી. દીર્ઘ ૩૮ વર્ષો સુધી એમની સાથે ઘનિષ્ઠતાપૂર્વક ભળ્યો છું. જો કે બધા વખતે મને તેમના સાંનિધ્યનો લાભ મળ્યો નથી, આમ છતાં, એમનાં પુણ્ય જીવન અને ઉપદેશ મારા વ્યક્તિગત જીવનમાં ગહન પ્રેરણા સ્વરૂપ બન્યાં છે.

૧૪ જૂન, ૧૯૬૦માં મહારાજને મેં પ્રથમ વાર અદ્વૈત આશ્રમ, કોલકાતામાં જોયા હતા. પૂજ્ય ભૂતેશાનંદજી મહારાજ ત્યારે રાજકોટ આશ્રમના અને પૂજ્ય ગંભીરાનંદજી મહારાજ ત્યારે અદ્વૈત આશ્રમના અધ્યક્ષ હતા. હું ત્યારે બ્રહ્મચારી. પ્રતિદિન રાત્રે ભોજનપ્રસાદ પછી નિત્યપાઠમાં પૂજ્ય ભૂતેશાનંદજી મહારાજ પોતાની મર્મસ્પર્શી ભાષામાં ઠાકુરના અંતરંગ શિષ્યોના ત્યાગ, વૈરાગ્ય વગેરે ઘટનાઓનું ઉજ્જ્વલ સ્વરૂપે વર્ણન કરતા. એ બધું મેં ડાયરીમાં લખી રાખ્યું હતું. એમાંથી કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે.

૧૪ જૂન, ૧૯૬૦, અદ્વૈત આશ્રમ, કલકત્તા

સ્વામી તુરીયાનંદજી મહારાજના સંબંધમાં ભૂતેશાનંદજી મહારાજે કહ્યું, ‘તેઓ તપસ્યા પર ખૂબ ભાર દેતા. જોઈને એવું લાગતું જાણે Blazing Fire-જ્વલંત અગ્નિ. ટટ્ટાર બેસીને પોતાના મુખને થોડું ફેરવીને દૃષ્ટિનિક્ષેપ કરતા ત્યારે જાણે એવું લાગતું કે જગત તેમના માટે છે જ નહીં – ઉપેક્ષાની દૃષ્ટિ.’

તુરીયાનંદજી મહારાજે બલરામ મંદિરમાં કહ્યું હતું, ‘બ્રાહ્મણનું શરીર કેવળ માત્ર તપસ્યા માટે જ; એ શરીરનો બીજો કોઈ હેતુ ન હોય.’ એક વાર ‘ઉદ્‌બોધન’ દ્વારા પ્રકાશિત કોઈ પુસ્તકમાં ‘ત્વમ્’ની જગ્યાએ ‘તં’ છપાઈ જવાથી ખૂબ જ ક્ષોભ વ્યક્ત કર્યો હતો. તેમણે દુ :ખ સાથે કહ્યું, ‘લોકો કહેશે કે અહીં કેટલાક મૂર્ખાેની મંડળી જામી છે.’

૧૫ જૂન, ૧૯૬૦, અદ્વૈત આશ્રમ, કલકત્તા

ભૂતેશાનંદજી મહારાજે આજે સ્વામી સારદાનંદજી મહારાજના હૃદયની વિશાળતાની ખૂબ વાતો કરી :

‘તેમનું મન ખૂબ નરમ હતું, બધાને આશ્રય આપતા. બધી જ વાતોમાં શરણાર્થીને સહાયતા અને ઉત્સાહ આપતા. ઉદ્‌બોધનમાં શ્રીમાના દ્વારપાલ હતા! ત્યાં જ તેમણે મહાસમાધિ લીધી હતી.’

મહાપુરુષ મહારાજના સંબંંધમાં કહ્યું, ‘એક વાર દીક્ષા પછી એક વ્યક્તિ બોલી, ‘અરે, આનું નામ દીક્ષા!’ મહાપુરુષ મહારાજે કહ્યું, ‘કાલે પાછાં આવો.’ પછીના દિવસે એ વ્યક્તિને મહારાજે થોડો સ્પર્શ કર્યો અને તેને ગહન દિવ્ય અનુભૂતિ થઈ. બીજા એક દિવસે મહાપુરુષ મહારાજ મઠની ઓસરીમાં ચાલતા હતા ત્યારે એક વ્યક્તિ આવી અને તેમને પ્રણામ કરવા જતાં મહારાજ પડતાં પડતાં રહી ગયા. વ્યક્તિને આશ્ચર્ય થયું. ત્યારે મહારાજે કહ્યું, ‘અરે! એ કેમ કરીને જાણે કે અત્યારે હું કશું જોતો નથી.’ તેઓ હંમેશાં અંતર્મુખ અવસ્થામાં જ રહેતા ! એક દિવસ મઠમાં બીજા સંપ્રદાયના સાધુએ રાત્રીવાસ કર્યો. મહાપુરુષ મહારાજ અને એ સાધુ એકબીજાને બ્રહ્મજ્ઞાની રૂપે ઓળખી ગયા.

મહાપુરુષ મહારાજ સંઘની દરિદ્રતા અને વિપત્તિઓમાં હંમેશાં અવિચલિત રહેતા. શ્રીઠાકુર પર કેવો અપૂર્વ દૃઢ વિશ્વાસ તેમનો! પ્રભાતમાં પૂજારી નિદ્રામાંથી ઊઠ્યા નથી, એમ જોઈ પોતે મંગલ-આરતી કરવા જતા ! તેઓ પરનિંદા અને પરચર્ચા પસંદ કરતા નહીં. કહેતા, ‘તમારું શું થાય છે, એ જ જુઓ.’ મઠના કૂતરા અને ગાયો પ્રત્યે તેમની કેવી સંવેદના હતી! ગરીબ માછીમારો મઠમાં આવતા ત્યારે તેઓ જે માગે તે તેમને આપતા. ગરીબો પ્રત્યે શું અનુકંપા! તેમના જન્મદિવસે ફોટો લેવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, ‘નિરાકારની વળી છબિ!’

૧૬ જૂન, ૧૯૬૦, અદ્વૈત આશ્રમ, કલકત્તા

આજે સ્વામી શુદ્ધાનંદજી મહારાજ વિશે ભૂતેશાનંદ મહારાજે કહ્યું, ‘૧૮૯૭માં સ્વામીજી કલકત્તા આવ્યા ત્યારે સુધીર મહારાજે (સ્વામી શુદ્ધાનંદજી) કાૅલેજના સહછાત્રો સાથે સ્વામીજીની ઘોડાગાડીને ખેંચી હતી. તેમને વિદ્યાપ્રાપ્તિમાં ખૂબ જ ઉત્સાહ હતો. તેમનામાં Intellectual honesty હતી. જાણતા ન હોય તો કહી દે કે હું જાણતો નથી. ગમે તેમ કરીને આડી અવળી રીતે સમજાવી દેવાની વૃત્તિ તેમનામાં હતી નહિ. તેઓ straight forward હતા. સ્વામીજીની હાજરીમાં આત્મા વિશે અર્ધાે કલાક પ્રવચન આપ્યું.

તેઓ સાધુ બનવા માગતા હતા, તેથી તેમના પિતાએ એમને ઘરમાં પૂરી દીધા હતા. વાચન-લેખનમાં જ તેમને જાણે વિશ્રામ મળતો હતો. તેમણે સ્વામીજી (સ્વામી વિવેકાનંદ)નાં કેટલાંય પુસ્તકોનો અનુવાદ કર્યો છે. તેઓ ખૂબ જ રસિક અને સહજ-સરળ હતા. એક વાર તેમણે સ્વામીજીને કહ્યું, ‘હું તપસ્યા કરીશ.’ સ્વામીજી સંમત થયા. આખી રાત વૃક્ષ નીચે પસાર કરી અને પછી ખૂબ શરદી થઈ.’

એક વ્યક્તિએ આવીને પૂછ્યું, ‘આ ગેરુઆ શા માટે પહેરો છો?’ મહારાજે કહ્યું, ‘બધાએ એક દિવસ આ જગત છોડીને ચાલ્યું જવું પડશે. ઘરે રહેવાથી પેલે પારનો પોકાર સાંભળવાનું ક્ષ્ટમય બને છે. એટલે જ બધું છોડી ગેરુઆ પહેરી અત્યારથી જવા માટે તૈયાર થઈ બેઠો છું.’

આ દિવસે ખોકા મહારાજ (સ્વામી સુબોધાનંદજી) વિશે સ્વામી ભૂતેશાનંદજીએ ઘણી વાતો કરી :

ખોકા મહારાજ ખૂબ જ આમોદપ્રિય હતા. હંમેશાં હસી-ખુશીમાં રહેતા. વીરની જેમ હરતા-ફરતા. અનેક વાર સ્ટીમરની એક મહિનાની ટિકિટ લઈને યાત્રા કરતા. એક વાર કેટલાક યુવકો બેલુર મઠની નિંદા કરતા હતા ત્યારે મહારાજ તેમને ખૂબ વઢ્યા અને કહ્યું, ‘બેલુર મઠ જો આરામની જ જગ્યા હોય તો આવીને રહોને!’ સ્વામીજીએ ખોકા મહારાજને તબલાના ઠેકા દેવાનું આ બોલ સાથે શીખવ્યું હતું, ‘રામધન દાદા છોલા ખાય, દિચ્છિ દેબો દિચ્છિ દેબો.’

કોઈ કોઈ ઠાકુરની વાતો સાંભળવા માટે ખૂબ હેરાન કરે ત્યારે ખોકા મહારાજ ગંભીર થઈ કહેતા, ‘વ્યાકુળતાથી ઠાકુરની વાતો કોણ સાંભળવા માગે છે!’

૧૭ જૂન, ૧૯૬૦, અદ્વૈત આશ્રમ, કલકત્તા

મહારાજની સ્મૃતિ અને અવલોકનશક્તિ અપૂર્વ હતી. આજે રાત્રે ઉત્તરકાશીના વિવિધ સાધુ-સંપ્રદાયની તથા પોતાની તપસ્યાની વાતો કહી :

‘કેટલાય પ્રકારના સાધુ છે. ધ્યાની સાધુ, વળી બાબુ સાધુ – હાથમાં ઘડિયાળ અને રેડિયો લઈને ફરતા હોય, પાૅલિટિશ્યન સાધુ – વિવિધ દળ બનાવે. કૈલાસ માનસરોવરે જોયું કે એક સાધુને બીજા સાધુએ ધક્કો મારીને પાણીમાં પાડી દીધો. વળી એક સાધુ સહાનુભૂતિશીલ. પોતાનો ધાબળો બીજા સાધુને આપી દીધો. પાગલ સાધુય છે, વળી પંડિત સાધુ પણ છે.’

મહારાજ રોજ સવારે બેલુર મઠ જવા માટે તૈયાર થાય. હું મહારાજનાં ચંપલ છુપાવીને રાખી દઉં, જેથી મહારાજ જઈ ન શકે. મહારાજ મને લક્ષમાં રાખીને કહે, ‘તમે લોકો ખૂબ દુષ્ટ છો, મને મઠમાં જવા દો.’ હું કહું, ‘કાલે જજો, મહારાજ.’ બીજા દિવસે તેમનાં ગંજી અને કાપડને સાબુ લગાવી ડોલમાં પલાળી દઈ મહારાજને કહું, ‘તમારાં કાપડ અને ગંજી ખૂબ મેલાં છે, કાલે જજો.’ મહારાજ કહેતા, ‘જુઓ તો, આજેય તમે લોકોએ મને જવા દીધો નહીં. નિર્મલ મહારાજ (સ્વામી માધવાનંદજી) મનમાં શું ધારશે, બોલો તો?’ અતીતમાં વ્યતિત થયેલા આ દિવસો મનમાં આવે ત્યારે કેટલોય આનંદ થાય! પૂજ્ય ભૂતેશાનંદજી મહારાજના પ્રથમ દર્શનથી જેવો ઘનિષ્ઠભાવ થયો છે, તેવો બીજા કોઈ સાધુ સાથે થયો નથી.

મહારાજ ત્યારે રાજકોટ આશ્રમના મહંત હતા. ૭ આૅક્ટોબર, ૧૯૬૦ના રોજ મને પત્રમાં લખ્યું, ‘શ્રીઠાકુર આપણા આ સંઘને પવિત્ર મધુર સ્નેહબંધનથી આબદ્ધ રાખે તેવી પ્રાર્થના કરું છું, નહીં તો સંઘજીવનનો કોઈ અર્થ નથી.’ આપણા જીવનના આદર્શ ઠાકુર-મા, સ્વામીજી. જો કે તેઓ અસીમ અને આપણી સંકીર્ણ સીમાની બહાર, તોપણ આપણી શક્તિ અનુસાર તેમના ઉપદેશ પ્રમાણે ચાલીશું તો આપણી સાધના સાર્થક થશે અને ધર્મજીવન પૂર્ણ થશે. અપૂર્ણ હોય તો નિરવિચ્છિન્ન આનંદ મેળવવો કોઈના માટે સંભવ નથી, તોપણ આદર્શે પહોંચવા માટે પ્રાણપૂર્વક ચેષ્ટા કરવી જોઈએ; એમાંથી આનંદ પણ મળતો હોય કે નિરવિચ્છિન્ન દુ :ખ પણ હોય! સ્વામીજીની વાત મનમાં રાખો – રામને મળ્યા નહીં તો શું બીજા કોઈને લઈને રહેવું! આપણે દુર્બળ હોઈએ તોપણ તેઓની અનંત શક્તિ આપણી પાછળ જ છે. તેથી ‘अभीः’.

૧૯૬૧ના માર્ચ-એપ્રિલમાં સ્વામી માધવાનંદજી મહારાજ ચિકિત્સા માટે અમેરિકા જતા હોવાથી તેમની તબિયત પૂછવા દેશના વિભિન્ન પ્રાંતમાંથી કેટલાય સાધુઓ આવ્યા હતા. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રાજકોટથી તેમને મળવા આવ્યા હતા અને કેટલાક દિવસ કોલકાતા અદ્વૈત આશ્રમમાં રહ્યા હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે એમને એક દિવસ રવિવારનો વર્ગ લેવા કહ્યું. એ દિવસે મહારાજને ગળામાં સારું ન હતું. તેઓ સવારથી જ ગરમ પાણીમાં મીઠું નાખીને કેટલીય વાર કોગળા કરતા રહ્યા. ખરેખર તે દિવસે તેમનો સ્વર ખૂબ ખરાબ હતો. અમારામાંથી કોઈ કોઈએ તેમને પ્રવચન ન આપવા માટે કહ્યું. તેમણે કહ્યું, ‘ઠાકુરનું કામ. જોજે મને સારું થઈ જશે.’ તેમણે એ ખરાબ સ્વર સાથે જ એક કલાક સુધી પ્રવચન આપ્યું. દેહ ભૂલી શ્રીઠાકુરનું કામ! આ ઘટના નાની છે પણ ખૂબ જ બોધપ્રદ.

એના પછી મહારાજ ઘણી વાર અદ્વૈત આશ્રમ આવ્યા હતા. એક વાર કનખલના માખન મહારાજ (સ્વામી પ્રજ્ઞાનાનંદજી) અને સ્વામી ભૂતેશાનંદજી એક સાથે અમારા અતિથિ બન્યા હતા. મહારાજને એક ગુજરાતી ભક્તે એક ખોખું ભરીને ગંજી આપ્યાં હતાં. માખન મહારાજ તેમાંથી કેટલાંય ગંજી લઈને બોલ્યા, ‘એ વિજય ! (સ્વામી ભૂતેશાનંદજી) તારી પાસે કેટલાય ધની-ભક્તો છે. આ ગંજીઓ મેં લીધાં.’ મહારાજ બોલ્યા, ‘જુઓ માખન મહારાજ, આ ગંજી લેશો નહીં. અમારો આશ્રમ ગરીબ! ભિક્ષા દ્વારા ચાલે.’ માખન મહારાજે કહ્યું, ‘અરે! આશ્રમ તો ભિક્ષા દ્વારા જ ચાલેને! એ સિવાય કેવી રીતે ચાલે?’ બંને જણા ખૂબ રસિક હતા. આ બંને પ્રાચીન સાધુની બાળકની જેમ ગંજી લઈને ખેંચાખેંચી જોઈને ખૂબ આનંદ થયો.

Total Views: 232

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.