વહેલી પ્રભાતમાં કૂવા પાસે સ્નાન કરી નિત્ય ઉપાસના પૂર્ણ કર્યા બાદ ૭.૩૦ વાગ્યે કાળુભાઈ પાસે ઉપસ્થિત થયા. તેમણે આપેલી કાળી ચાનું સેવન કરતાં કરતાં વાતોએ વળગ્યા. સંન્યાસીને બીજાસન ગામમાં રાધાકૃષ્ણનું મંદિર છોડ્યા પછી અહીં સુધી આદિવાસી વિસ્તારમાં ક્યાંય મંદિર જોવા મળ્યું નહીં. એટલે તેમની સૌજન્યતા તથા શ્રદ્ધા-ભક્તિને હનુમાનજી મહારાજની પૂજા સાથે જોડવાનો પ્રયત્ન કર્યો. સીતારામ ભક્ત હનુમાનજી મહારાજનાં નિર્ભયતા, વીરતા, ભક્તિ વગેરેના ગુણ સંક્ષિપ્તમાં ગાયા. ક્યાંયથી હનુમાનજીની મૂર્તિ પ્રાપ્ત થાય તો તેને નાનકડા મંદિરમાં પધરાવી તેની પૂજા કરવાનો ભાવ કાળુભાઈએ વ્યક્ત કર્યો. તેઓને હનુમાનજીની મૂર્તિ પ્રાપ્ત થાય તેવો અમે પ્રયત્ન કરીશું એવંુ જણાવ્યું. પરંતુ હજુ સુધી તે કાર્ય અમારા દ્વારા પૂર્ણ થયું નથી.

ત્રણેય મહેમાનની તપાસ કરતાં તેઓ સામેની પહાડી પર ગયા છે અને તેમાંથી એક જણ વાળ કપાવે છે એવું જાણવા મળ્યું. તેઓએ કહ્યું, ‘તમે લોકો આગળ વધો, અમે તમારી પાસે પહોંચી જઈશું.’ સંન્યાસીએ કહ્યું, ‘ના, ના, આ પહાડીઓમાં અમે ક્યાંય ખોવાઈ જઈએ અને તમે લોકો પણ મળો નહીં. અમે તો તમારી સાથે જ જઈશું.’ વાળ કપાવતા કુલસીયાભાઈએ તેમની સાથેના બીજા બે ભાઈ કાવસિંહ અને વકીને અમારી સાથે જવાનું કહ્યું. તેઓ પાછળથી અમારી સાથે જોડાઈ જશે. સંન્યાસી પાસે અત્યારે કંઈ પૈસા હતા નહીં. પરંતુ આ દિલદાર સામાન્ય આદિવાસીઓને ભવિષ્યમાં કંઈક આપવા માટે સંન્યાસી તેમના બેંક ખાતા નંબર અને ફોન નંબર વગેરે માગવા લાગ્યા. સૌજન્યતાપૂર્વક તેઓએ ના કહી પરંતુ અમારા અતિ આગ્રહને વશ થઈ તેઓએ નંબર આપ્યા.

આજે સંન્યાસી અંદરથી અનેરો ઉત્સાહ, પ્રસન્નતા અને થનગનાટ અનુભવતા હતા. દુર્ગમ પહાડીની યાત્રા શરૂ થઈ. કેટલીક પહાડીઓનાં ઉતાર-ચઢાણ પછી વચ્ચે ઝરણા જેવી સ્વચ્છ પાણીવાળી નાનીશી ઝરકન નદી આવી. આ નદીના મીઠા-મધુર-શીતલ જળથી શરીરમાં શાતા વળી. થોડી વારમાં કુલસીયાભાઈ પણ અમારી સાથે થઈ ગયા. ચિત્તાની ઝડપે અઢી-ત્રણ કલાકમાં ભૌમાના ગામ પહોંચનારા આ ત્રણેય આદિવાસીઓની ગતિ અમારી મંથર ચાલથી બંધાઈ ગઈ. વકીએ એક પગે ખોડંગાઈને ચાલતા પંડિતજીનો થેલો લઈ લીધો અને કાવસિંહે સંન્યાસીનું કમંડળ લઈ લીધું અને છાયાની જેમ તેમની સાથે ચાલવા લાગ્યો. ક્યાંક જરૂર પડે તો પોતાની જાતના જોખમે હાથનો સહારો આપી ધારદાર પહાડીઓ પાર કરાવી. ચારેય તરફ પહાડી ને પહાડી જ, જાણે પહાડીઓનો સમુંદર લહેરાતો હોય ! દૂર દૂરની પહાડીઓ બતાવી, આ આદિવાસી કહે, ‘બાબા, ત્યાં પહોંચવાનું છે.’ સંન્યાસીને તો એવું લાગ્યું કે આ બધી પહાડીઓ પાર કરતાં અડધી જીંદગી વીતી જશે ! આજે પ્રકૃતિદેવીની કૃપા પણ અમારી સાથે હતી. વાદળોની વચ્ચેથી સૂરજદાદા ક્યારેક ક્યારેક દર્શન આપી દેતા હતા. રસ્તા અંગે આદિવાસીઓની જાણકારીને કારણે પહાડીઓની સાથે સાથે સમતલ રસ્તાઓ પણ આવતા હતા. દૂર દૂર સુધી ફેલાયેલી વાંકીચૂકી ચાલવાળી ઝરકન નદી પણ કેટલી વાર સામે મળી. તેના જળથી શરીરને પરમ શીતળતા પ્રાપ્ત થતી રહેતી. થોડીક ઊંચી પહાડી ચડીને પછી વિશ્રામ કરવા થોભી જવું પડે. આવા સમયે પી.સ્વામી અને પંડિતજીએ પોતાની પાસે સંગ્રહી રાખેલ થોડી મગફળી વગેરે બહાર કાઢ્યાં. તેથી થાકથી લાગેલી સર્વેની ભૂખ પણ શમી ગઈ. પરિક્રમામાં હંમેશાં પાછળ ચાલતા સંન્યાસી આજે આશ્ચર્યની સાથે હરણા જેવી ચાલે સૌથી આગળ ચાલે છે. ત્યાગીજી યાદ આવતાં સંન્યાસીને મનમાં ખૂબ દુ :ખ થયું. ક્યાં હશે? કેવી રીતે પહાડ ઓળંગશે? અમારી સાથે હોત તો આ આદિવાસીઓનો સહારો પણ મળી જાત. ત્યાગીજી આ દુર્ગમ પથ આસાનીથી પાર કરે એવી શ્રીનર્મદામૈયાને સંન્યાસી પ્રાર્થના કરવા લાગ્યા. વચ્ચે મહારાષ્ટ્રનાં ભાદલ, ભાભરી, ઘૂડવાની, કુંડિયા અને મોરવાની વગેરે ગામ આવ્યાં. કુંડિયા ગામમાં પહાડી પર આવેલ નાની ઝૂંપડી જેવી દુકાનો પાસે વિશ્રામ કરવા માટે થોભ્યા. એક આદિવાસીએ પાસે આવેલ સરસ ઝૂંપડીમાં બેઠેલ યુવકનો અમને પરિચય કરાવ્યો. આદિવાસીએ કહ્યું, ‘આ અમારા દાક્તર છે.’ વાતચીત દરમિયાન જણાયું કે તે પશ્ચિમ બંગાળના શાંતિપુરનો યુવક છે. સામાન્ય સુવિધાના અભાવ વચ્ચે આવા દુર્ગમ સ્થાનમાં તેમની સેવાને વંદન કરવાં રહ્યાં. અલબત્ત, તે ડાૅક્ટર ન હોવા છતાં પણ ઘણા બધા પ્રકારના ઉપચાર અને દવાની માહિતી ધરાવતો હતો. તેની સાથે બંગાળીમાં વાતચીત થઈ. તેના દ્વારા આ પહાડી ઉપર અમને દૂધની સ્પેશ્યલ ચા અને ઘણાં બધાં બિસ્કિટ પ્રાપ્ત થયાં.

એક પહાડી પાર કરતા હતા ત્યારે એક વાર બીજી પહાડીના આદિવાસી જોર જોરથી ગર્જન કરી નીચે ઊતરી પરિક્રમાનો મુખ્ય માર્ગ પકડવાનો ઇશારો કરતા હતા. અમારી સાથેના આદિવાસીએ તેમની ભાષામાં ગર્જન કરી તેઓને જાણ કરી, ‘અમે તેમની સાથે જ છીએ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી.’ અને સાચે જ ભૌમાના ગામ પહેલાંનો બે કિ.મી. અતિ કઠિન પહાડ અમારા રસ્તામાં આવ્યો જ નહીં ! હવે મોરવાની ગામ આવવાનું હતું. પહાડી પરથી તેનાં દર્શન થવા લાગ્યાં. ચોસલાં પાડેલાં લીલાંછમ ખેતરો, મોટાં મોટાં વૃક્ષોની હારમાળાઓ, ચારે તરફ સ્વચ્છતા, પ્રદૂષણ વિહીન આબોહવા- જાણે કે વિદેશનું કોઈ ચિત્રાંકિત ગામડું હોય તેવું લાગ્યું. આ ગામમાં કાવસિંહનું સાસરું હતું. જમાઈની સાથે અમારી પણ આગતા-સ્વાગતા થઈ ગઈ. આદિવાસીઓનાં તીર-કામઠાં વગેરે હથિયારો બતાવ્યાં. ભૌમાના ગામ આવતાં સાંજ પડી ગઈ હતી. આજની યાત્રા દુર્ગમ અને કઠિન હોવા છતાં ખૂબ જ આનંદદાયક અને આહ્લાદદાયક રહી.

સંન્યાસીએ આજની યાત્રાની સમીક્ષા કરી. સાત-આઠ વાર ઝરકન નદીનાં દર્શન, પ્રકૃતિનો સહકાર, છાયાની જેમ ત્રણેય આદિવાસી ભાઈઓનો સાંજ સુધી સતત સાથ, ક્ષુધાનું કોઈ ચિહ્ન નહિ, અતિ દુર્ગમ બે કિલોમીટર ઊંચા ભૌમાના ગામના પહાડનું ગાયબ થવું, સૌથી વિશેષ તો અત્યાર સુધીની પરિક્રમામાં સૌથી પાછળ ચાલતા સંન્યાસીનું આજે હરણાની જેમ સૌથી આગળ ચાલતા રહેવું- અંતર્મનના પ્રકાશમાં સ્પષ્ટ અનુભૂતિ થઈ કે આ માર્ગ સંન્યાસીએ પાર કર્યો નથી, કરુણામયી બાળસ્વરૂપા સ્વયં શ્રીશ્રીમા નર્મદામૈયાએ જ શરીરરૂપી માળખામાં વિરાજિત થઈને આ દુર્ગમ માર્ગ પાર કરાવ્યો!

Total Views: 359

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.