ગતાંકથી આગળ…

મહાભારતના શાન્તિપર્વમાં આકર્ષક ભાષામાં એક બહુ સાર્થક વાર્તા છે. વનમાં એક સાધુ તપ કરતા હતા. એના આશ્રમમાં એક કૂતરો આવીને રહ્યો અને સાધુ એનું ધ્યાન રાખવા લાગ્યો. કૂતરાને જે મળતું તે એ ખાવા લાગ્યો અને સારો કૂતરો બની રહ્યો. થોડા સમય બાદ કૂતરાને લાગ્યું કે ‘આશ્રમ પાસે આવતા કોઈ સામાન્ય, નાના વાઘથી હું ગભરાઉં છું.’ એટલે એણે સાધુને વિનંતી કરી : ‘પેલા વાઘથી હું ડરું નહીં તેવો મને કરી દો.’ ઋષિ કહે, ‘તથાસ્તુ.’ હાથમાં થોડું ગંગાજળ લઈ એણે પેલા કૂતરા ઉપર છાંટ્યું. કૂતરો શક્તિશાળી બની ગયો. પછી પેલો વાઘ ત્યાંથી નાસવા લાગ્યો. કૂતરો બળવાન બન્યો હોઈ, વાઘ આશ્રમ નજીક આવતો ન હતો. થોડા સમય પછી કોઈ સિંહ આવીને કૂતરાને ડરાવવા લાગ્યો. ફરી કૂતરાએ પોતાના સ્વામીને કહ્યું, ‘મને આ સિંહથી વધારે બળવાન બનાવો.’ ‘વારુ, હું તને વધારે બળવાન બનાવું છું.’ અને કૂતરો વધારે બળવાન બની ગયો. કોઈ સિંહ એની પાસે આવવા હિંમત કરતો નહીં. આ રીતે, એક કરતાં વધારે ભયંકર એવાં ત્રણચાર જાતનાં પ્રાણીઓ કૂતરા પરની સાધુની કૃપાથી, કૂતરાથી ડરવા લાગ્યાં. બળમાં વધારાની આ વાત રસિક છે. પછી શું બન્યું ? કૂતરો ખૂબ બળવાન બની ગયો. પહેલાં આશ્રમમાં અનેક પ્રાણીઓ આવતાં પણ હવે, એ બધાં આવતાં બંધ થઈ ગયાં કારણ કે એ સૌ આ કૂતરાથી ગભરાતાં હતાં. એક દિવસે એ ઋષિ ધ્યાનમાં બેઠા હતા. આ કૂતરાને લાગ્યું, ‘હવે હું સર્વશક્તિમાન છું. માત્ર આ ઋષિ જ મારાથી વધારે શક્તિમાન છે. એને ઠેકાણે પાડી દઉં પછી હું જ રાજા !’ આમ વિચારી ઋષિ ઉપર હુમલો કરવા એ ધસ્યો. ઋષિએ આંખો ખોલી, થોડું ગંગાજળ લીધું અને કૂતરા પર તે છાંટ્યું; ફરી પાછો એ પહેલાંનો કૂતરો બની ગયો; એની બધી શક્તિ હરાઈ ગઈ. પોતાના હાથમાંની સત્તાનો કોઈ વ્યક્તિ દુરુપયોગ કરે તો, એ શક્તિને રચનાત્મક માર્ગે વાળે એવી શક્તિ વિવેક છે; આત્માની સંગે રહેવાથી જ બુદ્ધિ તેને પ્રાપ્ત કરે છે.

એટલે સમસ્ત માનવજાતને શ્રીકૃષ્ણ કહે છે, बुद्धेः परतस्तु सः, ‘જે બુદ્ધિથી પર છે તે આત્મા છે’, ને ત્યાં, આ સૂક્ષ્મતા, મહત્તા, આંતરમુખતા પોતાના અનંત પરિમાણે પહોંચે છે. માનવજાતનું એ સ્વરૂપ છે. तत् त्वं असि, ‘તું તે છો’, એમ છાંદોગ્ય ઉપનિષદ પોકારે છે. આ સત્ય લોકો જેટલું વધારે સમજે, માનવસમાજ તેટલો વધારે સારો થશે. એમાં કશો વાદ નથી, સંપ્રદાય નથી. એ માનવીની ગહનતાનું વિજ્ઞાન છે, ઋષિઓએ એની શોધ કરી છે, બીજા ઋષિઓએ ફરીથી શોધ્યું છે અને આપણી પોતાની પુન : શોધ માટે આપણી સૌની સમક્ષ એ મુકાયું છે. ગળે ઉતારવાનો કે માનવા માટેનો કોઈ સિદ્ધાંત નથી. ભગવાન શ્રીકૃષ્ણ, આમ, માનવીના ઊંડાણના તત્ત્વદર્શનની ભેટ મનુષ્યજાતને આપે છે; એના વડે આપણે જાતે પૂર્ણતાભર્યું જીવન માણીશું અને બીજાંને પણ એ રીતે જીવન જીવતાં કરીશું. મનુષ્યઉત્ક્રાંતિનું એ ધ્યેય છે. આંતરરાષ્ટ્રિય શાંતિ, કલ્યાણ, આ બધું શકય છે કારણ કે દરેક માનવમાં આ મૂલ્યો વસે છે; એ વ્યક્તિએ માનવઉત્ક્રાંતિને માત્ર જૈવિક સપાટીએથી ઊંચેરી નૈતિક અને આધ્યાત્મિક સપાટીએ લઈ જવી જોઈએ.

એટલે આ परा શબ્દ ખૂબ અગત્યનો છે. એનો ચીલાચાલુ અનુવાદ ‘ઉચ્ચતર’ એવો કરવામાં આવે છે. પણ આ ‘ઉચ્ચતર’નો અર્થ શો છે ? અવકાશની દૃષ્ટિએ, સ્થળની દૃષ્ટિએ ‘ઉચ્ચતર’ હોઈ શકે. એક વસ્તુને મકાનને ઉપલે માળે મૂકો, એ ‘ઉચ્ચતર’ થઈ ગઈ. એ અર્થ નથી. એટલે આ આખા વિષયનો સાર એક વાકયમાં આપી શકાય – માનવઊર્જાના સ્રોતો સૂક્ષ્મતા, અમેયતા અને આંતરિકતાની ચડિયાતી શ્રેણીમાં ગોઠવાયેલા છે.

આ સુંદર વાકય કઠ ઉપનિષદમાં શ્રીશંકરાચાર્યને હાથેથી આવે છે – यो बुद्धेः परतस्तु सः, ‘બુદ્ધિથી પર અને પાર એ અનંત આત્મા’ એ આપણે પહોંચીએ છીએ એ શ્રેણીનું શિખર આવે છે. આપણા સમાજમાં આજે ગુનાની ગંભીર સમસ્યા છે; બધા આંતરરાષ્ટ્રિય સમાજોમાં પણ તેમ જ છે. તમારી ચોમેર ગુનાખોરી અને હિંસા હોય તો, તમે શાંતિ અને સુખમાં કેવી રીતે રહી શકો ? લોકો આ વિદ્યા વધારે ને વધારે જાણે એ સારું છે. આપણા લોકો રાતે સૂતી વેળા ઘર વાસતા નથી એમ, વિદેશી રાજદૂતોએ ત્રણસો વર્ષ પહેલાં જણાવ્યું હતું તે જ ભારત દેશ આજે ગુના અને હિંસાનું ઘર બની ગયો છે. તે એ કારણે કે આપણે જગતના પરાક્ સ્વરૂપને સમજવા પાછળ જ પડ્યા હતા. છેલ્લી કેટલીક સદીઓમાં આપણે, પ્રત્યક્ સ્વરૂપને ઉવેખ્યું હતું. પ્રત્યક્ પરિમાણ તરફ થોડું લક્ષ દેવાનો અને એમાં રહેલા તત્ત્વની ખોજ કરવાનો સમય પાકી ગયો છે. બાહ્ય કે આંતરિક સત્ય તરીકે પ્રગટ થતું અનંત સત્ય એક જ છે. વેદાંતની એ ભાષા છે.

ગૌડપાદની માણ્ડૂકય ઉપનિષદ કારિકાના એક મહાન શ્લોકમાં આ બાબત રજૂ કરવામાં આવી છે. એ (૨.૩૮) શ્લોક અદ્‌ભુત છે :
तत्त्वमाध्यात्मिकं दृष्ट्वा तत्त्वं दृष्ट्वा तु बाह्यतः ।
तत्त्वीभूतः तदारामः तत्त्वादप्रच्युतो भवेत् ।।

‘તમારી અંદર રહેલા તત્ત્વનો સાક્ષાત્કાર કરીને, तत्त्वम् आध्यात्मिकं दृष्ट्वा, અને ‘બાહ્ય પ્રકૃતિમાં સ્થિત તત્ત્વનો સાક્ષાત્કાર કરીને’, दृष्ट्वा तु बाह्यतः तत्त्वीभूतः, ‘સત્ય સાથે એકરૂપ થઈને’, तदारामः, ‘એ સત્યમાં આનંદ પામીને’, तत्त्वाद् अप्रच्युतो भवेत्, ‘તમે સત્યમાંથી કદી ચ્યુત થતા નથી.’

તમે સદાને માટે બધાં અનિષ્ટમાંથી મુક્ત થઈ જાઓ છો. આ શ્લોકમાં આવતો ‘तत्त्वम्’ શબ્દ ધ્યાનમાં રાખો – तस्य भावः तत्त्वं, ‘કોઈપણ વસ્તુનું સત્ય તત્ત્વ છે’, એમ શંકરાચાર્ય કહે છે. तत्त्वम्ની ખોજ જેવું કશુંક છે. એ બહિર્જગતમાં હોય; એ અંતર્જગતમાં પણ હોય. અંતે તો तत्त्वम् એક જ છે. तत्त्वम्ને લાગેવળગે છે ત્યાં સુધી બાહ્ય કે આંતર અર્થહીન છે. પૃથ્વી પર એક જ મહાસાગર આવેલો છે એમ કહેવા જેવું તે છે. પણ સગવડ ખાતર આપણે તેને ભારતીય મહાસાગર, પ્રશાંત મહાસાગર, એટલેંટિક મહાસાગર કહીએ છીએ. પરંતુ મહાસાગર એક જ છે, અનેક નહીં. એટલે બાહ્ય તત્ત્વ અને આંતર તત્ત્વ એમ ભેદ તો કેવળ અધ્યયન-સંશોધન માટે છે. તત્ત્વ જાતે એક જ છે, અનંત અને અદ્વિતીય. એનો સાક્ષાત્કાર માનવજીવનનું ધ્યેય છે એમ વેદાંત કહે છે. તમે તત્ત્વ તરફ જઈ રહ્યા છો ? કેવો સુંદર ખ્યાલ છે! માનવજીવનના ધ્યેય તરીકે વેદાંતે એને ઘોષિત કરેલ છે. ઈસુએ કહ્યું હતું, ‘તું સત્ય જાણશે અને સત્ય તને મુક્ત કરશે.’ આપણા રાષ્ટ્રિય સંવિધાનના ઘડનારાઓએ આપણા ભારત રાષ્ટ્રને સત્યને અર્પણ કર્યું હતું. તેમણે મુણ્ડક ઉપનિષદમાંના सत्यमेव जयतेનો મુદ્રાલેખ તરીકે સ્વીકાર કર્યો; ‘સત્ય જ જય પામે છે’. દુર્ભાગ્યે રાષ્ટ્રમાંથી આજે તે અદૃશ્ય થઈ ગયેલ છે : કેવળ અસત્ય જ જય પામે છે. આ નરકમાંથી આપણે ભારતને પરિવર્તિત કરી, વધારે લોકો સત્યની, સત્યમય જીવનની ખોજ કરે તે માટે પ્રસ્થાપિત કરવાનું છે, અસત્યમય જીવન નહીં. શ્રીરામકૃષ્ણના કહ્યા મુજબ ત્યારે જ આપણે ‘મુક્ત મને, સ્વાભાવિકપણે નૃત્ય કરી શકીશું.’

(ક્રમશ 🙂

Total Views: 361

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.