સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૨માં આવેલ જ્ઞાનયોગમાં ‘માયા અને મુક્તિ’ નામનું સુંદર વ્યાખ્યાન છે. તેમાં સ્વામીજીએ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ઘોર આસક્તિથી રહેલા સંસારી લોકો માયાથી કેવી રીતે મુગ્ધ બને છે તેનું અલગ અલગ સંુદર દૃષ્ટાંતો દ્વારા વર્ણન કર્યું છે. શ્રીકૃષ્ણ ભગવાને નારદજીને માયાનું જે સ્વરૂપ બતાવ્યું તે દૃષ્ટાંત પણ સામેલ છે.

દરેક દેશમાં માયાની વાતો થાય છે, બધે તે અંગે ઉપદેશ અપાય છે, પણ બહુ થોડા તેમાં માને છે. વિચિત્રતા એ છે કે આ સંસારમાં સ્વાનુભવ ન થાય ત્યાં સુધી તે માયાને સમજવી ખૂબ જ મુશ્કેલ છે. આ એક ભયંકર સ્થિતિ છે. આ માયામાંથી ઊગરવા માટે કોઈ આશા જ નથી? આપણે બધા માયાના ગુલામ છીએ, માયામાં જન્મ લઈએ છીએ અને માયામાં જજીવીએ છીએ. શું કોઈ માર્ગ નથી?

સ્વામીજીએ આ માયામાંથી ઊગરવા માટે જ્ઞાનયોગના સંદર્ભમાં બે માર્ગ સૂચવ્યા છે. એક સામાન્ય માર્ગ. સૌ કોઈ જાણે છે તે સામાન્ય માર્ગ આ છે, ‘વખત છે ત્યાં સુધી માણી લો. ચિત્રની કાળી બાજુ તરફ નજર નાખો નહિ, પણ સદાય આશાસ્પદ અને સારી બાજુ જુઓ.’ આ વાતમાં થોડું સત્ય છે, પણ તેમાં ભય પણ છે. સત્ય એટલું છે કે તે એક સારું પ્રેરકબળ છે. આશા અને વિધેયાત્મક આદર્શ, જીવનનાં ઘણાં સારાં પ્રેરકબળો છે. તેમાં ભય એ પ્રકારનો છે કે નિરાશ બનીને આપણે પુરુષાર્થ જ છોડી દઈએ. ‘જગતને જેવું છે તેવું સ્વીકારી લો, બને તેટલી શાંતિ અને આરામથી બેસી રહો અને આ બધાં દુ :ખોમાં સંતોષ રાખો. જ્યારે પ્રહારો પડે ત્યારે પ્રહારો નહીં પણ પુષ્પો છે તેમ મનને મનાવો; જ્યારે ગુલામની માફક તમને તગડવામાં આવે ત્યારે તમે મુક્ત છો તેમ કહો. દિવસ અને રાત, બીજાને તેમજ તમારા પોતાના આત્માને જૂઠું સમજાવો, કારણ કે સુખેથી જીવવાનો આ એકમાત્ર માર્ગ છે.’ જેઓ આવો ઉપદેશ આપે છે તેમની અવસ્થા આવી છે. આ વ્યવહારુ જ્ઞાન કહેવાય છે. આ ઓગણીસમી સદીમાં તે જેટલું પ્રચલિત છે તેથી વિશેષ કદીયે દુનિયામાં નહોતું, કારણ કે અત્યારે પડે છે તેવા સખત પ્રહારો કદીય પડ્યા નહોતા, હરીફાઈ આટલી તીવ્ર કદીયે નહોતી, માણસો પોતાના જાતભાઈઓ પ્રત્યે અત્યારના જેટલા નિર્દય કદીયે નહોતા; અને માટે જ આશ્વાસન આપવું રહ્યું. આજના જમાનામાં આ બહુ જોરદાર રીતે રજૂ કરવામાં આવે છે; પણ કાયમની પેઠે તે પ્રયાસ આજે પણ નિષ્ફળ નીવડવાનો છે. સડેલાં મડદાંને ગુલાબનાં પુષ્પોથી આપણે ઢાંકી શકીએ એ અશક્ય છે; લાંબો વખત તે ન ચાલે, કારણ કે ગુલાબનાં પુષ્પો તરત કરમાઈ જશે અને મડદું પહેલાં કરતાંય વધુ ગંધાવા લાગશે. આપણા જીવનનું પણ આવું જ છે. આપણા જૂના અને સડતા ઘાને આપણે સોનેરી કિનખાબથી ભલે ઢાંકીએ, પણ એક દિવસ એવો આવે છે કે જ્યારે એ કિનખાબને ખેંચી લેવામાં આવે છે અને ઘાની ગંધાતી અવસ્થા ખુલ્લી પડી જાય છે.

આપણે બધા માયાના ગુલામ છીએ, માયામાં જન્મ્યા છીએ અને માયામાં જીવીએ છીએ. એ ભલે સત્ય હોય. પણ તો શું કોઈ માર્ગ જ નથી ? કોઈ આશા જ નથી? યુગોથી એ તો જાણીતું છે કે આપણે બધા દુ :ખી છીએ ! આ દુનિયા એક કેદખાનું છે અને આપણું કહેવાતું સુંદર શરીર પણ એક કેદખાનું છે; અને આપણી બુદ્ધિ, આપણું મન બધાં જ કેદખાનાં છે. પોતે ગમે તેમ કહે તો પણ કોઈ એવો માણસ નથી પાક્યો, એવો કોઈ આત્મા નથી થયો કે જેણે કોઈ ને કોઈ વખતે આ અનુભવ્યું ન હોય. વૃદ્ધ માણસોને આ વિશેષ લાગે છે, કારણ કે તેમની પાસે આખા જીવનના અનુભવોનું ભંડોળ છે, કારણ કે તેઓ પ્રકૃતિનાં જૂઠાણાંથી સહેલાઈથી છેતરાઈ જતા નથી.

આમ આપણે કહેવાતો વ્યાવહારિક પથ ગ્રહણ કરીને આ પ્રથમ માર્ગમાં વધુ જડ બંધનમાં, ગૂંચમાં પડીએ છીએ. તો પછી શું કોઈ આશા જ નથી ?

આ ભયંકર હકીકત આપણી સામે હોવા છતાં આપણા શોક અને દુ :ખની વચ્ચે, જેમાં જીવન અને મૃત્યુ એકરૂપ છે એવા આ સંસારમાં પણ એક શાંત ધીમો અવાજ બધા યુગોમાં-દરેક દેશમાં પ્રત્યેક હૃદયમાં ગુંજી રહ્યો છે.

दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया।

मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते।। (गीता 7.14)

‘આ મારી દૈવી ગુણમયી માયાને પાર કરવી બહુ કઠણ છે. છતાં જેઓ મારે શરણે આવે છે તેઓ આ માયાને પાર કરે છે.’ ‘જે લોકો પરિશ્રમથી થાકેલા છે અને જેમના ઉપર (સંસારનો) મોટો બોજો છે તે સહુ મારે શરણે આવો; હું તમને આરામ આપીશ.’ આ અવાજ આપણને આગળ દોર્યે જાય છે. માણસે તે સાંભળ્યો છે અને યુગે યુગે તે સંભળાતો આવ્યો છે. જ્યારે માનવને એમ લાગે છે કે સર્વસ્વનો નાશ થયો છે અને આશા છૂટી ગઈ છે, જ્યારે તેને પોતાની શક્તિ ઉપરનો ભરોસો તૂટી ગયો જણાય છે અને હાથમાંથી બધું સરી ગયું લાગે છે, જ્યારે જીવન કોઈ જાતની આશા વિનાના એક ખંડેર જેવું લાગે છે, ત્યારે માનવીની પાસે આ ગેબી અવાજ આવે છે. તે વેળા તે તેને સાંભળે છે. આનું નામ ધર્મ.
ત્યારે સાચી રીતે માણસ ધર્મની શોધમાં, આ ગેબી અવાજની શોધમાં નીકળે છે. આ બીજો રસ્તો છે.

‘નિષ્પ્રાણ અજ્ઞાનભર્યા જીવન કરતાં મૃત્યુ વધારે સારું છે; પરાજયભર્યું જીવન જીવવા કરતાં રણક્ષેત્રમાં મરવું શ્રેષ્ઠ છે.’ ધર્મનો પાયો આ છે. જ્યારે માનવી આ ભૂમિકા સ્વીકારે છે ત્યારે તે સત્યની શોધને માર્ગે એટલે કે ઈશ્વરને માર્ગે છે. ધાર્મિક બનવા માટે આવો દૃઢ નિશ્ચય પ્રથમ પેદા થવો જોઈએ.’ ગુજરાતીમાં ભજન છે, ‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને…’

વેદો આવો જ ઉપદેશ કરે છે :

उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।

क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ।।

‘નિરાશ ન થાઓ. માર્ગ ઘણો મુશ્કેલીવાળો, અસ્ત્રાની ધાર પર ચાલવા જેવો છે; છતાં હિંમત ન હારો. ઊઠો, જાગો અને આદર્શને-લક્ષને પ્રાપ્ત કરો.’

જ્યારે દૃઢતાપૂર્વક આ ગેબી અવાજની શોધ ચાલુ થાય છે ત્યારેે એમ થાય છે કે આ પ્રકૃતિથી, માયાથી પર કોઈ હોય તો તે સહાય કરે તો સારું અને તે માટેની પણ શોધાશોધ ચાલુ થાય છે. કેટલાંય દર્શનો, ફિલસૂફીઓ કેટકેટલંુય ફેંદી વળે છે અને મન ચક્રાવે ચડે છે. ત્યારે મનમાં વળી થાય છે આ વિશ્વ શું છે ? ક્યાંથી ઉત્પન્ન થયું? અને શેમાં વિલીન થશે ? આની શોધ કરતાં જોવા મળે છે, આ બધાની મુક્તિમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. આમ મનને અનુભૂતિ થાય છે કે આ ગેબી અવાજ મુક્તિનો છે ! વળી જેમ જેમ ફરી પ્રકૃતિ અને માયા વધુ પ્રહારો કરે છે, તેમ તેમ મુક્તિનો અવાજ વધુ દૃઢ બનતો જાય છે. અને જેમ જેમ અવાજને અનુસરીશું તેમ વધુ નીતિવાન બનતા જઈશું. આપણને જણાય છે કે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, સંત, પાપી, દાની, કંજૂસ, આળસુ બધાં જ આ મુક્તિના અવાજની શોધમાં છે.

માણસ વિચારે છે કે આ મુક્તિનો અવાજ શું પિતૃલોકમાંથી આવે છે ? કારણ કે તેઓ પ્રકૃતિથી શ્રેષ્ઠ છે, તેની મર્યાદાઓથી બદ્ધ નથી. વળી એમ થાય છે કે આ અવાજ દેવલોકમાંથી આવે છે કારણ કે તે દેવો પ્રકૃતિથી પણ શ્રેષ્ઠ છે.

જેમ પ્રકૃતિ વિશેનો ખ્યાલ વિકાસ પામતો જાય છે, તેમ પ્રકૃતિથી ઉચ્ચ એવા આત્માનો ખ્યાલ પણ વિકાસ પામતો જાય છે; તે એટલે સુધી કે અંતે આપણે એકેશ્વરવાદમાં પહોંચીએ છીએ. તે કહે છે કે એક તત્ત્વ માયા છે અને બીજું તત્ત્વ માયાનો અધીશ કોઈક પુરુષવિશેષ છે. અહીં વેદાંતની શરૂઆત થાય છે. ત્યારે આ અવાજ શું કોઈ પુરુષવિશેષનો છે ? એ બધાંને પોતાના તરફ આકર્ષે છે. વળી એ પુરુષવિશેષને પ્રાર્થના કરીએ છીએ, ‘હે પ્રભુ ! તારી વધુ નજીક,’ પણ ફરી વેદાંતના ઉચ્ચ વિચારમાં જતાં તે થોડો ફેરફાર કરે છે, ‘હે પ્રભુ ! મારી વધુ સમીપ.’ આમ બધેય શોધતાં શોધતાં આપણને આ અવાજ આપણી અંદરથી જ આવતો સંભળાય છે.

સ્વર્ગનો ઈશ્વર પ્રકૃતિ માંહેનો ઈશ્વર બને છે, પ્રકૃતિ માંહેનો ઈશ્વર પ્રકૃતિસ્વરૂપ ઈશ્વર બને છે. પ્રકૃતિસ્વરૂપ ઈશ્વર આ દેહમંદિરમાંનો ઈશ્વર બને છે. આ દેહમંદિરમાંનો ઈશ્વર દેહમંદિરસ્વરૂપ જ બની જાય છે, આત્મા અને માનવ બને છે. અહીં ઉપદેશના અંતિમ શબ્દો આવી જાય છે. ઋષિઓ જેને સર્વ સ્થળે શોધી રહ્યા હતા તે આપણા હૃદયમાં બિરાજે છે. વેદાંત કહે છે કે જે અવાજ તમે સાંભળ્યો, તે સાચો છે, પણ તમે જે દિશામાંથી આવતો તેને કલ્પ્યો હતો તે દિશા ખોટી છે. મુક્તિનો જે આદર્શ તમે અનુભવ્યો તે બરાબર હતો; પણ તમે તેને બહાર કલ્પ્યો તે જ તમારી ભૂલ હતી. તેને વધારે ને વધારે નજીક લાવો; એટલે છેવટે તમને જણાશે કે તે સદાય તમારી અંદર જ હતો, તમારા આત્માનો આત્મા હતો. મુુક્તિ તમારો સ્વભાવ જ હતો; માયાએ કદી તમને બંધનમાં નાખ્યા જ ન હતા; પ્રકૃતિની તમારા ઉપર કદીયે કોઈ સત્તા હતી જ નહીં. ડરી ગયેલા બાળકની માફક તમે સ્વપ્ન જોતા હતા કે તમને તે ગૂંગળાવી રહ્યું હતું.

આમ આપણે જ્યારે એ અવાજને આપણા આત્માના પણ આત્મા તરીકે જાણી લઈશું ત્યારે માયાનું અત્યારે ભયંકર નિરાશાભર્યું સ્વપ્ન છે તે રમણીય બનશે અને આ પૃથ્વી એક કેદખાનું લાગવાને બદલે આપણું ક્રીડાંગણ બનશે તથા ભયો અને વિટંબણાઓ પણ, બધાં દુ :ખો પણ દિવ્ય સ્વરૂપ ધારણ કરશે અને આપણે માયામાંથી મુક્ત બની જઈશું.

આમ અહીં ‘માયા અને મુક્તિ’ લેખનો સારાંશ આપેલ છે. આ મૂળ લેખને સ્વામી વિવેકાનંદની અગ્નિસમી પ્રાંજલ ભાષામાં વાંચીએ ત્યારે સ્વામી વિવેકાનંદની પ્રતિભા, બુદ્ધિમત્તા અને વિદ્વત્તા સાચા સાધક-જિજ્ઞાસુના મનને અનાયાસે એક અદ્‌ભુત અકથનીય દિવ્ય ભાવમાં લઈ જાય છે. બસ, તો આ અનુભૂતિને માટે મૂળ લેખ વાંચવો રહ્યો.

Total Views: 373

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.